You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિકની કથિત સીડી : ગુજરાતની રાજનીતિનું નિમ્ન સ્તર?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની આ ચૂંટણીમાં પહેલી વખત રાજકારણનું કદ વધતાની સાથે જ ચારિત્ર્યહરણ પર ઉતરી આવ્યા છે.
ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીની ચૂંટણીઓમાં ધીરે ધીરે ભાષાનું અધઃપતન થઈ ગયું હતું.
પરંતુ ચારિત્ર્યહનન ક્યારેય થયું ન હતું. આ વખતે ચૂંટણીમાં એવા પેંતરા અપનાવાઈ રહ્યા છે કે સામેની વ્યક્તિનું ચારિત્ર્યહનન થઈ રહ્યું છે.
રાજકારણમાં અગત્યનું ફેક્ટર બનનાર વ્યક્તિની સેક્સ સી.ડી, દારૂ પીતી સીડી ટીવી અને ચેનલો પર પહોંચાડવામાં આવી રહી છે.
આ બધા પેંતરા કરતો દરેક રાજકીય પક્ષ એમ માને છે કે એનાથી કોઈ રાજકીય લાભ લઈ શકાય.
નિમ્ન કક્ષાની રાજનીતિ
ચૂંટણીમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર મુદ્દો બનતો હોઈ કઈ પાર્ટીએ વિકાસ કર્યો અને કોણે ન કર્યો,
કોણે મતદારોને મૂર્ખ બનાવ્યા એવા પ્રહાર થતા હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ક્યારેય અંગત પળોની સીડી કે દારૂની બોટલ કોઈનું નિશાન નથી બન્યું કે કોઈના નિશાન પર નહોતી. બિહાર અને યુ.પીની ચૂંટણીઓમાં આવા પ્રયાસો થયા છે.
તમને આ પણ વાંચવું ગમશે
નેતાઓ બાર ડાન્સર સાથે બિભત્સ નાચ કરતાં હોય એવી સી.ડી બહાર આવતી હતી.
પરંતુ ટીઆરપીની હોડમાં કોઇક દ્વારા અપાયેલી સી.ડી સાથે સહમત નથી એમ કહીને દિવસભર બેડ રૂમના દ્ર્શ્યો ડ્રોઇંગ રૂમના ટીવી પડદે દેખાવા લાગ્યા છે.
કોઇકના વ્યક્તિગત જીવનની અંગત પળો આ પ્રકારે જાહેર થાય એ ગુજરાતના રાજકારણમાં પહેલી વાર બન્યું છે.
જીત માટેની આવી હરિફાઈ ગુજરાત માટે જોખમી
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના લગ્નેતર સંબંધોની વાત જ્યારે જાહેર થઈ હતી ત્યારે પણ એ મુદ્દો ચૂંટણીમાં ક્યારેય ઉછાળવામાં આવ્યો ન હતો.
આ આખી પ્રક્રિયાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા અલગ રીતે જુએ છે.
સુરેશ મહેતા કહે છે કે, "આવી રીતે પહેલા સંજય જોષીની કથિત સેક્સ સી.ડી બહાર આવી હતી. પણ એ પાર્ટીની અંદરની વાત હતી."
"પણ કોઈની અંગત પળોને ખુલ્લે આમ બહાર લાવવી અને તે હદે નીચે જઈ રહેલું સ્તર ખૂબ જ દુઃખદ છે."
"50 વર્ષના રાજકારણમાં આવી નિમ્ન કક્ષાની રાજકીય લડાઈ ક્યારેય જોઈ નથી. અમે પણ જાહેર જીવનની ઘણી વાતો જાણતા હતા."
"પરંતુ ક્યારેય આવી વિચિત્ર હરકતો જોઈ નથી. જીત માટેની આવી હરિફાઈ ગુજરાત માટે જોખમી છે."
સેક્સની બાબતે ટેબૂ
સુરેશ મહેતા ઘણા ખરા અંશે સાચા છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં દારૂ પીવાય છે. સેક્સની બાબતે ટેબૂ છે. એટલે એમાં પણ પકડાય એ ચોર છે.
ગુજરાતમાં દારૂ અને પરસ્પર લાભાલાભનો સેક્સ સંબંધ એ અન્ડર સરફેસમાં વર્ષોથી ચાલે છે.
ગુજરાતમાં રીચ અને કેપિટલિસ્ટ ક્લાસમાં આ કલ્ચર જાણીતું છે.
ફાર્મ હાઉસમાં કેટલાક વગદાર વ્યક્તિઓને ખુશ કરવા આ પ્રકારના ખેલ ખેલાય છે.
આ કલ્ચર રીચ અને કેપિટાલિસ્ટ ક્લાસ દ્વારા ગુજરાતમાં ઇનપૂટ કરવામાં આવ્યું છે.
પરંતુ સેક્સ અને શરાબ એક ટેબૂ હોવાથી તેના પર કોઈ વાત કરવા તૈયાર નથી.
2017ની ચૂંટણી અને હાર્દિક
જાણીતા સેફોલોજિસ્ટ અને તાલીમ રીસર્ચ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. વિનોદ અગ્રવાલ કહે છે, "રીચ અને કેપિટાલિસ્ટ ક્લાસ સફેદ ખાદીવાળા લોકોને 90ના દાયકાથી આ દૂષણમાં ઇન્વોલ્વ કરીને પોતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે."
"આ પ્રકારે એ લોકો પોલિટિકલ પાવર કબ્જે કરી લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ અગાઉ એનો ક્યારેય ચૂંટણીમાં ઉપયોગ થયો નથી."
રાતોરાત પટેલ નેતા બની ગયેલા હાર્દિક પટેલની કથિત સી.ડી બહાર આવવા પાછળનું પણ કારણ ડૉ. વિનોદ અગ્રવાલ એ રીતે જૂએ છે, "2017ની ચૂંટણીમાં હાર્દિક તીન પત્તીની રમતમાં ત્રણ એક્કા લઈને બેઠેલો ગણાતો હતો."
"એને ખાળવા માટે સોશિઅલ મીડિયાનો અને મીડિયાને ઉપયોગ કરીને ફરીથી રીચ અને કેપિટાલિસ્ટ લોબી પોતાનું પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ જાળવી રાખવાના પ્રયાસમાં હોય એમ દેખાય છે."
મીડિયાની માહિતીની વિશ્વસનીયતા ઘટી
આવી સી.ડી બહાર આવવાથી લોકોને સોશિઅલ મીડિયા અને મીડિયામાં આવતી માહિતી વિશ્વસનીય (ઉર્ફે ટ્રસ્ટવર્ધી) નથી લાગતી.
ડૉ. વિનોદ અગ્રવાલે કરેલા છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે અને મીડિયામાં જે રીતે રામ રહીમ, હનીપ્રિત, આશારામ સમેત બાબાઓની કહાણીઓમાં મસાલા ભરાઈ ભરાઈને સમાચાર બને છે.
તેના કારણે મોટા ભાગના લોકોને આવી ઉટપટાંગ માહિતીમાં વિશ્વસનીયતા રહી નથી.
ગુજરાતમાં ચૂંટણી વખતે પહેલી વાર થયેલા સી.ડી કાંડની ગામડાં, પછાતવર્ગ અને મહીલાઓ પર કેવી અસર થાય છે એ કહેવું અઘરૂં છે.
પરંતુ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા કાઉન્ટર એટેકે ગુજરાતના લોકોમાં સેક્સ અને શરાબના ટેબુને અગાઉની સરખામણીએ મંદ કર્યો છે.
એટલું જ નહીં મોટા ભાગના લોકો આને ઝડપથી ભૂલી જશે.
ડો. વિનોદ અગ્રવાલના મતે ભૂતકાળમાં લાંચ પ્રકરણોની સી.ડીને લોકો ભૂલી ગયા છે એમ એની અસર લાંબી નહીં દેખાય.
પરંતુ ગુજરાતના રાજકારણમાં આવા પેંતરા રાજકારણના સ્તરને નીચું જરૂર લાવી દેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો