જેટ ઍરવેઝની ‘આર્થિક મુશ્કેલી’નું સંપૂર્ણ સત્ય શું છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, માનસી દાશ
- પદ, બીબીસી સંવાદદાતા
જાણીતી ઍરલાઇન્સ જેટ ઍરવેઝની હાલત ભારતીય ઍવિએશન ઇન્ડસ્ટ્રી પર જોખમ તોળાઈ રહ્યું હોવાનો સંકેત આપી રહી છે?
મીડિયામાં પ્રકાશિત સમાચારો સાચા હોય તો જેટ ઍરવેઝે તેના પાયલટોને જણાવ્યું છે કે કંપની ખરાબ દોરમાંથી પસાર થઈ રહી છે. તેથી ખર્ચમાં ઘટાડો કરવો પડી રહ્યો છે.
અહેવાલોમાં જણાવ્યા મુજબ, પોતાની પાસે બે મહિના સુધી ઍરલાઇન્સ ચલાવવા પૂરતા પૈસા હોવાનું કંપનીએ તેના કર્મચારીઓને જણાવ્યું છે.
જોકે, જેટ ઍરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિનય દુબેએ મીડિયામાં પ્રકાશિત સમાચારોને ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે કંપની સતત પ્રગતિ કરી રહી છે અને પોતાના વિમાનોની સંખ્યા વધારી રહી છે.

કંપની શું કહે છે?

ઇમેજ સ્રોત, Reuters
બીબીસીને મોકલેલા નિવેદનમાં કંપનીએ સ્વીકાર્યું છે કે તે પોતાનો નફો વધારવા માટે ખર્ચમાં ઘટાડાના પ્રયાસ કરી રહી છે.
કંપની તેના સેલ્સ તથા ડિસ્ટ્રીબ્યુશન, કર્મચારીઓના પગાર, મેઇન્ટેનન્સ અને ફ્લીટ સિમ્પીફિકેશનમાં થતા ખર્ચને ઘટાડવાના પ્રયાસ કરી રહી છે.
કંપનીના જણાવ્યા મુજબ, આ સંબંધે કંપનીને તેના કર્મચારીઓને સંપૂર્ણ સમર્થનની આશા છે.
કંપની તેમની સાથે વાતચીત કરી રહી છે અને દેશની વર્તમાન સ્થિતિ વિશે પણ ચર્ચા કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્તમાન પરિસ્થિતિ માટે કંપની ક્રૂડ ઑઇલના વધતા ભાવ અને ભારતીય ચલણના ઘટતા મૂલ્યને કારણરૂપ માને છે.
કંપનીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ વધ્યા છે ત્યારે ઓછા ખર્ચે સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસની કંપની પર અસર થઈ રહી છે. એ કારણે સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ પર અસર થઈ રહી છે.

જેટ ક્યારેક હતી 'સૌથી બહેતર'

ઇમેજ સ્રોત, BSEINDIA.COM
વરિષ્ઠ બિઝનેસ પત્રકાર આશુતોષ સિન્હાએ જણાવ્યું હતું કે જેટ ઍરવેઝ ભારતની સૌથી ઉત્તમ ઍરલાઇન્સ છે અને એક સમય એવો હતો જ્યારે સારા સંચાલન માટે અનેક દેશોમાં જેટ ઍરવેઝનું ઉદાહરણ આપવામાં આવતું હતું.
આશુતોષ સિન્હાએ કહ્યું હતું, "મને યાદ છે ત્યાં સુધી 2005માં કંપનીનો આઈપીઓ આવ્યો હતો અને કંપનીએ તેના શેર લોકોને વેચ્યા હતા."
"થોડા સમય સુધી કંપનીની કામગીરી સારી હતી પણ પછી તેની પ્રગતિ એક રીતે થંભી ગઈ હતી. કંપનીના શેરનું પ્રદર્શન હંમેશાં સરેરાશ રહ્યું છે."
તેમણે ઉમેર્યું હતું, "2016નું વર્ષ સૌથી સારું હતું કારણ કે એ વખતે ક્રૂડની કિંમત ઘટવા લાગી હતી અને પ્રતિ બેરલ 30 ડોલર સુધી ઘટી ગઈ હતી."
"ઍરલાઇન્સ માટે એવી પરિસ્થિતિ અત્યંત સારી હોય છે, કારણ કે તેમનો ખર્ચ ઘટી જતો હોય છે."
એ દરમિયાન એક વિદેશી કંપનીએ જેટમાં રોકાણ કર્યું હતું અને જેટને વધુ આવક થઈ હતી. તેથી કંપનીની સ્થિતિ બહેતર થઈ ગઈ હતી.
2015માં ઇતિહાદ ઍરલાઇન્સે જેટ ઍરવેઝમાં 24 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને એ માટે 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
2015ના નાણાંકીય વર્ષમાં કંપનીએ 2097.41 કરોડનું નુકસાન દેખાડ્યું હતું પણ 2016માં કંપનીએ 1211.65 કરોડ રૂપિયાનો નફો દેખાડ્યો હતો.

2018માં હાલત ખરાબ કેમ?

ઇમેજ સ્રોત, Reuters
2016માં નફો દેખાડી ચૂકેલી કંપની 2018માં અચાનક નુકસાનના આરે કઈ રીતે પહોંચી ગઈ? એવું તે શું થયું કે તેણે તેના ખર્ચમાં ઘટાડાનો નિર્ણય લેવો પડ્યો?
કંપનીના આ પગલાં પાછળના આર્થિક કારણોની વાત કરતાં આશુતોષ સિન્હાએ કહ્યું હતું, "ઉડ્ડયન કંપનીઓ જેટ ફ્યુઅલનો ઉપયોગ કરતી હોય છે, જેને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ(એટીએફ) કહે છે."
"કંપનીના કુલ ખર્ચમાં 40થી 50 ટકા ખર્ચ એટીએફ પાછળ થતો હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતમાં વધારો થાય તેની સીધી અસર કંપની પર થતી હોય છે."
"જાન્યુઆરી,2008માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમત પહેલીવાર 100 ડૉલર પ્રતિબેરલ થઈ હતી. એ પછીના મહિનાઓમાં તેમાં ઔર વધારો થયો હતો."
"એ વખતે ઍરલાઇન કંપનીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. કંપનીઓ ટિકીટના ભાવ આખરે કેટલા વધારી શકે?"
"એ વખતે નુકસાન ઘટાડવા માટે કંપનીઓએ ટિકીટ સાથે એક ફ્યૂઅલ સરચાર્જને જોડી દીધો હતો."

2008 પછી સતત મુશ્કેલી

ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત હર્ષવર્ધન માને છે કે ઉડ્ડયન ઉદ્યોગ 2008 પછી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
હર્ષવર્ધનના જણાવ્યા મુજબ, હાલ જેટ ઍરવેઝની આર્થિક હાલત એટલી ખરાબ નથી કે તે બંધ થવાની તૈયારીમાં હોય એવું માની લેવાય.
હર્ષવર્ધને કહ્યું હતું, "ગત ત્રણ વર્ષમાં ક્રૂડની કિંમત ઘટવા છતાં સરકારી ટેક્સને કારણે વપરાશકાર માટે ભાવ ઘટ્યા ન હતા. પરિણામે ઉડ્ડયન ઉદ્યોગને તેનાથી ફાયદો થયો ન હતો."
જેટ ઍરવેઝની આર્થિક હાલતની વાત કરતાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે માત્ર એક કંપની શા માટે, ગત એક વર્ષમાં ઉડ્ડયન ઉદ્યોગ માટે ઘણી ખરાબ ઘટનાઓ બની હતી.
હર્ષવર્ધને કહ્યું હતું, "પહેલી વાત તો એક ક્રૂડ ઑઇલની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે."
"ખાસ કરીને ભારતમાં આપણે સૌથી મોંઘુ ક્રૂડ ખરીદીએ છીએ. તેની સીધી અસર કંપનીના સંચાલન ખર્ચ પર થાય છે."
"બીજી વાત એ કે ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયા નબળો પડ્યો છે."
"તેને કારણે ઍરલાઇન્સ ના ખર્ચ, પ્લેનની ખરીદી, પ્લેન માટેની લૉન, પ્લેનના સ્પેર-પાર્ટ્સ, વિદેશી પાઇલટ્સ એમાં બધા ખર્ચ વધે છે. તેને કારણે કંપનીના વધુ પૈસા દેશ બહાર જાય છે."

વર્તમાન પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન પરિસ્થિતિ બાબતે સમજાવતાં તેમણે કહ્યું હતું, "ઉડ્ડયન એક એવો ઉદ્યોગ છે, જેમાં રોકડ ઝડપથી બહાર જતી હોય છે.
"સ્પર્ધા સતત વધી રહી છે. ઍર વિસ્તારા છે, ઇન્ડિગો નવાં પ્લેન લાવી રહી છે. કોઈ કંપનીની હાલત એવી નથી કે તે ટિકીટના ભાવ વધારી શકે.
"તેથી જેટ ઍરવેઝની આ ઝૂંબેશ ભાવિ આર્થિક સમસ્યાઓનો સામનો કરવાની એક રીત છે અને આવું કરવા માટે આ યોગ્ય સમય છે."
હર્ષવર્ધનના જણાવ્યા મુજબ, જેટ ઍરવેઝમાં ઍર સહારાનો વિલય થયો ત્યારથી કંપનીની સમસ્યાઓ શરૂ થઈ હતી.
હર્ષવર્ધને કહ્યું હતું, "જે-જે ઍરલાઇન્સનો વિલય જે અન્ય કંપનીમાં થયો છે તેણે મુશ્કેલ દોરમાંથી પસાર થવું પડ્યું છે. તમે કિંગફિશર, ઍર ઈન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સનાં ઉદાહરણ જોઈ શકો છો.
"જેટ ઍરવેઝે ઘણા અંશે આ મુશ્કેલીનું નિરાકરણ કરી લીધું હતું પણ તેની મજબૂત આર્થિક સ્થિતિ વિલય બાદ બગડવા લાગી હતી."

સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગમાં તકલીફ

ઇમેજ સ્રોત, Reuters
કિંગફિશર ઍરલાઇન્સ ના માલિક વિજય માલ્યાએ બૅન્કોને 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. એ ચૂકવણી કર્યા વિના તેઓ વિદેશ ચાલ્યા ગયા છે.
એ લૉનના વસૂલાત માટે 17 બૅન્કોના સમૂહે અદાલતના દરવાજા ખખડાવ્યા ત્યારે સુનાવણી દરમિયાન 2016ની નવમી માર્ચે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિજય માલ્યા 2016ની બીજી માર્ચે દેશ છોડી ચૂક્યા છે.
વિજય માલ્યાને ભારત પરત લાવવા માટેના પ્રયાસોને વેગવંતા બનાવવા સરકારે ભાગેડુ આર્થિક અપરાધ ખરડો-2018 પસાર કર્યો છે.
જોકે, વિજય માલ્યા પાસેથી લૉનના પૈસા જલદી પાછા મળશે એવા કોઈ સંકેત દેખાતા નથી.
ભારતના મહારાજા એટલે કે ઍર ઇન્ડિયાની વાત કરીએ તો એ કંપની હાલ 50,000 કરોડના કરજમાં ડૂબેલી છે.
નરેન્દ્ર મોદી સરકાર ઍર ઈન્ડિયાના 76 ટકા હિસ્સાના વેચાણ માટે તૈયાર છે, પણ કોઈ ખરીદનાર મળ્યો નથી.
ઇન્ડિગોની સ્થિતિ પણ ખાસ કંઈ સારી જણાતી નથી. સસ્તા દરે વિમાન સેવા આપતી આ કંપની ઇન્ટરગ્લોબ ઍવિએશને આ વર્ષે જૂનના ત્રિમાસિક ગાળામાં નફામાં 96.6 ટકા ઘટાડો નોંધાવ્યો છે.
આ પરિસ્થિતિમાં જેટ ઍરવેઝના ખર્ચમાં ઘટાડા સંબંધી સમાચાર ઉડ્ડયન ઉદ્યોગ માટે ચિંતાજનક છે.
આશુતોષ સિન્હાના જણાવ્યા મુજબ, દેશના માર્કેટનો 40 ટકા હિસ્સો ધરાવતી દેશની સૌથી મોટી ઍરલાઇનની હાલત આવી હોય તો નાના ખેલાડીઓની હાલત કેવી હશે તેનું અનુમાન આપ કરી શકો છો.
આવી પરિસ્થિતિ આગામી દિવસોમાં વપરાશકારોની ચિંતા વધારી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















