લીબિયા : વિદ્રોહીના સંઘર્ષની વચ્ચે 400 કેદીઓ ફરાર

ઇમેજ સ્રોત, Reuters
લીબિયાની પોલીસનું કહેવું છે કે રાજધાની ત્રિપોલીમાં વિદ્રોહી ગ્રૂપોમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે લગભગ 400 કેદીઓ જેલમાંથી ફરાર થઈ ગયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, કેદીઓએ આઇન ઝારા જેલના દરવાજા તોડી નાખ્યા હતા અને ફરાર થઈ ગયા હતા.
આ ઘટના સમયે જેલના સુરક્ષાકર્મીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા હતા.
રાજધાનીમાં વિદ્રોહી ગ્રૂપોમાં ચાલી રહેલા સંઘર્ષને જોતાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકારે ત્યાં કટોકટીની જાહેર કરી દીધી છે.
આઇન ઝારા જેલમાં રાખવામાં આવેલા મોટાભાગના કેદીઓને લીબિયાના પૂર્વ નેતા મુઅમ્મર ગદ્દાફીના સમર્થક માનવામાં આવે છે.
વર્ષ 2011માં ગદ્દાફી સરકારની વિરુદ્ધ થયેલા વિદ્રોહમાં તેમને લોકોની હત્યા કરવાના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે રવિવારે, રાજધાની ત્રિપોલીમાં રહેણાંક વિસ્તારમાં થયેલા એક રૉકેટ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્રોહી ગ્રૂપો વચ્ચે ચાલી રહેલા ગોળીબાર વચ્ચે હજારોની સંખ્યામાં લોકો પોતાનાં ઘર છોડીને નાસી ગયા છે.
છેલ્લા કેટલાય દિવસોથી ત્રિપોલીમાં ચાલી રહેલી હિંસામાં ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયાં છે, જેમાં સામાન્ય નાગરિકો પણ સામેલ છે.
લીબિયામાં સામાન્ય રીતે સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકાર સત્તામાં રહી છે. જોકે, દેશના અડધા જેટલા વિસ્તારમાં ઉગ્રવાદી ગ્રૂપોનો કબ્જો છે.

હિંસા કેમ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે ત્રિપોલીના દક્ષિણ વિસ્તારમાં ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, ત્યારથી આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી છે.
ત્યારબાદ ઉગ્રપંથીઓનો સ્થાનિક સરકાર સમર્થિત ગ્રૂપો સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે.
લીબિયાની સરકારે હિંસક ઘટનાઓને દેશની રાજનૈતિક સ્થિરતા ખતમ કરવાના પ્રયાસ ગણાવ્યા છે.
સરકારે કહ્યું છે કે તેઓ આ હિંસક ઘટના મામલે ચૂપ નથી રહી શકતી, કારણ કે રાજધાનીની સુરક્ષા અને સામાન્ય લોકોની સુરક્ષા માટે જોખમી છે.
માનવાધિકાર સંગઠનોએ પણ હિંસાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ હિંસામાં 18 નાગરિકોનાં મોત થયાં છે, જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















