સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના વચગાળાના જામીન મંજૂર કર્યા - પ્રેસ રિવ્યૂ

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ મામલામાં ગુનાઈત ષડ્યંત્ર અને અન્ય મામલાને કેસમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે.

નોંધનીય છે કે તેમની, ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ સામે ગુજરાત પોલીસે 2002 રમખાણ મામલે ખોટા પુરાવા ઊભા કરવા સહિતના આરોપ અંતર્ગત કેસ નોંધ્યો હતો.

તેઓ પાછલા લગભગ બે માસથી ગુજરાતમાં ન્યાયિક હિરાસતમાં હતાં.

અગાઉ તિસ્તા સેતલવાડની જામીનઅરજી સ્થાનિક કોર્ટો ફગાવી દેવાઈ હતી તેમજ ગુજરાત હાઇકોર્ટમાં તેની સુનાવણી ખૂબ મોડે રાખવામાં આવી હતી. જે મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પસેથી જવાબ માગ્યા હતા.

ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ જામીનઅરજી મંજૂર કરી હતી.

સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની અરજી ઉપર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુનાવણી માટે મોડી તારીખ (19 સપ્ટેમ્બર) આપવા ઉપર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે.

ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ્ટ તથા જસ્ટિસ ધુલિયા આ બેન્ચમાં બેઠા હતા.

દેખીતી રીતે નારાજ મુખ્ય ન્યાયાધીશ લલિતે આગળની સુનાવણી દરમિયાન કહ્યું હતું, "આ મુદ્દે આવતીકાલે બપોરે બે વાગ્યે સુનાવણી હાથ ધરીશું. આવા કેસોમાં મહિલાને આટલી મોડી તારીખ આપવામાં આવી હોય તેના દાખલા આપજો... કે પછી આ મહિલાને અપવાદરૂપ રાખવામાં આવી છે. શું ગુજરાત હાઇકોર્ટમાં આ સામાન્ય પરંપરા છે?"

ભારતીય મૂળના લક્ષ્મણ નરસિંહ્મન બનશે Starbucksના નવા CEO

અમેરિકાની બહુપ્રતિષ્ઠિત કૉફી ચેઇન સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિંહનની કંપની નવા સીઇઓ તરીકે જાહેરાત કરી છે. તેઓ પહેલી ઑક્ટોબરથી પદભાર સંભાળશે.

55 વર્ષીય લક્ષ્મણ બ્રિટનની મલ્ટીનેશનલ કંપની રિકિટના સીઈઓ હતા અને લંડનથી કામ કરતા હતા. રિકિટના કંપની છોડવા ઉપર કંપનીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કંપનીના શૅર ચાર ટકા જેટલા ગગડી ગયા હતા.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, લક્ષ્મણને આવતાં વર્ષની પહેલી એપ્રિલથી સ્ટારબક્સના બોર્ડ ઑફ ડિરેક્ટરમાં સ્થાન મળશે. એ પહેલાં તેઓ વચગાળાના સીઇઓ સાથે મળીને સિયેટલ ખાતેથી કામ કરશે.

આ દરમિયાન તેઓ સ્ટારબક્સના સ્ટોરનો અનુભવ મેળવશે, કૉફી ઉત્પાદનના એકમો તથા પ્લાન્ટની મુલાકાત લેશે અને પાર્ટનરો સાથે બેઠક કરશે.

ગુજરાતના અંબાજી મંદિર જઈ રહેલા શ્રદ્ધાળુઓને બેકાબૂ કારે કચડ્યા, છનાં મૃત્યુ

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં શુક્રવાર સવારે અતિશય ઝડપે જઈ રહેલ એક કાર બેકાબૂ થઈ ગઈ જે બાદ રાજ્યના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં દર્શન કરવા જઈ રહેલા છ શ્રદ્ધાળુનાં મૃત્યુ થઈ ગયાં.

આ અકસ્માતમાં સાત અન્ય લોકો પણ ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ ગુજરાત પોલીસના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે.

પોલીસ અનુસાર, ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, આ દર્દનાક અકસ્માતની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને મામલાની તપાસમાં લાગી ગઈ છે.

જણાવાઈ રહ્યું છે કે મોટા ભાગના યાત્રિકો રાજ્યના પંચમહાલ જિલ્લાના કાલોલના રહેવાસી હતા. તેઓ પગપાળા જ અંબાજી મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા હતા.

અરવલ્લીના માલપુરના કૃષ્ણપુરા ગામે આ અકસ્માત વહેલી સવારે સાત વાગ્યે થયો હતો. મૃતકો કુલ 150 વ્યક્તિના સંઘમાં મંદિરે જઈ રહ્યા હતા.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અકસ્માત અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક મદદની જાહેરાત કરી હતી.

આપનું વધુ એક ચૂંટણીવચન

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાતયાત્રા પર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 'ત્રીજા ચૂંટણી વચન'ની (ગૅરંટી) જાહેરાત કરશે.

એનડીટીવીના અહેવાલ મુજબ, તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં જાહેરસભાને સંબોધિત કરશે અને ત્રીજી ગૅરંટીની જાહેરાત કરશે.

આપની પ્રેસ વિજ્ઞપ્તી પ્રમાણે, આ યાત્રા દરમિયાન તેઓ દ્વારકામાં આવેલા ભગવાન કૃષ્ણના જગતમંદિરની મુલાકાત લેશે. આ સિવાય તેઓ રાજકોટ અને પછી બીજા દિવસે સુરેન્દ્રનગરની પણ મુલાકાત લેશે. સુરેન્દ્રનગરમાં તેઓ સરપંચો સાથે બેઠક કરવાના છે.

આ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા 300 યુનિટ મફત વીજળી, દસ લાખ સરકારી નોકરી, બેરોજગારોને માસિક રૂ. ત્રણ હજારનું ભથ્થું, મહિલાઓને માસિક રૂ. એક-એક હજાર જેવી જાહેરાતો કરવામાં આવી છે.

આસામમાં મદરેસાનું રાજકારણ

આસામમાં મદરેસાને બુલડોઝરથી તોડી પાડવા મુદ્દે ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટના વડાએ બદરુદ્દીન અજમલે આસામની હેમંતા બિશ્વા શર્મા સરકાર ઉપર પ્રહાર કર્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં અજમલે કહ્યું, "આસામમાં મુસ્લિમો, મદરેસા અને મસ્જિદો ઉપર એટલા માટે હુમલા વધારી દેવામાં આવ્યા છે, કેમ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેમના મત વધશે. 2024ની ચૂંટણી પહેલાં આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને મુસ્લિમો ડરીને ભાજપને મત આપી દે."

બીજી બાજુ, મુખ્ય મંત્રી શર્માનું કહેવું છે, "મદરેસા તોડી પાડવાનો અમારો કોઈ ઇરાદો નથી, પરંતુ જો અમને બાતમી મળશે કે મદરેસાની આડશમાં ભારતવિરોધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો અમે તેમને તોડી પાડીશું."

છેલ્લા કેટલાક દિવસ દરમિયાન આસામ સરકાર દ્વારા ત્રણ મદરેસા તોડી પડાઈ છે. અજમલે કહ્યું છે કે મદરેસાઓને તોડી પાડવાનું સહન કરવામાં નહીં આવે તથા જો જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે.

લિંગાયત મઠના વડાની ધરપકડ

કર્ણાટકના શક્તિશાળી લિંગાયત મઠોમાંથી એકના વડા ડૉ. શિવમૂર્તિ મુરુગા શરણરૂની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉપર બે સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. તેમની ઉપર એસસી/એસટી ઍક્ટના ભંગનો પણ આરોપ છે. તેમની સામે પોક્સો ઍક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કર્ણાટકના એડીજીપી (લૉ ઍન્ડ ઑર્ડર) આલોકકુમારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "કોર્ટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 હેઠળ નિવેદન નોંધાવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી."

મઠનાં વિદ્યાર્થિનીઓ માટેની હૉસ્ટેલનાં વૉર્ડન રશ્મિને બીજા ક્રમાંકનાં આરોપી બનાવવામાં આવ્યાં છે. અહીં સગીરાઓને ગોંધી રાખવામાં આવી હતી. કલાકો સુધી રશ્મિની પૂછપરછ બાદ ડૉ. શરણરૂની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન મઠમાંથી હાંકી કઢાયેલા અધિકારી એસકે બસવરાજનને ગુરુવારે બપોરે આગોતરા જામીન મળી ગયા હતા. રશ્મિએ બસવરાજન ઉપર જાતીય શોષણ તથા ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો અને બસવરાજનનાં પત્ની ઉપર કથિત અપરાધમાં સાથ આપવાનો આરોપ મૂક્યો હતો. ડૉ. શિવમૂર્તિની જામીન અરજી ઉપર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

યુક્રેનના અણુમથકમાં IAEA

યુક્રેન અને રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રોના અણુ નિષ્ણાતોએ યુક્રેનના ઝાપોરિઝિયા અણમુથકનું જાત નિરીક્ષણ કર્યું હતું.

ઇન્ટરનેશનલ ઍટમિક ઍનર્જી એજન્સીના વડા રાફેલ ગ્રોસીના કહેવા પ્રમાણે, 'પ્લાન્ટને ભૌતિક રીતે અનેક વખત નુકસાન પહોંચ્યું છે.'

યુક્રેન અને રશિયાએ એકબીજા ઉપર આંતરરાષ્ટ્રીય નિરીક્ષણને અટકાવવા માટે પ્રયાસ કરવાના આપ મૂક્યા હતા. છેવટે રશિયન સૈનિકોની સંગાથે આંતરરાષ્ટ્રીય ટીમ અણુમથકમાં પહોંચી હતી.

રશિયાની એજન્સી 'ઇન્ટરફેક્સ'ના અહેવાલ પ્રમાણે, આઈએઈએના 12 નિરીક્ષકો આ પ્લાન્ટમાં જ રહેશે, જ્યારે ઍનરગોઍટમના કહેવા પ્રમાણે, પાંચ આંતરરાષ્ટ્રીય નિરીક્ષક પ્લાન્ટમાં જ રહેશે.

દક્ષિણ યુક્રેનમાં આવેલો આ પ્લાન્ટ યુરોપનું સૌથી મોટું અણુમથક છે. ફેબ્રુઆરી મહિનાથી તે રશિયાના તાબા હેઠળ છે, પરંતુ તેનું સંચાલન યુક્રેનિયનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષકો ક્યાર સુધી ત્યાં રહેશે, તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો