IND vs NZ: અમદાવાદમાં બે ગુજરાતી ખેલાડીઓએ ભારતને ત્રીજી વખત ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T-20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં ભારત ન્યૂઝીલૅન્ડને હરાવીને ચેમ્પિયન બની ગયું છે.
આ સાથે જ ભારત ટી-20 વર્લ્ડ કપને ત્રીજી વાર તથા સતત બે વાર જીતનારો પ્રથમ દેશ બન્યો છે.
ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 256 રનનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ભારતના બૉલરો અને બૅટ્સમૅનોએ ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો. જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં ફક્ત 15 રન આપીને ચાર વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાને બીજી વાર ચેમ્પિયન બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી.
તે જ રીતે અક્ષર પટેલે પણ ત્રણ ઓવરમાં 27 રન આપીને ત્રણ બૅટ્સમૅનને આઉટ કર્યા અને ભારતની જીતમાં અગત્યનું યોગદાન આપ્યું.
ભારતના વિજયમાં બે ગુજરાતી ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી - જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ. બુમરાહે મહત્ત્વની ચાર વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી ન્યૂઝીલૅન્ડનું વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું.
આ સિવાય હાર્દિક પંડ્યાએ પણ એક વિકેટ લીધી હતી.
ગુજરાતી ખેલાડીઓનો ખેલ

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓએ જોરદાર શરૂઆત કરી હતી. ત્રીજી ઓવર અક્ષર પટેલ નાખવા આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલી ફિન ઍલનની વિકેટ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિન એલને દક્ષિણ આફ્રિકા સામેની સેમિફાઇનલમાં ટી20 વર્લ્ડકપની સૌથી ઝડપી સદી ફટકારી હતી. 33 બૉલમાં સદી ફટકારનારની વિકેટ અક્ષર પટેલે લીધી હતી.
આ પછી અક્ષર પટેલે ગ્લેન ફિલિપ્સને પાંચ રને બૉલ્ડ કર્યા હતા. અક્ષર પટેલે પોતાની ત્રીજી ઓવરમાં ડેરિલ મિચેલને આઉટ કર્યા હતા. અક્ષર પટેલે 3 ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહે મૅચની ચોથી ઓવર નાખી હતી તેમણે પહેલાં બૉલે રચિન રવીન્દ્રની વિકેટ ઝડપી હતી. જોકે રચિન રવીન્દ્રનો કૅચ ઇશાન કિશને પકડ્યો હતો.
જસપ્રીત બુમરાહ પોતાની ત્રીજી ઓવર લઈને આવ્યા ત્યારે તેમણે બે બૉલમાં બે વિકેટ લઈને ન્યૂઝીલૅન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. 15મી ઓવરના ત્રીજા બૉલે તેમણે નીશમની અને ચોથા બૉલે મેટ હેન્રીની વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહે પોતાની ચોથી ઓવરમાં ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સેન્ટનરની વિકેટ લીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રવિવારે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 ફાઇનલ મૅચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સૅંટનરે ટૉસ જીત્યો હતો.
પીચની તાસિરને જોતાં તેમણે અપેક્ષા મુજબ જ બૉલિંગ પસંદ કરી હતી. જોકે, ભારતીય બૅટ્સમૅનોએ મહેમાન ટીમના કૅપ્ટનનો નિર્ણય મોંઘો સાબિત કર્યો હતો.
ભારતની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 255 રન બનાવ્યા હતા. ભારતના ટોચના બૅટ્સમૅનોએ 190 કરતાં વધુની સ્ટ્રાઇકરેટથી બૅટિંગ કરી હતી અને આ મૅચમાં સંજુ સેમસન સાથે ખીલ્યા હતા.
અભિષેક શર્માના 52 રન સ્કોર (21 બૉલ, છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા) પર આઉટ થયા હતા.
બે મૅચથી ભારતીય ટીમના 'સેવિયર' બનનારા સંજુ સેમસને ધીમી શરૂઆત કરી હતી. તેમણે 33 બૉલમાં અડધી સદી ફટકારી હતી. એ પછી સેમસને ગતિ પકડી હતી અને 46 બૉલમાં 89 રન (પાંચ ચોગ્ગા, આઠ છગ્ગા) બનાવીને આઉટ થયા હતા.
વર્લ્ડકપ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારા ઇશાન કિશન 24 બૉલમાં 54 રન (ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા) માર્યા હતા. આ સિવાય ત્રણ કૅચ પણ લીધા હતા.
સેસમન, ઇશાન કિશન તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવને (એક બૉલ, શૂન્ય રન) જૅમ્સ નિશમે પેવોલિનય ભેગા કર્યા હતા.
સેમસનના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા (13 બૉલ, 18 રન) મેદાન ઉપર આવ્યા હતા. જોકે, તેઓ ટૂંક સમયમાં આઉટ થઈ ગયા હતા.
નિર્ધારિત 20 ઓવરના અંતે ભારતે પાંચ વિકેટના ભોગે 255 રન બનાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











