ઇથિયોપિયા : આફ્રિકાના આ દેશમાં ફરીથી ગૃહયુદ્ધ કેમ શરૂ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એલેક્સ ડે વાલ
- પદ, આફ્રિકન વિશ્લેષક

- ઇથિયોપિયામાં સરકાર અને ટિગ્રે પિપલ્સ લિબરેશન ફ્રન્ટ એટલે કે ટીપીએલએફ વચ્ચે ફરી ભારે સંઘર્ષ શરૂ થઈ ગયો છે
- બંને પક્ષોએ માન્યું છે કે 24 ઑગસ્ટની વહેલી સવારે પહેલી વખત ગોળીબાર થયો હતો
- ટીપીએલએફ દ્વારા સામૂહિક ભરતીમાં વધારો કરવામાં આવ્યો હતો અને તેણે પોતાના બધા સ્રોતો ટ્રેનિંગ અને સાધનસામગ્રીથી ફરીથી સજ્જ થવામાં લગાવ્યા હતા
- ટીપીએલએફ પાંચ મહિનાના "માનવતાવાદી યુદ્ધવિરામ" માટે આંતરરાષ્ટ્રીય પ્રશંસાથી પ્રભાવિત નથી, જેના અંતર્ગત વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને ટિગ્રેમાં પોતાનું કામ ચાલુ કરવાની મર્યાદિત સ્તરે પરવાનગી મળી હતી
- ઇથિયોપિયન ઍરફોર્સે ગયા અઠવાડિયે મેકેલ પર બૉમ્બવર્ષા કરી હતી જેમાં મેડિકલ સ્ટાફ પ્રમાણે આ બૉમ્બવર્ષામાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થયો હતો

ઇથિયોપિયામાં સરકાર અને ટિગ્રે પિપલ્સ લિબરેશન ફ્રન્ટ એટલે કે ટીપીએલએફ વચ્ચે ફરી ભારે સંઘર્ષ શરૂ થઈ ગયો છે. વાટાઘાટો તરફ પાછા ફરવાનો માર્ગ અનિશ્ચિત છે.
બંને પક્ષોએ માન્યું છે કે 24 ઑગસ્ટની વહેલી સવારે પહેલી વખત ગોળીબાર થયો હતો. આ ગોળીબાર ટિગ્રેની દક્ષિણ સરહદ પર થયો હતો, જ્યાં તે પાડોશી રાજ્ય અમ્હારાના કોબો શહેર સાથે જોડાય છે. બંને પક્ષ એકબીજા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવે છે.
પશ્ચિમી રાજદ્વારીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે એ સ્પષ્ટ છે કે ઇથિયોપિયન નેશનલ ડિફેન્સ ફોર્સ અને તેના સાથી અમ્હારા મિલિશિયા જેને લોકો 'ફાનો' તરીકે ઓળખે છે તેમણે તે જગ્યાએ અઠવાડિયાં પહેલાં મોટી સંખ્યામાં સૈન્ય ગોઠવી દીધું હતું.
આ બાજુ ટીપીએલએફ દ્વારા સામૂહિક ભરતીમાં વધારો કરવામાં આવ્યો હતો અને તેણે પોતાના બધા સ્રોતો ટ્રેનિંગ અને સાધનસામગ્રીથી ફરીથી સજ્જ થવામાં લગાવ્યા હતા. જોકે, તેણે કોઈ નવી ભરતી કરી હોવાની વાતને નકારી દીધી છે.
તેણે ગયા વર્ષની લડાઈમાં સંઘીય સૈન્ય પાસેથી વિશાળ શસ્ત્રાગાર કબજે કર્યું હતું અને એવી અફવા છે કે તેણે વિદેશથી પણ નવાં હથિયારો ખરીદ્યાં છે.
ચિંતા વધી રહી હતી. અને છતાં હાલનાં અઠવાડિયાંમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે થોડા સમયમાં શાંતિવાર્તા થઈ શકે છે.
વડા પ્રધાન અબી અહેમદે તેમના નાયબ ડેમેકે મેકોનેનને શાંતિ સમિતિ માટે અધિકૃત કર્યા હતા, જેણે જુલાઈમાં કામગીરી હાથ ધરી હતી.
એ પહેલાં પણ અબી અહેમદે વરિષ્ઠ અધિકારીઓને ગુપ્ત રીતે ટીપીએલએફએને મળવા મોકલ્યા હોવાની વાત કહેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું માનવામાં આવે છે કે સિશેલ્સ અને જિબુટીમાં યોજાયેલા સત્રમાં એવો કરાર થયો હતો કે ઇથોપિયન દળો ટિગ્રેની તેમની નાકાબંધી ઉઠાવી લેશે, એરિટ્રિયા પોતાની સેનાને હઠાવી લેશે જે તેણે સરકારને સમર્થન આપવા માટે મોકલી હતી અને બંને પક્ષો કેન્યાની રાજધાની નૈરોબીમાં પૂર્ણ વાર્તા કરશે, જેની મેજબાની રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા કરશે. કાર્યસૂચિનો પહેલો મુદ્દો હશે કાયમી સીઝફાયર હતો.
પાછળથી અમેરિકા મજબૂતપણે આ વાર્તાને સમર્થન કરી રહ્યું હતું અને કેન્યા સાથે સહભાગી બનવા પર કામ કરી રહ્યું હતું.

ટિગ્રેમાં 50 લાખ લોકો અસરગ્રસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ખાસ દૂત માઇક હેમર અને યુરોપિયન યુનિયનના દૂતોએ 2 ઑગસ્ટના રોજ ટિગ્રેની રાજધાની મેકેલની મુલાકાત લીધી હતી અને યુનાઇટેડ નેશન્સે ઝડપથી વીજળી, ટેલિકૉમ, બૅંકિંગ અને અન્ય સામાન્ય સેવાઓને ફરી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે અને સાથે જ નિરકુંશ માનવતાવાદી પ્રવેશ વિશે પણ કહ્યું હતું. તેનાથી એવો સંકેત મળ્યો કે વડા પ્રધાન અબી અહેમદ આ બધી વસ્તુઓ કરવા માટે તૈયાર થઈ ગયા છે.
જોકે, આફ્રિકન સંઘના દૂત ઓલુસેગુન ઓબાસાંજો મુદ્દા મૌન રહ્યા હતા. દૂતોને માહિતી આપતાં જનરલ ઓબાસાંજેએ એ વાત પર ભાર આપ્યો કે તેઓ એકમાત્ર મધ્યસ્થ વ્યક્તિ છે અને તેમણે ઇથિયોપિયાના મિત્રરાષ્ટ્ર એરિટ્રિયાને વાર્તામાં નિમંત્રણ આપીને લોકોને ચોંકાવી પણ દીધા.
ટીપીએલએફ સરકાર પર તેની પ્રતિબદ્ધતાઓથી દૂર રહેવાનો આરોપ લગાવે છે. સરકાર એ વાતનો સ્વીકાર નથી કરતી કે કોઈ મિટિંગ થઈ હતી. આંતરરાષ્ટ્રીય દૂતોએ પણ આ મામલે મૌન જાળવી રાખ્યું છે અને એ જણાવવા તૈયાર નથી કે વાર્તા કેમ અટકી ગઈ.
જુલાઈ અને ઑગસ્ટ દરમિયાન અદીસ અબાબાએ નાકાબંદી કરીને રાખી હતી અને માત્ર ખોરાક, દવાઓ અને તે કૃષિ માટે ખાતરને જ લાવવા માટે પરવાનગી આપી હતી.
ટીપીએલએફ પાંચ મહિનાના "માનવતાવાદી યુદ્ધવિરામ" માટે આંતરરાષ્ટ્રીય પ્રશંસાથી પ્રભાવિત નથી, જેના અંતર્ગત વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને ટિગ્રેમાં પોતાનું કામ ચાલુ કરવાની મર્યાદિત સ્તરે પરવાનગી મળી હતી.
તે ભારપૂર્વક જણાવે છે કે અદીસ અબાબાની સતત નાકાબંધી એ ભૂખને યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા સમાન છે અને સહાય કામગીરી દયનીય અવસ્થામાં હતી અને અપૂરતી હતી.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કહે છે કે તેની પહોંચ હજારો લોકો સુધીની હતી. તે એક શરૂઆત હતી, પરંતુ 4.8 મિલિયનની જરૂરિયાત કરતાં ઘણી ઓછી હતી.
લડાઈ વચ્ચે ટીપીએલએફ નેતા ડેબ્રેટસિયન ગેબ્રેમાઇકલે આંતરરાષ્ટ્રીય નેતાઓને એક ખુલ્લો પત્ર લખ્યો છે. તેઓ પત્રમાં કહે છે, "અમારે મૃત્યુનો સામનો કરવો પડે તે દિશામાં અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અમારી પસંદગી માત્ર એ છે કે અમે ભૂખમરાથી મરી જઈએ કે પછી અમે અમારા અધિકારો અને અમારા ગૌરવ માટે લડતા મરી જઈએ."
સામૂહિક ભૂખમરો ટિગ્રેના લોકોનો જીવ લઈ રહ્યો છે. લોકોનાં મૃત્યુના આંકડા અંગે હજુ કોઈ જાણકારી નથી પરંતુ આ વર્ષની શરૂઆતમાં બેલ્જિયમની એક ઍકેડમિક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે નવેમ્બર 2020માં શરૂ થયેલા યુદ્ધથી આશરે પાંચ લાખ જેટલા ટિગ્રેના લોકો ભૂખમરા અને સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા છે.
ટિગ્રેમાં ટીપીએલએફએ જૂન 2021માં ફરી નિયંત્રણ મેળવ્યું ત્યારથી ફ્રાન્સની ટીવી ચેનલ ARTE ને બાદ કરીએ તો બીજા કોઈ વિદેશી સંવાદદાતા નથી.
કેટલાક સહાયક કામદારોને પ્રવેશની પરવાનગી મળી હતી પરંતુ તેઓ બાળકોના મૃત્યુ વિશે સામાન્ય ડેટા પણ પ્રાપ્ત કરી શક્યા ન હતા. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રવક્તા માત્ર એ કહી દેતા કે 'અમે નથી જાણતા'.

માનવતાવાદી સંકટ ઘેરાશે

ઇમેજ સ્રોત, TIGRAI TV/REUTERS
ટૂંક સમયમાં માનવતાવાદી આફત વધારે ઘેરી બની શકે છે. મર્યાદિત સહાયકાર્યો અત્યારે રોકાઈ ગયાં છે.
એક મહિના કરતાં વધારે સમયમાં પાક પણ લણી શકાશે નહીં અને યુદ્ધથી વધારે વિનાશ સર્જાશે.
ઇથિયોપિયન ઍરફોર્સે ગયા અઠવાડિયે મેકેલ પર બૉમ્બવર્ષા કરી હતી જેમાં એક બાળમંદિરને નુકસાન પહોંચ્યું હતું. મેડિકલ સ્ટાફ પ્રમાણે આ બૉમ્બવર્ષામાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થયો હતો.
સરકારે આ વાત માનવાની ના કહી દીધી છે અને તેમણે ભારપૂર્વક કહ્યું છે કે તેમણે માત્ર મિલિટ્રીનાં સ્થળોને જ નિશાન બનાવ્યાં હતાં. મંગળવારની રાત્રે ફરી એક વખત મેકેલ પર હવાઈહુમલો થયો હતો.
વરિષ્ઠ માનવતાવાદી અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરતાં ટિગ્રેયન્સે યુએન પાસેથી 12 ટૅન્કર ભરીને ઈંધણની માગણી કરી હતી.
ટીપીએલએફ કહે છે કે તેમણે યુએનને થોડા મહિનાઓ પહેલાં ઈંધણ ઉધાર આપ્યું હતું અને હવે તેઓ તે જ ઈંધણ પરત માગી રહ્યા છે. તેમના પ્રવક્તાનો દાવો છે કે ટીપીએલએફની આ હરકત અને સમય એ વાત તરફ ઇશારો નથી કરતા કે આ સામાન્ય સેવાનું કામ છે.
ઇથિયોપિયન ઍરફોર્સે દાવો કર્યો છે કે તેમણે એવા એક પ્લેનને ઉડાડી દીધું છે જે સુદાની ઍરસ્પેસથી ટિગ્રે માટે હથિયારો લઈને આવી રહ્યું હતું. જોકે, ટીપીએલએફ દ્વારા આ દાવો ફગાવવામાં આવ્યો છે.
ટીપીએલએફ દાવો કરે છે કે 1 સપ્ટેમ્બરની સવારે એરિટ્રિયનની મોટી તોપો દ્વારા શેલ છોડવામાં આવી રહ્યા હતા, જ્યારે ઇથિયોપિયાની સેનાએ સરહદ પર હુમલો કર્યો હતો. એરિટ્રિયન સરકાર આ મામલે ચૂપ છે.
પશ્ચિમી ટિગ્રેમાં પણ સુદાનની સરહદ તરફ લડાઈ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર પ્રમાણે કોબો માટેની લડાઈ ખૂબ મોટી છે. ટિગ્રેના સ્ત્રોતો 20 વિભાગોના વિશાળ દળ સામે નિર્ણાયક વિજયની જાણ કરી રહ્યા છે, જેમાં એક મોટો શસ્ત્રાગાર કબજે કરવામાં આવ્યો હતો. જોકે, આ વિશે કોઈ સ્વતંત્રરૂપે પુષ્ટિ કરવામાં આવી નથી.
ઇથિયોપિયન સરકાર કોઈ પણ પ્રકારના નુકસાનની વાતને ફગાવે છે. તેમણે મીડિયાને તેમના રિપોર્ટિંગને સંભાળીને કરવાની અને દેશના રાષ્ટ્રીય હિતને પ્રતિબિંબિત કરવા માટે કટોકટીના સમયે માહિતીની ઍક્સેસ મેળવવા સૂચના આપી છે.
તે કહે છે કે તેમણે કોબો ગામ ખાલી કરાવી દીધું છે અને 50 કિલોમિટર દૂર વોલ્ડિયા શહેરથી અહેવાલ આપવામાં આવ્યો છે કે આર્મી ક્યાંય જોવા મળી રહી નથી.
અત્યાર સુધી ટીપીએલએફે પોતાની સેનાને દક્ષિણમાં મોકલી નથી અને તેનું કહેવું છે કે તેનો ગયા વર્ષની જેમ આગળ વધવાનો કોઈ ઇરાદો નથી જેમાં તેઓ રાજધાનીની 200 કિલોમિટર નજીક પહોંચી ગયા હતા. તેમના પ્રવક્તાએ એ વાતને પણ ફગાવી છે કે તેમણે વોલ્ડિયા પર નિયંત્રણ મેળવી લીધું છે.

ટીપીએલએફ ઉત્તર ઇથિયોપિયામાં પ્રભાવી
ટીપીએલએફની સ્થિતિ હાલ એવી છે કે તે તુરંત શાંતિવાર્તા ઇચ્છે છે. જોકે તેનું ઓરોમો લિબરેશન આર્મી સાથે ઔપચારિક ગઠબંધન છે, જે ઇથોપિયાના દક્ષિણ અને પશ્ચિમમાં સંઘીય સરકાર સામે ભીષણ યુદ્ધ લડી રહ્યા છે. ટીપીએલએફ પાસે કોઈ ગઠબંધન નથી જે દેશનું સંચાલન કરી શકે.
મોટાભાગના ટિગ્રેયન્સની ભાવના એ છે કે તેમણે માત્ર તેમના ગૃહ વિસ્તાર માટે લડવું જોઈએ. હાલ પ્રમાણે કોઈ વિશ્વસનીય પ્રક્રિયા નથી.
જનરલ ઓબાસાંજોની નિમણૂંકના એક વર્ષ બાદ કોઈ પ્રગતિ જોવા મળી નથી તેવામાં કેટલાક આફ્રિકન અને પશ્ચિમી રાજદૂતો છુપાઈને કહે છે કે તેઓ અસમર્થન હોવા છતાં તેમણે ઇથિયોપિયાની સરકારનું સમર્થન જાળવી રાખ્યું છે.
પરંતુ યુ.એસ.-કેન્યાની પહેલ ઑગસ્ટના મધ્યમાં નિષ્ફળ ગઈ જ્યારે વિલિયમ રુટોને કેન્યામાં ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા, તેમણે મિસ્ટર કેન્યાટ્ટા, રૈલા ઓડિંગા દ્વારા સમર્થન આપેલા ઉમેદવારને હરાવ્યા હતા.
આ યોજના મિસ્ટર કેન્યાટ્ટાની અંગત સંડોવણી પર ટકી હતી, અને તે શક્ય છે કે મિસ્ટર રુટો મિસ્ટર કેન્યાટ્ટાને શાંતિ વાટાઘાટોના વડા તરીકે નામાંકિત કરી શકે, તે થાય તે પહેલાં કેન્યાના રાજકારણમાં ઘણી અનિશ્ચિતતા સર્જાઈ છે.
એવું લાગે છે કે અમેરિકનો પાસે કોઈ પ્લાન બી નથી.
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને કોઈ પણ પ્રકારની પૂર્વશરતો વગર વાર્તા પર પરત ફરવાની વાત કરી છે. બંને પક્ષ તેમની વાત માને તે અશક્ય લાગે છે.
વડા પ્રધાન અબી અહેમદ યુદ્ધક્ષેત્રના નુકસાનને પગલે વાટાઘાટો કરીને નબળા દેખાવા માંગતા નથી.
અદીસ અબાબાએ ટીપીએલએફને 'આતંકવાદી' તરીકે સંબોધી તેને વખોડી કાઢ્યું છે.
ટીપીએલએફની માગ છે કે ઘેરો હઠાવી દેવામાં આવે. તેને તેઓ યુદ્ધગુના તરીકે સંબોધે છે. આ તેમની કોઈ પણ વાતચીત પહેલાંની શરત છે.
તે ભારપૂર્વક જણાવે છે કે સંઘીય સરકારને પહેલેથી કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને રદ કરવા માટે પૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ નહીં.
છેલ્લા અઠવાડિયાની વેદના અને મૃત્યુએ અત્યાર સુધી માત્ર એટલું જ સાબિત કર્યું છે જે ઇથિયોપિયનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પહેલેથી જ એ વાતની જાણ હોવી જોઈએ કે ટિગ્રેના યુદ્ધનું કોઈ સૈન્ય સમાધાન નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















