You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડામાં નવરાત્રિ દરમિયાન કથિત પથ્થરમારાના કેસમાં આરોપીઓને જાહેરમાં મારવા મામલે HCની નોટિસ - પ્રેસ રિવ્યૂ
ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર અને પોલીસ કર્મચારીઓને ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં કથિતપણે આરોપીઓને જાહેરમાં લાકડીથી મારવા મામલે નોટિસ આપી છે.
નોંધનીય છે કે આ મહિને ઉંધેલા ગામના કેટલાક મુસ્લિમોએ નવરાત્રિ આયોજન વખતે પથ્થરમારો કર્યો હોવાનો આરોપ કરાયો હતો. જે બાદ આરોપીઓ સામે પોલીસની કથિત કાર્યવાહી સામે રોષ પેદા થયો હતો.
આ મુદ્દે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ અરવિંદકુમાર અને જજ એ. જે. શાસ્ત્રીની બેન્ચ સમક્ષ અરજી કરનારા સિનિયર વકીલ આઈ. એચ. સૈયદે ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે, "એ ઘટનાનો (આરોપીઓને જાહેરમાં મારવાનો) વીડિયો પોલીસ કર્મચારીઓએ પોતે જ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "પોલીસ સ્ટેશનેથી તેમને (આરોપીઓને) પોલીસ વાહનમાં ગામમાં લાવવામાં આવ્યા હતા, દરેકને વાહનમાંથી બહાર લાવી, ફટકારવામાં આવ્યા અને પાછા વાહનમાં મોકલી દેવાયા હતા... આવું જાહેરમાં થયું હતું. આ (સુપ્રીમ કોર્ટે ધરપકડ અને અટકાયત કરતી વખતે પોલીસ માટે નિર્ધારિત કરેલી માર્ગદર્શિકાનું) સંપૂર્ણ ઉલ્લંઘન છે."
આ મામલના અરજીકર્તાઓમાં જાહીરમિયાં મલેક, મક્સુદાબાનો મલેક, સાહદમિયાં મલેક, સકીલમિયાં મલેક, અને શાહિતરજા મલેક છે, જેમને 4 ઑક્ટોબરના રોજ પોલીસે જાહેરમાં માર્યા હતા.
અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈન્યનું હેલિકૉપ્ટર ક્રૅશ
અરુણાચલ પ્રદેશમાં સૈન્યનું એક હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની માહિતી છે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર આ દુર્ઘટના અપર સિયાંગ જિલ્લામાં આવેલી ટ્યૂટિંગ હેડક્વૉર્ટર્સથી 25 કિલોમીટર દૂર આવેલા મિગિંગ નામના એક ગામમાં બની છે.
ગુવાહાટીમાં ઉપસ્થિત ડિફેંસ પીઆરઓએ જણાવ્યુ કે જે સ્થળે દુર્ઘટના બની છે, ત્યાં રસ્તો નથી, પરંતુ બચાવ ટીમને રવાના કરી દેવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ ગૂગલને 1337.76 કરોડનો દંડ ફટકાર્યો
કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ભારતમાં એન્ડ્રોઇડ મોબાઈલ ડિવાઈસ સંબંધિત વ્યવસાયિક વ્યવસ્થામાં વિવિધ શ્રેણીઓમાં "પોતાના પ્રભુત્વની સ્થિતિનો દુરુપયોગ" કરવા બદલ ગૂગલને રૂપિયા 1,337.76 કરોડ (162 મિલિયન યુએસ ડૉલર)નો દંડ કર્યો છે.
સ્માર્ટ મોબાઇલ ફોનમાં ઍપ્લિકેશન અને પ્રોગ્રામ ચલાવવા માટે એક ઑપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમને વર્ષ 2005માં ગૂગલે ખરીદી લીધી હતી.
સીસીઆઈએ નિરીક્ષણ કર્યું છે કે, એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ ધરાવતા મોબાઇલ ફોનમાં પહેલાંથી જ ગૂગલની પોતાની સર્ચ ઍપ્લિકેશન, ક્રોમ બ્રાઉઝર અને યૂટ્યૂબ ઇન્સ્ટોલ હોય છે.
એમાં ગૂગલને બજારમાં અન્ય કંપનીઓ સામે અનુચિત લાભ થાય છે.
સીસીઆઈએ ગૂગલને નિયત સમયમર્યાદામાં તેની કામ કરવાની પદ્ધતિ બદલવાનો પણ નિર્દેશ કર્યો છે.
જેમ કે, કમિશને કહ્યું છે કે, ગૂગલે તેનાં પ્લે સર્વિસ પ્લગિન્સનો ઉપયોગ કરવાથી ઓરિજિલ ઇક્વિપમેન્ટ મૅન્યુફેક્ચરર્સ (ઓઈએમ) રોકવા ન જોઈએ અને ઓઈએમ્સને પ્લે સ્ટોરનું લાઇસન્સ આપવાની પ્રક્રિયાને ગૂગલ સર્ચ, ક્રોમ બ્રાઉઝર, યૂટ્યૂબ, ગૂગલ મૅપ્સ, જીમેઇલ અથવા અન્ય કોઈ ગૂગલ ઍપ્લિકેશનને પહેલાથી જ ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત સાથે ન જોડવી જોઈએ.
ફટાકડા પર પ્રતિબંધ : સુપ્રીમ કોર્ટે કહ્યું 'લોકોને શ્વાસ લેવા દો અને પૈસા મીઠાઈ પર ખર્ચો'
દિલ્હીમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મામલે તત્કાળ સુનાવણીની માંગ કરતી અરજીને ગુરુવારે ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'લોકોને ચોખ્ખી હવામાં શ્વાસ લેવા દો અને પૈસા મીઠાઈ પર ખર્ચો'
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંસદ સભ્ય મનોજ તિવારીએ આ સુનાવણી માટે અરજી કરી હતી.
આ અગાઉ દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ કમિટી (ડીપીસીસી)એ કરેલા તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજીઓની સુનાવણી બાકી હોવાથી તે સુનાવણી કરી શકશે નહીં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો