પાક.ને આર્થિક મદદ સામે IMFને અમેરિકાની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન ટૂંક સમયમાં વડાપ્રધાનની ખુરશી પર બિરાજશે.
પાકિસ્તાનનું વડા પ્રધાનપદ 'કાંટાળો તાજ' છે એવા મહાવરાનો ઉપયોગ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ વારંવાર કરવામાં આવે છે.
ઇમરાન ખાન માટે પણ એ કાંટાળો તાજ છે, કેમ કે પાકિસ્તાનનો સરકારી ખજાનો ખાલી છે.
પાકિસ્તાનની નવી સરકારે આર્થિક મદદ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના શરણે જવું પડશે, એવું કહેવાય છે. પાકિસ્તાન આઈએમએફને શરણે આ અગાઉ 12 વખત જઈ ચૂક્યું છે.
આઈએમએફની મદદ માગવાના પાકિસ્તાનના માર્ગમાં અમેરિકાએ આડખીલી સર્જી હોય એવું હવે લાગે છે.
ચીનની 'વન બેલ્ટ, વન રોડ' યોજનામાં પાકિસ્તાન સૌથી મહત્ત્વપૂર્ણ દેશ છે અને તેને આર્થિક મદદની તત્કાળ જરૂર છે.

અમેરિકાએ શું કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ પાકિસ્તાન સંબંધે આઈએમએફને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તેમની નજર આઈએમએફના વલણ પર છે.
માઇક પોમ્પિયોએ કહ્યું હતું, "આઈએમએફ શું કરે છે તે અમે જોઈ રહ્યા છીએ. આઈએમએફે કોઈ ભૂલ ન કરવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીએનબીસી ટીવીને આપેલા ઇન્ટર્વ્યૂમાં માઇક પોમ્પિયોએ એવું પણ જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે પારસ્પરિક ફાયદાના સંબંધને આગળ ધપાવવા ઇચ્છુક છે.
અમેરિકાના વિદેશ પ્રધાનના જણાવ્યા મુજબ, આઈએમએફ તરફથી પાકિસ્તાનને ડૉલર આપવામાં આવે એ તર્કસંગત નથી.
માઇક પોમ્પિયોએ ઉમેર્યું હતું કે આઈએમએફના ફંડમાં અમેરિકન ડૉલરનું યોગદાન મોટું હોય છે. આઈએમએફે કંઈ આપવું જ હોય તો તે ચીની બૉન્ડ આપી શકે અથવા ચીને જ ફંડ આપવું જોઈએ.
તમે આ વાંચ્યું કે નહીં?
પાકિસ્તાનમાં સંકટ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર જોરદાર અછતનો સામનો કરી રહ્યો છે અને તેને મદદની તત્કાળ જરૂર છે. પાકિસ્તાનને ચીન અગાઉ ઘણી લોન આપી ચૂક્યું છે.
પાકિસ્તાનના એક અગ્રણી અખબાર 'ડોન'માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીની નવી સરકાર ઇમરાન ખાનના નેતૃત્વમાં 11 ઓગસ્ટે સોગંદ લેશે.
મળતા અહેવાલો મુજબ, આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા સાર્ક રાષ્ટ્રના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવે તેવી શક્યતા છે.
સોમવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરીને તેમને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નવી સરકાર આર્થિક મદદ માટે આઈએમએફનો તત્કાળ સંપર્ક કરશે, એવું માનવામાં આવે છે.
પાકિસ્તાનની નિકાસ સતત ઘટી રહી છે અને તેના કરજનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ના જણાવ્યા અનુસાર, આઈએમએફ પાસેથી 12 અબજ ડૉલરની આર્થિક મદદ મેળવવાની તૈયારી પાકિસ્તાનના સિનિયર અધિકારી કરી રહ્યા છે.
જોકે, સમાચાર એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ, આઈએમએફના એક પ્રવક્તાએ કહ્યું હતું, "પાકિસ્તાન તરફથી આર્થિક મદદની કોઈ વિનતી અમને મળી નથી. અમે આ મુદ્દે પાકિસ્તાન સાથે ચર્ચા પણ કરતા નથી."

પાકિસ્તાનનું વધતું ચીની કરજ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની મહત્ત્વકાંક્ષી યોજનામાં સામેલ થયા બાદ ચીન પાસેથી અનેકવાર લોન લઈ ચૂકેલું પાકિસ્તાન વધુ એકવાર ચીન પાસેથી લોન લઈ શકે છે.
અનેક અર્થશાસ્ત્રીઓએ પાકિસ્તાનના વધતા ચીની કરજ સામે ચેતવણી આપી છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 'વન બેલ્ટ, વન રોડ' યોજના હેઠળ ચીન પાકિસ્તાનમાં જે કામ કરી રહ્યું છે તેનો માલિકી હક્ક પાકિસ્તાનનો નહીં હોય.
પાકિસ્તાન ચીની કરજના કળણમાં વધારેને વધારે ફસાતું જાય છે અને તેની ચૂકવણીમાં પાકિસ્તાનને બહુ મુશ્કેલી પડશે, એવું અનેક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
'ડોન'માં સોમવારે પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 'ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર'માં વધારે રોકાણ કરવા માટે ચીન તૈયાર થઈ ગયું છે.
પાકિસ્તાન સરકારના એક સલાહકારે 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ને કહ્યું હતું, "અમે મુશ્કેલીમાં છીએ અને અમને મદદની જરૂર છે. આઈએમએફની મદદ વિના અમે શું કરીશું તેની કલ્પના પણ અમે કરી શકતાં નથી.
"અમને દસથી બાર અબજ ડૉલર સુધીની લોનની જરૂર છે." પાકિસ્તાને 2013માં 5.3 અબજનું કરજ લીધું હતું.

માત્ર નવ અબજ ડોલર બચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં તાજેતરના મહિનાઓમાં મોટો ઘટાડો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની વધતી કિંમતને કારણે પાકિસ્તાનની આયાત મોંઘી થઈ રહી છે અને નિકાસ સતત ઘટી રહી છે.
સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાને 20 જુલાઈએ બહાર પાડેલા આંકડા અનુસાર, પાકિસ્તાન પાસે માત્ર નવ અબજ ડૉલરની વિદેશી મુદ્રા બચી છે.
તેનો અર્થ એ થયો કે બે મહિનાની આયાત પૂરતું વિદેશી નાણું પણ પાકિસ્તાન પાસે બચ્યું નથી.
તમામ આશંકા છતાં પાકિસ્તાને ચીન પાસેથી કરજ લેવાનું ચાલુ રાખ્યું છે. ગત નાણાકીય વર્ષમાં પાકિસ્તાન ચીન પાસેથી પાંચ અબજ ડૉલરનું કરજ લઈ ચૂક્યું છે.
પાકિસ્તાની રૂપિયાની મૂલ્યમાં ગત નાણાકીય વર્ષમાં ડૉલરની સરખામણીએ 20 ટકા ઘટાડો થયો છે.
પશ્ચિમી દેશોના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં વધુ દસ ટકા ઘટાડો થઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















