IND vs PAK : રવીન્દ્ર જાડેજા અને હાર્દિકે પાકિસ્તાનનો હારનો પાયો નાખ્યો અને પંડ્યાએ સિક્સ મારી ભારતને જિતાડ્યું

દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં હાઇપ્રોફાઇલ ગણાતા મૅચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવી દીધું. જેમાં બે ગુજરાતી ક્રિકેટરો છવાયેલા રહ્યા.

હાર્દિક પંડ્યાએ અંતિમ ઑવરમાં સિક્સ મારીને ભારતને જીત અપાવી અને રવીન્દ્ર જાડેજાએ 35 રન બનાવીને ભારતને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અંતિમ ઑવરમાં ભારતને જીતવા માટે 7 રનની જરૂર હતી અને છેલ્લી ઑવરના પ્રથમ બૉલે જ જાડેજા આઉટ થયા હતા.

જે બાદ પાંચ બૉલમાં 7 રનની જરૂર હતી અને એ છેલ્લા ત્રણ બૉલ જેણે મૅચને રસપ્રદ તબક્કામાં લાવી દીધી.

એ છેલ્લી ઑવર જેણે ધડકનો વધારી દીધી

છેલ્લી ઑવરમાં સેટ થઈ ગયેલા બૅટ્સમેન રવીન્દ્ર જાડેજા પ્રથમ બૉલે જ આઉટ થઈ જતા મૅચ ફરી રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ હતી.

જે બાદ મેદાનમાં ઊતરેલા દિનેશ કાર્તિકે એક રન લીધો અને સ્ટ્રાઇક પર હાર્દિક પંડ્યા હતા. જેમાં તેમણે ત્રીજો બૉલમાં કોઈ રન ન લીધો.

દિનેશ કાર્તિક રન લેવા દોડ્યા પણ હતા જોકે હાર્દિક પટેલે તેમને રન ન દોડવા કહ્યું અને તેઓ ક્રિસ પર ઊભા રહ્યા જેથી સ્ટ્રાઇક તેમની પાસે જ રહે.

જે બાદ ચોથા બૉલે હાર્દિક પંડ્યાએ સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી.

જ્યારે મૅચ રોમાંચક બની ગઈ

રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પટેલ બંને ભારત તરફથી સેટ થઈ ગયા હતા અને ભારતને જીતવા માટે 15 બૉલમાં 27 રનની જરૂર હતી, તે સમયે નસીમ શાહ બૉલિંગ કરી રહ્યા હતા અને જાડેજાની એલબીડબલ્યુ આઉટની અપીલ કરી. અમ્પાયરે તેમને આઉટ આપી પણ આપી દીધા.

જોકે, જાડેજાએ રિવ્યૂ માગ્યો અને થર્ડ અમ્પાયર પાસે નિર્ણય જતાં તેમણે નોટ આઉટ આપ્યા હતા. જેના બીજા જ બૉલે જાડેજાએ સિક્સ ફટકારી હતી. જેમની સિક્સને જોઈને વિરાટ કોહલી પણ ઊભા થઈને તાડીઓ પાડવા લાગ્યા હતા.

ભારતને હવે જીતવા માટે 2 ઑવરમાં 21 રનની જરૂર હતી. જે બાદ જાડેજાએ હાર્દિક પંડ્યાને સ્ટ્રાઇક આપતા, પંડ્યાએ બે બૉલમાં ઉપરા ઉપરી બે ચોગ્ગા ફટકારી પાકિસ્તાનના બૉલરો પર દબાણ વધારી દીધું હતું. જે બાદ છેલ્લા બૉલે પણ હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકારતા ભારતને છેલ્લી ઑવરમાં માત્ર 7 રનની જરૂર રહી હતી.

પાકિસ્તાનના બૅટ્સમેનો જ્યારે નિષ્ફળ ગયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી મૅચ ખૂબ જ રોમાંચક રહી હતી.

ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પાકિસ્તાનને બૅટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત તરફથી પ્રથમ બૉલિંગ કરવા આવેલા ભૂવનેશ્વર કુમારે આ મૅચમાં કુલ ચાર વિકેટ લીધી હતી અને હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ લીધી હતી.

બંનેની શાનદાર બૉલિંગને કારણે ભારતે પાકિસ્તાનને 150 સુધીનો સ્કૉર પણ કરવા દીધો ન હતો.

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રીઝવાને 43 ઇફ્તિખાર અહમદે 28 રન કર્યા હતા. જોકે, બાકીના ખેલાડીઓ ખાસ વધારે રન કરી શક્યા ન હતા.

હાર્દિક પંડ્યાએ મોહમ્મદ રિઝવાન અને ઇફ્તિખાર અહમદની મહત્ત્વની વિકેટો લઈને પાકિસ્તાનની બૅટિંગ લાઇનને ધરાશાયી કરી નાખી હતી.

જેમનો સાથ આપતા ભૂવનેશ્વર કુમારે 4 અને અર્શદીપ સિંહે 2 તથા અવેશ ખાને 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાન 147 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

ભારતીય બૉલરોના પ્રદર્શનને કારણે પાકિસ્તાન 150ના સ્કૉર સુધી પહોંચી શક્યું ન હતું.

ભારતની ખરાબ શરૂઆત અને પછી જીત

પાકિસ્તાને આપેલા 148 રનના ટાર્ગેટને મેદાનમાં ઊતરેલી ભારતીય ટીમને પ્રથમ ઑવરના બીજા બૉલે જ ઝટકો લાગ્યો હતો.

પ્રથમ ઑવરના પ્રથમ બૉલમાં રોહિત શર્માએ એક રન લીધો, જે બાદ સ્ટ્રાઇક પર કે. એલ. રાહુલ હતા. જેમની સામે પાકિસ્તાન તરફથી નસીમ શાહ બૉલિંગ કરી રહ્યા હતા.

નસીન શાહના બૉલને રમવા જતા કે. એલ. રાહુલ બૉલ્ડ થયા હતા. બૉલ બૅટમાં વાગીને સીધો સ્ટમ્પમાં ગયો હતો. કે. એલ. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા અને ઝીરો રનમાં આઉટ થયા હતા.

જે બાદ મેદાનમાં વિરાટ કોહલી આવ્યા હતા, ઘણા સમયથી તેમના ફૉર્મને લઈને ચર્ચાઓ થતી હતી. કોહલીની શરૂઆત અનેક દર્શકો માટે ધબકારા વધારી દેનારી હતી. ઑફ સાઇડની બહારના એક બૉલને રમવા જતા તેમનો સ્લીપમાં કૅચ છૂટ્યો હતો. જોકે, તે બાદ તેમણે રોહિત સાથે રહીને બાજી સંભાળી હતી.

જોકે, તે બાદ રોહિત અને વિરાટ લાંબા શોર્ટ્સ રમવા જતા કૅચ આઉટ થયા હતા. કોહલીએ 34 બૉલમાં 35 રન જ્યારે રોહિત શર્માએ 18 બૉલમાં 12 રન બનાવ્યા હતા.

જાડેજાને બૅટિંગક્રમમાં વહેલા ઉતાર્યા હતા. જાડેજા અને સૂર્યકુમારે સાથે રહીને રોહિત-વિરાટ બાદ ભારતની બાજી સંભાળી હતી.

આ મૅચમાં નસીમ શાહે શાહીન આફ્રિદીની યાદ અપાવી હતી. વર્લ્ડ કપમાં શાહીન આફ્રીદીને કારણે ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે હાર્યું હતું.

નસીમ શાહે પ્રથમ જ ઑવરમાં કે. એલ. રાહુલની વિકેટ લીધી હતી અને જે બાદ બીજા સ્પેલમાં આવતાની સાથે જ તેમણે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા હતા. સૂર્યકુમારે 18 રન બનાવીને આઉટ થયા હતા.

જે બાદ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ બાજી સંભાળી અને જીત અપાવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો