પાકિસ્તાન માટે ચીનની મદદ દવા નહીં દર્દ બની

ઇમેજ સ્રોત, Getty Images
આર્થિક ક્ષેત્રે સમસ્યાગ્રસ્ત પાકિસ્તાન વધુ એક વખત ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ)ના શરણે ગયું છે. પરંતુ ત્યાંથી રાહત મેળવવી મુશ્કેલ હશે. અગાઉથી જ અમેરિકાની નજર પાકિસ્તાન પર છે.
અમેરિકાનું કહેવું છે કે પહેલાંથી જ ચીનના દેવા હેઠળ પાકિસ્તાન દબાયેલું છે. આથી, તેની સમીક્ષા કરવી જરૂરી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીદર નૌર્ટે શુક્રવારે કહ્યું હતું કે આઈએમએફ પાસેથી લૉન મેળવતા પહેલાં તેના અન્ય દેવાની સમીક્ષા કરવામાં આવશે.
અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પાકિસ્તાનને વધુ લૉન આપવા અંગે આઈએમએફને ચેતવી ચૂક્યા છે.
અમેરિકાના કડક વલણની સામે પાકિસ્તાને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. સાથે જ સીપીઈસી (ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કૉરિડૉર)ના દેવા અંગે હિસાબ આપવાની તૈયારી દાખવી છે.

અમેરિકાનું કડક વલણ

ઇમેજ સ્રોત, AFP
ઇન્ડોનેશિયામાં વર્લ્ડ બૅન્ક તથા આઈએમએફની વાર્ષિક બેઠકમાંથી પરત ફરેલા પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે કહ્યું હતું કે કોઈને લૉન મળે કે નહીં, તે માટે અમેરિકા પાસે 'વીટો પાવર' નથી.
આઈએમએફમાં પાકિસ્તાન સૌથી વધુ પ્રદાન આપે છે અને તેમની પાસે 17.68 ટકા વોટ છે. આથી, અમેરિકાને નારાજ કરીને લૉન મેળવવી પાકિસ્તાન માટે સરળ નહીં હોય.
મતાધિકારની ટકાવારી મુજબ જાપાન બીજા ક્રમે તથા ચીન ત્રીજા ક્રમે છે. ચીન પાસે 6.49 ટકા વોટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
19મી વખત આઈએમફના શરણે

ઇમેજ સ્રોત, Getty Images
મદદ માટે આઈએમએફના દરવાજા ખખડાવવાના પાકિસ્તાનના નિર્ણયનો બચાવ કરતા ઉમરે કહ્યું કે 'દેશ પાસે કોઈ વિકલ્પ ન હતો.'
અસદ ઉમરના કહેવા પ્રમાણે, પાકિસ્તાનને તત્કાળ 12 અબજ ડૉલરની જરૂર છે, જો આ રકમ નહીં મળે તો પાકિસ્તાનની સ્થિતિ કથળી જશે.
પાકિસ્તાને આર્થિક સંકટમાંથી પાર ઉતરવા માટે આઈએમએફ સિવાયના વિકલ્પો ભણી પણ નજર દોડાવી છે.
અસદ ઉમરે કહ્યું હતું, "આપણે 19મી વખત આઈએમએફની શરણમાં છીએ.
આશા છે કે આ છેલ્લી વખત હશે. સાતમી નવેમ્બરે આઈએમએફની ટીમ પાકિસ્તાન આવશે અને પ્રક્રિયા આગળ વધશે."
ઉમરે કહ્યું હતું કે પાકિસ્તાન એવી કોઈ શરત નહીં સ્વીકારે કે જેના કારણે રાષ્ટ્રહિત જોખમાતું હોય.
પાકિસ્તાનના નાણામંત્રીએ દાવો કર્યો હતો કે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત તથા ચીનની મદદના બદલે કોઈ શરત સ્વીકારવામાં નથી આવી.
ઉમરે ઉમેર્યું હતું કે સાઉદી અરેબિયા પાસેથી ઉધારમાં ક્રૂડ ઑઇલ ખરીદવા માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સાઉદી અરેબિયા દ્વારા કોઈ આશ્વાસન આપવામાં નથી આવ્યું.
ઉમરે કહ્યું હતું કે પાકિસ્તાને ચીન પાસેથી જે કોઈ લૉન લીધી છે, તે અંગે આઈએમએફને માહિતી આપવામાં આવશે, કારણ કે તેમાં છૂપાવવા જેવું કાંઈ નથી.
અગાઉ પાકિસ્તાને આ પ્રકારની કોઈ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
ઉમરે કહ્યું, "ચીન પાસેથી ટૂંકી મુદ્દતની લૉન મળી શકે તેમ છે, જે આગામી ત્રણ વર્ષમાં ચૂકવી દેવાશે. અમે આઈએમએફ પાસેથી 12 અબજ ડૉલરની લૉન માગી છે, પરંતુ એથી ઓછી જ લૉન મળશે."
ઉમરે સ્વીકાર્યું હતું કે આઈએમએફના દરવાજા ખખડાવતા પહેલાં તેમણે ચીન અને સાઉદી અરેબિયા જેવા મિત્રરાષ્ટ્રો સાથે ચર્ચા કરી હતી.
ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ઈમરાન ખાને આઈએમએફ પાસેથી વધુ લૉન નહીં લેવાની વાત કહી હતી. જોકે, પદભાર સંભાળ્યા બાદ તેમને લાગ્યું હતું કે આઈએમએફ સામે હાથ ફેલાવવા સિવાય પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ નથી.
નવાઝ શરીફ સરકારમાં અર્થતંત્ર 13 વર્ષના સર્વોચ્ચ દરે વૃદ્ધિ પામી રહ્યું હતું, પરંતુ દેશમાં રાજકીય અસ્થિરતા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખોરંભે પડી ગઈ છે.

વિદેશી મૂડી રોકાણ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા એ છે કે ત્યાં કોઈ દેશ નવું રોકાણ નથી કરી રહ્યો.
2018ના વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં માત્ર 2.67 અબજ ડૉલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. પાકિસ્તાનની ચાલુ નાણાંખાધ 18 અબજ ડૉલરની છે.
આઈએમએફનું માનવું છે કે આગામી નાણાકીય વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 14 ટકા સુધી પહોંચી શકે તેમ છે. જો વધુ લૉન મળે તો ઈમરાન ખાનની સરકાર કેટલાક પૉપ્યુલિસ્ટ વચનો ઉપર અમલ નહીં કરી શકે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાનના કહેવા પ્રમાણે, અનિશ્ચિતતાની સ્થિતિ વકરી રહી છે અને શેર બજારમાં પણ નાસભાગની સ્થિતિ છે.

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારોના કહેવા પ્રમાણે, સીપીઈસી માટે ચીન પાસેથી કેટલી લૉન લીધી છે એ અંગે પૂર્ણ માહિતી મળશે પછી જ આઈએમએફ દ્વારા વધારાની લૉન આપવામાં આવે છે.
બીજી બાજુ, ચીન સાથે થયેલા કરાર મુજબ પ્રોજેક્ટની શરતો અને કુલ રકમ અંગેની વિગતો જાહેર કરી શકાય તેમ નથી.
પાકિસ્તાન તથા ચીન, બંનેનું કહેવું છે કે સીપીઈસીએ 62 અબજ ડૉલરની યોજના છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષ જૂનો છે.
જે હેઠળ પાકિસ્તાનમાં માર્ગ, પાવર પ્લાન્ટ તથા બંદરોના નિર્માણ માટેના પ્રોજેક્ટ્સ ચીને હાથ ધર્યા છે.
બંનેનું કહેવું છે કે પાકિસ્તાનના વર્તમાન આર્થિક સંકટ અને ચીન વચ્ચે કોઈ સંબંધ નથી.
જોકે, આ પ્રોજેક્ટ્સ માટે પાકિસ્તાને જંગી પ્રમાણમાં મશીનરી તથા કાચો માલ ચીનથી આયાત કરવો પડે છે. એટલે કે પાકિસ્તાન ચીનના પૈસાથી ચીનનો જ માલ ખરીદે છે.

ચીનની દેવાની ડિપ્લૉમસી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાનું કહેવું છે કે ચીન દ્વારા દેવાનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવે છે.
ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં અમેરિકાએ કહ્યુ હતું કે પહેલાં ચીન લૉન આપે છે, પછી એ રકમથી પોતાનો સામાન વેંચે છે અને પોતાના નાગરિકોને રોજગારી આપે છે.
આગળ જતાં દેવું એટલું બધું વધી જાય છે કે યજમાન દેશ પ્રોજેક્ટની માલિકી ગુમાવી દે છે.
આ માટે શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટનું ઉદાહરણ ટાંકવામાં આવે છે.
આ બંદરના નિર્માણ માટે શ્રીલંકાએ ચીન પાસેથી લૉન લીધી હતી, પરંતુ દેવાની રકમ ચૂકવી શક્યું નહીં. અંતે આ પોર્ટ ચીનને સોંપવું પડ્યું હતું. જોકે, ચીન આવા આરોપોને નકારે છે.
બીજી બાજુ, શ્રીલંકા તથા પાકિસ્તાનના ઉદાહરણમાંથી બોધ લઈને મલેશિયાએ ચીનની મહત્ત્વકાંક્ષી પરિયોજના 'વન બેલ્ટ, વન રોડ' હેઠળ આવતા 22 અબજ ડૉલરના એક પ્રોજેક્ટને રદ કરી દીધો છે.
ગયા અઠવાડિયે પાકિસ્તાનનું ફોરેન રિઝર્વ ચાર વર્ષના તળિયે પહોંચી ગયું. હાલમાં પાકિસ્તાન પાસે 8.4 અબજ ડૉલર છે. સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનના કહેવા પ્રમાણે, આ રકમની મદદથી બે મહિના સુધી માંડ આયાત કરી શકાય તેમ છે.
ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ઈમરાન ખાન કહેતા કે તેઓ આત્મહત્યા કરવાનું પસંદ કરશે, પરંતુ નાણાં માટે દુનિયાના કોઈપણ દેશ પાસે હાથ લાંબા નહીં કરે.
ઈમરાન ખાને તેમનો પહેલો વિદેશ પ્રવાસ સાઉદીનો ખેડ્યો હતો અને તેની પાસેથી આર્થિક મદદ માગી હતી.
ગયા મહિને પાકિસ્તાનની સરકારે કહ્યું હતું કે ગત પાંચ વર્ષમાં પાકિસ્તાનનું વિદેશી દેવું 60 અબજ ડૉલરથી વધી ને 95 અબજ ડૉલર પર પહોંચી ગયું છે.

સીપીઈસી પર ભાર

ઇમેજ સ્રોત, Getty Images
એવું કહેવાય છે કે સીપીઈસી દ્વારા પાકિસ્તાને તેના બધાંય સ્રોત માત્ર એક પરિયોજના માટે લગાવી દીધા છે, જેનાં કારણે જોખમ વધી ગયું છે.
એવું કહેવાય છે કે સીપીઈસીને કારણે પાકિસ્તાનમાં વીજ સંકટ નહીં વધે, પરંતુ તેની સાથે અન્ય કેટલીક સમસ્યાઓ પણ રહેલી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ચીનના જ ઉપકરણ ખરીદવા પડે છે.
આને કારણે પાકિસ્તાન પર ચીનનું દેવું વધતું જાય છે. પાકિસ્તાનનું દેવું તેના જીડીપી (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ)ના 70 ટકા સુધી પહોંચી ગયું છે.
અનેક નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાને ચીન પાસેથી જે લૉન લીધી છે, તેમાંથી 66 ટકા કરતાં વધુ રકમની લૉન સાત ટકા જેવા ઊંચા વ્યાજ દરે લીધી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














