You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશ અંબાણીએ પુત્ર આકાશને જિયોનું સુકાન કેમ સોંપ્યું?
'જો કોઈ યુવકને 30 વર્ષની ઉંમરે વાર્ષિક રૂ. 30 લાખનું પૅકેજ મળી જાય તો ભયો ભયો થઈ જાય, પરંતુ જો યુવકના પિતા મુકેશ અંબાણી હોય તો તે 100 અબજ ડૉલરની કંપની જિયોનો માલિક બની જાય.'
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ જિયોના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું એ પછી બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે તેમના મોટા દીકરા આકાશને કંપનીના વડા જાહેર કર્યા, તેના પર વૉટ્સઍપ આવા 'ફૉરવર્ડ' લખાયા હતા.
આ સિવાય ઈશા અંબાણીને કંપનીની રિટેઈલ પાંખની જવાબદારી સોંપવામાં આવશે તેવા અહેવાલ ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે આપ્યા છે.
સપ્ટેમ્બર મહિનાના રિપોર્ટમાં જેપી મૉર્ગનના ઍનાલિસ્ટોએ તેનું વૅલ્યુએશન 75થી 80 અબજ ડૉલર અંદાજ્યું હતું.
65 વર્ષીય મુકેશ અંબાણીએ તેમના વારસદારોને તૈયાર કરવાનું કામ હાથ ધર્યું છે એટલે જ 217 અબજ ડૉલરના રિલાયન્સ સામ્રાજ્યના અલગ-અલગ એકમોની જવાબદારીની વહેંચણી હાથ ધરી છે.
રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ બંને કંપનીના અલગથી આઈપીઓ લાવવાની યોજના ધરાવે છે.
2002માં રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ તેમનું વીલ તૈયાર કર્યું ન હતું, જેના કારણે મુકેશ તથા તેમના નાના ભાઈ અનિલ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો, જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
શૅરબજારે બુધવારના સેશનની શરૂઆતમાં નવી જાહેરાતને 'થમ્બસ-ડાઉન' આપ્યું હતું. મંગળવારે સાંજે રૂ. 2527 પર બંધ આવેલો ભાવ ગગડીને રૂ. 2500 આસપાસ પહોંચી ગયો હતો. જોકે, દિવસના અંતે તે રૂ. 48ના ઉછાળા સાથે રૂ.2576 પર બંધ આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વિભાજન, બે એકમ
એડનમાં પેટ્રોલપમ્પમાં નોકરી કરીને બૉમ્બે પરત ફરેલા ધીરુભાઈએ એક નાનકડી ઑફિસમાંથી પોતાનો કાપડનો વેપાર શરૂ કર્યો હતો. જેને નરોડા અને પાતાળગંગાના એકમો સ્થાપીને મજબૂતી આપી હતી.
આ અરસામાં પહેલાં મુકેશ અંબાણી અને પછી અનિલ અંબાણી તેમાં જોડાયા અને પિતા પાસેથી વેપારના ગુણ શીખ્યા.
કંપનીએ કાપડમાંથી જામનગર ખાતે રિફાઇનરીની શરૂઆત કરી, જે આજે વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી કૉમ્પલેક્સ છે.
ધીરુભાઈ અંબાણી માનતા હતા કે દેશભરમાં કૉલ પર વાત કરવાના દર જો પોસ્ટકાર્ડની કિંમત (એ સમયે 50 પૈસા) કરતાં ઓછી હોય તો જ તે સફળ થઈ શકે. આ જ વિચાર સાથે 40 પૈસામાં એક મિનિટના દર સાથે પ્લાન લૉન્ચ કર્યા હતા.
ધીરુભાઈની હયાતીમાં આના ઉપર કામ શરૂ થઈ ગયું હતું, પરંતુ આ અરસામાં તેમનું નિધન થઈ ગયું. તેમના અવસાન પછી રિલાયન્સ ઇન્ફૉકોમ એ કંપનીનું પહેલું મોટું અને આક્રમક સાહસ હતું.
કંપનીના વિભાજન બાદ મુકેશ અંબાણીએ આ ધંધો તેમના નાના ભાઈ અનિલને સોંપી દેવો પડ્યો હતો. વધુમાં 'ના-સ્પર્ધા કરાર'ને કારણે તેઓ આ વ્યવસાયમાં આગળ વધી શકે તેમ ન હતા, એટલે જ તેમણે રિલાયન્સ ફ્રેશ દ્વારા રિટેલ સૅક્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આગળ જતાં જિયોના નામથી તેમણે સેવા લૉન્ચ કરી, જે સંપૂર્ણ સ્વદેશી 5-જી સૉલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવાનો પણ દાવો કરી રહી છે. તેના લગભગ 41 કરોડ વપરાશકર્તા છે અને તે દેશની સૌથી મોટી મોબાઇલ કંપની છે.
ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ ઉપરાંત અનેક પ્રાઇવેટ અને સોવરિન ફંડે તેમાં રોકાણ કર્યું છે. આકાશ શરૂઆતથી જ કંપની સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકૉનૉમિક્સમાં ગ્રૅજ્યુએશન કર્યું છે.
અંબાણી સામે અંબાણી
સામયિક 'ઇન્ડિયા ટુડે'એ ડિસેમ્બર-2004નો અંક 'અંબાણી વિ. અંબાણી' તરીકે પ્રકાશિત કર્યો હતો, જેમાં એ સમયે 80 હજાર કર્મચારીઓ સાથે રિલાયન્સ જૂથ રૂ. 90 હજાર કરોડનું સામ્રાજ્ય હોવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું.
અંક પ્રકાશિત થયો તેના એકાદ અઠવાડિયા પહેલાં કંપનીના તત્કાલીન ચૅરમૅન મુકેશ અંબાણીએ (47 વર્ષ) જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેમના તથા અનિલ (45 વર્ષ) અંબાણી વચ્ચે માલિકીહક વિશે મતભેદ છે.
આમ તો પિતાના મૃત્યુ પછીથી જ મતભેદ થવા લાગ્યા હતા, પરંતુ મુલાયમસિંહની પાર્ટીની મદદથી અનિલના રાજ્યસભામાં પ્રવેશથી આ મતભેદ વકરી ગયા હતા.
કંપનીના કર્મચારીઓને ઈ-મેલ કરીને મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમની પાસે જ કંપનીની ધુરા છે. લગભગ બે વર્ષ સુધી બંને ભાઈઓ વચ્ચે શીતયુદ્ધ ચાલતું રહ્યું. ઘરમાં રહેલા મતભેદ સાર્વજનિક થઈ ગયા હતા. અંતે માતાની દરમિયાનગરીથી જૂથનું બે ભાગમાં વિભાજન થયું. પેટ્રોલિયમ એકમ તથા વડોદરા ખાતેનું ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન મુકેશને મળ્યા હતા.
બ્લૂમબર્ગના બિલિયોનેર ઇન્ડેક્સ પ્રમાણે, વિશ્વના ધનાઢ્યોની યાદીમાં અંબાણી 10મા ક્રમે છે, તેમની સંપત્તિ 90 અબજ 50 કરોડ ડૉલર જેટલી છે. ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં 47 કરોડ 30 લાખ જેટલો વધારો થયો છે.
આ સંપત્તિવૃદ્ધિ પાછળ સરકાર સાથે તેમની નિકટતાના આરોપ પણ લાગતા રહે છે. શૅરબજારમાં એક જૉક પ્રચલિત છે કે સરકારની Self-reliance (આત્મનિર્ભરતા)ની વાતો રિલાયન્સ પર આવીને અટકી જાય છે. ફૉર્બ્સ દ્વારા ઑક્ટોબર-2021માં ધનાઢ્ય ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી હતી.
અનિલ અંબાણીની અધોગતિ
ફેબ્રુઆરી-2006માં રિલાયન્સ નૅચરલ રિસૉર્સિસ, રિલાયન્સ કૉમ્યુનિકેશન વૅન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ઍનર્જી વૅન્ચર્સ લિમિટેડ તથા રિલાયન્સ કૅપિટલ વૅન્ચર્સ લિમિટેડને રિલાયન્સમાંથી 'ડીમર્જ' કરી દેવામાં આવી હતી અને તેનું સંચાલન અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપને (ADAG) સોંપી દેવામાં આવ્યું હતું.
અનિલે ઍનર્જી એકમનું આર-પાવર તરીકે લિસ્ટિંગ કરાવ્યું. 2008માં જાહેર ભરણાં દ્વારા તેમણે રૂ. 11 હજાર 700 કરોડ જેટલી રકમ ઊભી કરી હતી, જે એ સમયનો સૌથી મોટો આઈપીઓ હતો.
માર્ચ-2006માં કંપનીનું માર્કેટ કૅપિટલ 35 હજાર 500 કરોડ જેટલું હતું, જે બુધવારની સ્થિતિ પ્રમાણે, રૂ. 627 કરોડ જેટલું રહેવા પામ્યું હતું.
2008ની વૈશ્વિક મંદી સમયે અનિલ અંબાણી તેમનું ટેલિકૉમ એકમ એમટીએનને વેચી દેવા માગતા હતા, પરંતુ મુકેશ અંબાણીના સ્વામીત્વવાળી કંપનીએ દાવો કર્યો હતો કે આર-કોમને ખરીદવાનો પહેલો હક તેમનો છે. અંતે એમટીએન સાથેનો સોદો પડી ભાંગ્યો. એ પછી અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધતી ગઈ.
એક તબક્કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો ઍરિકસન નામની કંપનીને ચૂકવવાની રકમ અનિલ અંબાણી ભરપાઈ ન કરી શકે તો તેમને જેલમાં મોકલી દેવામાં આવશે.
એ પછી મુકેશ અંબાણીએ રૂ. 550 કરોડની આર્થિક મદદ કરી હતી અને તેમને જેલ જતા બચાવ્યા હતા. આ બદલ અનિલે તેમના ભાઈ મુકેશ તથા ભાભી નીતાનો સાર્વજનિકપણે આભાર માન્યો હતો.
નિક્કી એશિયાના અહેવાલ પ્રમાણે, "વેપાર અંગે લીધેલા ખોટા નિર્ણયો, ધ્યાન ન દેવું, નેતૃત્વશક્તિનો અભાવ તથા કોઈ બચાવવા ન આવતાં તેમની કંપનીનું પતન થયું."
સપ્ટેમ્બર-2020માં યુકેની કોર્ટમાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ સંપત્તિ નથી અને વકીલની ફી ચૂકવવા માટે તેમણે દાગીના વેચ્યા છે. તેમની કંપની રિલાયન્સ કૅપિટલ નાદાર જાહેર થઈ છે અને તેને વેચવા કાઢી છે.
જોકે, પેન્ડોરા પેપરમાં તેમની વિદેશોમાં રહેલી રૂ. 800 કરોડની સંપત્તિની વિગતો બહાર આવી હતી, જેના આધારે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.
મણિરત્નમની ફિલ્મ 'ગુરુ' કથિત રીતે ધીરુભાઈ અંબાણીના જીવન પર જ આધારિત છે, જેનું નિર્માણ અનિલ અંબાણીની કંપનીએ કર્યું હતું. તેમાં 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રામનાથ ગોયન્કા સાથેના કંપનીના ટકરાવને વણી લેવામાં આવ્યો હતો.
ઇશાનું 'ઍમ્પાયર'
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, આકાશનાં જોડકાં બહેન ઇશાને રિલાયન્સ રિટેલ વૅન્ચર્સનું સુકાન મળશે. જ્યારે મુકેશ અંબાણી 'માર્ગદર્શક' રહેશે.
જે રિલાયન્સ રિટેલ, રિલાયન્સ જ્વેલ્સ, રિલાયન્સ ફ્રૅશ, રિલાયન્સ ટ્રૅન્ડસ, રિલાયન્સ ડિજિટલ તથા ફૅશન વેબસાઇટ અજિયો તથા જિયોમાર્ટનું સંચાલન કરે છે.
કંપનીએ 'રિટેલ+' બનવા માટે હૅમ્લેઝ (રમકડાં), નેટમૅડ્સ (ફાર્મસી), અર્બન લૅડર (ફર્નિચર અને ડેકોરેશન), ક્લૉવિયા (ઇનરવિયર), ઝીવામી (ઇનરવિયર), અમાન્તે, જસ્ટડાયલ જેવી બ્રાન્ડનું અધિગ્રહણ કરીને પોતાના વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
ગત વર્ષે બીપીએલ તથા કૅલિવિનેટર જેવી 'રિકૉલ વૅલ્યૂ' ધરાવતી કંપનીઓની બ્રાન્ડ સાથે વ્હાઇટ ગુડ્સના બજારમાં ઉતારવાની જાહેરાત કરી હતી.
ભારતની સંકટગ્રસ્ત ફ્યૂચર ગ્રૂપની રિટેલ ચેઇન બિગબઝારને અધિગ્રહિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અમેરિકાની મલ્ટીનેશનલ કંપની એમેઝોન સાથે કાયદાકીય જંગ શરૂ થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ રિલાયન્સ આ ડીલમાંથી ખસી ગયું હતું. આ સિવાય ફ્યૂચર ગ્રૂપના લાઇફસ્ટાઇલ એકમ 'કવરસ્ટોરી'ને પણ ખરીદવા માટે પ્રયાસરત છે.
અપોલો જૂથ સાથે મળીને બ્રિટનની ફાર્મસી ચેઇન 'બૂટ્સ'ને ખરીદવા માટે રિલાયન્સે પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ સંકટગ્રસ્ત કંપનીના મૅનેજમૅન્ટે હાલમાં વેચાણનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.
ઇશાએ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી માનસશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, એ પછી સ્ટૅનફૉર્ડ ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. સપ્ટેમ્બર-2018માં તેમનું લગ્ન પિરામલ જૂથના આનંદ સાથે થયું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો