પાકિસ્તાનમાં આવેલા ભયાનક પૂરે કેવો વિનાશ સર્જ્યો એ નકશા અને તસવીરોથી સમજો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિઝ્યુઅલ જર્નાલિઝ્મ ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ

- પાકિસ્તાનમાં તાજેતરમાં પૂરના કારણે તારાજીનાં દૃશ્યો સર્જાયાં છે
- નિષ્ણાતો આને હવામાનપરિવર્તનની માઠી અસર ગણાવી રહ્યા છે
- આ આપદામાં પાકિસ્તાનમાં અત્યાર સુધી એક હજાર કરતાં વધુ લોકોના જીવ ગયા છે

ભારે વરસાદને પગલે પાકિસ્તાનમાં ભારે નુકસાન થયું છે, જેના કારણે લાખો લોકો ઘરવિહોણા બની ગયા છે. પૂરના કારણે ઘણાં બિલ્ડિંગો, બ્રિજો, રોડ અને દેશના મોટા વિસ્તાર પર પાણી ફરી વળ્યાં છે.
તીવ્ર પૂરના કારણે સિંધુ અને કાબુલ નદીઓની આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી છે.
જેના કારણે એક હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે તેમજ 1,600 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બલૂચિસ્તાન અને સિંધ પર આ પૂરની ખૂબ ખરાબ અસર થઈ છે.

આ સિવાય ખૈબર પખ્તુનખ્વાનો પહાડી વિસ્તાર પણ આ વિનાશની અસરથી બાકાત રહી શક્યો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
હવામાનપરિવર્તનમંત્રીએ જણાવ્યું હતું પાછલાં દસ વર્ષમાં આ વર્ષ સૌથી વધુ વરસાદની સિઝન રહી છે. જેના કારણે એક દેશના એક તૃતિયાંશ કરતાં પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સિંધ અને બલૂચિસ્તાનમાંથી થઈને વહેતી પૈકી ઘણી નદીઓ હિમખંડના ઓગળવા અને વધુ પડતાં વરસાદના કારણે આ વખત ખૂબ જ વધુ પાણી લઈને આવી છે.
યુએનના વર્લ્ડ મિટિરિયૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશને કહ્યું કે પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં આ વખત ભારે વરસાદ પડ્યો છે - જે પૈકી સિંધની એક સાઇટમાં તો ઑગસ્ટ માસમાં જ 1,288 મિલિમિટર વરસાદ પડવા પામ્યો હતો, જ્યારે આ ક્ષેત્રની માસિક સરેરાશ 46 મિલિમિટર છે.
આ પૂરના કારણે ઘણા લોકો વર્ષ 2010માં આવેલા વિનાશકારી પૂરની ખરાબ યાદો ફરી તાજી થઈ હોવાનું જણાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પૂર પાકિસ્તાનના ઇતિહાસનો સૌથી ભયાનક પૂર હોવાનું કહેવાય છે જેમાં 2,000 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

હજારો કિલોમિટરના રોડ અને બ્રિજોને થયેલ નુકસાનને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાનું વધારે કપરું બની ગયું છે.
લોકો ઊંચા રસ્તા કે રેલવે ટ્રેક જેવાં ઊંચાં સ્થળોએ આશરો લેવા માટે મજબૂર બન્યા છે, આ પૈકી ઘણા પાસે પોતાનાં માંડમાંડ જીવતાં બચેલાં ઢોર પણ છે.
તેમજ કેટલાકે રાહત કામગીરી ચલાવનારી સંસ્થાઓમાં શરણ મેળવી છે.

મુસાફરો અને ફસાયેલા ગ્રામીણોની મદદ તેમજ સહાયતા પહોંચાડવા માટે સરકાર અને આર્મીનાં હેલિકૉપ્ટર કામે લગાડાયાં છે.
UNનું અનુમાન છે કે આ પૂરના કારણે 3.3 કરોડ પાકિસ્તાનીઓને સીધી અસર થઈ છે, એટલે કે દર સાતમાંથી એક પાકિસ્તાની.
આ સિવાય પાંચ લાખ જેટલાં ઘર ક્ષતિગ્રસ્ત કે તબાહ થઈ ગયાં છે.
પૂરનાં પાણીમાં સાત લાખ જેટલાં પશુ પણ તણાઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે.
આ સિવાય કપાસ, ઘઉં, શાકભાજી અને ફળના પાકો ધોવાઈ જવાના કારણે ખેડૂતોની 3.6 મિલિયન એકર જમીનને પણ ભારે અસર પડી છે.
UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે મંગળવારે કહ્યું કે, "લાખો લોકો ઘરવિહોણા બન્યા છે. સ્કૂલો અને આરોગ્યકેન્દ્રો તબાહ થઈ ગયાં છે. લોકોની રોજગારી ધોવાઈ ગઈ છે. તેમજ પાયાની સુવિધાઓ પર પાણી ફરી વળ્યાં છે. આ સિવાય લોકોની આશાઓ અને સપનાં પણ પાણીમાં વહી ગયાં છે."
તેઓ 52 લાખ લોકો માટે 137 મિલિયન પાઉન્ડની મદદ ભેગી કરવાની અપીલના લૉન્ચ વખતે આ અંગે વાત કરી રહ્યા હતા.
આ રકમનો ઉપયોગ અસરગ્રસ્તોને ભોજન, પાણી, સેનિટેશન, આકસ્મિક શિક્ષણ, આરોગ્યને લગતી સુવિધાઓ અને સુરક્ષા માટે કરાશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

શું આ પરિસ્થિતિ માટે હવામાન પરિવર્તનને જવાબદાર ઠેરવી શકાય?
પર્યાવરણ સંવાદદાતા મૅટ મેકગ્રાનું વિશ્લેષણ
આ વર્ષે પાકિસ્તાન પર હવામાન સંબંધિત સમસ્યાઓનો બેતરફી માર પડ્યો છે.
માર્ચ અને એપ્રિલમાં હીટવૅવના કારણે ક્ષેત્રમાં 49 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન રહ્યું હતું, તેમજ હવે પૂરના કારણે પાણીના રસ્તામાં જે આવ્યું તે ધોવાઈ ગયું, જેના કારણે લાખો લોકોને હવે મદદની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
વૈજ્ઞાનિકોએ તાપમાનમાં વધારાની ઘટના માટે હવામાનપરિવર્તન અને માનવસંબંધી પરિબળોને કારણભૂત ગણાવ્યાં હતાં.
હવે આ ઘટના અંગે પણ કંઈક આ આવું જ તારણ કઢાશે તેવો ભય છે.
પાછલા ત્રણ દાયકામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો છે. હવે આ એક નકારી ન શકાય તેવું વૈજ્ઞાનિક તથ્ય બની ગયું છે કે વધુ પડતું ગરમ વાતાવરણ વધુ પાણી ગ્રહણ કરીને તેને વરસાદ સ્વરૂપે પાડી શકે છે.

પાકિસ્તાનમાં ધ્રુવીય વિસ્તારોની બહાર આવેલ સૌથી વધુ હિમખંડો છે અને વધુ તાપમાનના કારણે આ બરફ પીગળ્યો અને તેના કારણે વધુ પાણી મેદાની વિસ્તારોમાં ઠલવાયું છે.
પરંતુ આ સિવાય પણ અનેક પરિબળોએ આ વિનાશમાં ભાગ ભજવ્યો છે.
તેમાં લાંબા સમયથી ચાલી રહેલ જંગલક્ષેત્રના ઘટાડા માટેની પ્રવૃત્તિઓ તેમજ વર્ષ 2010ના પૂર બાદ સરકાર દ્વારા પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને આગળ વધવાના નહિવત્ પ્રયાસો પણ કારણભૂત છે.
એમાં કોઈ બેમત નથી કે આ સંકટની ઘડીમાં વિશ્વ મદદે આવશે - પરતું અહીં પ્રશ્ન એ છે કે : શું ધનિક વિશ્વ આવું ફરી ન બને તે માટે પૈસાની ચૂકવણી કરશે?
પાકિસ્તાનની સરકારનું અનુમાન છે કે તેમને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા અને વાતાવરણ માટે યોગ્ય આંતરમાળખું વિકસાવવા માટે વર્ષ 2050 સુધી દર વર્ષે સાતથી 14 બિલિયન ડૉલરની જરૂર પડવાની છે.
જોકે, રાજદ્વારીઓ આ સમસ્યાનો ઉકેલ COP26 દરમિયાન નહોતા મેળવી શક્યા- તેમજ આ સમસ્યા બે માસ બાદ જ્યારે ઇજિપ્તમાં આ દેશો ફરીથી COP-27 માટે મળશે ત્યારે વિકરાળ બની જશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












