‘કરાંચીનો કસાઈ’ તરીકે ઓળખાતા આ અધિકારીના નામે છે 444થી વધુ એન્કાઉન્ટર

કરાચીમાં સંખ્યાબંધ 'ફેક એન્કાઉન્ટર' કરી ચૂકેલા પોલીસ અધિકારી રાવ અનવાર ઘણી બાબતોમાં અસાધારણ છે.

રાવ અનવાર આ વર્ષની 17 જાન્યુઆરી સુધી કરાચીના મલિર વિસ્તારમાં સીનિઅર સુપરિન્ટેન્ડન્ટ (એસએસપી) તરીકે કાર્યરત હતા.

રાવ અનવારની સરખામણીએ મહારાષ્ટ્રના 'એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ' પોલીસ અધિકારી દયા નાયકનું કદ બહુ નાનું ગણાય.

રાવ અનવારે પોલીસ અધિકારી તરીકેની તેમની કારકિર્દીમાં કેટલા લોકોનાં ઢીમ ઢાળી દીધાં છે તેનો સાચો અંદાજ મેળવવાનું મુશ્કેલ છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, જુલાઈ-2011થી જાન્યુઆરી-2018 સુધીના સાડા છ વર્ષમાં રાવ અનવારની દેખરેખ હેઠળનાં 192 એન્કાઉન્ટરમાં 444 લોકોનાં મોત થયાં હતાં.

અમુક સમયગાળો એવો રહ્યો હતો કે જેમાં કિલ-ટુ-અરેસ્ટ રેશિયો એટલે કે ધરપકડ અને મૃત્યુની ત્રિરાશી 80/20ની રહી હતી.

તેનો અર્થ એવો થયો કે 100માંથી 80 લોકોને ઠાર કરવામાં આવ્યા હતા અને માત્ર 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના દૈનિક 'ડોન'ના અહેવાલ અનુસાર, તમે રાવ અનવારને ગમે તે એંગલથી નિહાળો, તેઓ કસાઈ જેવા જ લાગશે.

બધા લોકો માટે ખલનાયક નથી

જોકે, બધા લોકો રાવ અનવારને ખલનાયક માનતા હોય એવું નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ ઝરદારીએ એક ટીવી ચેનલ પર રાવ અનવારને 'બ્રેવ બૉય' કહ્યા હતા.

એ પછી ધમાલ થઈ એટલે આસિફ ઝરદારીએ ફેરવી તોળ્યું હતું, પણ આ ઘટનાને પગલે એ ખબર પડી ગઈ હતી કે રાવ અનવારના પ્રશંસકો અને શુભચિંતકો ક્યાં-ક્યાં બેઠેલા છે.

પાકિસ્તાનના પત્રકારો જણાવે છે કે રાવ અનવાર માત્ર આસિફ ઝરદારીની જ નહીં, નવાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અનેક મોટા નેતાઓની નજીક રહ્યા છે.

પાકિસ્તાનના મોટા નેતાઓ અને લશ્કરી જનરલોના તમામ 'ગંદા' કામ રાવ અનવાર રાજીખુશીથી કરી આપે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

એ જ કારણ છે કે ઢગલાબંધ લોકોને 'ફેક એન્કાઉન્ટર'માં ખતમ કર્યા છતાં રાવ અનવારને ક્યારેય કોઈ તકલીફ થઈ નથી.

હા, એકાદ-બે તપાસનો સામનો તેમણે જરૂર કરવો પડ્યો હતો, પણ દરેક વખતે તેમને 'નિર્દોષ' જાહેર કરવામાં આવ્યા હતા.

રસપ્રદ વાત એ પણ છે કે રાવ અનવારની દેખરેખમાં માર્યા ગયેલા આટલા બધા 'ખતરનાક ગુનેગારો અને ખૂનખાર આતંકવાદી'ઓએ પોલીસને ક્યારેય કોઈ નુકસાન કર્યું નથી.

'ડોન'ના અહેવાલ અનુસાર, રાવ અનવારની દેખરેખ હેઠળની સંખ્યાબંધ અથડામણોમાં કોઈ પોલીસવાળાનું મોત તો દૂરની વાત છે, એકેય ઘાયલ પણ થયો નથી.

આ હકીકત દર્શાવે છે કે બનાવટી અથડામણનું નાટક કરવાની જરૂર રાવ અનવારને ક્યારેય પડી નથી, કારણ કે કોઈ સવાલ પૂછવામાં નહીં આવે તેવી તેમને કદાચ ખાતરી હતી.

જોકે, નકીબુલ્લા મહસૂદ નામના એક દેખાવડા પઠાણના એન્કાઉન્ટર બાદ વાત વણસી હતી.

'કાયરની માફક કેમ ફરાર હતા અનવાર?'

વઝીરિસ્તાનથી કરાચી આવેલા 27 વર્ષના મહસૂદ ફિલ્મી હીરો જેવા દેખાતા હતા, એક દુકાન ચલાવતા હતા અને મોડેલ બનવાનાં સપનાં સેવતા હતા.

તેમને તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના 'આતંકવાદી' ગણાવીને ઠાર કરવામાં આવ્યા હતા, પણ પાકિસ્તાની તાલિબાને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને મહસૂદ સાથે કોઈ સંબંધ ન હતો.

એ પછી રાવ અનવાર ત્રણ મહિના સુધી ફરાર રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં પણ નાટકીય ઢબે હાજર થયા હતા.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસની કાર જ જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી એક કારમાં બેસીને રાવ અનવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે અને તેમને બુલેટપ્રૂફ વાહનમાં ઇસ્લામાબાદથી જડબેસલાક સલામતી વચ્ચે કરાચી લઈ જવામાં આવ્યા હતા.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ રાવ અનવારને સવાલ કર્યો હતો, "લોકો તમને બહાદૂર માણસ ગણાવે છે, છતાં તમે કાયરોની માફક ફરાર કેમ થઈ ગયા હતા?"

તેના જવાબમાં રાવ અનવારે જણાવ્યું હતું કે તેમને 'ફસાવવા'માં આવી રહ્યા છે.

અદાલતે રાવ અનવારની સજ્જડ સલામતીની વ્યવસ્થા કરવાનો, તેમનો પગાર ચાલુ રાખવાનો અને તેમના બેન્ક અકાઉન્ટ પરના પ્રતિબંધને ઉઠાવી લેવાનો આદેશ આપ્યો હતો.

રાવ અનવારના કારનામા

રાવ અનવારના અંગત જીવન બાબતે પાકિસ્તાનના પત્રકારો ખાસ કંઈ નથી જાણતા.

કરાચીમાં લાંબા સમયથી રિપોર્ટિંગ કરતા બીબીસી-ઉર્દૂના રિયાઝ સુહૈલ કહે છે, "રાવ અનવાર પોલીસ દળમાં તેમના સાથીઓ જોડે ઓછા હળતાભળતા હતા. તેથી તેમના વિશે વધુ માહિતી મળતી નથી."

"રાવ અનવાર એકલા રહેવાનું પસંદ કરે છે. ઘણા પોલીસ અધિકારીઓ પણ તેમનાથી દૂર રહે છે, કારણ કે તેમની છાપ વિવાદાસ્પદ ઓફિસરની છે."

રિયાઝ સુહૈલના જણાવ્યા મુજબ, રાવ અનવારના પરિવાર વિશે પણ લોકો કશું નથી જાણતા. પાકિસ્તાનના પોલીસ અધિકારીઓ સલામતીના કારણોસર તેમના પરિવારોની માહિતી ગુપ્ત રાખતા હોય છે.

રિયાઝ સુહૈલ કહે છે, "કરાચીના મોટા પોલીસ અધિકારીઓ તો તકેદારીના ભાગરૂપે તેમના પરિવારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતા રહે છે."

58 વર્ષના રાવ અનવાર દરેક ફોટોગ્રાફમાં પોલીસ યુનિફોર્મમાં જ જોવા મળે છે. શ્યામ વર્ણ, સરેરાશ કદ, કાન નજીક સફેદ વાળ અને પાતળી મૂછોવાળા રાવ અનવાર મામૂલી પોલીસ કર્મચારી જેવા લાગે છે.

રાવ અનવાર મોટા પોલીસ અધિકારી જેવા નથી લાગતા તેનાં કારણો પણ છે.

તેઓ આસિસ્ટંટ સબ-ઈન્સ્પેક્ટરથી શરૂ કરીને તબક્કાવાર એસએસપીના પદ સુધી પહોંચ્યા હોય તેવા એકમાત્ર પોલીસ અધિકારી છે.

તેઓ ફેડરલ સર્વિસના અધિકારી નથી. તેઓ ટોચના અધિકારીઓની માફક અંગ્રેજીમાં નહીં, ઉર્દૂમાં જ વાત કરે છે.

બીબીસી-ઉર્દૂના પત્રકાર અસદ ચૌધરીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં સૈન્યના યુનિફોર્મ સામે પોલીસના ગણવેશની કોઈ ઈજ્જત નથી.

અલબત, રાવ અનવારનો દબદબો અલગ હતો. તેઓ કાયદાથી પર હોય તેવું લાગતું હતું.

તેનું એક ઉદાહરણ પણ છે. એસએસપી બન્યા પછી તેઓ 74 વખત દુબઈ ગયા છે, પણ એ માટે તેમણે કોઈ પણ પ્રકારના વિભાગીય પેપરવર્કની જરૂર પડી નથી.

એ સવાલ પણ વાજબી છે કે મહિને એક લાખ રૂપિયા પગારપેટે મેળવતા અધિકારી પાસે થોડા મહિનાઓમાં જ 74 વખત દુબઈ જવાના પૈસા ક્યાંથી આવ્યા હશે?

કરાચી અને રાવ અનવારનો સહિયારો વિકાસ

એક સમય એવો હતો જ્યારે કરાચીની ગલીઓમાં મુત્તહિદા કૌમી મૂવમેન્ટ(એમક્યૂએમ)નો દબદબો હતો.

બિહારી અથવા મુહાજિર તરીકે ઓળખાતા ઉર્દૂભાષી યુવાનોને અલ્તાફ હુસૈને સંગઠીત કર્યા હતા.

એ યુવાનોની પઠાણો અને બીજાં જૂથો સાથે હિંસક અથડામણો થતી હતી. તેઓ કરાચી પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કરતા હતા.

કરાચીના રસ્તાઓ પરથી બંધ ગુણીઓમાં લાશ મળવાનું સામાન્ય થઈ ગયું હતું. કરાચીના ઘણા વિસ્તારોમાં એમક્યૂએમનું રાજ ચાલતું હતું અને ત્યાં પોલીસ જતી ન હતી.

1990ના દાયકામાં એક યુવા પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરોનો સિલસિલો શરૂ કર્યો હતો અને એ અધિકારીનું નામ હતું રાવ અનવાર.

પરવેઝ મુશર્રફ સત્તા પર આવ્યા ત્યારે તેમણે એમક્યૂએમને સરકારમાં સામેલ કર્યો હતો.

તેથી રાવ અનવાર માટે કરાચીમાં જીવતા રહેવાનું મુશ્કેલ બની ગયું હતું, કારણ કે તેમણે એમક્યૂએમના ઘણા લોકોને ઠાર કર્યા હતા.

પરવેઝ મુશર્રફે રાવ અનવારને થોડા સમય માટે દુબઈ મોકલી આપ્યા હતા.

પરિસ્થિતિ બદલાઈ પછી રાવ અનવાર પોલીસની નોકરીમાં આવ્યા હતા.

તેમને સિંધમાં નહીં, પણ બલુચિસ્તાનમાં મૂકવામાં આવ્યા હતા, કારણ કે તેમને કરાચી કે સિંધના અન્ય વિસ્તારોમાં તહેનાત કરવાનું અસલામત ગણવામાં આવ્યું હતું.

2008માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી રાવ અનવારને ફરી કરાચી લાવી હતી અને મલીર વિસ્તારના પોલીસ વડા બનાવ્યા હતા.

2008થી 2018 સુધીનાં દસ વર્ષમાં રાવ અનવારનો રોફ અને કદ સતત વધતાં રહ્યાં હતાં.

રિઅલ એસ્ટેટના ધંધામાં નડતા લોકોને દૂર કર્યા

વરિષ્ઠ પત્રકાર અસદ ચૌધરી કહે છે, "મલીરમાં એક નદી છે. તેની પાસે મોટા પ્રમાણમાં ખાલી જમીન હતી, જ્યાં એક્સપ્રેસ-વે બનાવવામાં આવ્યો છે."

"તેને કારણે જમીન ડેવલપ થઈ હતી અને પોશ બહરિયા ટાઉનમાં જોતજોતામાં અબજો રૂપિયાનું રિઅલ એસ્ટેટ માર્કેટ તૈયાર થઈ ગયું હતું."

"કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થયું, નદીમાંથી રેતી કાઢવાનું શરૂ થયું, માફિયાઓ ઊભા થવા લાગ્યા અને મલીરના પોલીસ વડાએ તેમની તાકાત દેખાડવાનું શરૂ કર્યું."

તેમણે થોડા સમય પહેલાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું, "મેં છેલ્લા કેટલાક સમયમાં મલીરમાં 150થી વધુ એન્કાઉન્ટર કર્યાં છે અને હું અહીં વધારે સમય તહેનાત રહીશ તો એન્કાઉન્ટરની સંખ્યા વધશે."

એ પત્રકાર પરિષદમાં તેમણે તેમની બહાદૂરીના ઘણા કિસ્સા સંભળાવ્યા હતા અને તેમણે એમક્યૂએમના ફહીમ કમાન્ડોનું પહેલું એન્કાઉન્ટર કઈ રીતે કર્યું એ જણાવ્યું હતું.

રાવ અનવાર વિશે એવું કહેવાય છે કે તેઓ મોટા નેતાઓ અને લશ્કરી અધિકારીઓને સતત મદદરૂપ થતા રહ્યા છે.

તેમણે રિઅલ એસ્ટેટને બિઝનેસમાં નડતર બનતા લોકોને ઠેકાણે પાડ્યા હોવાનું પણ કહેવાય છે.

પોલીસ દળમાં ઓછા ચાહકો

અલબત, પોલીસ દળમાં તેમને ચાહતા લોકોની સંખ્યા ઓછી છે.

એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું, "રાવ અનવારના હાથે કે તેમની દેખરેખ હેઠળ અનેક લોકો મર્યા છે."

"તેના પરિણામનો સામનો અન્ય પોલીસવાળાઓએ કરવો પડે છે. બદલો લેવાની કાર્યવાહીમાં અનેક પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે."

અસદ ચૌધરીના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા પોલીસ કર્મચારીઓનાં શબ પાસેથી ઘણી વખત ચિઠ્ઠી મળી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફેક એન્કાઉન્ટરમાં થયેલાં મોતનો આ બદલો છે.

હવે અદાલતે જણાવ્યું છે કે રાવ અનવારના કેસમાં સંપૂર્ણ પારદર્શકતા અને નિષ્પક્ષતાપૂર્વક અદાલતી કાર્યવાહી કરવામાં આવશે.

જોકે, પાકિસ્તાની અખબારો એવો સવાલ પૂછી રહ્યાં છે કે આ કાયદા અત્યાર સુધી ક્યાં હતા? શું કરી રહ્યા હતા?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો