પોતાની આવકનો મોટો ભાગ સૈન્ય પર ખર્ચતા દસ દેશ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2017માં સમગ્ર દુનિયાના દેશોનો કુલ સૈન્ય ખર્ચ 1700 અબજ ડોલર સુધી પહોંચી ગયો. તેમાંથી માત્ર અમેરિકાએ 640 અબજ ડોલર પોતાની સેના પર ખર્ચ કર્યા. બીજી તરફ ચીને ગત વર્ષે 12 અબજ ડોલર અને રશિયાએ 13.9 અબજ ડોલરનો ખર્ચ સેના પર કર્યો હતો.
એવું માની શકાય છે કે દુનિયાની મોટી આર્થિક શક્તિ પોતાની સેના અને રક્ષા મામલે સૌથી વધારે ખર્ચ કરે છે. પરંતુ વિશેષજ્ઞો માને છે કે દેશના જીડીપીના આધારે આ ત્રણ દેશ એ યાદીમાં સૌથી ઉપર નથી જે પોતાના દેશની મોટાભાગની આવક સેના પર ખર્ચ કરે છે.
દુનિયાના દેશોના સૈન્ય ખર્ચ પર નજર રાખતી સંસ્થા સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સીપ્રીના જાહેર થયેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં અમેરિકાએ પોતાની આવક એટલે કે પોતાના જીડીપીનો માત્ર 3.1 ટકા ભાગ સેના પર ખર્ચ કર્યો.
ચીન અને રશિયાની વાત કરવામાં આવે તો ચીને પોતાના જીડીપીનો 1.9 ટકા અને રશિયાએ 4.3 ટકા ભાગ સેના પર ખર્ચ કર્યો છે.
આ આંકડા અનુસાર આ યાદીમાં સૌથી ઉપરના 20 દેશોમાં પણ અમેરિકા સામેલ નથી.
તો શું ભારત એ 10 દેશોની યાદીમાં છે જે પોતાના જીડીપીના ટકાના હિસાબે સૈન્ય સામાન પર મોટી રકમ ખર્ચ કરે છે?
એક નજર આ યાદી પર-
10- બહરીન

ઇમેજ સ્રોત, Getty Images
બહરીન એક દ્વીપસમૂહ છે જેના પર સુન્ની રાજાનું શાસન છે અને અહીં સેનામાં પણ ઊંચા પદો પર રાજ પરિવારના સભ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તેના 14 લાખ નાગરિક શિયા મુસ્લિમ છે. એ અહીં ચાલી રહેલા તણાવનું મહત્ત્વનું કારણ છે.
2011માં અરબ સ્પ્રિંગ દરમિયાન અહીં પ્રદર્શનકારી સરકારમાં વધારે ભાગીદારીની માગ કરી રહ્યા હતા.
આ દરમિયાન પ્રદર્શનકારીઓ પર નિયંત્રણ મેળવવા માટે ગલ્ફ કૉ-ઓપરેશન કાઉન્સિલના સશસ્ત્ર બળની તહેનાતી કરાઈ હતી.
2017માં બહરીને 1.396 અબજ ડોલર પોતાની સેના પર ખર્ચ્યા હતા જે પ્રતિ વ્યક્તિ 936 ડોલર છે અને જીડીપીનો 4.1 ટકા ભાગ છે.

9- રશિયા

ઇમેજ સ્રોત, Reuters
1997માં રશિયાએ પોતાના જીડીપીનો 4.3 ટકા ભાગ સેના પર ખર્ચ કર્યો પરંતુ 1998માં તેણે આ ખર્ચ ઓછો કર્યો અને માત્ર જીડીપીનો 3.0 ટકા જ સેનાને આપ્યો.
ત્યારબાદ સેના પર રશિયાનો ખર્ચ દર વર્ષે થોડો થોડો વધતો ગયો અને વર્ષ 2016 સુધી આ જીડીપીનો 5.5 ટકા થઈ ગયો. પરંતુ વર્ષ 2017માં રશિયાએ તેને ફરી ઘટાડીને 4.3 ટકા કરી નાખ્યો.
સીપ્રીના મુખ્ય તપાસનીશ અધિકારી સીમોન વેજમેનના જણાવ્યા અનુસાર રશિયા 2014 બાદ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. તેને પરિણામે સૈન્ય ખર્ચમાં કાપ મૂકાયો હોય તેમ બને.
પોતાની સેનાનું આધુનિકીકરણ હાલ રશિયાની પ્રાથમિકતા છે.

8- લેબનન

ઇમેજ સ્રોત, Reuters
લેબનન મધ્યપૂર્વના એ દેશોમાં સામેલ છે જેમની પાસે સૌથી વધારે સૈન્ય સામાન છે. 1975થી 1990 વચ્ચે દેશે એક લાંબા ગૃહયુદ્ધનો સામનો કર્યો ત્યારબાદ દેશની અંદર મતભેદ ઉત્પન્ન થયા.
તેની ગૃહ અને વિદેશ નીતિ પર તેના પાડોશી સીરિયા અને કથિત ઇસ્લામી સમૂહ હિજબુલ્લાનો ઊંડો પ્રભાવ છે.
2017માં લેબનને 2.411 અબજ ડોલર પોતાની સેના પર ખર્ચ કર્યા જે જીડીપીનો 4.5 ટકા ભાગ છે.

7- ઇઝરાયલ

ઇમેજ સ્રોત, EPA
1948માં બનેલા ઇઝરાયલના પોતાના પાડોશી દેશો સાથે સંબંધ તણાવપૂર્ણ છે. તેની એક તરફ સીરિયા છે તો બીજી તરફ લેબનનના હિજબુલ્લા મિલિશિયા છે જેમને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે.
ઈરાન સીરિયાઈ સરકારનું સમર્થન કરે છે જે રશિયા અને તુર્કી સાથે મળીને ત્યાંથી ઇસ્લામિક સ્ટેટને બહાર કાઢી મૂકવાનું કામ કરી રહી છે. ઇઝરાયલ સીરિયા પર અમેરિકી હુમલાનું સમર્થન કરે છે અને અસદ સરકારનું સમર્થન કરતુ નથી.
2017માં ઇઝરાયલે 16.489 અબજ ડોલર પોતાની સેના માટે ખર્ચ કર્યા જે જીડીપીનો 4.7 ટકા છે.

6- જોર્ડન

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1946માં જોર્ડન સ્વતંત્ર થયું અને ત્યારથી માંડીને અત્યાર સુધી અહીં પરિસ્થિતિ સંઘર્ષપૂર્ણ રહી છે.
1967માં જોર્ડને ઇઝરાયલ વિરુદ્ધ 6 દિવસ યુદ્ધ કર્યું ત્યારબાદ તેણે વેસ્ટ બેન્ક અને પૂર્વી જેરૂસલેમ પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું. 1948માં થયેલા અરબ-ઇઝરાયલ યુદ્ધ બાદ આ વિસ્તારો પર જોર્ડનનો કબજો હતો.
1984માં જોર્ડને ઇઝરાયલ સાથે પીસ એગ્રીમેન્ટ કરી લીધું પરંતુ કથિત ઇસ્લામિક સ્ટેટના કારણે દેશની અંદર તણાવ યથાવત રહ્યો.
2017માં જોર્ડને 1.939 અબજ ડોલર પોતાની સેના પર ખર્ચ કર્યા જે જીડીપીનો 4.8 ટકા ભાગ છે.

5. અલ્જિરીયા

ઇમેજ સ્રોત, Getty Images
અલ્જિરીયા એક સમયે ફ્રાન્સની વસાહત હતું. સ્વતંત્રતાની એક લાંબી લડાઈ બાદ 1962માં આ દેશ સ્વતંત્ર થયો પરંતુ દેશની અંદર હિંસાએ વિરામ ન લીધો.
ધાર્મિક અને સમાજની અંદર હાજર સ્વતંત્ર વિચાર ધરાવતા સમુદાયો વચ્ચેનો તણાવ એ હિંસાનું એક મોટું કારણ હતું.
1992માં સૈન્ય સરકાર વાળા અલ્જિરીયામાં બહુ-પાર્ટી ચૂંટણીને રદ કરી દેવાઈ. ત્યારબાદ 1992થી માંડીને 1998 વચ્ચે દેશની અંતર હિંસક સંઘર્ષ ચાલુ રહ્યો કે જેના કારણે અહીં એક લાખ કરતા વધારે લોકોનાં મૃત્યુ થયા હતા.
ત્યારથી માંડીને અત્યાર સુધી અહીં ઇસ્લામી ઉગ્રવાદીઓના હુમલા સામાન્ય બની ગયા છે.
સીપ્રીના આધારે અલ્જિરીયાએ 2017માં પોતાની સેના પર 10.073 અબજ ડોલર ખર્ચ કર્યા હતા જે જીડીપીનો 5.7 ટકા ભાગ છે.

4. કુવૈત

ઇમેજ સ્રોત, Getty Images
17,818 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા કુવૈતની વસતી આશરે 30 લાખ છે. સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાકથી ઘેરાયેલા આ નાના એવા દેશમાં બંધારણીય રાજતંત્ર છે.
અહીં અમેરિકી સેનાની સૈન્ય છાવણીઓ છે, જે કથિત ઇસ્લામિક સ્ટેટ સામે લડતી આંતરરાષ્ટ્રીય ગઠબંધન સેનાનો ભાગ છે.
2017માં કુવૈતે પોતાની સેના પર 6.831 અબજ ડોલર ખર્ચ કર્યા હતા કે જે તેના જીડીપીનો 5.8 ટકા ભાગ છે.

3. કોંગો ગણરાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના જીડીપીનો 6.2 ટકા ભાગ સેના પર લગાવી આફ્રિકી દેશ કોંગો ગણરાજ્ય આ યાદીમાં સામેલ થયો છે. કોંગોએ વર્ષ 2017માં કુલ 0.484 અબજ ડોલર પોતાની સેના પર ખર્ચ્યા છે.
કોંગો દેશની અંદર સંઘર્ષની સ્થિતિનો સામનો કરે છે.

2- સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images
2015થી સાઉદી સરકાર યમનમાં હૂથી વિદ્રોહીઓ વિરુદ્ધ સંઘર્ષમાં ઘણા દેશોની ગઠબંધન સેનાનું નેતૃત્વ કરી રહી છે.
યમનમાં ઈરાન હુથી વિદ્રોહીઓનું સમર્થન કરી રહ્યું છે. સાથે જ સીરિયામાં કથિત ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને બહાર કાઢી મૂકવાના આંતરરાષ્ટ્રીય અભિયાનમાં પણ સાઉદી સામેલ છે.
સીપ્રીના આંકડા અનુસાર 2017માં સાઉદી અરેબિયાએ 69.413 અબજ ડોલર એટલે પોતાના જીડીપીનો 10 ટકા ઉપયોગ પોતાની સેના પર ખર્ચ કર્યો.

1- ઓમાન

ઇમેજ સ્રોત, Getty Images
હોમરુજની ખાડીમાં સ્થિત ઓમાનના પાડોશી દેશ ઈરાન, સાઉદી અરેબિયા અને યમન છે. છેલ્લા એક દાયકામાં ઓમાને સતત પોતાના સૈન્ય ખર્ચમાં વધારો કર્યો છે.
એ હવે દુનિયાનો એ દેશ બની ગયો છે જે પોતાની આવકનો સૌથી મોટો ભાગ પોતાની સેના માટે વાપરે છે.
2017માં તેણે 8.686 અબજ ડોલર પોતાની સેના માટે ખર્ચ્યા જે તેના જીડીપીનો 12 ટકા છે.

તો ભારત કયા નંબર પર છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે સેના માટે પોતાના જીડીપીનો અત્યાર સુધીનો સૌથી મોટો ભાગ વર્ષ 1988માં ખર્ચ કર્યો હતો. આ આંકડો 3.7 ટકા હતો.
ત્યારબાદથી સતત ભારતે સૈન્ય સામાન પર થતા ખર્ચને ઘટાડ્યો છે. 2007માં ભારતે જીડીપીનો 2.3 ટકા ભાગ જ સેના માટે ખર્ચ કર્યો હતો.
વર્ષ 2015ને છોડી દેવામાં આવે તો 2012થી માંડીને 2017 સુધી ભારત સતત પોતાના જીડીપીનો 2.5 ટકા ભાગ સેના માટે ખર્ચ કરે છે.
2015માં આ ખર્ચ દેશના જીડીપીનો 2.4 ટકા ભાગ હતો.
(આ દેશોના કુલ જીડીપીના સૈન્ય ખર્ચની માત્ર ટકાવારી છે. આ યાદીમાં શીર્ષ પર રહેતો દેશ જરૂરી નથી કે મોટી સૈન્ય શક્તિ હોય પણ તે એ દેશ છે કે જે પોતાના જીડીપીનો મોટો ભાગ સૈન્ય સામાન પર ખર્ચે છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












