પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સામે છે આ પડકાર

ઇમરાન ખાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આશિફ ફારુખી
    • પદ, બીબીસી સંવાદદાતા

શનિવારે ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે જવાબદારી સંભાળી, ત્યારે પાકિસ્તાનની જનતા સારા દિવસોની રાહ જોઈ રહી છે.

નવા પાકિસ્તાનના સમર્થકોમાં તો રોમાંચ છે જ, પરંતુ ઇમરાન ખાનના ટીકાકારો પણ મીટ માંડીને બેઠા છે કે પાકિસ્તાનને બદલવાના નારા લગાવનારાઓ હવે દેશમાં બદલાવ કેવી રીતે લાવશે.

ચૂંટણીનાં અભિયાન દરમ્યાન આક્ષેપો લાગતા રહ્યા અને એવી દલીલ આપવામાં આવી છે કે સભાઓના જલસાનો માહોલ જુદી વાત છે અને સરકારના સદનનો માહોલ જુદી વાત છે.

બદલાયેલા માહોલની એક ઝલક તો 26મી જુલાઈએ આખી દુનિયાએ જોઈ છે.

ત્યારે એક ભાષણમાં ઇમરાન ખાને પોતાની જીતની જાહેરાત કરી. એ જ સફેદ કુર્તો, સલવાર, ગળામાં એજ તહેરિક-એ-ઇન્સાફનો ખેસ અને એ જ રૂમ. જો કોઈ બદલાવ આવ્યો હોય તો એ ઇમરાન ખાનના શબ્દોમાં છે.

તેમનાં ભાષણોને લગભગ તમામ વર્ગોએ સારી નજરે જોયા છે.

તેમના સમર્થકો અને વિરોધીઓ એ વાત પર સહમત છે કે આ બદલાયેલા ઇમરાન ખાન છે, જે પેહલાં ક્યારેય જોવા મળ્યા નથી.

સરકાર બનાવવાની જોડતોડ, જૂના વિરોધીઓને સાથે લેવાની તજવીજ તહરિક-એ-ઇન્સાફએ માત્ર એક જ દિવસમાં કરી લીધી હતી.

line

કેવી રીતે શક્ય બનશે?

સભાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પંજાબની ગૂંચવણભરી સ્થિતિ વિશે મીડિયામાં ઘણી ચર્ચાઓ થતી રહી અને સૌથી મોટી ટીકા એ થઈ કે તહેરિક-એ-ઇન્સાફનું હોમવર્ક પાકું નોહતું.

હવે જ્યારે સરકાર બનાવવાના પડાવ પાર થઈ ગયા છે, ત્યારે સૌની નજર પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફના પ્રારંભિક સો દિવસના પ્લાન પર છે.

જેમાં પીટીઆઈ પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ બદલવા, સંઘીય માળખાને મજબૂત કરવા, સામાજિક સેવાઓ અને વહીવટીતંત્રને મજબૂત બનાવવા, ખેતીના ક્ષેત્રની અછતો દૂર કરવાના, બલૂચિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા અને દક્ષિણ પંજાબને અલગ રાજ્ય બનાવીને સામાન્ય માણસનું જીવન ઉત્તરોતર પ્રગતિકારક બને તેવા વચનો આપ્યા છે.

જો આ વાયદાઓ પૂર્ણ થશે તો પાકિસ્તાન જન્નત નહીં પણ જન્નત જેવું તો બની જ શકશે.

મેં જ્યારે આ સવાલ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફના નેતા ચૌધરી સરવરને પૂછ્યો તો એમનું કહેવું હતું કે પીટીઆઈના સો દિવસના વાયદાઓ મીડિયાએ યોગ્ય રીતે સમજ્યા નથી.

ચૌધરીનું કહેવું હતું કે સો દિવસમાં ઇમરાન ખાન સરકાર અને શાસનની દિશા નક્કી થશે અને તમામ વચનો પૂરા કરતા સમય લાગશે.

તમે આ વાંચ્યું કે નહીં?

વિશ્લેષક સુહૈલ વડાઇચ કહે છે કે કોઈ પણ સરકારના પહેલા સો દિવસ તો હનીમૂનના જ હોય છે અને આ દિવસોમાં જ સરકાર વિશે જનતાનો અભિપ્રાય બંધાય છે.

"હવે જોવાનું એ છે કે શું પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ સો દિવસમાં લોકોમાં સકારાત્મક અથવા સારો અભિપ્રાય પેદા કરી શકશે. શું જનતામાં એ અભિપ્રાય બાંધી શકશે કે સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે."

રાજનીતિક વિશ્લેષક રસૂલ બખ્શ કહે છે કે પીટીઆઈએ જે વાયદાઓની વાત કરી તેનું ઉદાહરણ પાકિસ્તાના ઇતિહાસમાં ક્યાંય મળતું નથી.

મોટાભાગે પાર્ટીઓ ફક્ત મંત્રાલયોની વહેચણીની તૈયારી કરે છે સાશનની નહીં.

તેઓ કહે છે "પીટીઆઈએ અગાઉથી જ દેશના મુદ્દાઓ ઓળખી લીધા છે. હવે સરકાર તેમના હાથમાં છે."

"જનતાની અપેક્ષા પર અને તેમણે આપેલા બદલાવના નારા પર તેમણે ખરા ઉતરવાનું છે અને તેઓ આવું કરવા માટે સક્ષમ છે."

અગાઉ ઇમરાન ખાન સ્વતંત્ર વિદેશ નીતિના મોટા સમર્થક હતા.

line
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

અમેરિકા હોય કે ભારત તમામ સાથેના સંબંધોની તેમણે ટીકા કરી છે.

હવે તેમની સરકારમાં અલગઅલગ દેશો સાથે કેવી રીતે સંબંધો જાળવવામાં આવે છે તે જોવું રહ્યું.

પોતાના ચૂંટણી પ્રચારમાં ઇમરાન નવાઝ શરીફને 'મોદીના યાર' કહી ચૂક્યા છે.

પરંતુ પોતાના પહેલા ભાષણમાં જ કહ્યું છે સંબંધો સુધારવા માટે ભારત એક ડગલું ભરશે તો પાકિસ્તાન બે ડગલાં આગળ વધશે.

શું આ વિરોધાભાષ નથી? ચોધરી કહે છે 'અમે એવું નથી કહ્યું કે અમે અમેરિકા અને ભારત સાથે જંગનું એલાન કરીશું'

ચૌધરી કહે છે કે તહેરિક-એ-ઇન્સાફ વિવિધ દેશો સાથે સમાન સ્તરના સંબંધો સ્થાપશે અને કોઈની સામે જુકશે નહીં અને ભારત પ્રશાસિત કાશ્મીરમાં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘનો પર અવાજ ઉઠાવતી રહેશે.

પીટીઆઈની સમાનતાની પરિભાષા શું છે, તેના વિશે તો તેમનું શાસન શરૂ થયા બાદ જ જાણી શકાશે.

પરંતુ જે મુશ્કેલ આર્થિક સ્થિતિમાં ઇમરાન ખાન દેશની કમાન સંભાળી રહ્યાં છે, ત્યારે વિદેશી સંસ્થાઓની આર્થિક મદદ વગર અર્થવ્યવસ્થાને પાટે લાવવાનું મુશ્કેલ છે.

આ હેતુ માટે તેઓ કયા દેશોની મદદ મેળવે છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.

line

ઇમરાન પાસે વધારે વિકલ્પો નથી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સુહૈલ વડાઇચ કહે છે કે ઇમરાન પાસે વધારે વિકલ્પ નથી.

તેમણે વિપક્ષ સાથે પણ તાલમેલ જાળવવો પડશે, જેથી પાકિસ્તાનની આર્થિક પ્રગતિ થઈ શકે અને કાયદો વ્યવસ્થા જળવાઈ શકે.

રસૂલ બખ્શના મતે જો ઇમરાન ખાન તેમના વાયદાઓ સો દિવસમાં અમલમાં નહીં લાવે તો તેમના મતદાતાઓમાં નિરાશા વ્યાપી જશે.

તેઓ કહે છે "કેટલાક વિષયો ઇમરાન ખાને પોતાના હાથમાં લેવા પડશે, પરંતુ કેટલાકમાં તો વિપક્ષનો સહયોગ લેવો જરૂરી છે. વિપક્ષનો સહયોગ તેમના રાજનીતિક ફાયદા અને નુકસાન દ્વારા નક્કી થશે."

ઇમરાન ખાનની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ એ છે કે જનતા તેમને પારંપરિક નેતા માનતી નથી, પરંતુ એક એવા વ્યક્તિ તરીકે જુએ છે જે એકવાર નક્કી કરી લે તો આખી દુનિયાને ઉપરનીચે કરી બતાવે છે.

હવે જોવાનું એ રહ્યું કે સત્તાની મજબૂરીઓ અને સરકારના હિતો તેમની આ ખાસિયત કાયમ રાખી શકશે કે નહીં.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો