You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેમની હત્યા થઈ તે પત્રકાર ખાશોગીનો પરિવાર વિશ્વભરમાં આટલો પ્રભાવશાળી છે
- લેેખક, સકલૈન ઇમામ
- પદ, સંવાદદાતા બીબીસી ઉર્દૂ
સાઉદી અરેબિયાના હથિયારોના સોદાગર અદનાન ખાશોગીનું નામ લોકો માટે સહેજ પણ નવું નથી. ખાશોગી પરિવાર પોતાની ઇમારતો, ઉચ્ચ શિક્ષણ, અને કૌશલ્યના લીધે પાછલા કેટલાક દાયકાથી ફક્ત સાઉદી અરેબિયામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્વિમના દેશોમાં જાણીતો થયો છે.
રાજકારણથી લઈને વિશ્વની અત્યાધુનિક ફિલ્મો સુધી અને સાહિત્યથી લઈને પત્રકારત્વ સુધીના વિવિધ ક્ષેત્રો સાથે ખાશોગી પરિવારની કોઈને કોઈ વ્યક્તિ જોડાયેલી છે.
લેડી ડાયના સાથેની મિત્રતાના કારણે જાણીતા થયેલા ડોડી અલફયાદ અને લંડનના મોઘાદાટ શૉપિંગ સેન્ટર હેરડ્સનાં માલિકના માતા પણ ખાશોગી પરિવારના સભ્ય હતાં.
જમાલ ખાશોગીના ફઈ અને અદનાન ખાશોગીનાં બહેન સમીરા ખાશોગીનાં લગ્ન ઇજિપ્તના જાણીતા વ્યવસાયી મીન મોહમ્મદ અલફયાદ સાથે થયાં હતાં.
સમીરા લેડી ડાયનાના મિત્ર અલફયાદનાં માતાં હતાં.
આમ જમાલ ખાશોગી ડોડી અલફયાદના નજીકના સંબંધી થાય છે. સમીરા ખાશોગી પ્રગતિશીલ લેખિકા અને એક પત્રિકાનાં સંપાદક પણ હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇસ્તંબુલમાં સાઉદી અરેબિયાના વાણિજ્ય દૂતાવાસામાં કથિત રીતે મૃત્યુ પામેલા ખાશોગીનો જન્મ વર્ષ 1956માં મદીનામાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, તેમનો પરિવાર મૂળભૂત રીતે તુર્કીનો વતની છે. બે પેઢી પહેલાં તેમનો પરિવાર નવી તકની શોધમાં સાઉદી અરેબિયામાં સ્થાયી થયો હતો.
જ્યારે ખાશોગી પરિવાર સાઉદી અરેબિયામાં આવ્યો ત્યારે સાઉદી અરેબિયા તેલની આવકના કારણે ખાસ વિકસ્યું નહોતું.
ખાશોગીના દાદા શાહી ડૉક્ટર હતા
જમાલ ખાશોગીના દાદા મોહમ્મદ ખાશોગી સાઉદી અરેબિયાના પ્રથમ સુલતાન અઝીઝ બિન અબ્દુલ રહમાન અલ સઉદના શાહી ડૉકટર હતા.
જમાલ ખાશોગી સાઉદી અરેબિયાના અબજપતિ વેપારી અદનાન ખાશોગીના ભત્રીજા છે. અદનાનની કુલ સંપતિ 40 અબજ ડૉલર જેટલી હોવાનો અંદાજ છે.
મોહમ્મદ ખાશોગીએ સાઉદી અરેબિયાને પોતાનું વતન બનાવ્યુ હતું પરંતુ તમામ અરબી દેશોમાં તેમની આવનજાવન રહેતી હતી.
તેમનાં બાળકોનો જન્મ અરબી દેશોના જુદા જુદા શહેરોમાં થયો હતો.
અદનાન ખાશોગીનો જન્મ મક્કામાં થયો હતો જ્યારે તેમનાં એક બહેન સહૈર ખાશોગીનો જન્મ કાહિરામાં થયો હતો. તેમનાં અન્ય એક બહેનનો જન્મ લેબેનોનમાં થયો હતો.
ખાશોગી પરિવારના તમામ લોકો ખૂબ જ ભણેલાં-ગણેલાં છે.
આ પરિવારની લગભગ પ્રત્યેક વ્યક્તિએ પશ્વિમના દેશોની જાણીતી શિક્ષણ સંસ્થાઓમાંથી ઉચ્ચ અભ્યાસ કરી ડિગ્રીઓ મેળવી છે.
આ પરિવાર શિક્ષણ માટે દીકરા અને દીકરીઓ વચ્ચે અંતર રાખતો નથી.
આ પરિવારની દીકરીઓએ પણ પશ્વિમી દેશોમાંથી શિક્ષણ મેળવ્યું છે.
જમાલ ખાશોગીના એક પિતરાઈ અને અદનાન ખાશોગીનાં દીકરી નબીલા વર્તમાન સમયમાં અમેરિકાનાં સફળ મહિલા વ્યવસાયી છે.
તેઓ અભિનેત્રી પણ હતાં. નબીલા અમેરિકામાં કલ્યાણકારી કામોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
નબીલાએ જેમ્સ બૉન્ડ ફિલ્મની સિરીઝ 'નેવર સે નેવર અગેન'માં સહયોગી અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.
પરિવર્તનનો પ્રયાસ કરતો ખાશોગી પરિવાર
ખાશોગી પરિવારના વધુ એક સભ્ય અને જમાલ ખાશોગીના પિતરાઈ ઇમાદ ખાશોગી ફ્રાન્સના જાણીતા વ્યવસાયી છે.
તેમણે ફ્રાન્સમાં જમીનના વ્યવસાયમાં કાઠું કાઢ્યું છે.
જમાલના ફોઈ સુહૈર ખાશોગી, જે હવે અમેરિકામાં રહે છે તે જાણીતાં નવલકથાકાર છે.
તેમની અંગ્રેજી નવલકથા 'મીરાસ' વર્ષ 1996માં પ્રકાશિત થઈ હતી.
આ નવલકથાએ સાઉદી અરેબિયાના શાહી જીવન અને શાનશૌકત પાછળની અસલ જિંદગી પરથી પડદો ઊંચક્યો હતો.
સુહૈરે આ નવલકથા દ્વારા આજની સાઉદી મહિલાઓને વ્યક્તિગત સ્વતંત્રતા માટે વેઠવી પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી હતી.
કદાચ આ જ કારણોસર જમાલ ખાશોગીના મંતવ્યોમાં મહિલાઓના હક્કની વાતો વધારે જોવા મળતી હતી.
ખાશોગી પરિવારે વ્યવસાય ઉપરાંત શિક્ષણ, મીડિયા, અને બૌદ્ધીક જગતમાં પણ કાઠું કાઢ્યું હતું.
જેના લીધે ખાશોગી પરિવાર સાઉદી રાજનીતિ અને કબાયલી સમાજમાં પરિવર્તનના માઇલસ્ટોન તરીકે ઊભરી આવ્યો હતો.
વિશ્લેષકોના મંતવ્ય મુજબ, ખાશોગી પરિવારની જેમ વિદેશથી શિક્ષણ મેળવનારા અન્ય શિક્ષિત યુવાનો પણ સાઉદી અરેબિયામાં પોતાના પ્રતિનિધિત્વનો હિસ્સો માગી રહ્યા છે.
આ એવો યુવા વર્ગ છે જે સાઉદી અરેબિયામાં રૂઢિચુસ્ત, ધાર્મિક અને કબાયલી સમાજને આધુનિક વિશ્વના સિદ્ધાંતો સમકક્ષ લાવવા માગે છે.
સાઉદી અરેબિયાના વર્તમાન યુવરાજ મોહમ્મદ બિન સલમાને આ વર્ગને સંતુષ્ટ કરવા માટે અનેક સુધારા કર્યા છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કામીગીરીની શરૂઆત કરી છે.
જોકે, જમાલ ખાશોગીનું લાપતા થવું અને મૃત્યુના સમાચાર બાદ આ તમામ સુધારાઓને રૂઢિચુસ્ત, ધાર્મિક અને કબાયલી સમાજ સાથેના સમાધાન તરીકે જોવામાં આવી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો