You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં બાળકો સુરક્ષિત કેમ નથી?
- લેેખક, રિદ્ધિમા મલ્હોત્રા
- પદ, બીબીસી ડૉટ કોમ
બાળકો માટે સૌથી સુરક્ષિત જગ્યાઓ પણ હવે સુરક્ષિત નથી રહી. છેલ્લા કેટલાક દિવસોથી નાના બાળકોનું તેમના ઘરે અને સ્કૂલમાં જ જાતીય શોષણ થતું હોવાના સમાચાર જોવા મળી રહ્યા છે.
ગુરુગ્રામની એક શાળામાં સાત વર્ષના બાળકની યૌન શોષણ બાદ ક્રુરતાપૂર્વક હત્યા થઈ. દિલ્હીની ખાનગી શાળામાં પાંચ વર્ષની બાળકી પર ચપરાસીએ કરેલા બળાત્કાર. આ ઘટનાઓએ બાળકો માટે પહેલાથી જ ચિંતિત રહેતા માતા-પિતાની ધીરજની કસોટી લઈ લીધી છે.
નજીકના સબંધી દ્વારા બળાત્કારને લીધે દસ અને તેર વર્ષની બાળકીઓના ગર્ભવતી થવાની ઘટનોઓએ પણ મોટો સવાલ સર્જ્યો છે કે, બાળકો તેમના જ ઘરમાં કેટલા સુરક્ષિત છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્ઝ અનુસાર વર્ષ 2015માં બાળકો વિરુદ્ધ થયેલા 91,172 અપરાધમાંથી 42,520 એટલે કે 45.50 ટકા અપરાધો જાતીય શોષણ સંબંધિત હતા.
બાળ અધિકાર સમુહો દ્વારા એકત્રિત આંકડા જણાવે છે કે, બાળકો સાથે થતાં બળાત્કારના કિસ્સાઓમાં ઓછામાં ઓછા 94% કિસ્સામાં અપરાધી આવા બાળકોના પરિચિત જ હતા. જ્યારે 35% અપરાધી તેમના પાડોશી હતા અને 10% તો તેમના પરિવારના સભ્ય અને સંબંધી હતાં.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા 2007માં કરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારતમાં બાળકોના જાતીય શોષણનો દર 53% છે, જે 19.7% પુરૂષ અને 7.9% મહિલાના વૈશ્વિક દરથી વધુ છે.
આફ્રિકામાં બાળ યૌન શોષણનો દર 34.4 % છે. જે સર્વાધિક છે. વળી,સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ આફ્રિકાની છે, જ્યાં આ દર 60 ટકા છે.
ભારત સરકાર દ્વારા કરાયેલ અભ્યાસ અનુસાર બાળ મજૂરી દરમિયાન બાળકોના જાતીય શોષણનું સૌથી વધારે જોખમ હોય છે. વર્ષ 2011માં બાળકો સાથે બળાત્કારના 2,113 કેસ નોંધાયા હતા. પરંતુ 2015માં આ આંકડો વધીને 10,854 થઈ ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમ વધી રહ્યા છે બાળકો સાથે યૌન શોષણના બનાવ?
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ બનાવોમાં ઘણો ઝડપી વધારો કેમ જોવા મળ્યો? આનું સીધું કારણ એ છે કે બાળકો સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેમને તાકાતના જોરે વશમાં કરીને મજબૂર કરવાં સરળ હોય છે. બાળકોને તેમની સાથે થયેલી કરતૂતને ગુપ્ત રાખવા માટે આસાનીથી ધમકાવી શકાય છે, જ્યારે તેમાંથી કેટલાક બાળકો તો સમજી જ નથી શકતા કે તેમની સાથે શું ખોટું થયું છે.
ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પણ ઘણી જોવામાં આવે છે. સુપ્રિમ કોર્ટે આ દિશામાં સોશિયલ મીડિયા વેબસાઈટ્સને રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા હતા.
બાળકોના જાતીય શોષણ પાછળ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. ઘણા બધા સામાજીક અને સાંસ્કૃતિક કારણો અપરાધીઓને આ માટે પ્રભાવિત કરે છે. ખાસ કરીને પુરૂષોએ દરરોજ જે સામાજીક પડકારો અને આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડે છે, આથી તેઓ વધુ આક્રમક અને કઠોર થઈ જાય છે.
બાળ અધિકાર કાર્યકર્તા અને નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ બાળકોના યૌન શોષણને દેશમાં પ્રસરેલ 'મોરલ એપેડેમિક' ગણાવ્યું છે. સમગ્ર વિશ્વમાં બાળકોની વસ્તીના 19% બાળકો ભારતમાં રહે છે. જ્યારે દેશમાં 40% લોકો સગીર છે.
સંયુક્ત રાષ્ટ્રના અનુસાર સમગ્ર વિશ્વમાં ગરીબીમાં જીવન વિતાવી રહેલા બાળકોમાંથી 30% ભારતમાં રહે છે. આવા મોટાભાગના બાળકો બેઘર છે અથવા તેમના માતા-પિતા તેમની સંભાળ જ નથી લેતા. આથી આ બાળકો કેટલાય પ્રકારના જોખમો બાબતે અસુરક્ષિત થઈ જાય છે.
સાર્વજનિક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાથી, શાળાઓમાં બાળકો અને સ્ટાફ માટે કાનૂની સલાહ-માર્ગદર્શનને જરૂરી બનાવવા જેવા પગલા લેવાથી આ પ્રકારના અપરાધોમાં ભલે મોડેથી તો મોડેથી પણ લગામ કસવામા મદદ મળશે. જો કે,આનાથી વધારે પ્રયાસ સરકાર અને સભ્ય સમાજે કરવા પડશે. જેથી દેશમાં બાળકોની સમાનતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.