IND vs PAK : ફરી એકવાર ભારત-પાકિસ્તાન આમને-સામને, બદલો લેવા બાબરની ટીમ કેટલી તૈયાર?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ચંદ્રશેખર લૂથરા
- પદ, બીબીસી હિંદી માટે

- એશિયા કપ 2022માં સુપર-ફોરની પ્રથમ મૅચ
- ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં બીજી મૅચ
- પાકિસ્તાનના સૌથી ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રિદી બહાર
- ભારતના ઑલરાઉન્ડ રવીન્દ્ર જાડેજા પણ સિરીઝમાંથી બહાર

રવિવારે એશિયા કપમાં ફરી એક વખત ભારતની સામે પાકિસ્તાનની ટીમ હશે. શુક્રવારે પાકિસ્તાને જ્યારે હૉંગકોંગને હરાવ્યું ત્યારે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની બીજી મૅચ નક્કી થઈ ગઈ હતી.
એશિયા કપની પ્રથમ સુપર-ફોર મૅચમાં ભારત અને પાકિસ્તાનની ટક્કરથી વધુ રોમાંચક શું હોઈ શકે? આ જ કારણથી ક્રિકેટપ્રેમીઓની નજર 4 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી આ મૅચ પર ટકેલી છે.
ગયા રવિવારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ હારને લઈને પાકિસ્તાને કોઈ પણ ભોગે હૉંગકોંગ સામે મૅચ જીતવી પડે એમ હતી.
હૉંગકોંગ સામે પણ ધીમી શરૂઆત બાદ પાકિસ્તાનની ટીમ મોહમ્મદ રિઝવાન અને ફઝર ઝમાંની અર્ધશતકીય ઇનિંગ્સના કારણે 193 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ગરમ તેમજ ઉકળાટભર્યા વાતાવરણમાં ક્રીસ પર ટકીને રિઝવાને 78 રન ફટકાર્યા હતા. બીજી તરફ ઝમાંએ તેમનો સારો સાથ આપ્યો.
બે વિકેટ પર 193 રન બનાવ્યા બાદ પાકિસ્તાનના સ્પિન બૉલર શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝે સાથે મળીને સાત વિકેટ ખેરવી હતી અને હૉંગકોંગને 38 રન પર ઑલઆઉટ કરી દીધું હતું. હૉંગકોંગની ટીમ ભારત સામે સારી રીતે રમી હતી પરંતુ પાકિસ્તાન સામે પત્તાના મહેલની જેમ ઢળી પડી હતી.

ઇમેજ સ્રોત, ANI
હૉંગકોંગ સામે 155 રનોની જીત બાદ પાકિસ્તાની ટીમનો ઉત્સાહ વધી ગયો છે અને આજે તેમનું ધ્યેય ભારત સામે ગત મૅચની હારનો બદલો લેવાનું હશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મૅચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થિતિ એવી છે કે વર્ષ 2012-13થી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે એકપણ સિરીઝ થઈ નથી પરંતુ આઈસીસીની ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મૅચો યોજાતી રહે છે.
જ્યારે ટી-20 વર્લ્ડકપ પહેલાં એશિયા કપની જાહેરાત થઈ ત્યારે આશા હતી કે બંને ટીમો ત્રણ વખત આમનેસામને આવશે.
બીજી મૅચ બાદ સંભાવના વધી ગઈ છે કે ફાઇનલમાં બંને ટીમો ફરી એક વખત આમનેસામને આવશે. ગ્રૂપ-એમાં ભારત અને પાકિસ્તાન ટોચની ટીમો છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ સુપર-ફોરમાં જગ્યા બનાવી ચૂકી છે.

બાબર આઝમ વિ. વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મૅચમાં ફરી એક વખત લોકોની નજર બાબર આઝમ અને વિરાટ કોહલી પર ટકેલી હશે. બાબર આઝમ અત્યાર સુધીની બંને મૅચોમાં કંઇક ખાસ કરી શક્યા નથી.
ભારત તરફથી ભુવનેશ્વર કુમારે બાઉન્સર નાખીને તેમને પૅવેલિયનભેગા કર્યા હતા તો હૉંગકોંગના સ્પિનર ઇશાન ખાને બૉલિંગ કરીને પોતેજ તેમને કૅચ આઉટ કર્યા હતા. એશિયા કપ અગાઉ તેઓ તાબડતોડ બેટિંગ કરી રહ્યા હતા.
ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં તેઓ સતત રન ફટકારી રહ્યા હતા. આ વર્ષે જ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી 10 હજાર રન પૂરા કરવાનો રૅકોર્ડ બાબરે પોતાના નામે કર્યો હતો. બાબરે આ રૅકોર્ડ 228 ઇનિંગ્સમાં બનાવ્યો છે.
તેમના પહેલા આ રૅકોર્ડ પાકિસ્તાનના જ ખેલાડી જાવેદ મિયાદાદના નામે હતો. તેમણે 248 ઇનિંગ્સમાં આ રૅકોર્ડ સર્જ્યો હતો.
પાકિસ્તાનના જ પૂર્વ ઓપનર સઇદ અનવરે 255 અને મોહમ્મદ યુસુફે 261 ઇનિંગ્સમાં 10 હજાર રન ફટકાર્યા હતા. જ્યારે, ઇંઝમામ ઉલ-હકે 10 હજાર રન પૂરા કરવા માટે 281 ઇનિંગ્સ રમવી પડી હતી.
આ યાદી પરથી અંદાજ લગાવી શકાય છે કે બાબર આઝમ કેટલા ઉત્તમ બૅટર છે.
બાબર આઝમે જ વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીની બાદશાહતનો ખાતમો કર્યો હતો.
ઑગસ્ટ 2017થી ઍપ્રિલ 2021 વચ્ચે વિરાટ કોહલી નિસંદેહ વિશ્વ ક્રિકેટના ટોચના ખેલાડીઓમાંના એક હતા પરંતુ આઈસીસી વર્લ્ડ રૅન્કિંગમાં તેમની 1258 દિવસની બાદશાહતને બાબર આઝમે જ ખતમ કરી હતી.
હાલમાં વિરાટ કોહલી પણ પોતાનું ફોર્મ હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ત્રણ વર્ષથી પણ લાંબા સમયથી તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી નથી.
પાકિસ્તાન વિરુદ્ધ શરૂઆતમાં જ જીવનદાન મળ્યા બાદ કોહલીએ 35 રન ફટકાર્યા હતા અને હૉંગકોંગ વિરુદ્ધ 43 બૉલમાં નાબાદ 59 રન ફટકારતાં તેમનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો હોઈ શકે છે.
આમ તો બાબર આઝમ અને વિરાટ કોહલીની તુલના ઘણા લાંબા સમયથી થઈ રહી છે અને રસપ્રદ બાબત એ છે કે આ તુલના 2015માં બાબર આઝમના ઇન્ટરનેશનલ ક્રિકેટ ડૅબ્યૂ પહેલાંથી શરૂ થઈ ગઈ હતી. તેનું કારણ એ છે કે અંડર-19 ખેલાડી તરીકે જ તેમણે ઘણી શાનદાર રમત દેખાડવાનું શરૂ કરી દીધું હતું.
બાબર આઝમે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું ત્યારે વિરાટ કોહલી 150થી વધુ વન-ડે રમી ચૂક્યા હતા અને 20થી વધુ સદી તેમના નામે હતી પરંતુ સમય સાથે બાબર તેમનાંથી આગળ નીકળી ગયા.
2022માં બાબર આઝમે સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરવાનો રૅકોર્ડ બનાવ્યો હતો. તેમણે 47 મૅચોમાં આ રૅકોર્ડ સર્જ્યો હતો. જ્યારે કોહલી 56 મૅચો બાદ આ મુકામે પહોંચ્યા હતા.

હિસાબ બરાબર કરવાનો ઇરાદો

ઇમેજ સ્રોત, ANI
ગયા રવિવારે ભારત અને પાકિસ્તાનની મૅચ દરમિયાન દબાણ ભારતીય ટીમ પર હતું. 20 વર્લ્ડકપ, 2021માં પાકિસ્તાન સામે 10 વિકેટથી મળેલી હારનો બદલો લેવાનો એને પડકાર પણ હતો.
પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં ફાઇનલ-ફોરમાં સ્થાન બનાવી શકી ન હતી પરંતુ એશિયા કપની પ્રથમ મૅચ જીત્યા બાદ બીજી મૅચમાં દબાણ પાકિસ્તાનની ટીમ પર છે.
રોહિત શર્મા અને ટીમના અન્ય ખેલાડીઓનું મનોબળ એટલે પણ વધ્યું છે કારણ કે ટી-20 ક્રિકેટમાં ભારતનો પક્ષ પાકિસ્તાન સામે ભારે રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી દસ ટી-20 મૅચો રમાઈ છે. જેમાંથી આઠમાં ભારતનો વિજય થયો છે.
ભારત માટે સૌથી મોટી રાહત તો એ જ છે કે પાકિસ્તાનના સૌથી ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રીદી અનફિટ થઈને ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે.
પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ પ્રમાણે તેઓ ફિટનેસ જાળવવા માટે યુકે જતા રહ્યા છે જેથી ટી-20 વર્લ્ડ કપ પૂરો થતાં પહેલા સંપૂર્ણપણે ફીટ થઈને પાછા આવી શકે.
બીજી તરફ ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ અનફિટ થઈ ગયા છે પરંતુ તેમની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
જાડેજા ટી-20 વર્લ્ડકપ સુધી સંપૂર્ણપણે ફીટ થઈ જશે કે કેમ તેને લઈને પણ ચિંતાજનક સ્થિતિ છે કારણ કે આ વર્ષે માર્ચથી જૂન સુધી તેઓ ઘૂંટણમાં ઇજાને કારણે મેદાનની બહાર રહ્યા હતા.
જાડેજાની ગેરહાજરીથી એશિયા કપમાં પણ ભારતીય ટીમની મુશ્કિલો વધી ગઈ છે કારણ કે જાડેજાએ બૅટ અને બૉલ બંનેથી સારુ એવું યોગદાન આપનાર ઑલરાઉન્ડર તરીકે ઘણી વખત પોતાની પ્રતિભા રજૂ કરી છે.
ટીમમાં તેમની હાજરી એક પ્રકારે સંતુલન બનાવે છે અને સામેની ટીમો પર દબાણ પણ ઊભું કરે છે.
જોકે, પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન દર્શાવ્યું હતું અને લાગી રહ્યું છે કે તેઓ કોઈ પણ પડકારને કાળજીપૂર્વક ઝીલવા માટે તૈયાર છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની જોડી ઋષભ પંતને આ મૅચમાં તક આપે છે કે કેમ?
પાકિસ્તાન સામેની પ્રથમ મૅચમાં પંતના સ્થાને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ હૉંગકોંગ સામે પંતને તક મળી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં ઋષભ પંત ભારતના સૌથી મોટા મૅચ વિનર ખેલાડી તરીકે સામે આવ્યા છે. એવામાં પાકિસ્તાન સામે ગઈ મૅચમાં તેમને ન સામેલ કરવાના નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.
આ સિવાય ભારતીય બૅટર સૂર્યકુમાર યાદવ પર પણ નજર ટકેલી રહેશે. તેમણે હૉંગકોંગ સામે 26 બૉલમાં નોટઆઉટ 68 રન ફટકાર્યા હતા.
તેમણે અત્યાર સુધી ભારત માટે માત્ર 25 ટી-20 મૅચો રમી છે પરંતુ તેમાં તેમણે એક સદી અને છ અર્ધસદી ફટકારી છે. તેમનો સ્ટ્રાઇક રેટ 177થી વધુ છે. તેમને વર્લ્ડ ટી-20 દૃષ્ટિએ પણ ભારતના સર્વશ્રેષ્ઠ બૅટર માનવામાં આવે છે.
ઘણા વિશ્લેષકો તેમને વિરાટ કોહલીના સ્થાને નંબર ત્રણ પર મોકલવાની માગ કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે ટીમની જરૂરિયાત પ્રમાણે પેસ અને સ્પિન બૉલિંગ પર એક સમાન રીતે રન મારનાર અન્ય બૅટર ટીમમાં જોવા મળતો નથી.
2018ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત આમનેસામને આવી અને બંને વખત જીત ભારતના નામે રહી હતી. આ વર્ષે ભારત પ્રથમ મૅચ જીતી ચૂક્યું છે અને બીજી મૅચ જીતવા માટે ટીમ તૈયાર લાગી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













