You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયાના યુવરાજે શા માટે કહ્યું કે હું ગાંધીજી નથી
એમબીએસ નામે પણ ઓળખાતા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ એટલે કે યુવરાજ મોહમ્મદ બિન સલમાને જણાવ્યું છે કે શાહી જીવનશૈલી અને ખુદ માટે ભરપૂર નાણાં ખર્ચવા બદલ માફી નહીં માગે.
અમેરિકાની મુલાકાતે જતાં પહેલાં સીબીએસ ચેનલને આપેલી એક મુલાકાતમાં યુવરાજે જણાવ્યું હતું કે વ્યક્તિગત ખર્ચ તેમની અંગત બાબત છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 માર્ચે એટલે કે આજે વાઈટ હાઉસમાં એમબીએસની મહેમાનગતિ કરવાના છે.
સાઉદી અરેબિયાના રાજા સલમાનના 32 વર્ષના દીકરા એમબીએસએ 2017ના જુન પછી સત્તા પર ઝડપભેર નિયંત્રણ મેળવ્યું છે.
તેમણે તેમના પિતરાઈ ભાઈને હટાવીને ખુદને યુવરાજ બનાવ્યા હતા.
સત્તા સંભાળ્યા બાદ એમબીએસે તેમના દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે.
એ ઝુંબેશ હેઠળ મોટા બિઝનેસમેન, શાહી પરિવારો અને સરકારી અધિકારીઓની 100 અબજ ડોલરની સંપત્તિને પોતાના કબજામાં લઈ લીધી છે.
એ લોકો સામે આકરાં પગલાં લેવાનો આદેશ પણ એમબીએસે આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંગત ખર્ચ માટે સવાલ
જોકે, આ સંબંધે એમબીએસ પોતે પણ સવાલોથી ઘેરાયેલા છે.
ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર, યુવરાજ એમબીએસે તાજેતરમાં જ 3200 કરોડ રૂપિયાની યોટ, 2,936 કરોડ રૂપિયાનું દ વિંચીનું પેન્ટિંગ અને 1,957 કરોડ રૂપિયામાં ફ્રાન્સમાં મહેલ ખરીદ્યો હતો.
આ વિશે એમબીએસે કહ્યું હતું, "આ મારું વ્યક્તિગત જીવન છે. એ બધું મને પસંદ છે. હું આવી વાતોને ધ્યાનમાં લેવા ઇચ્છતો નથી."
"કોઈ અખબાર આ બાબતો સામે આંગળી ચીંધવા ઈચ્છતું હોય તો એ અખબારની મરજી છે."
એમબીએસે ઉમેર્યું હતું, "મારા વ્યક્તિગત ખર્ચની વાત કરું તો હું અમીર વ્યક્તિ છું, ગરીબ નથી."
"હું મહાત્મા ગાંધી કે નેલ્સન મંડેલા નથી. હું સેંકડો વર્ષોથી શાસન કરતા પરિવારનો સભ્ય છું."
યુવરાજ એમબીએસના જણાવ્યા અનુસાર, તેઓ ખુદ માટે જે પારાવાર ખર્ચ કરે છે એ નાણાં તેમની આવકનો હિસ્સો છે.
તેઓ તેમની આવકનો 51 ટકા હિસ્સો અન્ય લોકો માટે અને 49 ટકા હિસ્સો ખુદ માટે ખર્ચતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
અનેક બાબતોમાં રૂઢિચુસ્ત સાઉદી અરેબિયાને આધુનિક બનાવવાનો પ્રયાસ એમબીએસ કરી રહ્યા છે. આ માટે તેમણે વિઝન-2030 પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
યુવરાજ એમબીએસ ઇચ્છે છે કે પેટ્રોલિયમ પરની સાઉદી અરેબિયાના અર્થતંત્રની નિર્ભરતા ઘટાડવામાં આવે. સાઉદી અરેબિયામાં વિદેશી રોકાણ વધે એટલા માટે વૈવિધ્યને મહત્ત્વ આપવામાં આવે.
યુવરાજ એમબીએસ અનેક પ્રકારના સામાજિક સુધારા પણ કરવા ઇચ્છે છે.
મહિલાઓની થિયેટરમાં સિનેમા જોવાની, સૈન્યમાં સામેલ કરવાની અને કાર ચલાવવાની છૂટ તેઓ આપી ચૂક્યા છે.
જોકે, સાઉદી અરેબિયામાં અત્યારે પણ પુરુષોનું જ વર્ચસ્વ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો