લખનૌ-આગરા હાઇ વે પર કેમ ઊતર્યાં હવાઈ દળના વિમાન?

હાઈવે પર ઉતરાણ કરી રહેલા હવાઈ દળના પ્લેનનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, IAF

ઇમેજ કૅપ્શન, 35,000 કિલો વજનનું સી-130 જે સુપર હર્ક્યૂલીસ વિમાન હાઇ વે પર ઊતર્યું હતું

ઉત્તર પ્રદેશના જે હાઈવે પર મોટરો અને બસો દોડતી હતી ત્યાં મંગળવારે સવારે પ્લેન ઉતરાણ અને ઉડ્ડયન કરતાં જોવા મળ્યાં હતાં.

ભારતીય હવાઈ દળનાં 16 વિમાનોએ લખનૌ-આગરા એક્સપ્રેસ વે પર ટચ એન્ડ ગો તથા લેન્ડિંગની કવાયત હાથ ધરી હતી.

ઉડ્ડયનની પરિભાષામાં 'ટચ એન્ડ ગો'નો અર્થ જમીનની અત્યંત નજીક પહોંચીને અથવા ક્ષણભર માટે જમીનને સ્પર્શીને ફરી ઉડાન ભરવી એવો થાય છે.

લેન્ડિંગમાં વિમાનના જમીન પર ઉતરાણની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ ખાસ કવાયતના ભાગરૂપે 35,000 કિલો વજનનું સી-130 જે સુપર હર્ક્યૂલીસ વિમાન હાઇ વે પર ઊતર્યું હતું.

જ્યારે સુખોઈ-30 અને મિરાજ-30 વિમાનો ટચ ડાઉન કરીને ફરી ઊડી ગયાં હતાં.

હાવે પર વિમાનોએ અગાઉ પણ ઉતરાણકર્યું હતું

હાઈવે પર ઉતરાણ કરી રહેલા એર ફોર્સના વિમાનનો ફોટો

ઇમેજ સ્રોત, IAF

ઇમેજ કૅપ્શન, હાઇ વે પર ઉતરાણ કરી રહેલું એર ફોર્સનું વિમાન

મિરાજ-2000 ફાઈટર પ્લેન અને સુખોઈ-30 ઉત્તર પ્રદેશના એક્સપ્રેસ વે પર અગાઉ બે વાર ઉતર્યાં હતાં.

2015માં મિરાજ-2000એ પહેલીવાર ઉતરાણ કર્યું હતું.

ગયા વર્ષે નવેમ્બરમાં સુખોઈ-30 પ્લેન લખનૌ-આગરા એક્સપ્રેસ વેના 3.3 કિલોમીટર લાંબા હિસ્સા પર ઊતર્યું હતું.

દેશમાં બારેક હાઇ વેની પસંદગી આ કવાયત માટે કરવામાં આવી છે.

સારા એવા પ્રમાણમાં પહોળા હોય અને ફાઈટર જેટના ઉતરાણ માટે સક્ષમ હોય તેવા હાઇ વેની પસંદગી કરવામાં આવી છે.

એ હાઇ વેનો ઉપયોગ કટોકટીની સ્થિતીમાં વિમાનના ઉતરાણ માટે કરવામાં આવી શકે છે.

આ કવાયતનો હેતુ શું છે? કોઈ એરબેઝ પર બોમ્બ કે મિસાઈલ વડે હુમલો કરવામાં આવે અને તેના પર ઉતરાણ શક્ય ન હોય તો શું કરવું?

એ પરિસ્થિતીમાં હાઈવેનો ઉપયોગ લેન્ડિંગ સ્ટ્રીપ તરીકે કરી શકાય એ માટે આ કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ક્યા દેશોએ રસ્તાઓ પર તાર્યાં છે વિમાન?

હાઈવે પર ઉતરાણ કરી રહેલા હવાઈ દળના પ્લેનનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, IAF

ઇમેજ કૅપ્શન, હાઇ વે પર પ્લેનના ઉતરાણની ક્ષમતા ભારત ઉપરાંત બીજા ક્યા દેશો પાસે છે?

વાસ્તવમાં આવી પરિસ્થિતી સર્જાઈ શકે? કોઈ યુદ્ધ દરમ્યાન આવું કરવામાં આવ્યું હતું?

હાઇ વે પર પ્લેનના ઉતરાણની ક્ષમતા ભારત ઉપરાંત બીજા ક્યા દેશો ધરાવે છે?

યુરોપ અને અમેરિકાથી શરૂ કરીને પાકિસ્તાન અને તાઈવાન સુધીના તમામ દેશોમાં આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે.

સવાલ એ છે કે ફાઈટર જેટનું ઉતરાણ કરી શકાય એ રીતે હાઇ વે બનાવવામાં આવે છે?

News.com.au નામની વેબસાઈટ પર બેનેડિક્ટ બ્રૂકે લખ્યું છે કે ''મધ્ય જર્મનીના એ-44 ઓટોબાનને જુઓ તો તેમાં છૂપાયેલું રહસ્ય પહેલી નજરે ન દેખાય.

બર્ન નજીક રસ્તાનું નવું સ્વરૂપ દેખાય છે. એ-44 ઓટોબાન ત્યાં ગુપ્ત લશ્કરી રનવે બની જાય છે.''

જર્મનીના રસ્તાઓમાં શું છે ખાસ?

હાઇવે પર એરફોર્સના અધિકારીઓનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, IAF

ઇમેજ કૅપ્શન, એર ફોર્સના અધિકારીઓએ કવાયત હાથ ધરતાં પહેલાં હાઇ વેની ચકાસણી કરી હતી.

બેનેડિક્ટ બ્રૂકના જણાવ્યા અનુસાર વળાંક લેતો હાઈવે અચાનક સીધો થઈ જાય છે.

રસ્તાની બન્ને બાજુઓ વચ્ચેની હરિયાળી પટ્ટી અચાનક ગુમ થઈ જાય છે.

રસ્તાની એક બાજુ પર દેખાતું મોટું કારપાર્કિંગ વાસ્તવમાં વિમાનો પાર્ક કરવાની જગ્યા છે.''

બેનેડિક્ટ બ્રૂકે ઉમેર્યું હતું કે ''રસ્તાના સ્વરૂપમાં હાઇ વે સ્ટ્રીપ હોય એવો જર્મની એકમાત્ર દેશ નથી.

સ્વિત્ઝરલેન્ડ, પોલેન્ડ, સિંગાપુર, તાઈવાન અને ફિનલેન્ડમાં પણ આવા હાઇવેઝ છે.

જોકે, એ હાઇવેઝને જોઈને લાગતું નથી કે તે ગુપ્ત લશ્કરી રનવે છે. આ બાબતમાં ઓસ્ટ્રેલિયા પણ પાછળ નથી.

સૌપ્રથમ હાઈવે સ્ટ્રીપનું નિર્માણ કોલ્ડ વોરના સમયગાળામાં કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

તેમાં યુદ્ધવિમાનોને હાઇ વેની સમાંતરે આવેલી ઝાડીઓમાં છૂપાવવામાં આવતાં હતાં.

ગણતરીની મિનિટોમાં ટેકઓફ કરી શકાય એ હેતુસર આવું કરવામાં આવતું હતું.

વિમાનો ક્યાં કરી શકે ઉતરાણ?

એર ફોર્સના પ્લેનનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, IAF

ઇમેજ કૅપ્શન, અમેરિકા પાસે પણ વિમાન ઊતરી શકે એવા હાઇ વે છે?

બેનેડિક્ટ બ્રૂકના જણાવ્યા મુજબ, ''સરકારે આ મામલે ઘણી પ્રગતિ કરી છે.

ક્યા રસ્તાઓનો ઉપયોગ સારા રનવે તરીકે કરી શકાય એની ગાઈડલાઈન્સ પણ બનાવવામાં આવી છે.''

એ ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે સડક સપાટ હોવી જોઈએ. તેની આસપાસ 45 મીટર ઉંચું કોઈ માળખું ન હોવું જોઈએ.

કોઈ ઈન્ટર સેક્શન ન હોવું જોઈએ. એ વિસ્તારમાં પૂર આવવાનું જોખમ પણ ન હોવું જોઈએ.

એ વિસ્તારમાં પશુઓને ચરવાની છૂટ ન હોવી જોઈએ.

યુદ્ધ દરમ્યાન જરૂર પડ્યે એરસ્ટ્રીપ તરીકે ઉપયોગમાં લઈ શકાય એ રીતે અમેરિકામાં ઈન્ટરસ્ટેટ હાઇ વે બનાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે.

જોકે, આ વાતને સત્તાવાર સમર્થન મળતું નથી.

ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં શું થયું હતું?

યુદ્ધ વિમાનનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે હાઇ વેનો ઉપયોગ કરી શકાય?

હાઇ વે પર વિમાનનું ઉતરાણ કરાવવાનો અર્થ ભારતના સંદર્ભમાં શું છે?

પાકિસ્તાન સાથે ભારતની તંગદિલી કાયમી છે.

ભૂતકાળમાં બન્ને દેશ વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાને ભારતીય હવાઈ મથકો પર ઘણા હુમલા કર્યા હતા.

એ સંદર્ભમાં હાઇ વેનો ઉપયોગ રનવે તરીકે કરવાનું કામ ભારતીય સેનાની વ્યૂહરચનાનો મહત્વનો હિસ્સો હોઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો