કેકેનું નિધન : માર્કેટિંગની નોકરી કરતાં કરતાં બોલીવૂડના લોકપ્રિય ગાયક કઈ રીતે બની ગયા?

    • લેેખક, વંદના
    • પદ, બીબીસી સંવાદદાતા

હમ રહેં ના રહેં કલ કલ... યાદ આયેંગે યે પલ.. પલ યે હૈં પ્યાર કે પલ..

વાત મિત્રતાની હોય કે પ્રેમની, એક સમય એવો હતો કે જીવનના પાઠને સમાવી લેતું આ ગીત એક ઍન્થમ જેવું બની ગયું હતું.

યારો દોસ્તી બડી હી હસીન હૈ...

કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકે આમ તો અગાઉ હજારો જિંગલ ગાઈ ચૂક્યા હતા પરંતુ 'યાદ આયેંગે યે પલ'વાળા ગીતથી તેમણે લોકોનાં મનમાં સ્થાન મેળવી લીધું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકે આમ તો અગાઉ હજારો જિંગલ ગાઈ ચૂક્યા હતા પરંતુ 'યાદ આયેંગે યે પલ'વાળા ગીતથી તેમણે લોકોનાં મનમાં સ્થાન મેળવી લીધું હતું

1999માં આવેલ આલબમ 'પલ'ના ગાયકનું નામ હતું કેકે.

આ અવાજના માલિક કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકે આમ તો અગાઉ હજારો જિંગલ ગાઈ ચૂક્યા હતા પરંતુ 'યાદ આયેંગે યે પલ'વાળા ગીતથી તેમણે લોકોનાં મનમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે તેમણે વિરહને પોતાના ગીતમાં સમાવીને 'તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી' ગીતમાં પોતાનો અવાજ આપ્યો ત્યારે તેઓ પોતાના આ અવાજને એક નવા મુકામ પર લઈ ગયા.

અને કંઈક આવી રીતે કેકે ફિલ્મસંગીતની દુનિયામાં આવ્યા અને છવાઈ ગયા.

ક્યારેક શાહરૂખનો રોમાંચ બનીને (આંખોં મેં તેરી અજબ સી ગજબ સી અદાએં હૈ), ક્યારેક પ્રેમમાં સજદો કરતાં રણવીરનો અવાજ બનીને (સજદે મેં યૂં હી ઝૂકતા હૂં, તુમ પે આકે રુકતા હૂં) તો ક્યારેક પ્રેમના અલ્લડપણાને અવાજ આપ્યો (દસ બહાને કરકે લે ગઈ દિલ) તો ક્યારે દિલની તડપ બનીને છવાઈ ગયા (તડપ તડપ કે...).

પોતાનામાં એક ગાયકને સમાવી લેનાર 53 વર્ષીય કેકે બીજું પણ ઘણું બધું હતા - ગાયક, સંગીતકાર, ફૂડી, નેચર લવર, રૉડી... પોતાની ઓળખાણ કંઈક આવી જણાવતા હતા કેકે.

દિલ્હીમાં ઉછરેલા કેકે બાળપણથી સંગીતમાં રસ ધરાવતા હતા અને તેઓ ગાતા પણ હતા. સંગીતનું શિક્ષણ તો ન મેળવ્યું પરંતુ સૂર-તાલ બેમિસાલ હતા.

માત્ર 53 વર્ષની ઉંમરમાં કોલકાતામાં અચાનક તેમનું નિધન થયું.

તેઓ કોલકાતામાં એક કૉન્સર્ટમાં ભાગ લેવા માટે ગયા હતા. તેઓ કોલકાતાની એક કૉલેજના સમારોહમાં સામેલ થવા માટે ગયા હતા.

કાર્યક્રમ દરમિયાન જ તેમણે પોતાની તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. કાર્યક્રમમાંથી હોટલ પરત ફર્યા બાદ તેમને એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા. ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટેમ માટે મોકલી અપાયો છે.

line

તેમની સાથે ઑગસ્ટ 2014માં થયેલી મુલાકાતના કેટલાક ખાસ અંશો અહીં વાંચો -

માત્ર 53 વર્ષની ઉંમરમાં કોલકાતામાં અચાનક કેકેનું નિધન થયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માત્ર 53 વર્ષની ઉંમરમાં કોલકાતામાં અચાનક કેકેનું નિધન થયું

ગાયક બનવાનો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો?

બાળપણથી જ મને સંગીતનો શોખ હતો, જૂના કૅસેટ પ્લેયરમાં હું ઘણાં ગીતો સાંભળતો. કૉલેજમાં મિત્રો સાથે મળીને પરફૉર્મ કરતો.

જ્યારે લગ્ન થવાનાં હતાં ત્યારે એક મિત્રે માર્કેટિંગમાં નોકરી અપાવી દીધી. પરંતુ કામ કરતાં કરતાં મને લાગવા લાગ્યું કે હું અહીં શું કરી રહ્યો છું. બસ આટલું વિચારીને મુંબઈ જતો રહ્યો.

મેં વિજ્ઞાપનોમાં જિંગલ ગાવાનું કામ શરૂ કર્યું. આમ કરતાં કરતાં મેં હજારો જિંગલ ગાયાં.

બોલીવૂડની સફરની શરૂઆત કેવી રીતે થઈ?

વિજ્ઞાપનોમાં કામ કરતાં-કરતાં મને ફિલ્મ 'માચિસ'માં ગાવાની તક મળી - 'છોડ આયે હમ વો ગલિયાં'. આમ તો આ બે લાઇન જ હતી પરંતુ ફિલ્મ વિશાલ ભારદ્વાજની હતી.

તે બાદ ફિલ્મ 'સપને'માં એઆર રહેમાને તક આપી. પરંતુ ટર્નિંગ પૉઇન્ટ 1999માં આવ્યું.

ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' માટે ઇસ્માઇલ દરબારે મને 'તડપ તડપ કે ઇસ દિલ' ગીત ગાવાની તક આપી. સામાન્યપણે આ પ્રકારના ગીત માટે સંગીતકાર કોઈક અનુભવી ગાયકને જ પસંદ કરે છે.

પરંતુ ઇસ્માઇલે મારા પર વિશ્વાસ કર્યો અને મેં પણ દિલથી ગીત ગાયું.

એ ગીત ખૂબ જ હિટ થયું. એ જ વર્ષે મારું આલબમ રજૂ થયું. તેનાં ગીતો જેમ કે 'યાદ આયેંગે વો પલ' લોકપ્રિય થઈ ગયાં. આજે પણ જ્યારે હું કૉલેજની મુલાકાતે જઉં છું ત્યારે આ ગીતો વાગે છે.

કોલકાતાની એક કૉલેજના કાર્યક્રમ દરમિયાન જ કેકેએ પોતાની તબિયત ખરાબ હોવાની વાત કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલકાતાની એક કૉલેજના કાર્યક્રમ દરમિયાન જ કેકેએ પોતાની તબિયત ખરાબ હોવાની વાત કરી હતી

ગીતના બોલ પર આજકાલ ઘણી ચર્ચા થાય છે, ક્યારેક એવું થયું છે ખરું કે જ્યારે તમે બોલના કારણે ગીત ગાવાનો ઇનકાર કરી દીધો હોય?

એકવાર એક નવા સંગીતકારે મારી પાસે ગીત ગવાડ્યું.

અચાનક મને લાગ્યું કે આ કેવા બોલ છે. હું ગાવાનું બંધ કરીને જતો રહ્યો.

એ બાદ ફોન આવ્યો કે ગીતના બોલ બદલી નખાયા છે આપ આવી જાઓ.

સંગીતકારની આ પ્રથમ ફિલ્મ હતી અને પ્રોડ્યૂસરનું મોટું નામ હતું, તેથી સંગીતકાર પણ ના નહોતા પાડી શકી રહ્યા. હવે કદાચ લોકોને ખ્યાલ છે કે હું આવાં ગીતો નથી ગાતો.

તમારા માટે સારા ગાયકની પરિભાષા શું છે?

મારી દૃષ્ટિમાં સારો સિંગર એ જ છે જે કોઈ સંગીતકારના ગીતને પોતાનું ગીત બનાવીને ગાઈ શકે.

બની શકે કે ગીત ખુશનુમા હોય અને તમારો મૂડ અલગ હોય.. તેથી હું એક દિવસમાં એક જ ગીતની રેકૉર્ડિંગ રાખું છું. જ્યાં સુધી ગાયક ખુદ પોતાના ગીતને મહેસૂસ ન કરી શકે ત્યાં સુધી સાંભળનારને એ ગીત કેવી રીતે સારું લાગે?.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો