જય શાહથી પાકિસ્તાન કેમ નારાજ થયું અને એશિયાકપ અંગે ક્રિકેટરો શું બોલ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

જય શાહ વિરુદ્ધ પાકિસ્તાન

  • જય શાહે કહ્યું કે 2023માં એશિયાકપ પાકિસ્તાનને બદલે કોઈ તટસ્થ સ્થાને યોજાશે
  • પાકિસ્તાને જવાબમાં કહ્યું કે 2023 વર્લ્ડકપ માટે તેમનું વલણ પણ આવું જ રહેશે
  • વર્ષ 2018માં એશિયાકપ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ યુએઈમાં યોજાયો હતો
  • પાકિસ્તાન કહે છે કે જય શાહનું નિવેદન સંપૂર્ણપણે એકતરફી છે
  • વર્ષ 2023માં આઈસીસી વર્લ્ડકપ ભારતમાં યોજાવાનો છે

જય શાહ ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે અને તે બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના સચિવની સાથે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે.

જય શાહે મંગળવારે કહ્યં હતું કે ભારત એશિયાકપ રમવા પાકિસ્તાન નહીં જાય. તેમણે એમ પણ કહ્યં કે ટુર્નામેન્ટનું સ્થળ બદલવામાં આવશે અને તે સ્થળ કોઈ ત્રીજા જ દેશમાં હશે. જય શાહના આ નિવેદનથી પાકિસ્તાનીઓ ઉશ્કેરાઈ ગયા છે.

આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી હતી. બુધવારે જાહેર કરેલા પોતાના નિવેદનમાં પીસીબીએ જણાવ્યું કે 2023માં એશિયાકપ માત્ર એ જ કારણસર પાકિસ્તાનથી બહાર યોજવામાં આવશે કે ભારત ત્યાં રમવાનો ઇન્કાર કરે છે, તો પાકિસ્તાન પણ જડબાતોડ જવાબ આપશે.

પીસીબીએ જય શાહે એકતરફી નિવેદન કર્યું છે અને તેમણે તેનાં પરિણામો વિશે વિચાર્યું પણ નથી.

પીસીબીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, "આ પ્રકારના નિવેદનથી એશિયન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયમાં વિભાજન વધશે. આ સાથે જ 2023માં ભારતમાં થનારા આઈસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાનના પ્રવાસ પણ અસર થશે. વર્ષ 2024થી 2031 વચ્ચે ભારતમાં આઈસીસીના કેટલી મૅચ છે અને પાકિસ્તાન પણ ભારત જેવું જ વલણ અપનાવી શકે છે."

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) જે એશિયાકપનું આયોજન કરે છે અને આ ટુર્નામેન્ટના યજમાન બનેલા પીસીબીને ટુર્નામેન્ટનું સ્થળ બદલવાની યોજના વિશે કોઈ જાણકારી નહોતી.

પીસીબીની નારાજગી

પીસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું કે,"એસીસી તરફથી પીસીબીને કોઈ અધિકૃત સૂચના નથી આપવામાં આવી. પીસીબીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલને તાત્કાલિક એ ઇમર્જન્સી મીટિંગ બોલાવવાની માગણી કરી છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે."

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર જય શાહે કહ્યું હતું કે એશિયાકપનું આયોજન કોઈ તટસ્થ દેશમાં થવું એ કોઈ નવી બાબત નથી.

જય શાહે કહ્યું હતું, "અમે પાકિસ્તાનમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. સરકારે એ નિર્ણય કરવાનો છે કે અમને પાકિસ્તાન જવાની પરવાનગી આપે છે કે નહીં. એટલે અમે કોઈ ટિપ્પણી ન કરી શકીએ. પરંતુ 2023નો એશિયાકપ કોઈ તટસ્થ સ્થળે યોજાશે."

વર્ષ 2018માં એશિયાકપ ભારતમાં જ યોજાવાનો હતો, પરંતુ તેનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું, કારણ કે એ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ હતો.

2023માં પાકિસ્તાનમાં એશિયાકપની ટુર્નામેન્ટ થવાની છે અને એ જ વર્ષે ભારતમાં વર્લ્ડકપ યોજાશે. આ બન્ને ટુર્નામેન્ટ 50-50 ઓવરની રહેશે.

પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતાઓને કારણે ખૂબ લાંબા સમયથી ત્યાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીમ રમવા જવાનું ટાળે છે. જોકે, આ વર્ષે પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની ટીમ ગઈ હતી. પાકિસ્તાને આ મૅચોનું સફળ આયોજન કર્યું હતું.

હવે પાકિસ્તાન શું કરશે?

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનના અનુસાર પીસીબી ચૅરમૅન રમીઝ રાજા કહે છે કે જો એશિયાકપ પાકિસ્તાનથી બહાર રમાશે, તો પાકિસ્તાન પણ આવતા વર્ષે ભારતમાં યોજાનારા વર્લ્ડકપ બાબતે આવું જ વલણ અપનાવશે.

આ સાથે એમ પણ કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાન એસીસીનું સભ્યપદ છોડી શકે છે, કારણ કે તેનાં હિતોનું ધ્યાન નથી રખાઈ રહ્યું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ઝાકા અશરફે ડૉનને જણાવ્યું છે કે ભારત સરકારે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષપદેથી હટવા મજબૂર કર્યા અને રોજર બિન્નીને સુકાન સોંપ્યું.

તેમણે કહ્યું, "સૌરવ ગાંગુલીને હટાવીને ભારત સરકારે સંદેશ આપી દીધો હતો કે તે પાકિસ્તાનવિરોધી નિર્ણય લેવા જઈ રહી છે. પીસીબીએ પણ ભારત સરકારના આ વલણ વિરુદ્ધ દુનિયાભરમાં મોરચો ખોલવો જોઈએ."

પાકિસ્તાનની પ્રતિક્રિયા ભલે હજી આક્રમક છે પરંતુ પીસીબી બીસીસીઆઈની તાકાત પણ જાણે છે.

રમીઝ રાજાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બીસીસીઆઈની તાકાતનાં વખાણ કરી રહ્યા છે.

રમીઝ રાજા કહી રહ્યા છે, "પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસીની ફંડિંગ પર 50 ટકા ચાલે છે. આઈસીસી ટુર્નામેન્ટ કરાવે છે અને તેનાં નાણાં સભ્યો વચ્ચે વહેંચી દે છે. આઈસીસીને 90 ટકા ભંડોળ ભારતીય બજારમાંથી મળે છે. એક રીતે ભારતના ઉદ્યોગગૃહો પાકિસ્તાનના ક્રિકેટને ચલાવે છે. કાલે જો ભારતના વડા પ્રધાન વિચારે કે પાકિસ્તાનને ફંડ નહીં આપીએ તો આ ક્રિકેટ બોર્ડ પણ પડી ભાંગે તેવી શક્યતા છે."

શું કહે છે પાકિસ્તાની ખેલાડીઓ અને નાગરિકો?

ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહેલા અબ્દુલ બાસિતે કહ્યું છે કે, "પાકિસ્તાન અને ભારતનો મામલો જ એવો છે કે એક પગલું આગળ વધો અને બે પગલાં પાછળ હટો. ભારતમાં ચૂંટણી આવે છે, ત્યારે પાકિસ્તાન માટે કટુતા વધી જાય છે. મને નથી લાગતું કે ભારત વિના એશિયાકપ થશે. અમારી ક્રિકેટ આગળ ન વધે તેની ભારતે બહુ કોશિશ કરી છે, પરંતુ એવું નથી થઈ શક્યું. મને લાગે છે કે પાકિસ્તાનને પોતાની તાકાત દેખાડવી જોઈએ. આપણે હવે કડકાઈ દેખાડવી જોઈએ. ભારત પોતાની 'ચૌધરાઈ' બતાવી રહ્યો છે."

જય શાહના નિવેદન પર પાકિસ્તાનના નાગરિકો પણ ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પાકિસ્તાનમાં જિયો ન્યૂઝના પત્રકાર અરફા ફિરોઝ ઝૈકે લખ્યું કે, "મેલબર્નમાં 23 ઑકટોબરે ભારત સાથેની મૅચમાં પાકિસ્તાની ખેલાડીઓએ બીસીસીઆઈના વિરોધમાં કાળી પટ્ટી હાથમાં લગાવવી જોઈએ."

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન શાહીદ આફ્રિદીએ જય શાહના નિવેદનના વિરોધમાં ટ્વીટ કરીને કહ્યું છે કે, "છેલ્લા 12 મહિનામાં બન્ને દેશોના ખેલાડીઓએ એકબીજા સાથે સારી સમજણ કેળવી છે. બન્ને પક્ષ આનંદથી મળે છે. એની વચ્ચે બીસીસીઆઈના સચિવે આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું? એનાથી એવું લાગે છે કે ભારતમાં ક્રિકેટના વહીવટમાં અનુભવની ઊણપ છે. પીસીબીનું નિવેદન ખૂબ જ પરિપક્વ અને સમજદારીભર્યું છે. આ આપણા પ્રોફેશનલ હોવાની ઓળખ છે."

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સઈદ અનવરે ટ્વીટ કરીને કહ્યું છે, "જ્યારે આંતરરાષ્ટ્રીય ટીમ અને ક્રિકેટર પાકિસ્તાન આવી રહ્યા છે તો બીસીસીઆઈને શું સમસ્યા છે? જો બીસીસીઆઈ કોઈ તટસ્થ સ્થળે જવા માગે છે તો પાકિસ્તાને પણ આવતા વર્ષે વર્લ્ડકપમાં ભારતના બદલે તટસ્થ સ્થળની માગ કરવી જોઈએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો