You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ. કરણ જાની : દરરોજ પ્રો. હૉકિંગને કામ કરતા જોઈને મારામાં જોમ ભરાઈ જતું
બુધવારે સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની ઉંમરે નિધન થયું. તેમણે માત્ર ફિઝિક્સ જ નહીં, પરંતુ વિજ્ઞાનજગત માટે પ્રદાન આપ્યું હતું.
ચેતાતંત્રની ગંભીર બીમારીથી પીડિતા હોવા છતાંય વિજ્ઞાન પ્રત્યે તેમનું સમર્પણ અજોડ હતું.
પ્રો. હૉકિંગ માત્ર પશ્ચિમ જગત જ નહીં, ભારતના પણ અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હતા.
બીબીસી ગુજરાતીએ ડૉ. હૉકિંગની સંસ્થામાં સંશોધન કરી ચૂકેલા, ડૉ. કરણ જાની સાથે વાત કરી હતી.
વર્ષ 2006માં મેં ગુજરાતી માધ્યમમાં સાઇન્સ સાથે 12મું ધોરણ પાસ કર્યું હતું. એ સમયે કોઈ ખાસ ધ્યેય ન હતું.
વડોદરામાં રસ્તા પર પુસ્તકો વેચતા એક ફેરિયા પાસેથી મેં તેમનું પુસ્તક 'બ્રિફ હિસ્ટ્રી ઑફ ટાઇમ' ખરીદ્યું હતું.
એ પુસ્તકે મારા ઉપર ઊંડી અસર કરી, મને એક નવું ધ્યેય મળ્યું.
જીવનમાં બહુ થોડા એવા વૈજ્ઞાનિકો હોય છે કે જેઓ આપણને વિજ્ઞાનક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મારા જીવનમાં આવી બે વ્યક્તિઓ આવી, પ્રો. સ્ટીફન હૉકિંગ તથા ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ.
મેં ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) ક્ષેત્રે કૅરિયર બનાવવાનું નક્કી કર્યું અને 2010માં હું કેનેડાની પેરિમીટર ઇન્સ્ટિટ્યૂટ ફૉર થિયોરિટિકલ ફિઝિક્સમાં રિસર્ચ ઇન્ટર્ન તરીકે દાખલ થયો.
ભારતના એક નાના કહી શકાય તેવા શહેરથી મારી સફર શરૂ થઈ અને તેમની સાથે લંચ તથા તેમના હાથે મેડલ સાથે એ યાત્રા પૂર્ણ થઈ હતી.
ત્યાં પ્રો. હૉકિંગ રિસર્ચ ડાયરેક્ટર હતા. મને હજુ પણ એક ઘટના યાદ છે.
બપોરનો સમય હતો. હું ઇન્સ્ટિટ્યુટમાં સોફા પર બેઠો હતો અને ફિઝિક્સની કોઈ બુક વાંચી રહ્યો હતો.
ત્યારે મેં જોયું કે પ્રો. હૉકિંગ અંદર પ્રવેશી રહ્યા હતા.
ભારતીય સંસ્કાર સહજ મને થયું કે મારે તેમની સમક્ષ જઈને તેમના પ્રત્યેનું સન્માન પ્રગટ કરવું જોઈએ.
પરંતુ સંસ્થામાં દરેક કર્મચારી, ઇન્સ્ટિટ્યુટ ઇન્ટર્ન, કર્મચારી તથા સંશોધકોને પ્રો. હૉકિંગની સ્પષ્ટ સૂચના હતી કે કોઈએ તેમને 'સ્પેશિયલ ટ્રીટમેન્ટ' ન આપવી અને પોતપોતાનું કામ કરતા રહેવું.
મેં પ્રો. હૉકિંગને કામ કરતા જોયા છે, તેમને જ્યારે જ્યારે કામ કરતા જોતો મને પ્રેરણા મળતી હતી.
મારી પાસે બહાનું કાઢવાનું કોઈ કારણ ન રહેતું.
સાયન્સ પ્રત્યે તેમનો જુસ્સો ખરેખર ગજબનાક હતો.
તેઓ એકએક અક્ષર લખીને તેમનું લેક્ચર ટાઇપ કરતા હતા.
દરરોજ એમને મહેનત કરતા જોઈને આપણામાં પણ જુસ્સો ભરાઈ જાય અને કામ માટે મચી પડવાનું જોમ આવે.
પ્રો. હૉકિંગ ક્યારેય પોતાની શારીરિક મર્યાદા વિશે વાત ચર્ચા ન કરતા.
તેમની ધગશ અને મહેનત જોઈને આપણને લાગે કે દિવ્યાંગતા મર્યાદા ન બની શકે.
વિશ્વના કોઈપણ વ્યવસાય કે ક્ષેત્રમાં એમની દિવ્યાંગતા આડે ન આવી હોત.
માનવજાતમાં છેલ્લા 100 વર્ષમાં એવા કોઈ સંશોધક પેદા નથી થયા કે જેમણે દિવ્યાંગતા છતાંય વિજ્ઞાનક્ષેત્રે આટલું સમર્પણપૂર્વક કામ કર્યું હોય.
હું તેમના જ સંશોધનક્ષેત્ર (બ્રહ્યાંડમાં બ્લૅક હોલ)માં અને તેમના જ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું, તે મારા માટે ખુશીની વાત છે.
વિજ્ઞાનક્ષેત્રે સંશોધન કરવું એટલે મેડિટેશન કરવું પડે. સામાન્ય તાવ આવે તો પણ આપણે વિજ્ઞાન વિશે વિચારી ન શકીએ.
ત્યારે પ્રો. હૉકિંગે શારીરિક મર્યાદા છતાંય વિજ્ઞાનને જે પ્રદાન આપ્યું છે, તેના માટે સમગ્ર માનવજાત તેમની ઋણી રહેશે.
ડૉ. કરણ જાની જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી ખાતે સેન્ટર ફૉર રિલેટિવિસ્ટિક એસ્ટ્રોફિઝિક્સમાં પોસ્ટ-ડૉક્ટ્રલ રિસર્ચ કરી રહ્યા છે અને LIGO સાયન્ટિફિક કોલોબ્રેશનના સભ્ય છે.
ફૉર્બ્સ મેગેઝિને '30 વર્ષથી નાની ઉંમરના 30 પ્રભાવશાળી વિજ્ઞાનીઓ'ની યાદીમાં ડૉ. કરણ જાનીને સ્થાન આપ્યું છે.
પ્રો. સ્ટીફન હૉકિંગે 40 વર્ષ પહેલા બ્લૅક હોલ ક્ષેત્રે ગાણિતિક રીતે જે બાબતો રજૂ કરી હતી, તેનું LIGOએ ભૌતિકશાસ્ત્ર દ્વારા અનુમોદન કર્યું હતું.
આ માટે LIGOને વર્ષ 2017નું ભૌતિકશાસ્ત્રનું નોબલ પારિતોષિક મળ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો