રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા તેમની નેતૃત્વક્ષમતા સાબિત કરી શકશે?

    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી હિન્દી માટે

અત્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા પોતાની એ છબિમાંથી બહાર આવા પ્રયાસ કરી રહ્યા છે, જે રાહુલ ગાંધીની ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર તેમની મજાક ઉડાવવાના કારણે બનાવી દેવાઈ હતી. જેની પાછળ ભીડ ભેગી થઈ શકે એવા જનનેતાની ઇમેજ ઊભી કરવાનો તેમનો પ્રયાસ દેખાઈ રહ્યો છે.

તેમની ભારત જોડો યાત્રાની લોકોમાં શું અસર છે, તેની ઝલક ભાજપશાસિત રાજ્ય કર્ણાટકમાં જોવા મળી છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,570 કિલોમિટર લાંબી સફરમાંથી રાહુલ ગાંધીએ 1,000 કિલોમિટરનું અંતર કાપી લીધું છે. આ યાત્રામાં આવતું કર્ણાટક પહેલું ભાજપશાસિત રાજ્ય છે.

રાહુલ ગાંધીને કર્ણાટકમાં એવા વિસ્તારોમાં પણ જનસમર્થન મળ્યું છે જ્યાં કૉંગ્રેસની સ્થિતિ બહુ સારી નથી. આ કારણે કર્ણાટકના ભાજપના નેતાઓએ રાજકીય અને વહીવટી રીતે સક્રિય થવું પડ્યું છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને પૂર્વ મુખ્ય મંત્રી બી. એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં ઉતાવળે ભાજપે જનસંકલ્પ યાત્રાની જાહેરાત કરી દીધી. અગાઉ જ્યારે ભારત જોડો યાત્રા કર્ણાટક પહોંચી ત્યારે બોમ્મઈએ મીડિયાને કહ્યું હતું, "મહાત્મા ગાંધી વિશે વાત કરો, નકલી ગાંધી વિશે નહીં."

જોકે ટૂંક જ સમયમાં ભાજપની રાજ્ય સરકારના વ્યવહારમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો.

તેમની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની ટીકા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની રાજ્ય સરકાર એસસી/એસટી સમુદાયના લોકો માટે અનામત વધારવા માટેની જજ નાગમોહનદાસની ભલામણોને દબાવી રહી છે.

આના 24 કલાકની અંદર બોમ્મઈ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને જનતા દળ સેક્યુલરના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનામત વધારવાની સ્થિતિમાં ઊભા થતા કાનૂની પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત મર્યાદા વધારવાથી રાજ્યમાં અનામતની કુલ મર્યાદા સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાને વટાવી જાય છે. આ બેઠકમાં સિદ્ધારમૈયાએ ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્ય સરકારે આવતી કાલે જ આ ઠરાવ પસાર કરી દેવો જોઈએ અને તેને નવમી સૂચિમાં સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકારને મોકલી દેવો જોઈએ. બોમ્મઈ સરકારે પણ એવું જ કર્યું.

રાજકીય વિશ્લેષક અને જાગરણ લેકસાઈડ યુનિવર્સિટી ભોપાલના વાઇસ ચાન્સેલર ડૉ. સંદીપ શાસ્ત્રીએ જણાવ્યું હતું, "અત્યાર સુધી ભાજપ એજન્ડા નક્કી કરતી હતી અને કૉંગ્રેસ એજન્ડા મુજબ પ્રતિક્રિયા આપતી હતી, પરંતુ હવે તેનાથી વિપરીત દેખાઈ રહ્યું છે. રાહુલ ગાંધી એજન્ડા સેટ કરી રહ્યા છે અને ભાજપ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યો છે છે. આ એક નોંધપાત્ર ફેરફાર છે. એક રીતે, આ તેમના કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ હોઈ શકે છે. જો કંઈ નહીં થાય તો ઓછામાં ઓછા કાર્યકરોમાં નવઉત્સાહનો સંચાર થશે જ."

  • રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા પોતાની શાખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • રાહુલ ગાંધીની ભારતીય જનતા પાર્ટી અવારનવાર મજાક ઉડાવતી રહે છે. જેની પાછળ ભીડ ભેગી થઈ શકે એવા જનનેતાની ઇમેજ ઊભી કરવાનો તેમનો પ્રયાસ દેખાઈ રહ્યો છે
  • કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,570 કિલોમિટર લાંબી સફરમાંથી રાહુલ ગાંધીએ 1,000 કિલોમિટરનું અંતર કાપી લીધું છે
  • રાહુલ ગાંધીને કર્ણાટકમાં એવા વિસ્તારોમાં પણ જનસમર્થન મળ્યું છે જ્યાં કૉંગ્રેસની સ્થિતિ બહુ સારી નથી. આ કારણે કર્ણાટકના ભાજપના નેતાઓએ રાજકીય અને વહીવટી રીતે સક્રિય થવું પડ્યું છે
  • રાહુલ ગાંધીની યાત્રા એક રીતે લોકો સાથે જોડાવાનો કાર્યક્રમ છે, જે તેઓ ઘણાં વર્ષો પછી કરી રહ્યા છે
  • પાર્ટીના સભ્યો અનૌપચારિક ચર્ચામાં કહે છે કે સુરક્ષા કર્મચારીઓ તેમજ વરિષ્ઠ નેતાઓના વર્તુળને કારણે તેમના નેતાઓ સામાન્ય પાર્ટી કાર્યકરોને મળી શકતા નથી
  • રાહુલ ગાંધી 2017થી 2019 સુધી કૉંગ્રેસના અધ્યક્ષ પણ હતા પરંતુ તે દરમિયાન તેઓ તે સમયે પાર્ટી કાર્યકરોની નાડ પારખી શક્યા નહોતા અને તે કામ આજે કરી રહ્યા છે.

લોકોનું કેટલું સમર્થન મળી રહ્યું છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ્ડ સ્ટડીઝના પ્રોફેસર નરેન્દ્ર પાનીને પણ રાહુલ ગાંધીની મુલાકાતને મળી રહેલ સમર્થનથી બહુ અચરજ નથી થતું. તેઓ કહે છે, "ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ ઘણા મુદ્દાઓ પર પડકારોનો સામનો કરી રહ્યું છે. આઠ વર્ષ પહેલાં જે પ્રકારના મુદ્દાઓને લઈને જે અપેક્ષા હતી તે હવે ક્યાંય નથી."

"જો ભૂતકાળ પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે સત્તામાં પાછા ફર્યા પછી પતનનો કાર્યકાળ શરૂ થાય છે. બીજા કાર્યકાળ સુધીમાં લોકોની અપેક્ષાઓ પણ વધી જાય છે અને ત્યારે મોહભંગની શરૂઆત થઈ જય છે. આવું બધા સાથે બન્યું છે. 1980માં ઇંદિરા ગાંધીએ જ્યારે ફરી સત્તા મેળવી ત્યારે સત્તા મેળવ્યાનાં માત્ર અઢી વર્ષમાં જ તેમને કર્ણાટકમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કૉંગ્રેસ આ રાજ્યમાં અગાઉ ક્યારેય હારી ન હતી."

નરેન્દ્ર પાની એમ પણ કહે છે, "જો આજે વિપક્ષ નહીં હોય તો સામાન્ય લોકો તરફથી પાયાના સ્તરેથી જ પડકારો આવશે. રાષ્ટ્રીય સ્તરે પડકારો બહાર લાવવામાં રાહુલ ગાંધીની યાત્રા એક મહત્ત્વનો પડાવ સાબિત થઈ રહી છે. જેઓ ભાજપનો વિરોધ કરી રહ્યા છે કે પછી હિન્દુત્વની રાજનીતિનો વિરોધ કરી રહ્યા છે, તે બધાને આ યાત્રાએ આશા બંધાવી છે. રાહુલ ગાંધી મુદ્દાની વાત શરૂ કરીને ભાજપથી અસંતુષ્ટ લોકોને જોડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે."

નરેન્દ્ર પાની અન્ય એક મહત્ત્વના મુદ્દા તરફ ઇશારો કરતાં કહે છે, "કેટલાક દેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા માટે સમસ્યાઓ વધારવાનું શરૂ કરી દીધું છે. બે વર્ષથી અમેરિકાએ ભારતમાં પોતાના રાજદૂતની નિમણૂક કરી નથી. જ્યારે આ જ સમયગાળા દરમિયાન અમેરિકા પાકિસ્તાનને એફ-15 ઍરક્રાફ્ટ આપી રહ્યું છે." ભારતીયો માટે યુએસ વિઝાની રાહ 400 દિવસથી વધુ થઈ ગઈ છે, જ્યારે ચીનના નાગરિકોને માત્ર ત્રણ દિવસમાં વિઝા મળી જાય છે. આ કારણે ભારતીય વિદ્યાર્થીઓ કારકિર્દીની તકો ગુમાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે."

ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રાહુલ ગાંધીની પડકાર આપવાની વાત પર ડૉ. શાસ્ત્રી સહમત થતા કહે છે, "ભાજપના નેતાઓને જેવો પડકાર આપવો જોઈએ તેવો રાહુલ ગાંધી આપી નથી રહ્યા. તેઓ તેમના એજન્ડાનો જવાબ પણ નથી આપી રહ્યા. બલકે તેઓ વૈકલ્પિક એજન્ડા તૈયાર કરી રહ્યા છે. તેઓ મુદ્દાઓના આધારે શાસક પક્ષને પડકાર ફેંકી રહ્યા છે. તેઓ નેતાગીરીને પડકારતા નથી કારણ કે જો તેઓ નેતૃત્વને મુદ્દે સવાલો કરે તો લડાઈ હારી જશે."

ડૉ. શાસ્ત્રીએ કહ્યું, "ભાજપે તેમને પપ્પુ કહીને પ્રચાર કર્યો અને એક તરફ તેઓ છે, તો બીજી તરફ આપણી પાસે મોદી છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રાહુલ ગાંધી કોઈ પદ પર નથી. તેથી તમે જે ઇચ્છો તે તેમને કહી શકો છો. હા, તેની કોઈ અસર થશે નહીં."

પદયાત્રાથી કેટલો ફાયદો થશે?

મૈસૂર યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગના ડીન પ્રોફેસર મુઝફ્ફર અસાદીએ કહ્યું, "જે રીતે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુએ પોતાને સામાન્ય લોકો સાથે જોડ્યા હતા, રાહુલ ગાંધી એ જ પદ્ધતિ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહાત્મા ગાંધી પોતે તો સત્તાથી અળગા રહ્યા હતા. પરંતુ તેઓ પાર્ટીમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ હતા. મને લાગે છે કે રાહુલ ગાંધીની પદયાત્રાથી કૉંગ્રેસને બહુ ફાયદો ન થાય તો પણ તે સમાજમાં ભેદભાવ ઓછો કરીને ભારતને મદદ કરશે."

અસાદી કહે છે, "રાહુલ ગાંધી ભારતીય રાજનીતિમાં એક નવો ચીલો ચાતરી રહ્યા છે. તેઓ માત્ર ભાષણબાજી નથી કરતા પરંતુ તેઓ અનુભવોની વાત કરી રહ્યા છે. તેઓ સામાન્ય માણસની ભાષા શૈલીને વ્યવહારમાં લાવી રહ્યા છે. એ પણ સાચું છે કે જો જનતા તેને જોવા અને સાંભળવા માટે આવી રહી હોય તો દેશમાં નવા નેતા માટે તક છે, એવા નેતાની જે દરેકને સાંભળવા તૈયાર હોય."

જોકે, અસાદી એક ખામી તરફ પણ ધ્યાન દોરતાં કહે છે, "રાહુલે તાલુકા સ્તરે લોકોને મળવાને બદલે ગામડાંમાં જવું જોઈએ."

જોકે, રાહુલ ગાંધીની યાત્રા એક રીતે લોકો સાથે જોડાવાનો કાર્યક્રમ છે, જે તેઓ ઘણાં વર્ષો પછી કરી રહ્યા છે. પાર્ટીના સભ્યો અનૌપચારિક ચર્ચામાં કહે છે કે સુરક્ષા કર્મચારીઓ તેમજ વરિષ્ઠ નેતાઓના વર્તુળને કારણે તેમના નેતાઓ સામાન્ય પાર્ટી કાર્યકરોને મળી શકતા નથી. રાહુલ ગાંધી 2017થી 2019 સુધી કૉંગ્રેસના અધ્યક્ષ પણ હતા પરંતુ તે દરમિયાન તેઓ તે સમયે પાર્ટી કાર્યકરોની નાડ પારખી શક્યા નહોતા અને તે કામ આજે કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ 2019માં કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને 543 સભ્યોની લોકસભામાં માત્ર 52 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 303 બેઠકો મળી હતી. કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "મોટો પડકાર નેતૃત્વને લઈને છે. તે કંઈ માત્ર ભાજપ દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલા પ્રચારથી બનાવવામાં આવેલી છબિ માટેની લડાઈ માત્ર નથી. શું તે એક સક્ષમ નેતા તરીકે પોતાને સાબિત કરી શકશે? શું તેઓ પોતાની જાતને નવેસરથી તૈયાર કરી શકશે? આશા છે કે આ બધાનો જવાબ આ યાત્રામાં મળી જશે."

શું રાહુલ લોકોની વાત સાંભળે છે?

રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન સામાજિક કાર્યકરો, આરોગ્ય ક્ષેત્રે કામ કરતા વ્યાવસાયિકો, કાપડઉદ્યોગના કામદારો, કુટીરઉદ્યોગના શ્રમિકો અને વિચરતી આદિજાતિના લોકોને મળ્યા છે. શું તેઓ આ લોકોની વાત સાંભળે છે? સામાજિક કાર્યકર્તા તારા કૃષ્ણાસ્વામી કહે છે, "રાહુલ ગાંધી નાનાં જૂથોમાં જે લોકોને મળે છે તેમને ધ્યાનથી સાંભળે છે. તે પછી તેઓ કોઈ મુદ્દો પકડે છે અને તેના પર બોલે છે. પછી લોકોને તેનો ઉકેલ પૂછે છે."

"ઉદાહરણ તરીકે તેઓ જાહેર આરોગ્યના મુદ્દાઓ પર કામ કરતી મહિલાઓ અને વ્યવસાયિકોને મળ્યા. મેં તેમને કહ્યું કે અડધી વસ્તીને સાથે લીધા વિના ભારતને જોડવું શક્ય નથી. જ્યારે તેમને તેનાં પરિણામો જણાવવામાં આવ્યાં ત્યારે તેઓ હસતાં હસતાં સંમત થયા. અમે કહ્યું કે જ્યારે માત્ર પુરુષોની વાત સાંભળવામાં આવે તો તેઓ સેનિટરી નેપકિન પર 15 ટકા જીએસટી લગાવશે અને સૉફ્ટ ડ્રિંક્સ પર કોઈ જીએસટી લાગશે નહીં."

તુમાક્કુરુ પદયાત્રા દરમિયાન તેઓ માંડ્યામાં જાહેર આરોગ્ય કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી શક્યા ન હતા, પરંતુ આ લોકોને તેમની યાત્રામાં જોડાવાની તક મળી.

જાહેર આરોગ્ય કાર્યકર્તા ગુરુમૂર્તિએ બીબીસી હિન્દીને કહ્યું, "અમે તેમને કહ્યું કે રાજસ્થાનમાં સ્વાસ્થ્યનો અધિકાર બિલ લાવવામાં આવ્યું છે. સ્વાસ્થ્યનો અધિકાર સ્વાસ્થ્યની સંભાળના અધિકારથી અલગ છે. કોવિડ મહામારીમાં લોકોએ સ્વાસ્થ્યની સંભાળની જરૂરિયાત અનુભવી હતી."

"અમે સૂચન કર્યું હતું કે પ્રવાસી કામદારો સૌથી વધુ પ્રભાવિત થાય છે અને તેમને આમાં આવરી લેવા જોઈએ. તેમણે તેની પાછળના ખર્ચ વિશે પૂછ્યું. તેમને કહ્યું કે ભારત સ્વાસ્થ્ય પર પર જીડીપીના માત્ર 0.7 ટકા ખર્ચ કરે છે, આરોગ્ય સંભાળને સામેલ કરતા જીડીપીના ત્રણ ટકા જેટલા થશે. આશરે રૂપિયા 2.6 થી રૂપિયા ત્રણ લાખ કરોડનો ખર્ચ થશે, જે માફ કરાયેલા કૉર્પોરેટ ટેક્સ કરતાં પણ ઓછો છે. તેમણે ધ્યાનથી સાંભળ્યું."

શું તમે રાહુલના પ્રશંસક છો?

ગુરુમૂર્તિએ કહ્યું, "હું તેમનો પ્રશંસક નથી. પરંતુ તે ઘણી ગંભીર વ્યક્તિ લાગે છે. તે એક સારી વ્યક્તિ પણ છે. તે સ્માર્ટ નેતા ભલે ન હોય પરંતુ તેમની વિરુદ્ધ જે અભિયાન ચલાવાયું, તેવા તેઓ બિલકુલ નથી, એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે."

રાહુલ ગાંધી બેલ્લારીમાં કાપડઉદ્યોગના કામદારોને પણ મળ્યા હતા. અહીં જીન્સ વગેરે કાપડ મોટા પાયે બને છે. કાપડની કંપની ચલાવતા શ્રીનિવાસ રેડ્ડી કહે છે, "હું દક્ષિણ ભારતીય બજારમાં કપડાં સપ્લાય કરું છું. મેં તેમને કહ્યું કે અમારી સાથે કામ કરતા કામદારો કોવિડ મહામારી દરમિયાન દૈનિક મજૂરી કરવા લાગ્યા હતા. કુશળ કામદારો પણ અહીંથી ચાલ્યા ગયા હતા. અમારો શ્રમિકપ્રધાન ઉદ્યોગ છે. તેઓ આ પાસાને જાણતા ન હતા."

કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને કારણે બીજા દિવસે આરામનો દિવસ હતો અને જ્યારે રેડ્ડીને ખબર પડી કે રાહુલ ગાંધી કાપડઉદ્યોગના કામદારોને મળવા ગયા છે ત્યારે તેમને આશ્ચર્ય થયું. રેડ્ડી કહે છે, "તે ચાર-પાંચ મશીનો સાથે કામ કરતી મહિલાઓને મળવા આવ્યા હતા, જેથી તેમની સમસ્યાઓ સમજી શકાય. તે દર્શાવે છે કે તેઓ ગંભીરતાથી અમારા માટે કંઈક કરવા માંગે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો