Top News : હું વાંદરાઓની ઓલાદ નથી, ડાર્વિનની થિયરી ખોટી : માનવ સંશાધન મંત્રી

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, માનવ સંશાધન મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન સત્યપાલ સિંહે એક નિવેદનમાં કહ્યું કે, "હું વાંદરાઓનું સંતાન નથી. મારા વંશજો વાંદરા નથી."

ખરેખરે વાત એમ છે કે ભૂતકાળમાં તેમણે ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરીને ખોટી ગણાવી સ્કૂલોના અભ્યાસક્રમમાં તેને સુધારવી જોઈએ એવું કહ્યું હતું.

તેમણે જાન્યુઆરી મહિનામાં આ ટિપ્પણી કરી હતી. શનિવારે ફરીથી તેમણે આ વાત પર પોતે કાયમ હોવાનું કહ્યું હતું.

સિંહે કહ્યું,"મેં અગાઉ જે વાત કહી હતી તે મજાક નહોતી, પરંતુ કેટલાક ગંભીર વિચાર સાથે કહી હતી."

તેમની આ ટિપ્પણીને પગલે તેમની ટીકા થઈ હતી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેમને આવી ટિપ્પણીઓ નહીં કરવા પણ કથિતરૂપે કહ્યું હતું.

સત્યપાલ સિંહ મુંબઈના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું, "જાન્યુઆરી મહિનામાં મેં (ડાર્વિનની થિયરી) વિશેની ટિપ્પણી વિચારીને જ કરી હતી. તે મજાક નહોતી.

"હું સાયન્સનો વિદ્યાર્થી હતો અને મેં પીએચ.ડી પણ કરી છે. હું વિજ્ઞાનને સમજું છું. બધા રાજકારણીઓ મારા જેટલા એજ્યુકેટેડ નથી."

GSTથી 11 મહિનામાં 10 લાખ કરોડ રૂપિયાની આવક

'સંદેશ'ના અહેવાલ અનુસાર ભારતમાં 'વન નેશન, વન ટેક્સ' સાકાર કરવા માટે મોદી સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી જીએસટી અમલી બનાવાયો તેને એક વર્ષ પૂરુ થયું છે.

અહેવાલ અનુસાર 11 મહિનામાં દસ લાખ કરોડ રૂપિયાવની આવક થઈ છે.

જીએસટી લાગુ થતાં પૂર્વે કેન્દ્રની ટેક્સમાંથી થતી વાર્ષિક આવક 8.63 લાખ કરોડ રૂપિયા હતી.

આમ જીએસટીથી સરકારની આવકમાં વધારો નોંધાયો છે. એપ્રિલ-2018માં સરકારને રૂ. 1 લાખ કરોડની આવક થઈ હતી.

ઉપરાંત બે મહિનામાં 2000 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે.

શું તમે આ વાંચ્યું?

જમ્મુ-કાશ્મીર : વૉટ્સૅપના ઍડમિન્સને નોંધણી કરાવવા જિલ્લા ન્યાયાધિશનો આદેશ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના જમ્મુ-કાશ્મીર રાજ્યના કિશ્તવારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અંગરેજ સિંહે વૉટ્સઍપ ગ્રૂપમાં એડમિન્સ હોય તેવા યૂઝર્સને દસ દિવસની અંદર નોંધણી કરાવી દેવા ફરમાન કર્યું છે.

તેનું પાલન નહીં કરનાર વ્યક્તિ સામે આઈટી એક્ટ સહિત અન્ય કાનૂની કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવશે.

કિશ્તવારના વરિષ્ઠ પોલીસ અધિકારી અબ્રાર ચૌધરીએ વૉટ્સઍપ દ્વારા ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવામાં આવતી હોવાનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.

આ રિપોર્ટને પગલે ડીએમ દ્વારા ઉપરોક્ત આદેશ આપવામાં આવ્યો છે.

અંગરેજ સિંહના આદેશમાં લખ્યું છે કે, "જેટલું મહત્ત્વ સોશિયલ મીડિયા થકી વાણી સ્વાતંત્ર્યનું છે, એટલું જ મહત્ત્વ તેની સાથે જોડાયેલી જવાબદારી અને નિયંત્રણોનું પણ છે."

રાજ્યના પાઠ્યપુસ્તક માટે ચિત્ર આપનાર બાળક મજૂરી કરવા મજબૂર

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર, રાજ્યના ધોરણ 3ના પાઠ્યપુસ્તકના કવરપેજ માટે જેનું પર્યાવરણનું ચિત્ર પસંદ કરવામાં આવ્યું હતું અને તેને પ્રકાશિત પણ કરાયું તે બાળક મજૂરી કરવા માટે મજબૂર છે.

અહેવાલમાં કહેવાયું છે કે છોટા ઉદેપુર જિલ્લાના કાછેલ ધામક ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ક્રાન્તિ રાઠવાનું સ્વચ્છતાનું ચિત્ર ધોરણ ત્રણના પર્યાવરણના પાઠ્યપુસ્તકના પેજ પર છપાયું છે.

આ વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી હાલ તે સુરેન્દ્રનગર તાલુકાના ઘનાવડા ગામે દૈનિક રૂ. 200માં મજૂરી કરે છે.

ગામમાં વળી આગળ ભણવા માટે શાળા પણ નહીં હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો