કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેની નજરે ઇંદિરા ગાંધી

શિવસેનાના સ્થાપક અને કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેની 17 નવેમ્બરે પુણ્યતિથિ હતી અને આ વર્ષ ઇંદિરા ગાંધીનું જન્મશતાબ્દી વર્ષ છે.

કોંગ્રેસ વિરુદ્ધ રાજનીતિ કરનારા બાલ ઠાકરેએ તેમના કાર્ટૂન્સનાં માધ્યમથી ઇંદિરા ગાંધીને ઘણી વખત નિશાન બનાવ્યાં હતાં.

એ જ બાલ ઠાકરેએ ઇંદિરા ગાંધીની હત્યા પર તેમને શ્રદ્ધાંજલિ આપતું કાર્ટૂન પણ બનાવ્યું.

તમને આ વાંચવું પણ ગમશેઃ

બીબીસી રજૂ કરે છે, બાલ ઠાકરેએ ઇંદિરા ગાંધી પર બનાવેલાં કાર્ટૂન્સમાંથી પસંદ કરેલા ખાસ 10 કાર્ટૂન્સ, જેમાંથી કેટલાંક કાર્ટૂન આજે પણ એટલાં જ પ્રસ્તુત છે.

1. ગરીબી હટાવો' (વર્ષ 1971)

આજે જે રીતે 'અચ્છે દિન'નાં સૂત્રની બોલબાલા છે, એ જ રીતે ઇંદિરા ગાંધીના સમયમાં 'ગરીબી હટાવો'નું સૂત્ર ચલણમાં હતું. ઇંદિરા ગાંધીએ 'ગરીબી હટાવો'નું સૂત્ર આપ્યું તો ખરું, પરંતુ તેમનો ચૂંટણી પ્રવાસ વૈભવી રીતે થતો હોવાની ટીકા વિરોધપક્ષોએ કરી હતી. એ વિષય પર બાલ ઠાકરેનું આ કાર્ટૂન...

2. કશ્મીરી ગુલાબના કાંટા (વર્ષ 1975)

કશ્મીરની સમસ્યા આજે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. 1975માં કશ્મીરમાં શેખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો. આ વિશે બાલાસાહેબે ટિપ્પણી કરી હતી કે, કશ્મીરી ગુલાબના કાંટા લોહીલુહાણ કરી રહ્યા છે.

3. મુસીબતો વધી ગઈ (વર્ષ 1967)

ઇંદિરા ગાંધીએ કોંગ્રેસ અને સત્તાનું સુકાન સંભાળ્યા બાદ તરત થયેલી ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ સહિત નવ રાજ્યોમાં કોંગ્રેસ વિરોધી પક્ષોનો વિજય થયો હતો. એ વિશે બાલાસાહેબે કહ્યું, 'નાકી નવ આલે' (એટલે કે 'પરેશાન થઈ ગયાં')

4. વાહ રે સદિચ્છા! (વર્ષ 1975)

અમેરિકા ભારત તરફ છે કે પાકિસ્તાન તરફ? એનો જવાબ આજે પણ નથી મળતો. 1975માં અમેરિકાના તત્કાલીન વિદેશમંત્રી હેન્રી કિસિંજર ભારતના પ્રવાસે આવ્યા હતા, એ સમયે બાલ ઠાકરેએ આ કાર્ટૂન બનાવ્યું હતું.

5. 'મારી બદનામીનું કાવતરું' (વર્ષ 1977)

કટોકટીની તપાસ માટે જનતા સરકારે શાહ પંચની નિમણૂક કરી હતી. ઇંદિરા ગાંધીએ દાવો કર્યો હતો કે એ તેમને બદનામ કરવા માટેનું કાવતરું હતું. બાલ ઠાકરેએ કાર્ટૂનમાં દર્શાવ્યું કે, હકીકતમાં સંજય ગાંધી ઇંદિરા ગાંધીના ચહેરા પર કાળો કૂચડો ફેરવી રહ્યા છે.

6. 'કેક ક્યાં છે?' (વર્ષ 1978)

1978માં કોંગ્રેસનું વધુ એક વખત વિભાજન થયું હતું. યશવંતરાવ ચવ્હાણ અને બ્રહ્માનંદ રેડ્ડી જેવા વરિષ્ઠ નેતાઓ પણ એ વિભાજન ન રોકી શક્યા. એ વિષય પર બાલ ઠાકરે એ કાર્ટૂન બનાવ્યું કે આ બન્ને નેતાઓ જર્જરિત થયેલી કોંગ્રેસને ઇંદિરા ગાંધી તરફ લાવી રહ્યા છે.

7. અમારી સ્વાતંત્ર્યદેવતા (વર્ષ 1982)

વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો આજે પણ ચર્ચાનો મોટો વિષય છે. ઇંદિરા ગાંધીના સમયમાં પણ આ મુદ્દો ચર્ચામાં હતો. ઇંદિરા ગાંધી પેલેસ્ટાઇનની જનતાનું સમર્થન કરી રહ્યાં હતાં. જ્યારે ભારતમાં તેમનાં પર એ આક્ષેપ થઈ રહ્યો હતો કે તે વ્યક્તિગત સ્વતંત્રતાને દબાવી દેવાની કોશિશ કરી રહ્યાં છે.

8. ખુલી હવામાંથી 'ઘર-વાપસી' (વર્ષ 1983)

જનતા પાર્ટીને હરાવીને ઇંદિરા ગાંધી પુનઃ સત્તામાં આવ્યાં. શરૂઆતના થોડા દિવસો સારા વિત્યા, પરંતુ પછી દેશની સ્થિતિ બદલાવા લાગી. ઠેકઠેકાણે તોફાનો થયાં, પંજાબમાં ઉગ્રવાદ વધવા લાગ્યો. આ વિષય પર બાલ ઠાકરેએ કાર્ટૂન બનાવ્યું કે ઇંદિરા ગાંધી સત્તામાં તો આવ્યાં, પરંતુ તેમને ફરીથી સમસ્યાઓએ ઘેરી લીધાં.

ગરીબી હટાવો અને ઇંદિરા કોંગ્રેસ હટાવો (વર્ષ 1983)

'અચ્છે દિન'નાં સૂત્રની અસર જે રીતે ઓછી થઈ રહી છે, એવી જ રીતે 1983માં 'ગરીબી હટાવો' સૂત્રની અસર ઘટી રહી હતી. એ સમયે બાલ ઠાકરેએ કાર્ટૂન બનાવ્યું હતું કે ઇંદિરા ગાંધી ગરીબી હટાવોનું સૂત્ર બોલી રહ્યાં છે, તો લોકો ઇંદિરા કોંગ્રેસ હટાવવાની માંગણી કરી રહ્યા છે.

નિશબ્દ (વર્ષ 1984)

1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઈ. રાજકારણમાં તેમનાં કઠોર ટીકાકાર રહેલા બાલ ઠાકરેએ તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો