પીએફઆઈ : પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા પર પ્રતિબંધ, યુએપીએ કાયદા હેઠળ કાર્યવાહી

ઇમેજ સ્રોત, FACEBOOK@POPULARFRONTOFINDIAOFFICIAL
- લેેખક, ફૈઝલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

- પીએફઆઈ સામે ISIS જેવાં વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જોડાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ છે.
- યુએપીએ હેઠળ સંગઠન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.
- પીએફઆઈની સત્તાવાર રીતે 17 ફેબ્રુઆરી, 2007ના રોજ સ્થાપના કરવામાં આવી હતી
- પીએફઆઈ 23 રાજ્યો અને 4 લાખ સભ્યપદમાં ફેલાયેલું હોવાનો દાવો કરે છે
- એનઆઈએ દ્વારા પણ ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં કહ્યું છે કે આ સંસ્થા 23 રાજ્યોમાં ફેલાયેલી છે
- શું છે આ સંગઠનનો સ્વઘોષિત અજેન્ડા વાંચો આ અહેવાલમાં.

છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) સાથે સંકળાયેલી સંસ્થાઓ અને લોકો પર એનઆઈએ અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બાદમાં આજે કેન્દ્ર સરકારે પીએફઆઈ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે.
સરકાર દ્વારા પીએફઆઈ સહિત તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ રેહાબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા, ઑલ ઇન્ડિયા ઇમામ્સ કાઉન્સિલ, નેશનલ કૉન્ફડરેશન ઑફ હ્યુમન રાઇટ્સ, નેશનલ વુમન્સ ફ્રન્ટ, ઍમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રેહાબ ફાઉન્ડેશન, કેરળ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર, કેન્દ્ર સરકારે પીએફઆઈ પર ISIS જેવાં વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જોડાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રતિકૂળ, જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવાનો અને દેશમાં સાંપ્રદાયિક હિંસાને ટેકો આપવાનો આરોપ મૂક્યો હતો.
એક અઠવાડિયામાં બે વખત એનઆઈએએ સ્થાનિક પોલીસને સાથે રાખીને પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, 22 સપ્ટેમ્બરના પણ એનઆઈએની આગેવાનીમાં વિવિધ એજન્સીઓની ટીમોએ દેશભરમાં પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.
અહેવાલ પ્રમાણે, આ દરોડામાં 15 રાજ્યોમાંથી 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તમામ લોકો પર દેશમાં આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પીએફઆઈના કાર્યકર્તાઓએ એનઆઈએના દરોડા સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.
શું આ સંગઠન અચાનક ભારતના રાજકારણના કેન્દ્રમાં આવી ગયું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1980ના દાયકામાં ઉગ્ર હિંદુત્વનો પ્રસાર અને 1992માં બાબરી મસ્જિદના ધ્વંસને કારણે સમાજશાસ્ત્રી જાવિદ આલમના શબ્દોમાં કહીએ તો "ભારતીય શાસન અને રાજનીતિ પ્રત્યે મુસ્લિમોના વલણમાં મોટો ફેરફાર" આવ્યો.
અયોધ્યાના મુદ્દાને પગલે ભારતીય સમાજ અને રાજકારણમાં અનેક ફેરફારો આવ્યા હતા. મુસ્લિમ રાજકારણ પણ આનાથી અળગું નહોતું રહ્યું.
સમાજશાસ્ત્રી જાવિદ આલમ કહે છે કે, "આ ઘટનાએ મુસ્લિમો કેવી રીતે કેન્દ્ર સરકાર અને રાજકારણને જોવે છે તે બદલી નાખ્યું હતું."
દિલ્હીની જામા મસ્જિદના ઇમામ અહેમદ બુખારીની 'આદમ સેના'થી માંડીને બિહારની 'પસમાંદા મુસ્લિમ મહાઝ' અને મુંબઈનું 'ઇન્ડિયન માઇનૉરિટી સિક્યૉરિટી ફૅડરેશન' આ સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવ્યું.

ત્રણ સંસ્થાઓનું વિલીનીકરણ
દક્ષિણમાં, કેરળમાં 'નેશનલ ડેવલપમૅન્ટ ફ્રન્ટ' (એનડીએફ), તમિલનાડુમાં 'મનિથા નીથિ પસારાઈ' અને 'કર્ણાટક ફોરમ ફૉર ડિગ્નિટી'ની સ્થાપના પણ આ સમયગાળામાં થઈ જેમાં 'અસુરક્ષાની લાગણી' મુસ્લિમો વધુ ગાઢ થઈ હતી'.
જો કે આ ત્રણેય સંગઠનોએ 2004 પછીથી સમન્વય સાધ્યો અને તેમની સ્થાપનાના થોડાં વર્ષો પછી, 22 નવેમ્બર, 2006ના રોજ કેરળના કોઝિકોડમાં યોજાયેલી બેઠકમાં, ત્રણેયનો વિલય કરીને 'પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા' (પીએફઆઈ) ની રચના કરવાનો નિર્ણય લેવાયો. પીએફઆઈની સત્તાવાર રીતે 17 ફેબ્રુઆરી, 2007ના રોજ સ્થાપના કરવામાં આવી હતી.
એનડીએફના સ્થાપકો પૈકીના એક પ્રોફેસર પી કોયા કહે છે કે "બાબરી મસ્જિદના ધ્વંસને હિંદુત્વ દળો દ્વારા ભારતીય પ્રજાસત્તાક પરના કબજા તરીકે વર્ણવે છે, જેમાંથી કેરળ જેવા રાજ્યના મુસ્લિમો પણ અસ્પૃશ્ય રહ્યા."

મુસ્લિમ સમુદાય

ઇમેજ સ્રોત, VISHAL BHATNAGAR/NURPHOTO VIA GETTY IMAGES
તિરુવનંતપુરમ સ્થિત બૌદ્ધિક અને સામાજિક કાર્યકર જે રઘુ કહે છે કે કેરળમાં સ્થપાયેલું રાજકીય સંગઠન હોવા છતાં, "મુસ્લિમ લીગ તે સમયે સમાજને ખૂબ જ જરૂરી સુરક્ષાની ભાવના આપી શકી ન હતી", જેના કારણે લોકો કદાચ એનડીએફ જેવી સંસ્થાઓ તરફ તરફ દોરવાયા હતા.
વિભાજનની દુર્ઘટનાથી દક્ષિણ ભારતીય રાજ્યો સીધી રીતે પ્રભાવિત થયાં ન હતાં, જેના કારણે ત્યાંનો મુસ્લિમ સમુદાય સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણથી ઉત્તર ભારતના મુસ્લિમો કરતાં સારી સ્થિતિમાં છે.
કેરળ, તમિલનાડુ અને કર્ણાટકનાં ત્રણ સંગઠનોના વિલીનીકરણનાં બે વર્ષ પછી પશ્ચિમ ભારતીય રાજ્ય ગોવા, ઉત્તર રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરના પાંચ સંગઠનો પીએફઆઈમાં ભળી ગયાં.
પોતાને 'ભારતના સૌથી ઝડપથી વિકસતી કેડર આધારિત લોક ચળવળ' તરીકે ગણાવતું પીએફઆઈ 23 રાજ્યો અને ચાર લાખ સભ્યપદમાં ફેલાયેલું હોવાનો દાવો કરે છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પણ ગૃહ મંત્રાલયને મોકલેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે સંસ્થા 23 રાજ્યોમાં ફેલાયેલી છે.

પ્રતિબંધિત સંગઠન સિમિ સાથે 'સંબંધ'

ઇમેજ સ્રોત, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
સંગઠનની રચના થઈ ત્યારથી પીએફઆઈ પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન 'સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા' (સિમી)નું બીજું સ્વરૂપ હોવાના આક્ષેપો થતા આવ્યા છે.
સિમીને ભારત સરકારે 'આતંકવાદી સંગઠન' જાહેર કરીને પ્રતિબંધિત કર્યું છે. સિમી પર વર્ષ 2001માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સિમીના અન્ય એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન 'ઇન્ડિયન મુજાહિદ્દીન' સાથે સંબંધ હોવાની વાત પણ સામે આવી છે. ભારત સરકારે ઇન્ડિયન મુજાહિદ્દીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કારણે પ્રતિબંધ પણ મૂક્યો છે.
પીએફઆઈ અને સિમી વચ્ચે સંબંધ હોવાની વાત ખાસ કરીને એટલા માટે ઊભી થઈ કે પીએફઆઈમાં સિમીના ઘણા ભૂતપૂર્વ સભ્યો સક્રિય છે, આવા લોકોમાં પ્રોફેસર કોયાનો પણ સમાવેશ થાય છે.
જોકે, પ્રોફેસર કોયા આ સવાલના જવાબમાં કહે છે કે સિમી અને તેમના સંબંધો 1981માં ખતમ થઈ ગયા હતા અને તેમણે 1993માં એનડીએફની સ્થાપના કરી હતી.
એનડીએફ એ ત્રણ સંગઠનોમાંથી એક છે જે શરૂઆતના તબક્કામાં પીએફઆઈની રચના કરવા માટે એકસાથે આવ્યા હતા.
ઘણા માને છે કે 'પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા'ની સ્થાપના એટલા માટે થઈ હતી કારણ કે સરકારે સિમી પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના કારણે સિમીના કેટલાક ભૂતપૂર્વ સભ્યોએ અન્ય નામથી સંગઠન શરૂ કર્યું હતું.
પીએફઆઈની રચના સિમી પર પ્રતિબંધ મૂક્યાના છ વર્ષ પછી 2007માં થઈ હતી.

પીએફઆઈનો પ્રગટ અજેન્ડા શું છે?

ઇમેજ સ્રોત, FACEBOOK@POPULARFRONTOFINDIAOFFICIAL
સંસ્થાના જણાવ્યા અનુસાર, તેનું મિશન તમામને સ્વતંત્રતા, ન્યાય અને સુરક્ષા મળી શકે તે માટે ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરવાનું છે અને આ માટે તે હાલની સામાજિક અને આર્થિક નીતિઓમાં પરિવર્તન લાવવા માગે છે જેથી દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને તેમના અધિકારો મળી શકે.
પોતાના ઉદ્દેશ્યને દેશની અખંડિતતા, સમુદાયિક ભાઈચારો અને સામાજિક સમરસતા તરીકે વર્ણવે છે. તે જ સમયે તે લોકશાહી, બિનસાંપ્રદાયિકતાની નીતિ અને ન્યાય વ્યવસ્થાને જાળવી રાખવાની વાત કરે છે.
ભારત સરકાર એવું માનતી નથી. સંસ્થા વિરુદ્ધ દાખલ કરાયેલા એક પછી એક કેસમાં રાજદ્રોહ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (યુએપીએ)માં સામેલ થવા, સમુદાયોમાં નફરત ફેલાવવા, વિદેશી ભંડોળથી દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડવા અને અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
વર્ષ 2021માં, ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત મહિલા બળાત્કાર-હત્યા કેસને જ લઈએ તો, પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા પાંચ હજાર પાનાની ચાર્જશીટમાં પત્રકાર સિદ્દીક કપ્પન સહિત આઠ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો. તેમને પીએફઆઈના સભ્ય ગણાવવામાં આવ્યા હતા. તેમના પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (યુએપીએ) અને રાજદ્રોહની કલમો લાદવામાં આવી હતી અને વિદેશી ભંડોળ મેળવાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
સિદ્દીક કપ્પને કહ્યું કે એક પત્રકાર હોવાના કારણે તે એક દલિત મહિલાના બળાત્કાર-હત્યાના કેસને કવર કરવા જતા હતા અને તેનો પીએફઆઈ સાથે દૂરદૂરનો પણ કોઈ સંબંધ નથી.

વિવિધતા, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા

ઇમેજ સ્રોત, Getty Images
પટનામાં તાજેતરના ફુલવારી શરીફ કેસ જેવી અન્ય ઘટનાઓમાં પીએફઆઈ પોતાની નિર્દોષતાનો દાવો કરી રહ્યું છે. સંગઠન દલિત-પછાત અને મુસ્લિમોને સાથે લાવવાની વાત કરી રહ્યું છે.
જે રઘુ માને છે કે નજીકના ભવિષ્યમાં દલિતો-મુસ્લિમોના સંગઠનાત્મક જોડાણની શક્યતા દેખાતી નથી કારણ કે દલિતોનો મોટો વર્ગ હિંદુત્વ તરફથી ઝડપથી ખેંચાઈ રહ્યો છે.
ભારતીય પ્રશાસનથી વિપરીત, સમાજશાસ્ત્રી આર્ટ વૉલ્ટર એમરિક યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના દ્વિમાસિક જર્નલ એશિયન સર્વેમાં પીએફઆઈને "લઘુમતી ભાગીદારીની અભિવ્યક્તિ તરીકે જુએ છે જે તેમના માનનારા વચ્ચે કાનૂની જાગૃતિ અને અધિકારોની જાગૃતિને પ્રોત્સાહન આપે છે."
તેમના લેખમા આર્ટ વોલ્ટર એમરિક દલીલ કરે છે, "મુસ્લિમ સંસ્થાઓને હંમેશા અનેકતા, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાના વિરોધી તરીકે જોવામાં આવે છે અને આ વિભાવનાને અલ-કાયદા જેવા સંગઠનોએ પ્રબળ બનાવી છે."
પરંતુ તેમના મતે, તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે મુસ્લિમ સંગઠનોમાં, તેમના નેતૃત્વ અને કાર્યપદ્ધતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે અને તેઓ આ મૂલ્યોને સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

'મને એકેય ખાનામાં ફિટ કરી શકાતો નથી'

ઇમેજ સ્રોત, FACEBOOK@POPULARFRONTOFINDIAOFFICIAL
ઑક્સફર્ડ સ્કૉલર તરીકે ભારતીય મુસ્લિમ રાજનીતિ પર 'ઇસ્લામિક મૂવમેન્ટ્સ ઇન ઇન્ડિયા, મૉડરેશન ઍન્ડ ડિસકન્ટેન્ટ' નામનું પુસ્તક લખનાર વૉલ્ટર એમરિકના મતે વર્તમાન મુસ્લિમ રાજકારણમાં જે બાબતો નવા પરિવર્તનનો સંકેત આપી રહી છે તે છે - મુસ્લિમ રાજનીતિની લગામ અત્યાર સુધી ઉત્તર ભારત કેન્દ્રિત હતી પરંતુ હવે તે દક્ષિણના હાથમાં જઈ રહી છે.
આ સિવાય સંગઠન હવે કેડર આધારિત છે અને ડાબેરી પક્ષો અથવા આરએસએસની જેમ સંગઠિત છે. આ સંગઠન વ્યક્તિગત કે અસદુદ્દીન ઓવૈસીના ઑલ ઇન્ડિયા મજલિસ ઈત્તહાદે મુસલિમીન જેવા કોઈ એક પ્રભાવશાળી નેતૃત્વ પર આધારિત નથી.
જૂની મુસ્લિમ સંસ્થાઓના એક પ્રદેશ કે અમુક રાજ્યોમાં પ્રભાવને બદલે પીએફઆઈ ભારતના વિવિધ ભાગોમાં ફેલાઈ રહ્યું હોય તેવું લાગે છે.
પીએફઆઈ જેવી સંસ્થાઓમાં ટોચના નેતૃત્વમાં સામાન્ય મુસ્લિમો અથવા મધ્યમ વર્ગના લોકો હોય તે પણ એક વિશેષ બાબત છે, જેમાંથી ઘણા મજૂર આંદોલનમાંથી ઉભરી આવ્યા છે. તેનાથી વિપરીત, અત્યાર સુધી મુસ્લિમોનું નેતૃત્વ ચુનંદા વર્ગ દ્વારા કરવામાં આવ્યું છે.
અંગ્રેજીના પ્રોફેસર રહી ચૂકેલા પી કોયા જણાવે છે કે તેઓ તેમના કૉલેજના દિવસોમાં નાસ્તિક હતા. જોકે પીએફઆઈની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય અને પ્રતિબંધિત સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમૅન્ટ (સિમી)ના સ્થાપકોમાંના એક પ્રોફેસર પી કોયા કહે છે કે "તમે મને એકેય ખાનામાં ફિટ કરી શકતા નથી."
અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટે પોતાના એક લેખમાં તેમને 'આતંકવાદના વખાણ કરતા પ્રોફેસર' કહ્યા છે. પરંતુ પ્રોફેસર કોયા કહે છે કે અમેરિકાની સંરક્ષણ નીતિ અને વિદેશ નીતિના કારણે ઈરાક, અફઘાનિસ્તાન, વિયેતનામ જેવા અનેક દેશોમાં તેમની દખલગીરીને કારણે સંકટ ઊભું થયું છે.

સચ્ચર સમિતિનો અહેવાલ

ઇમેજ સ્રોત, RAVEENDRAN/AFP/GETTY IMAGES
ભારતીય મુસ્લિમ રાજનીતિ પર ઝીણી નજર રાખતા સંશોધક માને છે કે ન્યાયમૂર્તિ સચ્ચર સમિતિના અહેવાલે ભારતમાં મુસ્લિમોના રાજકારણમાં એક નવા પરિમાણનો ઉમેરો કર્યો છે. લગભગ દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સરેરાશ ભારતીય વ્યક્તિ કરતા ઓછી છે.
પીએફઆઈ જેવી સંસ્થાઓ સચ્ચર રિપોર્ટ અને ત્યાર બાદ તૈયાર કરાયેલા રંગનાથ મિશ્રા કમિશનની ભલામણોના આધારે મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામતની માગણી કરી રહી છે. પરંતુ પીએફઆઈના વધતા સમર્થન છતાં તેના રાજકીય વિસ્તરણનો વ્યાપ હાલમાં ખૂબ મર્યાદિત લાગે છે.
કેરળના વરિષ્ઠ પત્રકાર અશરફ પડન્ના કહે છે, "એક ઈમામ (મુસ્લિમ ધર્મગુરુ)ને કહેતા સાંભળ્યા છે કે પીએફઆઈ જેવી રાજનીતિ સમાજને નુકસાન પહોંચાડે છે."
વરિષ્ઠ પત્રકાર કે.એ. શાજી કહે છે કે કેરળમાં મુસ્લિમોનું એક મજબૂત રાજકીય સંગઠન ઇન્ડિયન મુસ્લિમ લીગ દાયકાઓથી અસ્તિત્વમાં રહ્યું છે અને કેરળની રાજનીતિમાં ડાબેરી અને કૉંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા સત્તા કબજે કરવાના વલણને જોતા એ સમજી શકાય તેવું છે કે પીએફઆઈ માટે રાજકીય આધાર બનાવવાનું કામ ઘણું અઘરું છે.

હિજાબનો મુદ્દો

ઇમેજ સ્રોત, ANI
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાને પડોશી કર્ણાટક રાજ્યમાં મેંગલુરુ અને દક્ષિણ કર્ણાટકમાં પાર્ટીનું રાજકીય એકમ માનવામાં આવે છે અને તેણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં નોંધપાત્ર સંખ્યામાં બેઠકો જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ 2009માં બનેલા સંગઠને કેટલીક બેઠકો પર ભારે ટક્કર આપી હતી.
તાજેતરના સમયમાં કર્ણાટકમાં હિજાબનો મુદ્દો જે રીતે ગરમાયો તે જોતા કેટલાક લોકો માને છે કે એસડીપીઆઈને તેનો ફાયદો થઈ શકે છે.
અશરફ પડન્ના કહે છે, "ભાજપ અને પીએફઆઈ એકબીજાને લાભ પહોંચાડતા રહેશે."
સંસ્થાના એક અધિકારી અહમદ કુટ્ટી મગર કહે છે કે "જો એવું હોય તો અમને અત્યાર સુધીમાં કેટલીય સંસદીય બેઠકો મળી ગઈ હોત."
ઇતિહાસકાર શમ્સ-ઉલ-ઇસ્લામ કહે છે કે ખતરો એ છે કે સરકાર જે રીતે વિચારધારાના આધારે અલગ-અલગ સંસ્થાઓ સાથે અલગ-અલગ વર્તન કરી રહી છે, તેનાથી ઘણા લોકોની નજરમાં પીએફઆઈ જેવી સંસ્થાઓને માન્યતા મળશે, "પરંતુ હજુ પણ એવું માની લેવું ખોટું ગણાશે છે કે પીએફઆઈ મુખ્ય પ્રવાહના મુસ્લિમોની વ્યવસ્થા બની ગઈ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













