દ. આફ્રિકામાં એક સમયે ગુપ્તા બંધુઓના સિક્કા પડતા, હવે કોઈ નામ લેવા તૈયાર નથી

ઇમેજ સ્રોત, GALLO IMAGES
- લેેખક, જુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા આફ્રિકાથી
ભારતીય મૂળના બે ભાઈઓના કારણે દક્ષિણ આફ્રિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાએ ખુરશી ગુમાવવાનો વારો આવ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં ગુપ્તા બંધુઓના કારણે ભારતીય મૂળના જ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્થાનિકો ભારતીય વેપારીઓને શંકાની નજરે જુએ છે, એવામાં જેમની અટક જ ગુપ્તા છે તેમની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે.
દક્ષિણ આફ્રિકામાં દેશના સૌથી મોટા ગોટાળાની ન્યાયિક તપાસ થઈ રહી છે.
આ ગોટાળામાં ભારતનો ગુપ્તા પરિવાર સંડોવાયેલો હોવાની વિગતો બહાર આવી છે, જેના કારણે તેમના મિત્ર અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાની પણ તપાસ થઈ રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પૂર્વ રાષ્ટ્રપતિ ઝુમા પર આરોપ છે કે તેમણે ગુપ્તા બંધુના કહેવાથી વર્ષ 2015માં દેશના નાણા મંત્રી એન. એમ. નેનેની હકાલપટ્ટી કરી હતી.
આ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને રાષ્ટ્રપતિ ઝુમાએ પોતાના પદ પરથી રાજીનામું સોપવું પડ્યું હતું. તેમના રાજીનામા બાદ એનએમ નેનેની નાણામંત્રી તરીકે ફરીથી નિયુક્તિ કરાઈ હતી.
જોકે,આ બધાની વચ્ચે ગુપ્તા બંધુઓ અને ઝુમાએ પોતાના પર થયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.દક્ષિણ આફ્રિકામાં આ કેસની સુનાવણીનું લાઇવ પ્રસારણ આખો દેશ જોઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભારતીયો પરનો વિશ્વાસ ડગ્યો

ઇમેજ સ્રોત, AFP
દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના ગુપ્તા બંધુઓના કારણે સામાન્ય લોકોનો ભારતીય વેપારીઓ પરનો વિશ્વાસ ડગ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
જેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તે અજય ગુપ્તા, અતુલ ગુપ્તા અને રાજેશ ગુપ્તા દેશ છોડીને ભાગી ગયા છે.
આફ્રિકામાં લોકોએ મને જણાવ્યું કે ભારતીય વેપારીઓ પરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે.
જે ભારતીયોને તેઓ પોતાના મિત્ર તરીકે ગણતા હતા, તેમના લીધે આફ્રિકાના રાજકારણ સાથે જોડાયેલો એક વર્ગ ભ્રષ્ટાચારી બની ગયો છે.
જ્હૉનિસબર્ગમાં એક વેપારીએ સ્પષ્ટપણે કહ્યું કે હવે તેઓ ભારતીય વેપારીઓ સાથે ધંધો નહીં કરે.
તેમણે એવું પણ કહ્યું કે આ ગોટાળાઓના કારણે દેશની સંસ્થાઓને સ્થિર થતા લાંબો સમય વીતી જશે.

ગુપ્તા પરિવારની કહાણી

ઇમેજ સ્રોત, REUTERS
ભારતના આ ભાઈઓની કહાણી બોલીવૂડની કોઈ ફિલ્મ જેવી લાગે છે.
આ ત્રણેય ભાઈ વર્ષ 1993માં ઉત્તર પ્રદેશના સહારનપુરથી આફ્રિકામાં આવ્યા હતા. આફ્રિકામાં એ સમયે રંગભેદ ખતમ થઈ રહ્યો હતો એવા સમયે આ ભાઈઓએ ત્યાં પોતાનો ધંધો શરૂ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકામાં તેમની પ્રગતિ ખૂબ જ ઓછા સમયમાં થઈ અને તેમના પ્રભાવમાં પણ વધારો થયો હતો.
સ્થાનિક મીડિયા ગુપ્તા પરિવાર અને પૂર્વ રાષ્ટ્રપતિના સંબંધોને સમાચારોમાં 'જુપ્તા ગોટાળો' નામના શબ્દથી વર્ણવે છે.
લોકોમાં એવી ચર્ચા છે કે છેટેથી આવેલા લોકો રાતોરાત આ પ્રકારની પ્રગતિ કેવી રીતે કરી શકે ખાસ કરીને દેશના રાષ્ટ્રપતિ સુધી તેમની પહોંચ થઈ જાય એવું કઈ રીતે શક્ય બને?
આ કેસમાં વહેલી તકે તપાસ સમાપ્ત થાય અને દોષિતો પર અદાલતમાં કેસ ચાલે એવું સ્થાનિક લોકો ઇચ્છી રહ્યાં છે.

દક્ષિણ આફ્રિકાનો સૌથી મોટો ગોટાળો

ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો જાણવા મળશે કે દક્ષિણ આફ્રિકાએ હંમેશા ભારતીય વેપારીઓનું સ્વાગત કર્યું છે.
દેશમાં ભારતીય વેપારીઓનું કુલ રોકાણ 50 બિલિયન રેન્ડથી પણ વધારે છે. આ રોકાણના પગલે સ્થપાયેલા રોજગાર ધંધામાંથી અત્યાર સુધી 18 હજાર નોકરીની તકો પણ સર્જાઈ છે.
ગુપ્તા બંધુઓ સાથે જોડાયેલા ગોટાળાના કારણે અહીં સ્થાનિક ભારતીય વેપારીઓની છબી પણ ખરડાઈ છે.
દેશના ઇતિહાસના સૌથી મોટા ગોટાળાના કારણે ગુપ્તા બંધુઓના સામ્રાજ્યનું પતન થયું છે.
આ ગોટાળાના કારણે જ તેમના મિત્ર અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાએ અપમાનજનક રીતે સત્તા છોડવી પડી હતી.
આ ગોટાળાની જાહેર તપાસ ગત મહિનાથી શરૂ થઈ હતી. અમીર ગુપ્તા પરિવાર પર આરોપ છે કે તેઓ દેશના રાજનીતિક નિર્ણયો પર દબાણ લાવતા હતા.
સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ગુપ્તા બંધુઓ એટલા શક્તિશાળી થઈ ગયા હતા કે તે મંત્રીઓના નિર્ણયો પર પ્રભાવ પાડવા લાગ્યા હતા.
ઝુમાના નવ વર્ષના શાસનમાં ગુપ્તા પરિવારે લાખો ડૉલરના કોન્ટ્રેક્ટ્સ મેળવ્યા હોવાનો આરોપ છે.
જોકે, જૅકબ ઝુમા આફ્રિકાના સત્તાધારી પક્ષ આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં ખૂબ જ શક્તિશાળી સ્થાન ધરાવે છે. ઝુમાના મતે તેમના પર અને દીકરા પર મૂકાયેલા આક્ષેપો રાજકીય ષડયંત્રનો ભાગ છે.


ઇમેજ સ્રોત, SABC
ગુપ્તા ભાઈઓ ઉત્તર પ્રદેશના સહારનપુરના વતની છે. તેમના પિતા શિવ કુમાર મસાલાના વેપારી હતા. શિવ કુમારે જ દીકરાઓને વિદેશમાં વેપાર કરવા જવાની સલાહ આપી હતી.
પિતાની પ્રેરણાથી મોટા ભાઈ અજય ધંધો કરવા રશિયા ગયા હતા, જ્યારે અતુલે આફિકામાં ધંધો શરૂ કર્યો હતો.
સૌથી નાના ભાઈ રાજેશે બન્ને ભાઈઓના પગલે ચાલતા ધંધામાં ઝંપલાવ્યું હતું. તેમણે ચીનમાં વેપાર કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ સમગ્ર પરિવારે આફ્રિકામાં વેપારનો વ્યાપ વધાર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના અધિકારીઓ ગુપ્તા બંધુઓને શોધી રહ્યાં છે. જોકે, ગુપ્તા બંધુના વકીલે તપાસ પંચને જણાવ્યું હતું કે તેઓ આફ્રિકામાં નથી. ગુપ્તા બંધુઓએ દુબઈમાં આશરો લીધો હોવાનું માનવામાં આવે છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાની પોલીસે તેમના કેટલાક આશ્રય સ્થાનો પર રેડ કરી છે.
આ તપાસ ક્યારે સમાપ્ત થશે તેની માહિતી કોઈ પાસે નથી. જોકે, દક્ષિણ આફ્રિકાના લોકોનું માનવું છે કે જો આ કેસની તપાસમાં મોડું થશે તો દેશની લોકતાંત્રીક સંસ્થાઓને નુકસાન થઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















