ગોપાલ ઈટાલિયા હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ વિશે એવું તો શું બોલ્યા કે તેમની સામે FIR નોંધાઈ?

ઇમેજ સ્રોત, Gopal Italia/FB

- સોશિયલ મીડિયામાં વાઇરલ એક વીડિયોના આધારે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ સીઆરપીસીની કલમ 154 હેઠળ FIR નોંધાઈ છે
- ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ 469 (ખોટા દસ્તાવેજો ઊભા કરવા), 500 (બદનક્ષી), 504 (જાહેરશાંતિનો ભંગ થાય એ રીતે કોઈની બદનક્ષી કરવી) અને 505 (જાહેરશાંતિનો ભંગ થાય એ રીતે જાહેર જનતાને ઉશ્કેરવી) જેવી કલમ લગાવીને એફઆઈઆર નોંધવામાં આવી છે
- ફરિયાદ અનુસાર, વીડિયોમાં ગોપાલ ઇટાલિયાએ આમ જનતાને સંબોધીને 'ભાજપને લુખ્ખા અને ગુંડાઓની પાર્ટી' ગણાવી હતી અને આપના નેતા મનોજ સોરઠિયા પરનો હુમલો ભાજપ સાથે સંકળાયેલા ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કોઈપણ આધાર પુરાવા વગર કર્યો હતો
- ફરિયાદ અનુસાર, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે 'લોહીના એક એક ટીપાનો હિસાબ લઈશું' તેમજ 'બેટાઓ કરી લો હુમલા, ચૂંટણી સુધી હુમલા કરી લો પછી નાની યાદી કરાવી દેવાની છે' એમ કહ્યું હતું
- વીડિયોમાં ભાજપના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને 'માજી બુટલેગર' કહીને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ એક વીડિયોના આધારે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સીઆરપીસીની કલમ 154 હેઠળ એફઆઈઆર નોંધાઈ છે.
સુરતના કાપોદરા વિસ્તારની મમતાપાર્ક સોસાયટીમાં રહેતા પ્રતાપ ચોડવડીયાએ 2 સપ્ટેમ્બરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપને 'ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી' કહી છે અને 'લોહીના એક એક ટીપાનો હિસાબ લઈશુ' તેમજ 'બેટાઓ કરી લો હુમલા, ચૂંટણી સુધી હુમલા કરી લો પછી નાની યાદી કરાવી દેવાની છે', એમ કહ્યું હતું.
ફરિયાદના આધારે ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ 469 (ખોટા દસ્તાવેજો ઊભા કરવા), 500 (બદનક્ષી), 504 (જાહેરશાંતિનો ભંગ થાય એ રીતે કોઈની બદનક્ષી કરવી) અને 505 (જાહેરશાંતિનો ભંગ થાય એ રીતે જાહેર જનતાને ઉશ્કેરવી) કલમ લગાવીને એફઆઈઆર નોંધવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, GUJARAT POLICE
ગોપાલ ઇટાલિયાની વાત અને તે અનુસંધાને કરવામાં આવેલી ફરિયાદ પાછળ ગત 30 ઑગસ્ટની એક ઘટના જવાબદાર છે.
વાત એમ બની હતી કે 30 ઑગસ્ટે સુરતના સાડા નાકા પર મનોજ સોરઠિયા ઉપર જીવલેણ હુમલો થયો હતો. ફરિયાદ અનુસાર:
આ બનાવ ને લઈને ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોમાં ગોપાલ ઇટાલિયાએ આમ જનતાને સંબોધીને ભાજપને 'લુખ્ખા અને ગુંડાઓની પાર્ટી' ગણાવી હતી અને આ હુમલો ભાજપ સાથે સંકળાયેલા ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કોઈ પણ આધાર પુરાવા વગર કર્યો હતો.
મનોજ સોરઠિયા ઉપર થયેલા હુમલાને ભાજપ સાથે સાંકળીને ગોપાલ ઇટાલિયાએ ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કર્યું હતું.
વીડિયોમાં ભાજપના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને 'માજી બુટલેગર' કહીને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.
આ ઉપરાંત જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા હોવાનું ગોપાલ ઈટાલિયા જાણવા છતાં પોતાનો રાજકીય હેતુ સિદ્ધ કરવા લોકોને લોકોને કાપોદરા પોલીસ સ્ટેશને એકઠા થવા જણાવી જાહેર જનતામાં ગભરાટ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો.

'ભાજપ ગુંડાગીરી પર ઊતર્યો'
"આપ ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર ભાજપના ગુંડાઓ દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલા વિરુદ્ધ આક્રોશ પ્રદર્શન" શિર્ષક હેઠળ ગોપાલ ઇટાલિયાના ફેસબુક પેજ પર મૂકવામાં આવેલા લાઇવ વીડિયોમાં ગોપાલ ઇટાલિયા કહે છે, "ચૂંટણીના ત્રણ મહિના બાકી રહી ગયા છે, સી.આર. પાટીલને, ડ્રગ્સ સંઘવીને કે ભાજપના ગુંડાઓને જે અન્યાય કરવો હોય, જે અત્યાચાર કરવો હોય, જે મારામારી કરવી હોય એ કરી લેજો, પછી ત્રણ મહિના પછી પસ્તાશો. સત્તાના નશામાં ડ્રગ્સ સંઘવીએ મોકલેલા ગુંડાઓ બેફામ બન્યા છે."
"ભાજપના ટાંટિયાં ધ્રૂજવા લાગ્યા છે એટલે ભાજપ ગુંડાગીરી પર ઊતર્યો છે. અમે અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ, ચાર પૈસાના બૂટલેગર, લુખ્ખાઓથી ડરવાના નથી."
એ સભામાં ઈસુદાન ગઢવી, આપ ગુજરાતી પ્રભારી સંદીપ પાઠક અને પંજાબ સરકારના મુખ્ય સલાહકાર અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા હાજર હતા.
સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એચ. રાજપૂત બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













