ઉત્તર કોરિયાની એક પૂર્વ મહિલા સૈનિકે ખુલાસો કર્યો

ઉત્તર કોરિયાની એક મહિલા સૈનિકે કહ્યું છે કે દુનિયાની ચોથી સૌથી મોટી સેનામાં હાલત એટલી ખરાબ છે કે મોટાભાગની મહિલાઓનું માસિક સમયથી પહેલા અટકી જાય છે.

લી સો યેઆનના કહેવા પ્રમાણે, અહીં બળાત્કાર મહિલા સૈનિકોનાં જીવનનું સત્ય છે.

તેઓ 10 વર્ષ સુધી એવા રૂમમાં રહ્યાં જેમાં બે ડઝન બીજી મહિલાઓ પણ રહેતી હતી. દરેક મહિલાને એક જ ડ્રોઅર આપવામાં આવતું હતું. જેના પર તેમને માત્ર બે જ ફોટા લગાવવાની પરવાનગી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

એક ઉત્તર કોરિયાના સંસ્થાપક કિમ ઇલ-સૂંગ અને બીજા તેમના વારસ અને અત્યારના મુખ્ય નેતા કિમ જોંગ ઇલની.

જોકે, લી સો યેઆને દસ વર્ષ પહેલા ઉત્તર કોરિયા છોડી દીધું હતું, પરંતુ ત્યાંની યાદો આજે પણ તેમને હલાવી દે છે.

એ કહે છે, "ચોખાની ભૂસીની પથારીમાં તેમને સૂવું પડતું હતું. જેના કારણે પરસેવાની વાસ તેમની પથારીમાં પ્રવેશી જતી હતી. આખી પથારીમાં પરસેવાની અને બીજી વસ્તુઓની તીવ્ર વાસ આવતી હતી. નહાવા ધોવાની પણ કોઈ સારી વ્યવસ્થા નહતી"

દુકાળે કર્યાં વિવશ

લી સો યેઆન કહે છે, "એક મહિલા તરિકે સૌથી મોટી સમસ્યા હતી ન્હાવાની. અમે સરખી રીતે નાહી પણ શકતા નહતા."

એમના પ્રમાણે, " ગરમ પાણીની વ્યવસ્થા નહોતી. પહાડના ઝરણાઓ સાથે એક પાઇપ જોડી દેવામાં આવતી અને સીધા એ જ પાણીથી ન્હાવું પડતું હતુ. "

એ કહે છે કે એ પાણીમાં દેડકા અને સાપ પણ નીકળી આવતાં હતાં.

41 વર્ષની સો યેઆન પ્રોફેસરની દીકરી છે અને દેશના ઉત્તરના હિસ્સમાં તેમનો ઉછેર થયો હતો.

એમના પરિવારના મોટાભાગના લોકો સૈનિક હતા. 1990ના દાયકામાં દેશમાં વિનાશકારી દુકાળ પડ્યો હતો, એટલે તેમણે ખુદ જ આર્મી સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો.

એ વખતે હજારોની સંખ્યામાં મહિલાઓ આર્મીમાં જોડાઈ હતી.

'નોર્થ કોરિયાઝ હિડન રિવોલ્યુશન' ચોપડીની લેખિકા જિઉન બેક કહે છે, "દુકાળે ઉત્તર કોરિયાની મહિલાઓની મુશ્કેલીઓ વધારી દીધી હતી. મહિલાઓને મજૂરી કરવી પડી. તેઓ યૌન શોષણ અને યૌન હિંસાની શિકાર બન્યાં."

જોકે, એ વખતે 17 વર્ષની લી સો યેઆને તેના સૈનિક જીવનનો આનંદ પણ લીધો હતો. હેર ડ્રાયર મળવાના કારણે તે ખૂબ ખુશ હતી, પરંતુ લાઇટ બહુ ઓછી આવતી હતી એટલે તેનો ઉપયોગ ઓછો કરી શકતી હતી.

કુપોણથી અટકી જાય છે માસિક સ્ત્રાવ

પુરુષો અને મહિલાઓના રોજના કામ લગભગ એક જ જેવા હતા. મહિલાઓને શારીરિક કસરત થોડી ઓછી કરવી પડતી હતી.

પરંતુ મહિલાઓને સાફસફાઈ અને જમવાનું બનાવવું પડતું હતું, જેમાંથી પરુષોને છૂટ આપવામાં આપી હતી.

'નોર્થ કોરિયા ઇન 100 ક્વેશ્ચ્યન' ની લેખિકા જૂલિએટ મોરિલૉટ કહે છે, "ઉત્તર કોરિયામાં પારંપરિક રીતે પુરુષ પ્રધાન સમાજ છે અને હજી પણ એવું જ છે."

તેઓ કહે છે કે મહિલાઓ ઉપર હજી પણ રસોડાની જવાબદારી છે.

સઘન તાલીમ અને ઓછું ખાવાનું મળવાના કારણે લી સો યોઆન અને તેમની સાથી મહિલાઓના શરીર પર આડઅસર પડી હતી.

એ કહે છે, "તણાવ અને કોપોષણના કારણે આર્મીમાં કામ કરતી મહિલાઓનું માસિક છ મહિનાથી લઈને એક મહિનાની અંદર જ અટકી જાય છે."

તેઓ આગળ કહે છે, "મારી સાથી મહિલા સિપાહીઓ માસિક બંદ થવાના કારણે ખુશ થતી હતી, કારણ કે માસિક સ્ત્રાવ વખતે તેમને વધારે તકલીફ થતી હતી."

સો યેઆન કહે છે કે સેનામાં પીરિયડ્સના દિવસો માટે અલગથી કોઇ જ કાયદા નહોતા. એમને સેનેટરી પૅડ્સનો ઉપયોગ એક કરતા વધુ વાર કરવો પડતો હતો.

સૅનિટરી પૅડ્સની અછત

જૂલિએટ મોરિલૉટ કહે છે કે આજે પણ મહિલાઓ સૅનિટરી પૅડ્સનાં બદલે સુતરાઉ કપડાંનો ઉપયોગ કરે છે. જેને પુરુષોની જોઈ ન જાય તેમ વહેલી સવારે સાફ કરવા પડે છે.

20 વર્ષની તેમની એક સાથીને એટલી કઠણ તાલીમ આપવામાં આવી કે તેનું માસિક બે વર્ષમાં જ બંધ થઈ ગયું હતું.

જોકે, લી સો યેઆન તેમની મરજીથી આર્મીમાં જોડાયાં હતાં. પરંતુ 2015માં 18 વર્ષની બધી જ મહિલાઓને સાત વર્ષ માટે સેનામાં જોડાવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું.

એજ સમયે સરકારે બધી જ મહિલા યુનિટમાં સૅનિટરી પૅડ્સ પહોંચાડવાની જાહેરાત કરી હતી.

મોરિલૉટ કહે છે કે હાલમાં કેટલાક યુનિટમાં સૅનિટરી પૅડ્સ પહોંચાડાયાં છે. આમ છતાંય દૂરના વિસ્તારોમાં મહિલા સૈનિકોને આ સુવિધા નથી મળતી.

તેમના માટે ટોયલેટ પણ નથી હોતા. ક્યારેક તેમને પુરુષોની સામે જ શૌચક્રિયા કરવી પડે છે.

બળાત્કારની ઘટનાઓ

લી સો યેઆન કહે છે કે 1992 અને 2001 વચ્ચે જ્યાં સુધી તેઓ સેનામાં રહ્યાં તેમની સાથે રેપની કોઈ ઘટના નહોતી ઘટી, પરંતુ બીજી ઘણી મહિલા સૈનિકો સાથે દુષ્કર્મ થયાં હતાં.

એ જણાવે છે, "કંપની કમાંડર યુનિટના તેમના રૂમોમાં બંધ રહેતા હતા અને મહિલા સૈનિકોનો રેપ કરતા હતા. આવી ઘટના વારંવાર ઘટતી હતી."

બીજી તરફ, ઉત્તર કોરિયાની સેના એવો દાવો કરે છે કે તે યૌન ઉત્પીડનને બહુ ગંભીરતાથી લે છે. તેમના કાયદામાં બળાત્કાર માટે સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

નદી તરીને દેશથી ભાગ્યાં

લી સો યેઆન દક્ષિણ કોરિયાની સરહદ પાસેની એક સિગ્નલ યુનિટમાં સારજન્ટનાં પદ પર તહેનાત હતાં. તેમણે 28 વર્ષની ઉંમરે સેનાને અલવિદા કહી દીધું.

એમને પરિવાર સાથે સમય વ્યતિત કરવા સેનામાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ તે વખતે તે સેનાની બહારની દુનિયા માટે તૈયાર નહતાં. તેમને ખૂબ જ આર્થિક સંઘર્ષ કરવો પડ્યો હતો.

વર્ષ 2008માં તેમણે દક્ષિણ કોરિયા છોડવાનો નિર્ણય લીધો. પહેલી વખત ભાગ્યા તો ચીન પાસેની સરહદ પર પકડાઈ ગયાં અને એક વર્ષ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યાં.

જેલથી છૂટ્યા પછી બીજા પ્રયત્નમાં તે સફળ રહ્યાં. ટૂમેન નદી તરીને તેઓ ચીન પહોંચ્યાં, જ્યાં એક દલાલની મદદથી તેઓ દક્ષિણ કોરિયા પહોંચ્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો