જર્મનીઃ રેસ્ટોરાં બહાર રાહદારીઓ પર વેન ફરી વળી, બેનાં મોત

જર્મનીના મિનસ્ટર શહેરમાં એક ચાલકે રાહદારીઓ પર વેન ફેરવી દીધી હતી. જેના કારણે બેનાં માર્યા ગયા હોવાના અહેવાલ છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, વેન ચાલકે આત્મહત્યા કરી લીધી છે.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે, કીપનકર્લ સ્ટેચ્યૂ પાસે આ દુર્ઘટના ઘટી હતી.

એ સમયે ત્યાં હાજર લગભગ 20 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી અનેકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

પોલીસે સ્થાનિકોને સિટી સેન્ટર વિસ્તારમાં ન જવા ચેતવણી આપી છે.

જ્યાં આ દુર્ઘટના ઘટી, ત્યાં એક રેસ્ટોરાં આવેલું છે. સોશિલય મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં આમતેમ પડેલી ખુરશીઓ નજરે પડે છે.

સંઘીય સરકારના ઉપ-પ્રવક્તા ઉલરિક ડેમરના કહેવા પ્રમાણે, સરકાર પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરે છે.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2016માં જર્મનીની રાજધાની બર્લિનના ક્રિસમસ બજારમાં એક ટ્રક ભીડ પર ફરી વળ્યો હતો. જેમાં 12 લોકોનાં મૃત્યુ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો