સાઉદી અરેબિયામાં સેનાના બધા ઉચ્ચ અધિકારીઓ બરતરફ

સાઉદી અરેબિયાએ મોડી રાત્રે એક આદેશ જાહેર કરી દેશના તમામ ઉચ્ચ સૈન્ય અધિકારીઓને બરતરફ કરી દીધા છે. તેમાં સેના પ્રમુખ પણ સામેલ છે.

જે અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે તેમાં વાયુ સેના તેમજ થળ સેનાના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય ઘણા નાયબ મંત્રીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ નામોમાં તમાદુર બિંત યુસૂફ અલ રમાહ નામનાં મહિલા નાયબ મંત્રી પણ સામેલ છે.

તમને આ પણ વાંચવું ગમશે

સાઉદી અરેબિયામાં કોઈ મહિલા નાયબ મંત્રી બને તે સામાન્ય બાબત નથી.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે યમનમાં સાઉદીના નેતૃત્વમાં ગઠબંધન સેનાની વિદ્રોહીઓ સાથે લડાઈનાં લગભગ ત્રણ વર્ષ પૂર્ણ થવાના છે.

રિયાદ પર હુમલો કરવાની ધમકી

યમનમાં સાઉદીના હસ્તક્ષેપના કારણે હૂથી વિદ્રોહી દેશના દક્ષિણ ભાગ તરફ વળી ગયા છે. પરંતુ હજુ પણ તેઓ રાજધાની સના અને ઘણા વિસ્તારોમાં મજબૂતીથી કબજો જમાવીને બેઠા છે.

લગભગ ત્રણ વર્ષોથી લડી રહેલી સાઉદી સેનાની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર વધારાના બોજ તરીકે પડી છે.

સાથે જ હૂથી વિદ્રોહીઓએ દેશની રાજધાની રિયાદ પર મિસાઇલ હુમલો કરવાની ધમકી આપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો