યમન કટોકટી : એડનની સરકારી ઇમારતો પર અલગતાવાદીઓનો કબ્જો

અલગતાવાદી જૂથો સામે લડવા લશ્કરી ટ્રકો પર સવાર યમની સેનિકની પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, યમનમાં સંઘર્ષ દરમિયાન અત્યાર સુધી ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામ્યા છે

અલગતાવાદીઓએ દક્ષિણ યમનમાં એડન શહેરની સરકારી ઇમારતો પર કબજો કર્યો છે.

યમનમાં રાષ્ટ્રપતિ અબ્દરઅબ્બુહ મંસૂર હાડી અને ચરમપંથીઓ વચ્ચે સંઘર્ષ યથાવત છે.

વડાપ્રધાન અહેમદ બિન દાગેરે બળવાખોરીની પરિસ્થિતિના નિર્માણ માટે અલગતાવાદીઓ પર આરોપ મૂક્યો છે.

અત્યાર સુધી ઓછામાં ઓછા 10 લોકો આ સંઘર્ષમાં મૃત્યુ પામ્યા છે અને ડઝનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તમને આ પણ વાંચવું ગમશે

રાજધાની સના હૂતી બળવાખોરો કબ્જા અને નિયંત્રણમાં હોવાથી યમની સરકારે વહીવટ ચલાવવા માટે હાલ એડનમાં કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી છે.

હાલમાં બંન્ને પક્ષોએ પોત-પોતાની સેનાઓને રોકવા માટે આદેશો આપ્યા છે.

સરકારી દળોએ યમનના પડોશી આરબ દેશોને યમનમાં પ્રવર્તમાન પરિસ્થિતિ બાબતે દખલ કરી અને આ બાબતનો ઉકેલ લાવવાની અપીલ કરી છે.

યમનમાં પહેલેથી જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા લાખો લોકોને મદદની જરૂર છે, જેઓ ભીષણ સંજોગોમાં સંઘર્ષ કરી રહ્યા છે.

યમન ખાતે તાજેતરના સંઘર્ષ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ હોવાના અહેવાલો છે.

line

એડનમાં શું ચાલી રહ્યું છે?

યુદ્ધના અસલાને કારણે ઉડી રહેલા ધુમાડાઓ વચ્ચે ધ્વસ્ત ઇમારતો, બળવાખોરો અને અલગતાવાદીઓના સંઘર્ષમાં ફસાયેલા યમન શહેરની દૂરથી લેવાયેલી તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન દાગેરએ યુએઈને શાંતિ માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે

દક્ષિણ અને ઉત્તરીય યમનના સંયોજન દ્વારા 1990ના દાયકામાં, હાલના યેમનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પરંતુ હજુ પણ દક્ષિણ યમનમાં અલગતાવાદની ભાવના શાંત નથી થઈ.

દક્ષિણ યમન સ્થિત અલગવાદીઓ હમણાં સુધી હુતી બળવાખોરો સામે સરકારને ટેકો આપતા રહ્યા હતા.

પરંતુ થોડા અઠવાડિયા પહેલા, હુતી બળવાખોરોએ હાલની યમની સરકાર પર ભ્રષ્ટાચાર અને ભેદભાવનો આરોપ મૂક્યો હતો.

જેના કારણે પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ અને દક્ષિણ યમની અલગતાવાદીઓએ તેમની તાકાત દર્શાવાનું શરૂ કર્યું.

યુદ્ધના અંત પછી વડાપ્રધાન દાગેરને દૂર કરવા માટે અલગતાવાદીઓએ રાષ્ટ્રપતિ હાદીને ટૂંક સમય આપ્યો હતો.

જેની મહેતલ રવિવારે પૂર્ણ થયા બાદ યુદ્ધ શરૂ થયું હતું.

દક્ષિણી યમનના અલગતાવાદીઓને સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ની સહાય મળે છે અને તેનું સમર્થન છે.

આ દક્ષિણી યમન અલગતાવાદી જૂથ હુતી વિદ્રોહીઓ સામે લડી રહેલા સાઉદી આરબના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ છે.

વડાપ્રધાન દાગેરએ યુએઈને શાંતિ માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

સાથે-સાથે વડાપ્રધાન દાગેરે ચેતવણી પણ ઉચ્ચારી છે કે આ સંઘર્ષથી હુતી બળવાખોરોને લાભ થશે.

હાલ સાઉદી અરેબિયામાં સ્થાયી થયેલા રાષ્ટ્રપતિ હાદીએ સંઘર્ષ વિરામ માટે અપીલ કરી છે.

ત્યારબાદ તેમની સરકારે તેમના ટેકેદારોને પરત ફરવાનો આદેશ આપ્યો છે.

અહેવાલો મુજબ એડનમાં જ્યારે આ સંઘર્ષ શરૂ થયો ત્યારે ત્યાં હાજર સાઉદી અને યુએઈની સેનાએ તેમાં દખલ કરી ન હતી.

line

દેશના બાકીના ભાગોમાં શું છે?

સના હુતી ઉપરાંત યમનના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો પણ હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળ છે.

હુતી બળવાખોરોએ 2014માં રાજધાની કબજે કરી લીધી હતી.

હુતી બળવાખોરોએ રાજધાની પર કબ્જો કર્યા બાદ સાઉદી અરબની આગેવાની હેઠળના ગઠબંધને સરકારના સમર્થનમાં દરમિયાનગીરી કરી હતી.

વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષ અને ગઠબંધન દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને કારણે યમનની હાલની પરિસ્થિતિને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા "વર્તમાન સમયમાં સૌથી ખરાબ માનવીય કટોકટી" તરીકે સંબોધવામાં આવી છે.

યમનની 75% જનતાને મદદની જરૂર છે.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં અનાજની અછતને કારણે કેટલાયે લોકો ભૂખમરામાં ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો