ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું : મહારાષ્ટ્રમાં ભાજપની એ રણનીતિ જેણે અઢી વર્ષમાં શિવસેનાને તોડી નાખી

દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેવેન્દ્ર ફડણવીસ
    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ રાજ્યમાં ફરીથી ભારતીય જનતા પક્ષનું સરકારમાં પરત ફરવું અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસનું ફરીથી રાજ્યના મુખ્ય મંત્રી બનવું લગભગ નક્કી થઈ ગયું છે.

ઉદ્ધવ ઠાકરેએ બુધવાર રાતે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદ પરથી અને વિધાનપરિષદમાંથી રાજીનામું આપી દીધું છે.

અગાઉ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે રાજ્યપાલના આદેશ અનુસાર ગુરુવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણયની ગણતરીની મિનિટો બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અઢી વર્ષ પહેલાં ભાજપના મોઢામાંથી સત્તાનો કોળિયો છીનવી લીધા બાદ હવે મહાવિકાસ અઘાડી સરકારને તોડી પાડવાનો ભાજપનો પ્રયાસ આખરી તબક્કામાં પહોંચી ગયો છે.

છેલ્લાં અઢી વર્ષથી ઉદ્ધવ ઠાકરે પર દેવેન્દ્ર ફડણવીસ સતત પ્રહારો કરી રહ્યા છે. ક્યારેક ભ્રષ્ટાચાર, ક્યારેક કોરોના દરમિયાન ગેરવહીવટ અને ક્યારેક 'કોમી ધ્રુવીકરણ'ના આરોપો મૂકીને ઉદ્ધવની તકલીફ વધારી રહ્યા હતા.

લાઇન

સંક્ષિપ્તમાં: મહારાષ્ટ્ર શિવસેનામાં બળવામાં પડદા પાછળ કેવી રમતો રમાઈ?

લાઇન
  • છેલ્લાં અઢી વર્ષથી ઉદ્ધવ ઠાકરે પર દેવેન્દ્ર ફડણવીસ સતત પ્રહારો કરી રહ્યા છે.
  • 2019ની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને બહુમતી મેળવી હતી.
  • જોકે, શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી લીધી.
  • એક પ્રયાસ એનસીપીના અજિત પવારના જૂથ સાથે સરકાર બનાવવાનો હતો પરંતુ એ સરકાર માત્ર અઢી દિવસ જ ટકી શકી.
  • એ વખતે ફડણવીસે કહ્યું હતું કે ભાજપે મહાવિકાસ અઘાડી સરકારને તોડવાની કોશિશ કરવાની જરૂર નથી. આ સરકાર પોતાના જ આંતરિક વિરોધથી પડી જશે.
  • ભાજપ લાંબા સમયથી આ રણનીતિ પર કામ કરી રહ્યો હતો નહીંતર, શિવસેના જેવા કાર્યકર્તા આધારિત પક્ષના આટલા બધા ધારાસભ્યોને એકઠા કરવા એ સરળ કામ નથી.
  • ભાજપે સરકારની ખામીઓને આક્રમક રીતે ઉજાગર કરવાની બીજી વ્યૂહરચના અપનાવી.
  • અન્ય વ્યૂહરચના મુજબ, ઈડી, સીબીઆઈ, આવકવેરા અથવા નાર્કોટિક્સ વિભાગ જેવી એજન્સીઓ દ્વારા એનસીપી અને શિવસેનાના નેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા હતા.
  • દર અઠવાડિયે કોઈ ને કોઈ નેતા સામે કાર્યવાહી થઈ રહી હતી. ઈડીની કાર્યવાહીને પગલે બે મંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિકને જેલવાસ થયો હતો.
  • ભાજપ કહે છે કે, એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અમારી કોઈ ભૂમિકા નથી. પરંતુ એ સર્વવિદિત વાત છે કે ભાજપ અંદરખાને પોતાનું કામ કરી રહ્યો હતો.
લાઇન

ભાજપની રણનીતિ શું છે?

મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સાથે ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સાથે દેવેન્દ્ર ફડણવીસ

2019ની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને બહુમતી મેળવી હતી. ભાજપનું કહેવું છે કે ગઠબંધન એ શરતે કરવામાં આવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે.

પરંતુ શિવસેનાએ કહ્યું હતું કે બંને પક્ષોના સરખા મંત્રી બનાવવામાં આવે અને મુખ્ય મંત્રી પદ બંને પાસે અઢી-અઢી વર્ષ માટે રહે. ભાજપે નન્નેયો ભણી દીધો. તેથી શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી.

બસ, ત્યારથી જ દેવેન્દ્ર ફડણવીસ કહી રહ્યા છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

એક ઇન્ટરવ્યૂમાં તેણે એમ પણ કહ્યું હતું કે તેમને એવું નથી લાગતું કે તેઓ મુખ્ય મંત્રી નથી રહ્યા. ત્યારથી તેમણે સત્તા હસ્તગત કરવાના અનેક પ્રયાસો કર્યા છે.

આમાંથી એક પ્રયાસ એનસીપીના અજિત પવારના જૂથ સાથે સરકાર બનાવવાનો પણ હતો. પરંતુ એ સરકાર માત્ર અઢી દિવસ જ ટકી શકી. એ પછી પણ તેણે બીજા કેટલાક પ્રયાસો કર્યા.

તેમણે કહ્યું કે ભાજપે મહાવિકાસ અઘાડી સરકારને તોડવાની કોશિશ કરવાની જરૂર નથી, આ સરકાર પોતાના જ આંતરિક વિરોધથી પડી જશે.

જોકે પક્ષના કેટલાક ધારાસભ્યોને લઈને શિવસેનાના એકનાથ શિંદે ભાગ્યા એ મુદ્દો સૂચવે છે કે ઉદ્ધવ ઠાકરે સરકાર આપમેળે પડી જાય તેની રાહ જોવાના મૂડમા ભાજપ નથી.

line

ઠાકરે સરકાર સામે ભારે આક્રમકતા

મહારાષ્ટ્રમાં 30-35 ધારાસભ્યોને તોડવા મુશ્કેલ કામ છે કારણ કે ત્રણ પક્ષની ગઠબંધન સરકાર છે. જો ભાજપે આ વ્યૂહરચના અપનાવી હોત, તો તે સત્તા લોલુપ ગણાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં 30-35 ધારાસભ્યોને તોડવા મુશ્કેલ કામ છે કારણ કે ત્રણ પક્ષની ગઠબંધન સરકાર છે. જો ભાજપે આ વ્યૂહરચના અપનાવી હોત, તો તે સત્તા લોલુપ ગણાત

બીબીસી મરાઠી સેવાના સંપાદક આશિષ દીક્ષિત કહે છે, "આમાં ભાજપની ભૂમિકા હોઈ શકે છે કારણ કે શિંદે ધારાસભ્યોને ગુજરાતમાં લઈ ગયા, જ્યાં ભાજપ સરકાર સત્તામાં છે. ત્યાંના ભાજપ નેતાઓ પણ આ મામલે બોલી રહ્યા છે. આ ધારાસભ્યોને ત્યાં ગુજરાત પોલીસનું સમર્થન મળી રહ્યું છે. આ તમામ બાબતો દર્શાવે છે કે આમાં ચોક્કસપણે ભાજપની ભૂમિકા છે."

આશિષ દીક્ષિત કહે છે, "લોકોને એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ ઉદ્ધવ ઠાકરે સામે શિવસેનાની અંદરની નારાજગીનું પરિણામ છે. "

"પાર્ટીમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે. એ સ્પષ્ટ છે કે ભાજપ એકદમ સુરક્ષિત દાવ ખેલી રહ્યો છે. વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરે સરકારને અસ્થિર કરવાની ભાજપની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે. નહીંતર, શિવસેના જેવા કાર્યકર્તા આધારિત પક્ષના આટલા બધા ધારાસભ્યોને એકઠા કરવા એ સરળ કામ નથી. એવું લાગે છે કે ભાજપ લાંબા સમયથી આ રણનીતિ પર કામ કરી રહ્યો હતો."

વિશ્લેષકોનું કહેવું છે કે છેલ્લાં અઢી વર્ષમાં ભાજપે મહારાષ્ટ્રમાં ખૂબ જ વિચારપૂર્વકની રણનીતિ હેઠળ ઑપરેશન પાર પાડ્યું છે.

તેણે કર્ણાટક, મધ્ય પ્રદેશ કે રાજસ્થાનની જેમ અહીં 'ઑપરેશન લોટસ' ચલાવવાનો પ્રયાસ નહોતો કર્યો કારણ કે અહી ત્રણ પક્ષોના ધારાસભ્યોને તોડવાનું કામ મુશ્કેલ હતું.

મહારાષ્ટ્રમાં 30-35 ધારાસભ્યોને તોડવા મુશ્કેલ કામ છે કારણ કે ત્રણ પક્ષની ગઠબંધન સરકાર છે. જો ભાજપે આ વ્યૂહરચના અપનાવી હોત તો તે સત્તાલોલુપ ગણાત. ભાજપને પોતાની છબિની ચિંતા હતી તેથી તેણે આ વ્યૂહરચના પડતી મૂકી.

ભાજપે સરકારની ખામીઓને આક્રમક રીતે ઉજાગર કરવાની બીજી વ્યૂહરચના અપનાવી.

કોવિડને અંકુશમાં લેવામાં ઉદ્ધવ સરકારની કથિત નિષ્ફળતા હોય કે પછી ગૅસ સિલિન્ડરનો પ્રશ્ન હોય કે રૅલીઓ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ હોય, ભાજપ વિધાનસભાની અંદર અને બહાર બંને રીતે અત્યંત આક્રમક રહ્યો છે.

line

ઈડી, સીબીઆઈ અને ઇન્કમટૅક્સની બીક

નવાબ મલિક

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, નવાબ મલિક

વિશ્લેષકોના મતે, આ સમયગાળા દરમિયાન બીજી વ્યૂહરચના મુજબ, ઈડી, સીબીઆઈ, આવકવેરા અથવા નાર્કોટિક્સ વિભાગ જેવી એજન્સીઓ દ્વારા એનસીપી અને શિવસેનાના નેતાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા હતા.

દર અઠવાડિયે કોઈ ને કોઈ નેતા સામે કાર્યવાહી થઈ રહી હતી. ઈડીની કાર્યવાહીને પગલે સરકારના બે મંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિકને જેલવાસ થયો હતો.

જેના કારણે શિવસેનાના ધારાસભ્યોમાં ભય ફેલાયો હોવાની વાતો ચર્ચાતી હતી.

તેમને લાગતું કે આગામી એમનો નંબર આવી શકે છે. ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ઈડી, સીબીઆઈથી બચાવવા અને ભાજપ સાથે ગઠબંધન કરવાની વિનંતી કરી હતી.

line

જડબેસલાક વ્યૂહરચના

એકનાથ શિંદે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એકનાથ શિંદે

બીજેપીની આ વ્યૂહરચના પર વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈએ બીબીસીને કહ્યું, "ભાજપ ફૂંકીફૂંકીને ડગલા ભરી રહ્યો છે. અજિત પવાર જૂથ સાથે રચાયેલી સરકાર બે દિવસમાં પડી અને તે કારણે જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તેનું પુનરાવર્તન કરવા માગતો નહોતો."

"હાલમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે પાસે 30 ધારાસભ્યો છે. પરંતુ એ વાતમાં કોઈ દમ લાગતો નથી. ભાજપની રણનીતિ એવી રહી છે કે તે સરકારને ગબડાવવાવાળી પાર્ટી જેવી ન લાગવી જોઈએ. પરંતુ તે ઉદ્ધવ ઠાકરે સરકારને નબળી પાડવાની રણનીતિ પર સતત કામ કરી રહ્યો છે."

દેસાઈ વધુમાં કહે છે કે, "ભાજપ બતાવવા માગે છે કે આ શિવસેનાની આંતરિક લડાઈ છે. આમાં તેનો કોઈ હાથ નથી. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અમારી કોઈ ભૂમિકા નથી. પરંતુ એ સર્વવિદિત વાત છે કે ભાજપ અંદરખાને પોતાનું કામ કરી રહ્યો હતો."

હેમંત દેસાઈના કહેવા પ્રમાણે, "ફડણવીસ છેલ્લા કેટલાક દિવસોથી કહી રહ્યા છે કે ગઠબંધનની અંદર ભાજપ અને શિવસેનાના ધારાસભ્યો સંતુષ્ટ નથી. એકનાથનું પોતાનું જૂથ છે અને તેમને ઉદ્ધવ ઠાકરે સાથે ઘર્ષણ પણ થયું છે. થોડાં વર્ષો પહેલાં પણ તેમણે ઠાકરે વિરુદ્ધ શક્તિપ્રદર્શન કર્યું હતું. પરંતુ ભાજપ શિંદેના ગુસ્સાને પોતાના પક્ષે અંકે કરવા માગે છે. ભાજપ નેતા નારાયણ રાણેએ ટ્વીટ કરીને શિંદેનું સ્વાગત કર્યું છે."

line

રાજ્યપાલ થકી જોર અજમાવ્યું

"આખરે ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને મળવું પડ્યું. આ પછી રાજ્યપાલે એમએલસી ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને પત્ર લખ્યો અને રાજ્યનું રાજકીય સંકટ ટળ્યું."

ઇમેજ સ્રોત, ANSHUMAN POYREKAR/HINDUSTAN TIMES/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, "આખરે ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને મળવું પડ્યું. આ પછી રાજ્યપાલે એમએલસી ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને પત્ર લખ્યો અને રાજ્યનું રાજકીય સંકટ ટળ્યું."

રાજકીય વિશ્લેષકો કહે છે કે એનસીપીના અજિત પવાર જૂથ સાથે રચાયેલી સરકારના પતન પછી ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર સામે ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. તેમનો ઉદ્દેશ્ય સરકાર પર સીધો હુમલો ન કરીને તેને ધીમે ધીમે બદનામ કરવાનો હતો.

કોવિડ દરમિયાન, જ્યારે ઉદ્ધવ ઠાકરે લોકો સાથે સંવાદ કરતા હતા ત્યારે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. આનાથી ભાજપ વધુ સાવધ બની ગયો અને ઉદ્ધવ ઠાકરે સરકારને ભ્રષ્ટ અને બિનઅસરકારક સાબિત કરવા માટે જોરશોરથી ઝુંબેશ ચલાવી.

વરિષ્ઠ પત્રકાર અને કટારલેખિકા અદિતિ ફડણીસ કહે છે, "મહારાષ્ટ્રમાં ભાજપ ગમે તે ભોગે ઉદ્ધવ ઠાકરે સરકારને પાડવા માગતો હતો. ભાજપ ઇચ્છતો હતો કે તેના પ્રયાસોથી નહીં તો રાષ્ટ્રપતિશાસન લાદીને પણ સરકારને બરખાસ્ત કરવી. આ માટે રાજ્યપાલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એમએલસી ચૂંટણી જીતીને ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં જવાનું હતુ ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એમએલસી ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચને પત્ર લખવામાં ઘણું મોડું કર્યું હતું."

"આખરે ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને મળવું પડ્યું. આ પછી રાજ્યપાલે એમએલસી ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચને પત્ર લખ્યો અને રાજ્યનું રાજકીય સંકટ ટળ્યું."

અદિતિ એમ પણ કહે છે કે ભાજપ સતત દોઢ વર્ષથી ઉદ્ધવ ઠાકરેની સરકારને તોડી પાડવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ એકનાથ શિંદેના કેસ પરથી લાગે છે કે હવે તે ખુલ્લેઆમ સરકારને તોડવાના પોતાના ઍજન્ડાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

line

સતત નહીં, હળવે હળવે હુમલા

ભાજપ પાસે 106 ધારાસભ્યો છે અને પાર્ટીને બહુમત માટે 144 ધારાસભ્યોની જરૂર છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ પાસે 106 ધારાસભ્યો છે અને પાર્ટીને બહુમત માટે 144 ધારાસભ્યોની જરૂર છે

આશિષ દીક્ષિત કહે છે કે કોવિડ દરમિયાન લોકો સાથે વાતચીત અને સતત સંપર્કને કારણે જ્યારે ઉદ્ધવ ઠાકરેની છબિ લોકોમાં ચમકવા લાગી ત્યારે ભાજપને લાગ્યું કે તેનો દાવ ક્યાંક ઊંધો ન પડે. ઉદ્ધવની ઇમેજ સુધરવાને કારણે ભાજપની ઇમેજ ખરાબ થવા લાગી નથી. તેથી સરકારને બદનામ કરવાની ઝુંબેશ શરૂ થઈ.

તેઓ કહે છે, "આટલું બધું કર્યા પછી પણ ભાજપ એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તેણે કંઈ કર્યું નથી. શિવસેના અને એનસીપી અને તેના સાથી પક્ષો વચ્ચેના સંઘર્ષનું આ પરિણામ છે."

"આરએસએસના એક વરિષ્ઠ નેતાએ મારી સાથે વાતચીતમાં 'બફર' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે બફર જવા દઈશું. ઉતાવળમાં કંઈ નહીં કરીએ. થોડા દિવસો પછી અમે સરકાર બનાવવાનો દાવો ઠોકી દઈશું. લોકોને એવું લાગવું જોઈએ કે ઉદ્ધવ ઠાકરેની સરકાર પોતાના જ આંતરિક વિરોધાભાસને લીધે પડી ગઈ છે. ભાજપની આ રણનીતિ હવે સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે."

મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે. શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી એક બેઠક ખાલી પડી છે.

શિવસેના પાસે 55, એનસીપી પાસે 53, કૉંગ્રેસ પાસે 44 અને ભાજપ પાસે 106 બેઠકો છે. બહુજન વિકાસ અઘાડી પાસે ત્રણ બેઠકો છે, જ્યારે સમાજવાદી પાર્ટી, એઆઈએમઆઈએમ અને પ્રહર જનશક્તિના બે-બે ધારાસભ્યો છે.

મનસે, સીપીએમ, પીડબલ્યુપી, સ્વાભિમાની પાર્ટી, રાષ્ટ્રીય સમાજપ્રકાશ જનસૂર્યા શક્તિ પાર્ટી, ક્રાંતિકારી શેતકારી પાર્ટીના એક-એક ધારાસભ્ય છે. 13 અપક્ષ ધારાસભ્યો છે.

ભાજપ પાસે 106 ધારાસભ્યો છે અને પાર્ટીને બહુમત માટે 144 ધારાસભ્યોની જરૂર છે. જો એકનાથ શિંદે 37 ધારાસભ્યોનું સમર્થન મેળવે તો ભાજપ તેમની મદદથી સરકાર બનાવી શકે છે. આ સંખ્યા શિવસેનાના 55 ધારાસભ્યોની સંખ્યાના બે તૃતીયાંશ છે.

આવી સ્થિતિમાં, તે પક્ષાંતર વિરોધી કાયદાથી બચી જશે અને તેના સમૂહને માન્યતા મળી જશે. આવી સ્થિતિમાં તેઓ ભાજપની મદદથી સરકાર બનાવી શકે છે.

જો આનાથી ઓછાં ધારાસભ્યો તેમની પાસે જશે તો તેઓ બધા ગેરલાયક ઠરશે. હવે સવાલ એ છે કે શિંદેને 37 ધારાસભ્યોનું સમર્થન છે કે નહીં. હાલમાં આ અંગે કોઈ નક્કર માહિતી મળતી નથી.

line

2019માં શું થયું હતું?

2019માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. પરંતુ મુખ્ય મંત્રી કોણ બનશે તે પ્રશ્ન પર બંને પક્ષોના રસ્તા અલગ થઈ ગયા હતા.

શિવસેનાએ સરકાર બનાવવા માટે એનસીપી અને કૉંગ્રેસ સાથે વાટાઘાટ શરૂ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી બનાવવા પર સહમતી બની હતી. પરંતુ મંત્રણા આગળ ન વધી અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું.

આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમની સાથે પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે વહેલી સવારે રાજભવન પહોંચ્યા હતા.

23 નવેમ્બરની સવારે દેવેન્દ્ર ફડણવીસે ઉતાવળે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, અજિત પવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા. પરંતુ આ પારિવારિક ઝઘડામાં શરદ પવાર ભારે પડ્યા અને અજિત પવાર સાથે ગયેલા ધારાસભ્યો એનસીપીમાં પાછા ફર્યા.

આ પછી, 26 નવેમ્બરે ફડણવીસે વિશ્વાસ મતનો સામનો કર્યા વિના રાજીનામું આપી દીધું.

શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધન સાથે મહાવિકાસ અઘાડીની સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરેનું સીએમ બનવાનું સપનું સાકાર થયું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન