રાજકોટમાં હાર્ટઍટેકથી મૃત્યુ : નાની ઉંમરે હાર્ટઍટેક કેમ આવી રહ્યા છે અને તેનાં લક્ષણો શું છે?

રાજકોટમાં 19 માર્ચના રોજ 45 વર્ષના મયુરભાઈ મકવાણાનું શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મેદાન પર પડી ગયા હતા અને તેમને હૉસ્પિટલ લઈ જતા ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી રમતો રમી રહેલા યુવાન અને તંદુરસ્ત લાગતા લોકોનાં મૃત્યુની ઘટનાઓ સમાચારમાં ચમકી રહી છે. આ ઉપરાંત ગત વર્ષે રાજુ શ્રીવાસ્તવ અને અન્ય ટીવી સેલિબ્રિટીના જીમમાં કસરત કર્યા પછી થયેલી શારીરિક તકલીફ અને બાદમાં થયેલાં મૃત્યુ પણ ચર્ચાનો વિષય બન્યાં હતાં.

રમતો રમતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે યુવાનોનાં અચાનક મૃત્યુ કેમ થઈ રહ્યાં છે? શા માટે તેમની સારવાર માટે પૂરતો સમય નથી મળતો? આવી ઘટનાઓ પાછળ કોરોનાની બીમારી જવાબદાર છે? આવી ઘટનાઓ ટાળવા માટે શું કરવું જોઈએ? કસરત કરતી વખતે કે રમતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ જેથી આવી ઘટનાઓનો ભોગ ન બનાય?

આ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કાર્ડિયૉલૉજિસ્ટ ડૉક્ટરો સાથે વાત કરી.

હૃદયરોગના આ વિશેષજ્ઞોનું એકસૂરે માનવું છે કે જો શરીરનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે અને કેટલીક સાવચેતીઓ રાખવામાં આવે તો આ પ્રકારે અચાનક મૃત્યુની ઘટનાઓને ટાળી શકાય છે.

અચાનક મૃત્યુ થવાનું પ્રમાણ કેમ વધ્યું?

રાજકોટમાં પ્રેક્ટિસ કરનારા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. કિંજલ ભટ્ટ કહે છે, "મેડિકલની ભાષામાં તેને 'સડન કાર્ડિયાક ડેથ' કે 'ઍથ્લેટિક ડેથ' કહેવાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેનાં ઘણાં બધાં કારણો હોઈ શકે છે. એક કારણ છે, અચાનક હાર્ટઍટેક આવી જવો, નાની ઉંમરમાં આવી બીમારી થવાના કિસ્સા ખૂબ દુર્લભ જોવા મળે છે, ખાસ કરીને જે લોકો સ્પૉર્ટ્સમાં સક્રિય હોય તેને ભાગ્યે જ જોવા મળે છે."

"બીજું કારણ છે, હૃદયના ધબકારા અનિયમિત થઈને હૃદય બંધ પડી જવું. યુવાન અવસ્થામાં જ્યારે મૃત્યુ થાય, તેવા કિસ્સામાં ઘણી વાર હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે, ઘણી વાર હૃદયની દીવાલ જાડી હોય અથવા તો કોઈ એવી ટેન્ડેન્સી હોય જેમાં રમત સાથે હૃદયના ધબકારા અનિયમિત થઈ જતા હોય તો તેમાં આવું થવું કારણરૂપ હોઈ શકે છે."

તેમણે વધુમાં કહ્યું, "હાર્ટઍટેક અત્યંત તીવ્ર કક્ષાની રમત દરમિયાન આવી શકે છે, જ્યારે આપણે આપણી શારીરિક ક્ષમતા કરતાં પણ વધારે શ્રમ લઈ લીધો હોય ત્યારે આપણા હૃદયની નસની અંદરની જે દીવાલ છે તેમાં નુકસાન થાય અને ત્યાં લોહી જામી જાય એટલે હાર્ટઍટેક આવી શકે."

  • સુરતમાં પાંચ માર્ચે ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ
  • 25 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ક્રિકેટ રમતી વખતે GST વિભાગના કર્મીનું મૃત્યુ
  • રાજકોટમાં ફેબ્રુઆરી મહિનામાં જ રમતી વખતે મૃત્યુ થયાં હોવાની ચાર ઘટનાઓ

કયાં કારણો જવાબદાર હોઈ શકે?

ડૉ. કિંજલ ભટ્ટ જણાવે છે, "આવું થવા પાછળ બે કારણો મુખ્ય છે. આ સિવાય ઘણી વાર વ્યક્તિને જન્મજાત હૃદયની બીમારી હોય, પરંતુ આપણે ત્યાં સ્પૉર્ટ્સ રમનારા ખેલાડીઓનું મેડિકલ ચૅક અપ કરાવવાનો એટલો ટ્રૅન્ડ નથી. બહારના દેશોમાં આવું ચલણ હોય છે કે કોઈ પણ સ્પૉર્ટ્સમાં જવું હોય તો એ લોકો રૂટિનમાં બેઝિક વર્કઆઉટ કરતા હોય છે અને તેમાં આ પ્રકારની બીમારી પકડાઈ શકે છે. "

આ પ્રકારે અચાનક મૃત્યુ થઈ જવાનું વૈશ્વિક પ્રમાણ દર દસ લાખે બેથી ત્રણ જેટલું છે. પણ તાજેતરમાં આપણે ત્યાં ટૂંકા ગાળામાં લગભગ ચારેક મૃત્યુ થયાં છે.

"અમારી પાસે જીમમાં કસરત કરતા હોય ત્યારે અચાનક હાર્ટઍટેક આવી જવાના કિસ્સા પણ આવતા હોય છે. જેમાં જીમમાં ઘણી વાર એક બીજાની દેખાદેખી કે ચડસાચડસીમાં આવીને લોકો પોતાની ક્ષમતા કરતાં વધારે કસરત કરવા લાગે છે. આ એક પ્રકારનું પીઅર પ્રેશર છે."

"આવા સમયે આપણે જ્યારે આપણી ક્ષમતા કરતાં વધારે કસરત કરવાની કોશિશ કરીએ ત્યારે શરીર એની મર્યાદા આવી ગઈ હોવાના સંકેત આપે છે અને છતાં આપણે તેને અવગણીને, આગળ વધીને કસરત કરવાનું ચાલુ રાખીએ ત્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે."

એટલે જીમમાં ખાસ કરીને વજન ઊંચકતી વખતે (વેઇટલિફ્ટિંગ કરી વખતે) થોડું ધ્યાન રાખવું જરૂરી છે.

કોરોનાની અસર?

ડૉ. કિંજલ ભટ્ટ કહે છે, "તાજેતરના અભ્યાસ એવું કહે છે કે લગભગ 40 ટકા લોકોમાં કોરોના થઈ ગયા પછી તેની અસર લાંબા ગાળા સુધી જોવા મળી છે. કોરોનાની મુખ્ય અસર એ છે કે તેમાં લોહી ગંઠાઈ જાય છે. એ એક પરિબળ હોઈ શકે, કારણકે આ બધી ઘટનાઓ કોરોના પછી બની છે.

કોરોના જવાને દોઢથી બે વર્ષનો સમય થઈ ગયો છે, અને વચ્ચેના સમયગાળામાં સ્પૉર્ટ્સ રમવાનું ચાલુ જ હતું, પરંતુ એ દરમિયાન આવું કશું થયું નહોતું અને આટલા ટાઇમ પછી એવું ચોક્કસપણે ન કહી શકાય કે કોરોનાને લીધે જ મૃત્યુ થાય છે, પરંતુ આ વિશે વૈજ્ઞાનિક સંશોધનની જરૂર તો છે."

હાર્ટઍટેક પહેલાં શરીર કેવા સંકેતો આપે છે?

હૃદયરોગની સારવારના વિશેષજ્ઞ ડૉક્ટરો અનુસાર હાર્ટઍટેક પહેલાં શરીર આપણને સંકેતો આપવાનું શરૂ કરી દે છે. જેમાં શરીરને કોઈક પ્રકારે અસહજતા અનુભવાય છે, આ એનું પ્રથમ લક્ષણ છે.

રાજકોટમાં પ્રેક્ટિસ કરતા ડૉ. નીલેશ માકડિયા કહે છે, "ઘણી વખત દર્દીને ઍટેક આવે ત્યારે તેને અસામાન્ય રીતે તીવ્ર એસિડિટી જેવો અનુભવ થતો હોય છે. એ વખતે જો સાથેસાથે તેમને પરસેવો અને ઊલટી પણ થાય તો એક વખત નજીકનાં ડૉક્ટર પાસે જઈને કાર્ડિયોગ્રામ જરૂરથી કઢાવી લેવો જોઈએ. ક્યારેક એ ઍટેકનું લક્ષણ પણ હોઈ શકે છે."

આ લક્ષણો ત્યારે અનુભવાય કે જ્યારે હૃદયના ધબકારા અનિયમિત થયા હોય અથવા તો હૃદયને લોહી ઓછું પહોંચે છે.

આવી સ્થિતિમાં તાત્કાલિક મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ.

જાગરૂકતા માટે શું કરવું જોઈએ?

ડૉ. કિંજલ ભટ્ટ કહે છે, "બહારના દેશોમાં જ્યાં આ પ્રકારની સ્પૉર્ટ્સ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં કાર્ડિયાક ડિફિબ્રિલેટર જેવાં સાધનો રાખેલાં હોય છે. જેમાં જો હૃદય અચાનક બંધ પડી જાય તો લોકો ત્યાં શૉક આપીને હૃદયને ચાલુ કરી શકે. આપણા દેશમાં આવો ટ્રૅન્ડ હજી નથી, કારણ કે આપણે ત્યાં આ વિશેની જાગૃતિ ઓછી છે."

"આપણે ત્યાં કોઈને એવી અપેક્ષા કે અંદાજો પણ નથી હોતો કે યુવાન અવસ્થામાં કોઈને હાર્ટઍટેક આવશે. એટલે જો આપણે શરીરને અત્યંત શ્રમ પડે તેવી કોઈ રમત રમવાનું નક્કી કરીએ અથવા તો કોઈ સ્પર્ધામાં રમતમાં રાજ્યકક્ષા કે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાનું આયોજન કરીએ તો કેટલાક પ્રકારની મેડિકલ તપાસ કરાવી લેવી જોઈએ. જેમાં ખાસ કરીને ઈસીજી અને કેટલાક કિસ્સામાં ટ્રેડ મિલ ટેસ્ટ (ટીએમટી) અથવા ઇકો ટેસ્ટની જરૂર પડતી હોય છે."

તેમણે વધુમાં કહ્યું, "આ સિવાય જે લોકોને ધૂમ્રપાન કરવાની કે તમાકુનું અન્ય પ્રકારે સેવન કરવાની આદતો હોય કે પરિવારમાં કોઈનું હાર્ટઍટેકથી મૃત્યુ થયેલું હોય તો તેમણે પણ આ ટેસ્ટ કરાવી લેવા જોઈએ."

"જે લોકોને ડાયાબિટીસ હોય, હાઈ બ્લડપ્રેશર હોય, એ લોકો 35-40 વર્ષે વિચારે કે હવે આપણે રનિંગ કે એક્સર્સાઇઝ કરવી છે તો એ લોકોએ પોતાના ડૉક્ટર સાથે એક વખત જરૂરથી વાત કરી લેવી જોઈએ. ત્યારપછી જ કસરત ચાલુ કરવી જોઈએ."

હૃદયરોગ ધરાવતા લોકોએ શું પરેજી રાખવી જોઈએ?

હૃદયરોગ, ડાયાબિટીસ, હાયપર ટેન્શન (હાઈ બ્લડપ્રેશર) જેવા રોગો એ જીવનશૈલીને કારણે થતા રોગ છે.

ડૉ. કિંજલ ભટ્ટ કહે છે, "મોટા ભાગના કેસમાં આ રોગો આપણી આદતોને કારણે થતા હોય છે. તો આપણી જીવનચર્યા નિયમિત રાખવી જોઈએ, એમાં ખાસ કરીને પૂરતી ઊંઘ જરૂરી છે."

"હમણાં થયેલા સર્વે અનુસાર દુનિયામાં સૌથી ઓછી ઊંઘ લેતા દેશોમાં ભારત પહેલા નંબરે છે. સર્વે પ્રમાણે આપણે સાડા છ કે સાત કલાકથી વધારે ઊંઘ નથી લેતા. ટીવી, મોબાઈલ જેવા ગૅજેટ્સમાંથી આપણે મુક્ત નથી થતા."

"કસરત પણ આપણે નિયમિત રીતે નથી કરતા. જ્યારે કોઈ ટુર્નામેન્ટ આવતી હોય ત્યારે આપણે અચાનક કસરત કરવા લાગીએ છીએ. એવું ન કરવું જોઈએ. આપણે દરરોજ 20-25 મિનિટ અને અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ કસરત કરવી જોઈએ."

કેવું ભોજન લેવું જોઈએ?

ડૉ. નીલેશ માકડિયા કહે છે, "લો ફેટ, લો કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવો જોઈએ, આપણા ગુજરાતીઓમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ખાસ કરીને જે લોકો કસરત કરતા હોય તેમને હાઈ પ્રોટીનની જરૂર હોય છે. કાર્બોહાઇડ્રેટ માટે એવું કહેવાય છે કે એ સૌથી ઘાતક ખોરાક છે, જેને લીધે ઘણી મુશ્કેલીઓ થતા હોય છે. મીઠાનું પ્રમાણ ઓછું લેવું જોઈએ."

ડૉ. કિંજલ ભટ્ટ કહે છે, "આપણે ડાયટમાં પણ તેલનો ઉપયોગ અત્યંત ઓછો કરવો જોઈએ. કોઈ તેલ સારું અને કોઈ તેલ ખરાબ એવું નથી હોતું, ઓછાવત્તા અંશે દરેક તેલ સરખાં જ હોય છે. તેનું પ્રમાણ જેટલું ઓછું રાખીએ એટલું સારું છે. આ ઉપરાંત ટ્રાન્સફેટી એસિડ ધરાવતા પિઝા, બર્ગર, ચીઝ વગેરે જેવા પ્રોસેસ્ડ અને જંક ફૂડ સીધી રીતે આપણા શરીરમાં ખરાબ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે."

"સૉફ્ટ ડ્રિંકમાં ખૂબ જ કૅલેરી હોય છે, એટલે જો આપણે તેને વાપરી ન શકીએ તો એ આપણા શરીરમાં સીધા જ ફેટ (ચરબી) સ્વરૂપે જ રૂપાંતરિત થઈ જાય છે. આ ઉપરાંત તેને લીધે શરીરની ચયાપચયની પ્રક્રિયા (મેટાબૉલિક સિસ્ટમ) ખોરવાઈ જાય છે, જેને કારણે શરીરને તેનું નિયમન કરવાની મુશ્કેલી પડે છે. તેને કારણે સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ માટે કારણરૂપ બને છે."

"ફળોનો રસ બનાવીને પીવાને બદલે ફળોને તેના નૈસર્ગિક સ્વરૂપમાં જ ખાવાં જોઈએ. ખાસ કરીને આપણે લીલાં શાકભાજી અને સિઝનલ ફળોનો ઉપયોગ વધારે કરવો જોઈએ."

"ધૂમ્રપાન, તમાકુ કે આલ્કોહોલનું સેવન બને ત્યાં સુધી ટાળવું જોઈએ. અત્યારના જીવનમાં સ્ટ્રેસ હોવાનો જ છે. એવો કોઈ પ્રોફેશન નથી કે જેમાં સ્ટ્રેસ ના હોય. એટલે તમને સ્ટ્રેસથી મુક્ત કરે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. યોગ, ધ્યાન તેમાં મદદરૂપ થઈ શકે છે. "

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો