You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજમોહન ગાંધી: "કોઈ પણ રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ન બનવું જોઈએ."
- રાજમોહન ગાંધીએ કહ્યું કે કદાચ ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે કોઈ સરકારી અધિકારી ગૂજરાત વિદ્યાપીઠનું નિયંત્રણ કરશે અને તેની દેખભાળ કરશે, આ તો ગાંધીજીના વિચારોથી વિપરીત છે
- તેઓ કહે છે કે તેનાથી વધુ દુખ બીજું ન હોઈ શકે કે ગાંધીની વિદ્યાપીઠ એક સરકારી એજન્સી બનીને રહી જાય
- સરકારી ગ્રાન્ટ અંગે તેઓ કહે છે કે ગૂજરાત વિદ્યાપીઠ અન્ય યુનિવર્સિટીની માફક સરકારી ગ્રાન્ટ લે છે પણ તેનો અર્થ એ નથી થતો કે સરકાર તેમાં દખલ કરે
- ઉપરાંત રાજમોહન ગાંધી ગુજરાતની ચૂંટણી અને બિલકીસબાનો કેસ અંગે શું કહે છે?
હાલ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠને લઈને ચાલી રહેલા વિવાદ અંગે બીબીસી ગુજરાતીએ ગાંધીજીના પૌત્ર અને ગાંધીજી વિશે પુસ્તક લખી ચૂકેલા રાજમોહન ગાંધી સાથે વાત કરી હતી.
આચાર્ય દેવવ્રતને આમંત્રણના વિરોધમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી બોર્ડના કુલ 24 સભ્યોમાંથી 9 સભ્યોએ સામૂહિક રાજીનામું આપ્યું હતું. ટ્રસ્ટી મંડળના 9 સભ્યોએ રાજીનામા આપી દીધા છે.
આચાર્ય દેવવ્રતની નિમણૂક અંગે રાજમોહન ગાંધીએ કહ્યું, "કદાચ ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે કોઈ સરકારી અધિકારી ગૂજરાત વિદ્યાપીઠનું નિયંત્રણ કરશે અને તેની દેખભાળ કરશે. આ તો ગાંધીજીના વિચારોથી વિપરીત છે. એટલે તેનાથી વધુ દુખ બીજું ન હોઈ શકે કે ગાંધીની વિદ્યાપીઠ એક સરકારી એજન્સી બનીને રહી જાય."
તેઓ ઉમેરે છે, "ગાંધી ઇચ્છતા હતા કે જો કોઈ વ્યક્તિને સરકાર સામે વિરોધ હોય તો તેની પાસે પણ શક્તિ હોવી જોઈએ. તેઓ માત્ર ભારતની આઝાદી સાથે દરેક વ્યક્તિની આઝાદી ઇચ્છતા હતા. તેઓ કહેતા હતા કે એક માણસની પાસે સત્ય હોય તો બહુમતિના હકમાં છે. ઘણીવાર તેઓ કહી ચૂક્યા છે કે આઝાદીની લડાઈ એવી લડાઈ છે કે જે જનતાને એવી શક્તિ આપે કે તે કોઈ પણ સરકાર સામે લડવા શક્તિમાન બને. એટલે આ તો ઘણું ખોટું છે."
મૂઠી ઊંચેરા ગાંધીવાદી?
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મુઠ્ઠી ઊંચેરા ગાંધીવાદી ગણાવતો એક વીડિયો વાઇરલ થયો હતો. બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠના જે ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે તેમનું કહેવું છે કે, ગૂજરાત વિદ્યાપીઠનું સરકારીકરણ થઈ રહ્યું છે, અને તેની સ્વાયત્તતા સામે જોખમ છે.
રાજમોહન ગાંધી કહે છે, "એ જ તો દુખ છે...કે તેની સ્વાયત્તતા પર જોખમ છે. આવું થવું નહોતું જોઈતું."
આ વિવાદમાં કેટલાક પક્ષોનું એવું પણ કહેવું છે કે એક તરફ સંસ્થા સરકારી ગ્રાન્ટ લે છે અને પછી પસંદગીની વ્યક્તિને કુલપતિ બનાવવા માગે છે.
આ તર્કનો જવાબ આપતા રાજમોહન કહે છે, "એ તો હકીકત છે કે ગૂજરાત વિદ્યાપીઠ અન્ય યુનિવર્સિટીની માફક સરકારી ગ્રાન્ટ લે છે. પણ તેનો અર્થ એ નથી થતો કે સરકાર તેમાં દખલ કરે. એવા ઘણા સારા કામ હોય છે જેમાં સરકાર મદદ કરે છે. પણ સાથે કહે છે કે તેને તમે ચલાવો...ગાંધીની સંસ્થા, ગાંધીની વિદ્યાપીઠ જે સરકારી મદદ લે છે એટલે તેમને અધિકાર છે એવું માનવું ખોટું છે. એટલે સરકારે એ આદત પાડવી પડશે કે જેઓ સારા કામ કરે છે અને જો તે સરકારી મદદ લે તો પણ તેને આઝાદી આપવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના ગવર્નરને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદ માટે યોગ્ય છે? પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "તેમના વિશે હું બહુ ઓછું જાણું છું. પણ પૉલિસી અનુસાર કોઈ પણ રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ન બનવું જોઈએ."
તેઓ ઉમેરે છે, "ઈલાબેન અને અન્ય ટ્રસ્ટીઓએ સમય આપવો જોઈતો હતો કે તેઓ કોઈકને શોધે. પણ મને સમજ પડી છે ત્યાં સુધી તેમને તક ન આપવામાં આવી અને ઉતાવળમાં આ બધુ થયું. ગાંધીના રસ્તે ચાલનારા ઘણા છે કે ગૂજરાત વિદ્યાપીઠને સંભાળી શકે છે."
"મારી ઉંમર થઈ ગઈ છે"
શું રાજમોહન ગાંધી આ પદ સંભાળી શકે છે? તેવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "ના, કારણ કે મારી ઉંમર થઈ ગઈ છે. હું 87 વર્ષનો થયો. મને લાગે છે કે ઓછી ઉંમરના લોકો હોવા જોઈએ."
કેટલાક ગાંધીવાદીઓ કહી રહ્યા છે કે પહેલાં નવજીવન પછી ગાંધીઆશ્રમ અને હવે વિદ્યાપીઠ. આ બધી મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થાઓનું સરકારીકરણ થઈ રહ્યું છે.
જોકે રાજમોહન ગાંધી આ વાત સાથે એકદમ સંમત થતા નથી. તેઓ કહે છે, "મને નથી લાગતું કે આ પ્રચારમાં પૂર્ણ સત્ય હોય. પણ આજકાલ જે હવા છે જે વાતાવરણ છે તેને કારણે કેટલીક વાર ઘણા ગભરાટમાં પગલું ભરી લે છે. આજના ભારતમાં ઘણી જગ્યાએ સ્વતંત્ર વિચારોની કમી છે. આઝાદી માટેની હિંમતની કમી છે. ગાંધી વિચારમાં માનનારા તો ઇચ્છે છે કે દરેક વ્યક્તિ આઝાદ હોય અને સરકારની પૂજા ન થાય."
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત સાથે ઝંપલાવ્યું છે. રાજમોહન ગાંધી પણ એક સમયે આપમાં સક્રિય રહ્યા હતા. જોકે રાજમોહન ગાંધી ઘણા સમયથી ગુજરાતમાં ગયા ન હોવાથી ચૂંટણીના માહોલથી પોતે અજાણ હોવાની વાત કરે છે.
જોકે આ ચૂંટણીની નવીનતા અંગે તેઓ કહે છે, "આમ આદમી પાર્ટી છે...નવા શબ્દો છે...પણ મને એ નથી ખબર કે ગુજરાતમાં એવા કેટલા લોકો છે જે આમ આદમી પાર્ટી માટે પ્રતિબદ્ધ હોય જે ગુજરાત માટે કામ કરે. તેની મને કોઈ સૂચના નથી."
દોષિતોનું સ્વાગત અયોગ્ય
મુલાકાતના અંતમાં બીબીસી બિલકીસબાનો કેસના દોષિતોને સરકારે આપેલી સજામાફી અંગે રાજમોહન ગાંધીના વિચારો જણાવવા કહે છે.
તેઓ જવાબ આપતા કહે છે, "મૃત્યુદંડ હોય કે પછી જનમટીપની સજામાં એવો કાયદો જરૂર છે કે તેમની સજા માફી આપી શકાય છે. 15 વર્ષ બાદ કદાચ વિચારવામાં આવે છે કે તેની સજા લંબાવવામાં આવે કે માફ કરવામાં આવે. આ કાયદાનો કેટલીકવાર અમલ પણ થયો છે. પણ જે પ્રકારે બિલકીસબાનોના આરોપીઓને માટે આ કાયદાનો ઉપયોગ થયો અને તેમને છોડી મૂકવામાં આવ્યા અને તેમનું જે પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું તેમના હારતોરા કરવામાં આવ્યા તેને કારણે ઘણા લોકોને ખૂબ જ દુખ થયું છે."
તેઓ ઉમેરે છે, "એ શરમજનક વાત છે કે જે લોકોએ રેપ કર્યો છે, બાળકોને માર્યા...તેમનું સ્વાગત થઈ રહ્યું હોય તો તે આપણા બધા માટે વિચારણીય મુદ્દો કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. આપણા વિશે ભાવિ પેઢી શું વિચારશે...શું ભારતનું આટલી હદે પતન થયું છે?"
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો