શું તમે બારી વિનાનાં વિમાનોમાં મસાફરી કરી શકો ખરા?

ઇમેજ સ્રોત, Getty Images
શું તમે સાત-આઠ કલાકની હવાઈ મુસાફરી એવા વિમાનમાં કરવાની કલ્પના કરી શકો જેમાં બારી ન હોય.
જે લોકોને બંધ માહોલમાં ગભરામણ થતી હોય તેમના માટે આ યાત્રા બિલકુલ ઠીક નથી.
દુબઈની એમિરેટ્સ ઍરલાઇન્સના પ્રમુખ સર ટિમ ક્લાર્કનું કહેવું છે કે આગામી દિવસોમાં બારી વગરનાં વિમાનો વાસ્તવિકતા બનવા જઈ રહ્યાં છે.
તાજેતરમાં જ આ ઍરલાઇન્સના ફર્સ્ટ ક્લાસની કેબિનમાં આવું જોવા મળ્યું હતું. કેબિનમાં એક પણ બારી નહોતી.
બારી નહીં હોવાના લીધે ઑપ્ટિકલ સાથે જોડાયેલા કૅમેરા દ્વારા વિમાનની બહારનાં દૃશ્યો મુસાફરોને બતાવવામાં આવશે.
ક્લાર્કનું કહેવું છે કે મુસાફર જે જોવાનું પસંદ કરે તેમને તે બતાવવામાં આવશે.

બારી ના હોય તો શું ફરક પડે?

ઇમેજ સ્રોત, EMIRATES
એમિરેટ્સના બોઇંગ 777-300 ઇઆરના ફર્સ્ટ ક્લાસની કેબિનમાંથી બારીઓ હટાવી દેવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૂંક સમયમાં જ વિમાનના દરેક ક્લાસમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
વિમાનમાં ખરેખર બારીની જગ્યાએ વર્ચ્યુઅલ બારી લગાવવામાં આવશે.
ક્લાર્કે બીબીસીને કહ્યું, "તમે કલ્પના કરો કે જે વિમાનમાં તમે યાત્રા કરી રહ્યા છો તેમાં બહાર કોઈ બારી જ નથી."
"પણ તમે અંદર જાવ તો ખબર પડે કે બારી નહીં હોવાના કારણે તમે એવા વિમાનમાં છો જેની બનાવટ ઘણી મજબૂત થઈ ગઈ છે."

બારી કાઢી નાખવાથી શું ફાયદો થઈ શકે?

વિમાનોની બનાવટ વિશેના નિષ્ણાત જૉન સ્ટ્રિકલૅન્ડ સાથે બીબીસીએ આ મામલે વાત કરી હતી.
તેમનું કહેવું છે કે બારી નહીં હોવાનો અર્થ એ પણ છે કે વિમાનની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો અવકાશ વધી જાય છે.
દરેક બાબતમાં બચત થાય છે. વિમાનનું વજન ઓછું થશે અને ઇંધણ પર પણ ઓછો ખર્ચ થશે.
જોકે, સ્ટ્રિકલૅન્ડનું કહેવું છે કે એક મુસાફરની દૃષ્ટિએ તેઓ બારીમાંથી બહાર જોવાનું પસંદ કરશે.
તેમણે કહ્યું કે તેઓ બારીને લઈને કોઈ સમજૂતી કરવા માગતા નથી, કેમ કે કૃત્રિમ બારી સાચી બારીનો વિકલ્પ ન બની શકે.

બારી વિના થઈ શકે આવા પ્રશ્નો
જોકે, બારી વિનાના વિમાનની આ નવી રચનામાં દરેક વ્યક્તિ સંમત થાય તેવું શક્ય નથી.
ઇંગ્લેન્ડની ક્રૈનફિલ્ડ યુનિવર્સિટીમાં વિમાનની સુરક્ષાના નિષ્ણાત પ્રોફેસર ગ્રાહમ બ્રૈથવૈટે જણાવ્યું કે ઇમરજન્સીની સ્થિતિમાં વિમાન ચાલકદળ બહાર જોવા માટે સક્ષમ હોવું જોઈએ.
"વિમાનની બહાર શું થઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે. ખાસ કરીને એવી સ્થિતિમાં જેમાં લોકોને કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં બહાર કાઢવાની જરૂર પડે."
વિમાનકર્મીઓ બહારનો માહોલ જોઈ શકવા માટે સમક્ષ હોવા જોઈએ.
જો બહાર આગ લાગી હોય તો દરવાજો ખોલ્યા વગર તેને જોઈ શકવી સંભવ હશે કે નહીં તે પણ જોવું પડશે.
આથી આવી સ્થિતિમાં જટિલતા વધી જશે. આવી પરિસ્થિતિમાં વિમાની સુરક્ષા સંબંધિત અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવવામાં પણ મુશ્કેલી થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















