ખરેખર નિશાંક રાઠોડની હત્યા નૂપુર શર્મા અને 'સર તન સે જુદા'ના નારા સાથે સંકળાયેલી છે?

ઇમેજ સ્રોત, VIRENDRA TIWARI
- લેેખક, પ્રશાંત શર્મા
- પદ, બીબીસી ડિસઇન્ફર્મેશન યુનિટ
મધ્યપ્રદેશના નિશાંક રાઠોડનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ હાલતમાં મળ્યો ત્યારથી સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહી હતી.
નિશાંકના ફોન અને ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પરથી કરવામાં આવેલા કેટલાક વિવાદાસ્પદ મૅસેજના આધારે ઘટનાને ધાર્મિક રંગ આપીને ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે નિશાંકની હત્યા કહેવાતા 'ઇસ્લામિક જેહાદીઓ' દ્વારા કરવામાં આવી હતી કારણ કે તેઓ નુપુર શર્માનું સમર્થન કરી રહ્યા હતા.

25 જુલાઈની સાંજથી ભારતમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર #nishankrathor #justicefornishank #hinduunderattack જેવા હૅશટૅગ્સ ટ્રેન્ડ થવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર તમામ હૅશટૅગ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મધ્યપ્રદેશમાં નૂપુર શર્માના સમર્થન અને નબીની શાનમાં ગુસ્તાખીના કારણે નિશાંક રાઠોડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. દાવા સાથે, નિશાંક રાઠોડની વિવાદાસ્પદ વૉટ્સઍપ ચૅટ અને ઇન્સ્ટાગ્રામ સ્ટેટસના સ્ક્રીનશૉટ પણ બહુ વાયરલ કરવામાં આવ્યા હતા.

નિશાંક રાઠોડના મોબાઇલ પરથી પિતાને મળેલા વૉટ્સઍપ મૅસેજમાં લખ્યું હતું કે 'રાઠોડ સાહેબ તમારો દીકરો બહુ બહાદુર હતો', 'નબી સે ગુસ્તાખી નહીં'. આવા જ મૅસેજ તેના મિત્રોને પણ ગયા. આ સાથે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર લખવામાં આવ્યું હતું કે "તમામ કાયર હિન્દુઓ, જુઓ, જો તમે પયગંબર વિશે ખોટું બોલશો તો આવી જ હાલત થશે".
ઘણી ભારતીય ન્યૂઝ ચેનલોએ પણ આ સમાચારને મુખ્ય રીતે પ્રસારિત કર્યા અને તપાસ કર્યા વિના જ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને ભ્રામક સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કર્યો.

શું હતો સમગ્ર મામલો?

રાયસેન જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, 24 જુલાઈએ સાંજે 7 વાગ્યે, ઓબેદુલ્લાગંજના બરખેડા પોલીસ મથક હેઠળના રેલવે ટ્રેક પર એક અજાણી લાશ મળી આવી હતી, જેની ઓળખ નિશાંક રાઠોડ નામના 21 વર્ષીય યુવક તરીકે થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી બીટેકનો અભ્યાસ કરનાર નિશાંક રાઠોડ સિવનીના રહેવાસી હતા. શરૂઆતમાં આત્મહત્યા જેવા લાગતા મોતનું રહસ્ય ત્યારે ગૂંચવાયું જ્યારે ઘટનાના દિવસે નિશાંકના પિતાને તેમના પુત્રના ફોન પરથી કથિત રીતે "સર તન સે જુદા" વાળા મેસેજ મળ્યા.

ઇમેજ સ્રોત, TWITTER
દરમિયાન, સોશિયલ મીડિયા પર આ ઘટનાને રાજસ્થાનના કન્હૈયાલાલ હત્યા કેસ અને અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા કેસ વચ્ચેની કડી તરીકે રજૂ કરવામાં આવી. રાજસ્થાન અને અમરાવતીની આ બંને ઘટનાઓ ધાર્મિક કટ્ટરવાદનું પરિણામ હતું.
નિશાંક રાઠોડ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, સરકારે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી.

એસઆઈટીએ મોતનો ભેદ ઉકેલ્યો

ઇમેજ સ્રોત, VIRENDRA TIWARI
મધ્યપ્રદેશમાં નિશાંક રાઠોડના મૃત્યુની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના વડા અમૃત મીણાએ બીબીસીને કહ્યું: "લૉન ચૂકવવામાં અસમર્થતાના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. અગાઉથી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી એ પ્રમાણે નિશાંકની હત્યા કરવામાં આવી નથી."
અમૃત મીણા જણાવે છે કે, "નિશાંકના ફોનની સાયબર તપાસ બાદ ખબર પડી કે નિશાંકે લગભગ 18 ઑનલાઇન ઍપ્સથી લૉન લીધી હતી, આ સિવાય તેમણે તેમના ઘણા મિત્રો પાસેથી પણ પૈસા ઉછીના લીધા હતા, પરંતુ તેમની પાસે લૉન ચૂકવવા માટેનાં નાણાં નહોતાં. નિશાંકના મોબાઇલ ફોન પરથી તેમના પિતાને લખેલો છેલ્લો સંદેશ હિન્દીમાં હતો, જેમાં તેમને 'સર તન સે જુદા' કરવાની વાત કહેવામાં આવી હતી. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આવો જ મૅસેજ પોસ્ટ કર્યો હતો."
એસઆઈટી ચીફ વધુમાં જણાવે છે કે, "સાયબર તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કર્યા પછી, નિશાંકને વિવાદાસ્પદ સ્ટોરી પર ત્રણ મિત્રો તરફથી પ્રતિક્રિયા મળી હતી, જેનો નિશાંકે જવાબ પણ આપ્યો હતો. આ ઘટના પહેલાં નિશાંકે ક્યારેય કોઈ ધર્મ કે પંથના પક્ષમાં કે વિરોધમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કોઈ સામગ્રી પોસ્ટ કે શેર કરી નહોતી."
મીણાના કહેવા પ્રમાણે, નિશાંકના ફોનમાં પાસવર્ડ હતો. કોઈ બહારની વ્યક્તિએ તેના ફોન સાથે છેડછાડ કરી નથી, ઘટનાસ્થળે નિશાંક સિવાય અન્ય કોઈની હાજરીનો કોઈ પુરાવો પણ મળ્યો નથી.
24મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે નિશાંકે તેમના પિતાને છેલ્લી વાર ફોન કર્યો હતો, પરંતુ તેમના પિતાએ કૉલ ઉપાડ્યો નહોતો અને થોડીવાર પછી નિશાંકને ગ્રાન્ડ ટ્રંક ઍક્સપ્રેસની ટક્કર લાગે છે, જેના કારણે તેનું મૃત્યુ થયું.
તપાસથી સ્પષ્ટ થાય છે કે નિશાંક રાઠોડના મૃત્યુને કોઈ કાવતરું, હત્યા કે ધાર્મિક કટ્ટરવાદ સાથે કોઈ લેવાદેવા નથી. આ એક આત્મહત્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













