બ્લોગઃ શહેરી યુવા હોલીવૂડ સારી રીતે સમજે છે, ખેડૂતોને નહીં

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

શહેરી મધ્યમ વર્ગ માટે ખેડૂતો 'પરાયા' છે. ભણેલા-ગણેલા નગરવાસીઓની વાતચીતમાં ખેડૂત શબ્દ કેટલીવાર સાંભળવા મળે છે?

ટેલિવિઝન પ્રસારણ શરૂ થયાના દિવસોમાં દૂરદર્શન પર 'કૃષિ દર્શન' કાર્યક્રમ નિહાળતા શહેરી લોકોની બહુ મજાક ઉડાવવામાં આવતી હતી એ તમને કદાચ યાદ હશે.

એ મજાકના મૂળમાં એવી ધારણા હતી કે ખેતી તો અભણ, પછાત લોકોનું કામ છે. એવા લોકોના જીવનમાં પ્રબુદ્ધ શહેરી લોકોએ રસ શા માટે લેવો જોઈએ?

'ભારત એક કૃષિપ્રધાન દેશ છે' એ વાક્યનું સ્કૂલમાં રટણ ભણેલા બધા લોકોએ કર્યું હશે, પણ ભારતને કૃષિપ્રધાન દેશ બનાવતા લોકો વિશે એ વાક્ય કંઈ જણાવતું નથી.

180 કિલોમીટર પગપાળા ચાલીને આવેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનની ચર્ચા ટીવી ચેનલો પર અંતિમ દિવસોમાં થયાના બીજાં ઘણાં મોટાં કારણ છે.

એક કારણ એ પણ છે કે ટીવીના દર્શકો ખેડૂતોને નહીં, સેલિબ્રિટીઝને જોવા ઈચ્છે છે, એવું ન્યૂઝરૂમમાં નિર્ણય લેતા લોકો લગભગ તમામ લોકો માને છે.

'ક્રિકેટર શમીનો ઘરકંકાસવધુ મહત્ત્વનો'

ખેડૂતોની આત્મહત્યા સંબંધે ખુદને જ્ઞાની ગણતા લોકોનું વલણ બધા જાણે છે.

દર વર્ષે અનેક ખેડૂતો આત્મહત્યા કરે છે, પણ ટીવી ચેનલો કે જેને 'મેઇનસ્ટ્રીમ મીડિયા' કહેવામાં આવે છે તેના માટે એ કોઈ મોટી વાત નથી.

તેનું કારણ એ છે કે ખેડૂતોના મરવાથી ટીવી નિહાળતા દર્શકો દુઃખી થતા નથી, એવું માની લેવામાં આવ્યું છે.

ખેડૂતો આપણા બધાના જીવનનો આધાર છે અને તેઓ બરબાદ થાય તેનાથી, તેમની બદહાલીથી આપણને કોઈ ફરક પડતો નથી.

તમને આ વાંચવું પણ ગમશે:

પીવાનું શુદ્ધ પાણી મેળવવાનું આપણે માટે મુશ્કેલ બનતું જાય છે પણ આપણને કોઈ ફરક પડતો નથી.

શ્વાસ લેવાનું મુશ્કેલ છે, પણ મીડિયાએ તો આપણું મનોરંજન કરવું જોઈએ.

શહેરી મધ્યમ વર્ગ મૂર્ખ છે?

શું શહેરી મધ્યમ વર્ગ એટલો મૂર્ખ છે કે પોતાના માટે શું સારું - શું ખરાબ છે એ નથી સમજતો? કે પછી એ વર્ગને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે?

ક્રિકેટર મહમ્મદ શમીનો ઘરકંકાસ લાખો ખેડૂતોના પગમાં પડેલાં ફોડલાથી વધારે મહત્ત્વનો કેમ બની ગયો એ ઊંડાણપૂર્વક સમજવાના પ્રયાસ થવા જોઈએ.

'ખેડૂતો નપુંસકતાને કારણે આપઘાત કરી રહ્યા છે' અથવા 'કિસાનમંત્ર બોલીને વાવેતર કરશો તો પાક સારો થશે', એવું બોલીને જવાબદાર પ્રધાનો છટકી જાય છે.

આ બાબતે શહેરી મીડિયાનો પ્રતિભાવ ખરેખર હોવો જોઈએ તેવો હોતો નથી.

તેનું કારણ એ છે કે શહેરોમાં રહેતા મધ્યમ વર્ગના 30 ટકા લોકોએ ખુદને 'મેઇનસ્ટ્રીમ' માની લીધા છે અને બાકીની વસતીને હાંસિયામાં ધકેલી દીધી છે.

ટીવી ચેનલો ધ્યાનપૂર્વક નિહાળશો તો તમને ભાગ્યે જ એવો કોઈ ચહેરો દેખાશે, જેને દેશની 70 ટકા વસતી સાથે કોઈ સંબંધ હોય. ખેડૂતો એ 70 ટકા વસતીનો મોટો હિસ્સો છે.

સમાચારમાંથી જ નહીં, સીરિયલોમાંથી પણ ગાયબ

વાત માત્ર ન્યૂઝ ચેનલોની નથી. કઈ સીરિયલમાં ગામડું જોવા મળે છે? ગામડા તરફ નજર કરશો તો પછાત ગણાશો એમ માનવામાં આવતું હોય એવું લાગે છે.

ટીવી પર દર્શાવી શકાય તેવાં દુઃખ-દર્દ, હસીખુશી અને ડ્રામા ગામડામાં નથી હોતાં?

પણ બધી સીરિયલોમાં શ્રીમંત પરિવારોની સાસુ-વહુઓના ઝઘડા દેખાડવામાં આવે છે. આ જ મેઇનસ્ટ્રીમ છે, બાકીના 70 ટકા નહીં.

જેમના બાપ-દાદા ગામડામાંથી શહેરમાં આવ્યા હતા અને ખેતી જ કરતા હતા, તેમની બીજી-ત્રીજી પેઢી ખેડૂતોને પરાયા સમજવા લાગી છે. પરાયાની પીડાથી તેમને તકલીફ નથી થતી.

મુંબઈ પહોંચેલા ખેડૂતોના પગમાંનાં છાલાં પરાયા લોકોના પગમાંના છાલાં છે. પોતાના લોકોના પગમાં છાલાં પડ્યાં હોત તો તેમને વધારે તકલીફ થઈ હોત.

એક સ્કૂલમાં એક બાળકની હત્યા દુઃખદ છે. દિલ્હીની એક સ્કૂલમાં એવું થયું ત્યારે આખો દેશ હચમચી ઉઠ્યો હોય એવું લાગ્યું હતું. ટીવી ચેનલો પર લાઈવ અપડેટ આવતી હતી.

એ જ બાળક ગામની કોઈ શાળામાં મર્યું હોત તો બહુ ફરક પડ્યો ન હોત, કારણ કે તમારી નજરમાં એ પરાયા બનાવી દેવામાં આવ્યા છે.

ગામડાં અને શહેરો વચ્ચેનું અંતર વધ્યું

ગામડાં અને શહેરોમાં રહેતા લોકો વચ્ચેનું અંતર છેલ્લાં 20 વર્ષમાં બહુ વધ્યું છે. તેનાં અનેક કારણો છે, પણ મહદ્અંશે બન્ને એકમેક માટે અજાણ્યા બની ગયાં છે.

તેમાં ખુદને અપમાર્કેટ સમજતા શહેરી મીડિયાએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. શહેરી મીડિયા માત્ર 'ફીલ ગૂડ' વેચવા ઈચ્છે છે.

તેને જાહેરાતના અર્થકારણને હિસાબે તેને યોગ્ય ઠરાવવાનું તાર્કિક લાગવા માંડે છે.

અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં શહેરની યુવા પેઢી હોલીવૂડ વધારે સારી રીતે સમજાય છે, ખેડૂતો કે આદિવાસીઓ નહીં.

કૃષિપ્રધાન દેશના અન્નદાતા ખેડૂતોની ઉપેક્ષાનું એક કારણ એ પણ છે કે તેઓ જ્ઞાતિઓમાં, રાજ્યોમાં, ક્ષેત્રોમાં વિભાજીત છે.

જે રીતે રાજસ્થાનના રાજપૂત મતોની, હરિયાણાના જાટ મતોની કે કર્ણાટકના લિંગાયત મતોની ચિંતા કરવામાં આવે છે એવી ચિંતા ખેડૂતોના મતોની કરવામાં આવતી નથી.

ચૂંટણીમાં ખેડૂતોની વાત

નેતાઓ ખેડૂતોને હંમેશા નજરઅંદાજ કરે છે એવું નથી.

ખેડૂતોની જેટલી વાતો થાય છે એ બધી નેતાઓ જ કરે છે, ચૂંટણી પહેલાં જ કરે છે. તેમની લોન માફ કરવામાં આવી છે, કારણ કે સંખ્યાબંધ મતવિસ્તારો ગ્રામીણ ક્ષેત્રમાં છે.

ગામડાંની ઉપેક્ષાની અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી હતી, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ગ્રામીણ વિસ્તારોની બેઠકો ગૂમાવવી પડી હતી.

વડાપ્રધાન અને દેશના કૃષિ પ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા રહે છે.

કિસાન ચેનલ પર ખેડૂતોના ઊજળા ભવિષ્યની ઝલક દેખાડવામાં આવે છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ પણ દર્શાવવામાં આવે છે, પણ ખેડૂતો દેશના શહેરી મધ્યમ વર્ગના શિક્ષિત લોકોની ચેતનામાં ક્યાં છે?

મુંબઈમાં વિરોધ પ્રદર્શિત કરવા આવેલા લોકોમાં આદિવાસીઓ પણ હતા, જેઓ જંગલ પર તેમના અધિકારની માગણી કરે છે.

ખેડૂતોની સરખામણીએ આદિવાસીઓ વધારે પરાયા છે. આદિવાસી શબ્દ ઉચ્ચારતાં શહેરીઓના મનમાં વિચિત્ર વસ્ત્રો પહેરીને 'ઝિંગા લા લા હુર્ર' જેવાં ગીતો ગાતા લોકોની તસવીર ઊભરે છે.

આદિવાસીઓ વિશે દેશના લોકો બહુ ઓછું જાણે છે અને તેઓ જાણવા ન ઇચ્છતા હોય એવું પણ લાગે છે.

પરાયાપણાના આ દૌરમાં મુંબઈના સામાન્ય લોકોએ પ્રદર્શનકર્તાઓ સાથે જેટલું પોતાપણું દેખાડ્યું છે એ રાહતની વાત છે.

જોકે, તેનું મોટું કારણ પ્રદર્શનકર્તાઓનો અદભૂત સંયમ અને શાંતિપૂર્ણ અભિગમ પણ છે, જેમણે મુંબઈના જનજીવનમાં ઓછામાં ઓછી તકલીફ થાય એટલા માટે રાતે ચાલવાનો નિર્ણય કર્યો હતો.

એ લોકો વિશે તમે જાણશો તો એ પણ સમજી શકશો કે પગમાં પડેલાં છાલાને કારણે જેવી પીડા તમને થાય છે એવી જ એમને થાય છે, પણ એ બધુ ટીવી પર જોઈને એ જાણી કે સમજી નહીં શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો