એટલે જ લોકો કહે છે, દેશ હોય તો સિંગાપોર જેવો

    • લેેખક, ટિમ મૅકડોનલ્ડ
    • પદ, બીબીસી કેપિટલ

ઉત્તર સિંગાપોરના ખાતિબ પ્રાંતમાં લગભગ 200 સ્વયંસેવકો એક હાઉસિંગ એસ્ટેટમાં કચરો શોધી રહ્યા હતા. તેમાં બાળકો સહિત કેટલાક પરિવારો અને એક સ્થાનિક દવાખાનાની વ્યક્તિ હતી.

'નૉર્થ વેસ્ટ બ્રિસ્ક વૉકિંગ ક્લબ'ના કેટલાક સભ્યો પણ ત્યાં હતા, જેમણે એક સરખાં ટી-શર્ટ્સ પહેરેલાં હતાં. તેમાં કેટલાક વડીલો પણ હતા.

કેટલાક લોકોએ આસપાસની ઝાડીઓમાંથી સિગારેટનાં ઠૂંઠા શોધ્યાં તો કેટલાકે ટેબલ છોડી દેવાયેલાં ટિસ્યૂ પેપર ઉઠાવ્યાં.

ઇમાનદારીથી કહીએ તો તેને સ્વચ્છતા દિવસ કહેવો જ યોગ્ય નહોતું લાગતું કેમ કે બધું અગાઉથી જ સાફ હતું. કોઈ પણ સ્વયંસેવકનો કોથળો ભરાયો નહોતો.

તમે આ વાંચ્યું કે નહીં?

સિંગાપોરમાં અપેક્ષા પણ આવી રાખવામાં આવે છે. આ દેશમાં સાફ-સફાઈ બાબતે લાંબા સમયથી લોકોમાં જોશ જોવા મળે છે.

ઑક્ટોબર 2018માં સિંગાપોરે એક નવો પડાવ પાર કર્યો. તેના સ્થાપક અને પહેલા વડાપ્રધાન લી કુઆન યૂએ 50 વર્ષ પહેલાં આ જ મહિનામાં 'કીપ સિંગાપોર ક્લિન' કૅમ્પેન શરૂ કર્યું હતું.

સિંગાપોરમાં સફાઈ અભિયાન તો પહેલાંથી ચાલતું જ હતું પરંતુ લીનું કૅમ્પેન જરા અલગ હતું.

તેમાં પહેલી વખત સિંગાપોર સરકારે સામાજિક નિયંત્રણ સ્વરૂપે દંડનો પ્રયોગ કર્યો હતો.

શરૂઆતમાં સિંગાપોરની આર્થિક પ્રગતિમાં કૅમ્પેનને અવરોધરૂપ માનવામાં આવતું.

જોકે, આજે સિંગાપોર સ્વચ્છ છે પણ એનાં કારણો તમે કદાચ વિચારતા હશો એવાં નથી.

સ્વચ્છ સિંગાપોર

જો તમે સિંગાપોરમાં કચરો ભરેલી ટ્રક પાછળ પાછળ ચાલો તો તમને અંદાજ આવશે કે કેમ આ શહેરને સતત સાફ રાખવામાં આવે છે.

કચરાની ગાડીની દુર્ગંધ તમને આંચકો આપી શકે છે.

ઠંડા હવામાનવાળા શહેરમાં ઘરની બહાર ફેંકેલો કચરો ઉપાડવામાં થોડો સમય લાગી જાય તો કદાચ ચાલે.

પરંતુ ગરમ, ભેજવાળા અને ઉષ્ણકટિબંધવાળા પ્રદેશોમાં તરત જ સફાઈ કરવી પડે છે.

ઘરેલું કે વ્યવસાયિક કચરો જમા થાય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે.

પબ્લિક હાઇજિન કાઉન્સિલના ચૅરમૅન એડવર્ડ ડિસિલ્વા જણાવે છે, "અન્ય દેશોની માફક અહીં પણ કચરાના ઢગ થાય તો ઉંદર, માખી અને વંદા પેદા થઈ શકે છે.”

“એ બધા જ બૅક્ટેરિયાં અને રોગના જીવાણુંના વાહક છે. મચ્છરોનો ખતરો તેમાં સૌથી મોટો છે.”

“સિંગાપોરમાં મલેરિયા થતો નથી પરંતુ ખરાબ વર્ષમાં ડેંગ્યૂના લગભગ દસેક હજાર કેસ થાય છે."

ગંદકીથી સફાઈ તરફ

લી કુઆન યૂએ જ્યારે ક્લિન પૉલિસી જાહેર કરી ત્યારે તેનાં લક્ષ્ય ઘણાં ઊંચાં હતાં.

સ્વાસ્થ્યને લગતા કાયદામાં ફેરફાર, ફૂટપાથના દુકાનદારોનું હૉકર સેન્ટર્સમાં સ્થળાંતરણ, ગટર યોજનાનો વિકાસ અને બીમારીઓ પર નિયંત્રણ કરવાના ઉપાયો નીતિઓમાં આવરી લેવાયા.

આ જ સમયે લોકોએ કૈમ્પૉન્ગ (લાકડાની ઝૂંપડીવાળા મલય-શૈલીનાં ગામ)માંથી નીકળીને સારી પ્રાથમિક સુવિધાઓવાળી હાઉસિંગ એસ્ટેટમાં રહેવાનું શરૂ કરેલું.

1968માં લીએ કહ્યું, "આપણે નિર્માણ કર્યું, પ્રગતિ કરી છે પરંતુ દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી સ્વચ્છ અને સૌથી હરિયાળા શહેર તરીકે સ્થાન પામવા સિવાય સફળતાનો બીજો કોઈ માપદંડ હોઈ જ ન શકે."

જાહેરખબરો ઉપરાંત સાર્વજનિક શિક્ષણનું આયોજન કરવામાં આવતું.

સ્વાસ્થ્ય અધિકારીઓનાં વ્યાખ્યાનો યોજાતાં અને સરકાર સ્થળ પર જઈને તેની તપાસ કરતી હતી.

સૌથી સ્વચ્છ અને સૌથી ગંદી ઓફિસ, દુકાનો, ફેક્ટરીઓ, સરકારી કાર્યાલયો, શાળાઓ અને સાર્વજનિક વાહનોની ઓળખ કરવાની સ્પર્ધાઓ પણ યોજાતી.

આ કૅમ્પેન બાદ અન્ય કેટલાંક કૅમ્પેન પણ શરૂ કરવામાં આવ્યાં.

1970 અને 1980ના દાયકામાં લોકો પાસે ટૉઈલેટ, ફેક્ટરીઓ અને બસ સ્ટેશન સાફ રાખવાનો આગ્રહ કરવામાં આવતો.

1976માં 'યુઝ યોર હેન્ડ્ઝ' કૅમ્પેન ચલાવવામાં આવ્યુ.

આ કૅમ્પેનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્ય અને સરકારી કર્મચારીઓ મળીને રજાને દિવસે સ્કૂલની સફાઈ કરતા હતા.

વૃક્ષારોપણ અંગે પણ કેટલીક પહેલ કરવામાં આવી હતી. લીનો હેતુ શહેરને માત્ર ખુશનુમા બનાવવાનો નહોતો.

તેઓ કહેતા કે સ્વચ્છ શહેર મજબૂત અર્થવ્યવસ્થાનું સર્જન કરશે. લીએ કહ્યુ હતું કે આ માપદંડો મનોબળ મજબૂત કરશે.

તેમણે કહ્યું, “બીમારીઓને નિયંત્રણમાં રાખશે અને આ રીતે ઉદ્યોગો અને પ્રવાસનમાં ઉચ્ચ આર્થિક વિકાસ માટે જરૂરી સામાજિક માહોલ તૈયાર થશે.”

“જે લોકો માટે જ સારું રહેશે અને અંતે તેનાથી દરેકને ફાયદો થશે."

આ દરેક કસોટીમાં સિંગાપોર ખરું ઊતર્યું છે. લોકોની સરેરાશ ઉંમર 66 વર્ષથી વધીને 83 વર્ષ થઈ છે, જે દુનિયામાં સૌથી વધુ છે.

1967માં અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા બે લાખથી સહેજ વધુ હતી, જે 2018ના શરૂઆતના ત્રણ મહિનામાં એક કરોડથી નજીક પહોંચી ગઈ છે.

સીધું વિદેશી રોકાણ 1970માં 9.30 કરોડ અમેરિકન ડૉલર હતું, જે વધીને 2010માં 39 અરબ અમેરિકન ડૉલર સુધી પહોંચ્યું છે.

2017માં સિંગાપોરમાં 66 અરબ ડૉલરનું સીધું વિદેશી રોકાણ થયું, જે દુનિયામાં પાંચમાં નંબરે છે.

એવો દાવો તો કોઈ ન કરી શકે કે આ બધું એક અભિયાનના પરિણામે થયું છે પરંતુ તેનાથી થયેલા આરોગ્ય લાભો જોઈ શકાય છે.

પ્રવાસીઓ સ્વસ્છ સ્થળે ફરી આવવાનું પસંદ કરે છે. સ્વચ્છ ગલીઓ વિદેશી અધિકારીઓને પણ એવો વિશ્વાસ અપાવે છે કે આ દેશ નિયમોનું પાલન કરાવવામાં સક્ષમ છે.

સરકારના બજેટમાં સ્વચ્છતા અભિયાન માટે મોટી રકમ ફાળવવામાં નથી આવતી.

જેમકે, 2010થી 2014ની વચ્ચે સિંગાપોરની રાષ્ટ્રિય પર્યાવરણ એજન્સીએ ગંદકી વિરોધી અભિયાનો પર સરેરાશ 30 લાખ ડૉલર પ્રતિ વર્ષ ખર્ચ કર્યો હતો.

ઉમદા શહેર

સિંગાપોરમાં ડિસ્કાઉન્ટવાળી દુકાનોમાં ટી-શર્ટ્સ ટીંગાતાં હોય છે, જેના પર લખ્યું હોય છે, 'સિંગાપોર એક ઉમદા શહેર'.

સિંગાપોરમાં કઈ બાબતો માટે દંડ ભરવો પડે છે તે પણ એમાં લખેલું હોય છે.

અહીં એક જૂની રમૂજ છે કે સિંગાપોરના લોકો હસવા કરતાં આંખો ફેરવવી વધારે પસંદ કરે છે.

સિંગાપોરને અનિચ્છનીય બાબતો પર પ્રતિબંધ મૂકવાની આદત છે અને દરેક પ્રતિબંધને દંડ સાથે જોડવામાં આવે છે.

1968ના કીપ સિંગાપોર ક્લિન કૅમ્પેનમાં પહેલીવાર નાગરિકોના વર્તનને બદલવા માટે દંડનો સહારો લેવામાં આવ્યો.

હવે લોકોએ તેને ખુશીખુશી અપનાવી લીધું છે. અધિકારીઓ ગંદકી ફેલાવવા બદલ દર વર્ષે હજારોનો દંડ વસૂલે છે.

સૌથી ઓછો દંડ 300 સિંગાપોર ડૉલર(લગભગ 217 અમેરિકન ડૉલર) છે.

સિંગાપોરને ડાઘરહિત બનાવવાના પ્રયત્નો લી કુઆન યૂના સમયથી શરૂ થયા.

એ વ્યક્તિગત રીતે રસ લેતા. જો કંઈ જ ખોટું દેખાય તો તેઓ મંત્રીઓ અને અધિકારીઓને નોંધ મોકલતા.

લી માનતા કે નાની વાતો પણ અગત્યની છે અને મામૂલી ભૂલોને પણ અવગણીશું તો તંત્ર સ્થિતિ પર નિયંત્રણ ગુમાવી દેશે, લોકો તેનો ગેરફાયદો ઊઠાવશે.

સિંગાપોરના કાયદા વિદેશીઓને વધુ કડક લાગે છે. જેમ કે સિંગાપોરે ચ્યૂઇંગ ગમની આયાત પર પ્રતિબંધ મૂકી દીધેલો.

જોકે, ચ્યૂઇંગ ગમ રાખવી પ્રતિબંધિત નથી. ડૂરીયન (તીખી ગંધવાળુ ઉષ્ણકટિબંધનું ફળ) લઈને ટ્રેનમાં મુસાફરી કરવા અને પબ્લિક ટૉઈલેટમાં ફ્લશ ન કરવા બદલ પણ દંડ કરવામાં આવે છે.

જોકે, હવે મોટા ભાગના પબ્લિક ટૉઈલેટ્સ ઑટોફ્લશ છે. સિંગાપોરમાં થૂંકવા પર અને મંજૂરી વિના વાઈ-ફાઈનો ઉપયોગ કરવા માટે પણ દંડ ફટકારવામાં આવે છે.

2009માં એક ડ્રાઇવરને પર પોતાના જ ઘરમાં બધા લોકો સામે કપડાં કાઢવા બદલ દંડ ફટકારવામાં આવેલો.

ઈ-સિગારેટ પર તો પહેલાથી જ દંડ વસુલાય છે. સિંગાપોર નાગરિક અને રાજકીય અધિકારો બાબતે પશ્ચિમના દેશોથી અલગ છે.

ત્યાં દંડ કઠોર છે, ડ્ર્ગ્સ સંબંધિત અપરાધો માટે તો મૃત્યુદંડ પણ થઈ શકે છે.

નાના અપરાધો ઘટાડવા માટે દંડ લાગુ કરનાર સિંગાપોર કદાચ પહેલો દેશ હશે.

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ગયા નાણાકીય વર્ષમાં પાર્કિંગના દંડરૂપે 17.2 કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલર (12.1 કરોડ અમેરિકન ડૉલર) વસૂલવામાં આવ્યા હતા.

સિંગાપોરમાં પાર્કીંગ સમસ્યા ઓછી છે કારણ કે ત્યાં કારની ખરીદી પર નિયંત્રણ રાખી શકાય તેવી નીતિઓ ઘડવામાં આવી છે.

વ્યાપક રીતે જોઈએ તો પશ્ચિમથી સામ્યતા પણ છે. જર્યોજ કેલિંગ અને જેમ્સ ક્યૂ વિલ્સને 1998માં પ્રખ્યાત નિબંધ 'બ્રૉકન વિંડોઝ' (Broken Windows) લખ્યો હતો.

એમાં એમણે કહ્યું હતું, "તૂટેલી બારીઓ એવો સંકેત આપે છે કે કોઈને પરવા નથી અને એટલે જ બીજી કેટલીક બારીઓને તોડી નાંખવાથી કોઈ નુકસાન નહીં થાય.”

ઉપાય એ દર્શાવવામાં આવ્યો હતો કે નાના અપરાધ વકરીને મોટી સમસ્યા બની જાય તે અગાઉ તેનો આક્રમક નિવેડો લાવવો જોઈએ.

ન્યૂ યૉકના પૂર્વ મેયર રૂડી ગુલિયાની આ જ પદ્ધતિથી અપરાધ પર નિયંત્રણ લાવ્યા હતા. સિંગાપોર આ પદ્ધતિ પરિચિત લાગે છે.

દંડ કેટલો અસરકારક?

રાષ્ટ્રિય પર્યાવરણ એજન્સીના અધ્યક્ષ લિયાક તેંગ લિતના જણાવ્યા અનુસાર આ નીતિ સફળ થઈ છે.

જનજાગૃતિ અભિયાન સાથે દંડાત્મક ઉપાયો અપનાવવાથી પરિવર્તન આવ્યું.

લોકો પોતાની ગંદકી જાતે જ સાફ કરવા લાગ્યા. શહેર સ્વચ્છ થઈ ગયું.

1961માં સિંગાપોરમાં બ્રૂમ બ્રિગેડ (ઝાડુ મારનારી ટૂકડી)માં 7000 દૈનિક મજૂરો હતા.

તેમને સીધા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા. 1989 સુધીમાં તેમની સંખ્યા માત્ર 2100 રહી હતી.

આજે ચિત્ર બદલાઈ ચૂકયું છે. શહેર હવે પહેલાંથી વધુ સંપન્ન છે. ઓછા પગાર વાળા મજૂરો પાસે સફાઈ કરાવવી વધુ સરળ છે.

લિયાક જણાવે છે, "સ્થાનિકો દંડથી ડરે છે એટલે સિંગાપોર સાફ નથી. પરંતુ સફાઈ કાદારોની સેના તેને ચમકતું રાખે છે એટલે તે સ્વચ્છ રહે છે."

લિયાક જણાવે છે, "સિંગાપોર સાફ શહેર નથી, તેને સાફ કરવામાં આવ્યું આવે છે."

રાષ્ટ્રિય પર્યાવરણ એજન્સીમાં 56 હજાર નોંધાયેલા સફાઈકર્મીઓ છે.

હજારો સ્વતંત્ર સફાઈકર્મીઓ છે પણ જે નોંધાયેલા નથી. તેમાં મોટા ભાગના ઓછી મજૂરી મેળવતા વિદેશી મજૂરો અથવા વડીલો છે.

આની સરખામણીમાં તાઇપેઇમાં લગભગ 5000 સફાઈકર્મીઓ છે.

સફાઈકર્મીઓની આ સેના સિંગાપોરની સંસ્કૃતિને જે રીતે બદલી રહી છે, તેનાથી એડવર્ડ ડિસિલ્વા નિઃરાશ પણ છે.

આટલી મોટી સંખ્યામાં સફાઈકર્મીઓને જોઈને સિંગાપોરને પ્રજાને હવે લાગે છે કે સફાઈ એ બીજા કોઈનું કામ છે.

આજે સિંગાપોરમાં લોકો જમ્યા પછી પોતાની થાળી ટેબલ પર જ છોડી દે છે કેમકે તેઓ આને ગંદકી ફેલાવવું નથી સમજતા પણ સફાઈકર્મીઓનું કામ સમજે છે.

ડિસિલ્વા જણાવે છે, વિદ્યાર્થીઓ પોતાનો કચરો નથી ઊઠાવતાં કારણ કે ત્યાં કામ કરવા માટે એક સફાઈકર્મી હંમેશાં હાજર રહે છે.

પબ્લિક હાઇજીન કાઉન્સિલ આ સમસ્યાને સ્થાનિક શાળાઓના સ્તરથી સુધારવાના પ્રયત્નો કરે છે.

ડિસિલ્વાની ચિંતાથી લિયાક પણ સહમત છે. તેઓ જણાવે છે કે સરકાર તમારા અપાર્ટમેન્ટને સાફ કરે છે.

તેઓ કહે છે, "તમારા કૉરીડોરની પણ દિવસમાં બે વખત સફાઈ કરે છે."

"હવે જો સફાઈ સેવા આટલી સારી હોય અને તમારા પડોશી ગંદકી કરે તે છતાં લોકો પડોશીને દોષ નથી આપતા, સફાઈકર્મીને દોષ આપે છે."

વર્તનમાં પરિવર્તન

જાપાન, ઑસ્ટ્રેલિયા અને બ્રિટનમાં સફાઈકર્મીઓ આટલા ઓછા વેતનમાં નથી મળતા.

સિંગાપોરમાં લગભગ 10 લાખ વિદેશી મજૂરો છે. તેમની સાથે સ્થાનિક વૃદ્ધ મજૂરો પણ છે.

તેમાંથી જ સફાઈ કામદારોની પસંદગી કરવામાં આવે છે. જેમ જેમ વસતી વધી રહી છે અને શ્રમ મોંઘો થઈ રહ્યો છે તેમ તેમ સફાઈકર્મીઓનું વેતન પણ વધી રહ્યું છે.

ડિસિલ્વા કહે છે કે સિંગાપોરને સ્વચ્છ રાખવાનો નિર્ણય ખરેખર આર્થિક નિર્ણય હતો. સાર્વજનિક જગ્યાઓને સાફ રાખવી મોંઘી છે.

અન્ય જરૂરી કામ માટેના પૈસા એની પાછળ જ વેડફાઈ જાય છે. સિંગાપોરે પોતાનું વર્તન બદલવું પડશે.

સાર્વજનિક જગ્યાઓની સફાઈ પાછળ સિંગાપોર દર વર્ષે ઓછામાં ઓછા 12 કરોડ સિંગાપોર ડૉલર ખર્ચ કરે છે.

ડિસિલ્વા કહે છે, "લોકો ગમે ત્યાં પોતોનો કચરો ન ફેંકે એવી ટેવ પાડવામાં જો તમે સફળ થઈ જાવ તો જે ખર્ચ સફાઈકર્મીઓ પર કરો છો તેમાંથી લાખો ડૉલર સ્વાસ્થ્ય અને શિક્ષણને સુધારવા પાછળ રોકી શકાય છે."

સફાઈ અભિયાન

લી બી એક સ્થાનિક સાંસદ છે, જે લી સૂનનું પ્રતિનિધિત્વ કરે છે.

ખાતિબમાં સફાઈ દિવસની ઉજવણી વખતે તેઓ હાજર હતાં. તેઓ દર મહિને એક વખત કોઈ સફાઈ અભિયાનમાં ભાગ લે છે. તેમનામાં સફાઈ માટેનું એક ઝનૂન છે.

તેઓ લોકોને પોતાનો કચરો પોતે જ ઉપાડવાની પ્રેરણા આપવાની સાથે અન્ય કોઈએ ફેંકેલા કચરા વિશે જવાબદાર અધિકારીઓને જાણ કરવાનું પણ કહે છે.

લીના મતે નાગરિકો માટે શિક્ષણ પણ દંડ જેટલું જ અગત્યનું છે. ખરેખર તો દંડ કરવો મુશ્કેલ છે.

કારણ કે દંડ કરવા માટે એક જવાબદાર અધિકારી અને આ ગુનાના સાક્ષી હોય તેવા કમસેકમ એક નાગરિકની જરૂર પડે છે.

લી જણાવે છે કે તેમને અભિયાનમા જોડાવા કહેવું એ દંડથી સારો વિકલ્પ છે.

લીના વિસ્તારમાં વર્ષમાં એક વખત સફાઈકર્મી રાહત દિવસ હોય છે.

એ દિવસે દરેક સફાઈકર્મી પોતાના ઝાડુ એક બાજુ મૂકી દે છે અને સ્થાનિકો સફાઈ કરે છે.

લીના મતે કઈ રીતે સમાજ સારી દીશામાં બદલાય છે તેનું આ એક ઉદાહરણ છે.

2013માં જ્યારે પહેલી વખત આ દિવસ ઊજવાયો ત્યારે વૉલન્ટિયર્સને 1430 કિલો કચરો મળેલો, જ્યારે આ વર્ષે માત્ર 292 કિલો કચરો જ મળ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો