ખરેખર બ્લૂ વ્હેલ ગેમ બાળકોનો ભોગ લઈ રહી છે?

    • લેેખક, અપર્ણા અલ્લૂરી
    • પદ, બીબીસી ન્યૂઝ

બ્લૂ વ્હેલ ચેલેન્જને લઈને ભારતમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બાળકો અને યુવાનોની આત્મહત્યાના ઘણા કિસ્સાઓને આ ચેલેન્જ સાથે જોડવામાં આવી રહ્યાં છે.

જો કે પોલીસે આ મૃત્યુ અને ચેલેન્જ વચ્ચે સીધો સંબંધ હોવાની વાત ફગાવી છે. ઘણા દેશોમાં બાળકો દ્વારા આત્મહત્યા કરવા પાછળ આ ચેલેન્જનો ઉલ્લેખ છે પરંતુ પોલીસ સચોટ રીતે કહી શકી નથી કે આ પ્રકારની કોઈ ચેલેન્જ વાસ્તવમાં છે કે નહીં?

અમૂક દિવસો પહેલાં આત્મહત્યા કરનારા કેટલાંક બાળકોનાં માતા-પિતાએ પત્રકારોને જણાવ્યું કે તેમણે આ પગલું બ્લૂ વ્હેલનાં પ્રભાવમાં આવીને ભર્યું છે. તેની સામે આવા આરોપોની પણ પોલીસ પુષ્ટિ કરી શકી નથી.

પરંતુ ભારતીય મીડિયાએ બાળકોની આત્મહત્યા અને બ્લૂ વ્હેલ વચ્ચે કથિતરૂપથી સંબંધ હોવાની વાતને મોટા સ્તર પર કવર કરી છે અને હવે વહિવટકર્તાઓને આ 'બ્લૂ વ્હેલના ખતરા'થી બહાર આવવામાં મુશ્કેલી જણાઈ રહી છે.

તમને આ વાંચવું ગમશે

શુક્રવારે ભારતની સુપ્રીમ કોર્ટ આ કથિત ચેલેન્જને બેન કરવાની માંગ કરનારી અરજીની સુનાવણી કરશે.

આ પહેલાં, કેન્દ્ર સરકારે ફેસબુક, ગૂગલ, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને બ્લૂ વ્હેલ સંબંધિત ગ્રુપ કે સાઈટ્સની કથિત લિંક હટાવવા માટે જણાવ્યું હતું, પરંતુ તે સ્પષ્ટ નથી કે આ કાર્ય કઈ રીતે કરવું.

એક્સપર્ટ અફવા માની રહ્યાં છે

આ વચ્ચે શાળાઓએ પણ બાળકોને બ્લૂ વ્હેલના ખતરાની ચેતવણી આપવાનું શરૂ કરી દીધું છે.

ઉત્તર પ્રદેશમાં વહિવટકર્તાઓએ શાળાઓમાં સ્માર્ટફોન બેન કરી દીધા છે અને પંજાબની એક શાળાએ વિદ્યાર્થીઓને અડધી સ્લિવવાળા કપડાં પહેરવાની સૂચના આપી હતી. જેથી તેઓ વ્હેલ જેવા દેખાનારા ટેટૂ ચેક કરી શકે. કથિત રીતે આ ટેટૂને બ્લૂ વ્હેલ ચેલેન્જમાં સામેલ થવાનો પુરાવો માનવામાં આવે છે.

પરંતુ ઈન્ટરનેટ એક્સપર્ટ માને છે કે બ્લૂ વ્હેલ ચેલેન્જ એક માત્ર અફવા છે. યૂકે સેફર ઈન્ટરનેટ સેન્ટરે આને 'સાવ બોગસ ખબર' જણાવી હતી.

સૌ પ્રથમ રશિયન મીડિયામાં આ ચેલેન્જના કારણે આત્મહત્યા થવાની ખબર સામે આવી હતી, પરંતુ હવે તે ખોટી માનવામાં આવી રહી છે.

પરંતુ ભારતના મીડિયામાં કથિતરૂપથી બ્લૂ વ્હેલને લઈને આત્મહત્યા કરવાના સતત કેસો સામે આવી રહ્યાં છે અને તેવામાં શાળાઓ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી.

પંજાબની સ્પ્રિંગ ડેલ શાળાના આચાર્ય રાજીવ શર્માએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું, ''મારા મતે આ એકદમ ડ્રગ્સ સમાન છે. આ દિશામાં એક પગલું પણ આગળ વધવું ન જોઈએ.''

તેઓએ વધુમાં જણાવ્યું, ''માત્ર એક મંત્ર યાદ રાખો- જીવનથી વિશેષ કશું જ નથી.''

રાજીવ શર્માનું ભાષણ સાંભળ્યા બાદ એક વિદ્યાર્થી શિવરામ રાય લૂથરાએ બીબીસીને જણાવ્યું, ''હું ખુબ જ ડરી ગયો હતો. જો કોઈ વસ્તુ તમારી સાથે આવું કરી શકે છે તો તમારે તેનું પરીક્ષણ પણ કરવું ન જોઈએ. તમારે તેને સર્ચ કરવાનું તો દૂર પરંતુ તેના વિશે વિચારવું પણ ન જોઈએ.''

શાળાઓ અજાણ રીતે કરી રહી છે પ્રચાર

પરંતુ બ્લૂ વ્હેલને લઈને શાળાઓમાં ચાલી રહેલા આ પ્રકારના કાર્યક્રમોને બધાં જ લોકો યોગ્ય માનતા નથી.

ઈન્ટરનેટ રિસર્ચર સુનીલ અબ્રાહમે બીબીસીને જણાવ્યું, ''શાળા બ્લૂ વ્હેલ પર સેશન કરીને તેનો પ્રચાર કરી રહી છે.'' તેઓ વધુમાં કહે છે કે માત્ર બ્લૂ વ્હેલ પર શું કામ વાતો થઈ રહી છે. ઈન્ટરનેટ સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ પર વાત થવી જોઈએ. જેમાં ઓનલાઈન બુલિંગ અને સેક્સટિંગ પણ સામેલ છે.''

તે કહે છે, ''આપણે નૈતિક ગભરામણમાંથી પસાર થઈ રહ્યાં છીએ. જેનાથી તે કારણોની ઉપેક્ષા થાય છે, જેના કારણે લોકો વાસ્તવમાં આત્મહત્યા કરે છે.''