હિન્દુ-મુસ્લિમના કહેવાતા આગેવાનો નફરતભર્યાં ભાષણો આપીને કેવી રીતે છટકી જાય છે?

    • લેેખક, શરણ્યા ઋષિકેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

રામનવમીના તહેવાર દરમિયાન ઘણાં રાજ્યોમાં આવો વાણીવિલાસ થયો, ઉપરાંત આ સમયગાળા દરમિયાન કેટલીક હિંસક ઘટનાઓ પણ નોંધાઈ.

હૈદરાબાદમાં, જેને 2020માં ફેસબુક દ્વારા નફરતભર્યા ભાષણ બદલ પ્રતિબંધિત કરાયેલ ભાજપના ધારાસભ્યે કોઈની પરવા કર્યા વગર ફરી એક વાર ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું.

ડિસેમ્બરમાં, હરિદ્વારમાં ધર્મ સંસદમાં કેટલાક હિંદુ નેતાઓએ મુસ્લિમો વિરુદ્ધ હિંસાની વાત કરી હતી

ઇમેજ સ્રોત, FACEBOOK/DEVBHOOMI RAKSHA ABHIYAN

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બરમાં, હરિદ્વારમાં ધર્મસંસદમાં કેટલાક હિંદુ નેતાઓએ મુસ્લિમો વિરુદ્ધ હિંસાની વાત કરી હતી

સંબોધન દરમિયાન આ ભાજપના નેતાએ એક ગીત ગાયું - "જે કોઈ હિન્દુ દેવતા રામનું નામ નહીં લે, તો તેને જલદી ભારત છોડવા માટે મજબૂર કરવામાં આવશે."

line

મહિલાઓનાં અપહરણ અને બળાત્કારની ધમકી

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ ઘટનાના થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાં એક હિંદુ પૂજારી બજરંગ મુનિનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં ખુલ્લેઆમ મુસ્લિમ મહિલાઓનાં અપહરણ અને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી.

આ વીડિયોને લઈને ઘણો હોબાળો થયો હતો અને 11 દિવસ પછી પોલીસે આ મામલે કેસ નોંધ્યો હતો અને ગયા બુધવારે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

એ જ અરસામાં, નફરતભર્યા ભાષણના કેસમાં જામીન પર બહાર આવેલા અન્ય હિંદુ પૂજારી યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન હિંદુઓએ તેમના અસ્તિત્વની રક્ષા માટે શસ્ત્રો ઉપાડવાની વાત કરી હતી.

આ મામલામાં દિલ્હી પોલીસનું કહેવું છે કે કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી અને જે શરતો પર યતિ નરસિમ્હાનંદને જામીન આપવામાં આવ્યા હતા, તેમાંથી એકનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

line

નફરતભર્યા ભાષણ એ જૂની સમસ્યા છે

અકબરુદ્દીન ઔવૈસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અકબરુદ્દીન ઔવૈસી

ભારતમાં નફરતભર્યા ભાષણની લાંબા સમયથી સમસ્યા રહી છે. વર્ષ 1990માં કાશ્મીરની કેટલીક મસ્જિદોમાંથી હિંદુઓ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવા માટે નફરતભર્યાં ભાષણો આપવામાં આવ્યાં હતાં, જેના કારણે કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડીને ભાગવું પડ્યું હતું.

તે જ વર્ષે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે રથયાત્રાની શરૂઆત કરી હતી. આ કારણે, ટોળાએ સદીઓ જૂની બાબરી મસ્જિદને તોડી પાડી હતી, જેના પછી ભીષણ કોમી રમખાણો થયાં હતાં.

પરંતુ તાજેતરના સમયમાં, આ સમસ્યા ખૂબ જ વ્યાપક બની છે અને નફરતભર્યાં ભાષણો અને અન્ય સામગ્રી લોકો સુધી મોટા પ્રમાણમાં પહોંચી રહી છે.

રાજકીય વિશ્લેષક નીલંજન સરકાર માને છે કે નાના રાજકારણીઓનાં નિવેદનો અને ટ્વીટને પણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વધુ મહત્ત્વ મળે છે, જેને કારણે તેમને લાગે છે કે તેઓ સરળતાથી ધ્યાન ખેંચી શકે છે. જેના કારણે નફરતભર્યાં ભાષણ અટકવાનું નામ નથી લેતાં.

તેઓ કહે છે, "પહેલાં, સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન નફરતભર્યાં ભાષણ સાંભળવા મળતાં હતાં. પરંતુ હવે બદલાયેલા મીડિયા જગતમાં, રાજકારણીઓને સમજાયું છે કે એક રાજ્યમાં કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને રાજકીય લાભ માટે બીજા રાજ્યમાં તત્કાલ ફેલાવી શકાય છે."

ન્યૂઝ ચેનલ એનડીટીવીએ સાંસદો અને મંત્રીઓ દ્વારા કરવામાં આવેલાં ઉશ્કેરણીજનક નિવેદનોને ટ્રૅક કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ 2019માં એનડીટીવીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2014માં પીએમ નરેન્દ્ર મોદીની હિંદુ રાષ્ટ્રવાદી સરકાર સત્તામાં આવી ત્યારથી આ પ્રકારના વલણમાં ભારે વધારો થયો છે.

બીજેપીના અનેક નેતાઓ સહિત એક કેન્દ્રીય મંત્રી પર પણ નફરતભર્યાં ભાષણો આપવાનો આરોપ છે.

અસદુદ્દીન ઓવૈસી અને તેમના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી જેવા કેટલાક વિપક્ષી સાંસદો સામે નફરતભર્યાં ભાષણોના આરોપો છે. બંને નેતાઓ આ આરોપોને રદિયો આપે છે. ગયા બુધવારે, અકબરુદ્દીન ઓવૈસીને 2012ના નફરતભર્યા ભાષણ સંબંધિત બે કેસમાં મુક્તિ મળી હતી.

line

નફરતભર્યા ભાષણ માટે પૂરતા કાયદા છે?

પીએમ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2019માં એનડીટીવીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2014માં પીએમ નરેન્દ્ર મોદીની હિંદુ રાષ્ટ્રવાદી સરકાર સત્તામાં આવી ત્યારથી આ પ્રકારના વલણમાં ભારે વધારો થયો છે

નિષ્ણાતોના મતે ભારતમાં નફરત ફેલાવતા ભાષણને રોકવા માટે પૂરતા કાયદા છે.

સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ અંજના પ્રકાશે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉત્તરાખંડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમો વિરુદ્ધ હિંસાનું આહ્વાન કરનારા હિન્દુ ધાર્મિક નેતાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

અંજના પ્રકાશ કહે છે, "આ કાયદાઓને વહીવટીતંત્ર દ્વારા લાગુ કરવાની જરૂર છે. અને ઘણીવાર તેઓ કાર્યવાહી કરવા માંગતા નથી."

ભારતમાં નફરતભર્યાં ભાષણને વ્યાખ્યાયિત કરવા માટે કોઈ કાનૂની પરિભાષા નથી. પરંતુ કેટલીક કાયદાકીય જોગવાઈઓ હેઠળ, અમુક પ્રકારનાં ભાષણ, લેખ અને પ્રવૃત્તિઓને અભિવ્યક્તિની સ્વતંત્રતાની શ્રેણીમાં રાખી શકાતી નથી.

તેની હેઠળ આવી પ્રવૃત્તિઓ, "ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ" વધારી શકે તેવા ગુનાની શ્રેણીમાં આવે છે.

અને આવા "ઇરાદાપૂર્વક અને દુર્ભાવના સાથે કોઈપણ વર્ગનાં ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતાં કૃત્યો" પણ ગુનાની શ્રેણીમાં આવે છે.

ભારતની અદાલતોમાં નફરતભર્યાં ભાષણના કેસ આવતા રહે છે. પરંતુ ભારતીય ન્યાયતંત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો લાદવામાં ખચકાટ અનુભવી રહ્યું છે.

line

સુપ્રીમ કૉર્ટની માર્ગદર્શિકા

વર્ષ 2014માં, એક અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે રાજકીય અને ધાર્મિક નેતાઓ દ્વારા આપવામાં આવતાં નફરતભર્યાં ભાષણને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2014માં એક અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે રાજકીય અને ધાર્મિક નેતાઓ દ્વારા આપવામાં આવતાં નફરતભર્યાં ભાષણને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી

વર્ષ 2014માં એક અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે રાજકીય અને ધાર્મિક નેતાઓ દ્વારા આપવામાં આવતાં નફરતભર્યાં ભાષણને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી.

કોર્ટે માન્ય રાખ્યું હતું કે આ નફરતભર્યાં ભાષણો સામાન્ય લોકો પર ખરાબ અસર કરે છે, પરંતુ કોર્ટે હાલના કાયદાઓથી આગળ જઈને કોઈ પગલું ભરવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે ગેરવાજબી કૃત્યો પર યોગ્ય નિયંત્રણો લાદવાં જોઈએ, પરંતુ આનાથી એવી સ્થિતિ સર્જાઈ શકે છે કે કેટલીકવાર પ્રતિબંધોને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

તેના બદલે, કોર્ટે સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપતી કાયદાકીય નિષ્ણાતોની સ્વતંત્ર સંસ્થા, કાયદાપંચ પાસે આ મામલાની તપાસ કરાવવા જણાવ્યું હતું.

કાયદાપંચે 2017માં સરકારને સુપરત કરેલા તેના અહેવાલમાં સલાહ આપી હતી કે નફરતભર્યા ભાષણને અપરાધ ગણાવવા માટે ભારતીય દંડ સંહિતામાં નવી જોગવાઈઓ ઉમેરવી જોઈએ.

line

નવા કાયદાથી ફાયદો થશે?

પરંતુ કેટલાક કાયદા નિષ્ણાતોએ સૂચિત સુધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટના વકીલ આદિત્ય વર્મા કહે છે, "નફરતભર્યા ભાષણને વ્યાખ્યાયિત કરતાં કૃત્યો તો ગુનાની શ્રેણીમાં છે જ, તો પછી નફરતભર્યા ભાષણની વ્યાખ્યાને વિસ્તૃત કરવા અને તેને ચિહ્નિત કરતો કાયદો વધુ ઉપયોગી થશે નહીં."

તેઓ કહે છે કે સૌથી મોટી ચિંતા સંસ્થાકીય સ્વાયત્તતાની છે. વર્માએ બ્રિટનનું ઉદાહરણ ટાંક્યું જ્યાં પોલીસે વડા પ્રધાન બોરિસ જોહ્ન્સન સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટીમાં સામેલ થવા બદલ દંડ ફટકાર્યો છે.

જોકે, ભારતમાં, રાજકીય દબાણને કારણે પોલીસ કાર્યવાહી કરતા ખચકાય તેને સામાન્ય માનવામાં આવે છે.

વર્મા કહે છે, "કાયદા અંગે કેટલીક ગૂંચવણો હોઈ શકે છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે કાયદાની સ્પષ્ટ કલમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી."

અંજના પ્રકાશ કહે છે કે જવાબદારીઓનું વહન ન કરવું એ ઘણી ગંભીર બાબત છે.

અંજનાએ પ્રશ્ન ઉઠાવ્યો, "જ્યાં સુધી તમે નફરતભર્યા ભાષણ કરનાર વ્યક્તિને સજા નહીં કરો, ત્યાં સુધી કાયદો આવાં કૃત્યોને રોકવામાં કેવી રીતે સફળ થઈ શકે."

આમ જ્યારે નફરતભર્યાં ભાષણોને સામાન્ય માની લેવામાં આવે તો તેની ભારે કિંમત ચૂકવવી પડે છે.

સરકાર કહે છે, "જ્યારે વાતાવરણ એટલું અસહજ બની જાય છે અને લોકો એટલા ડરી જાય છે કે તેઓ સામાન્ય સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ થવા વિશે બે વાર વિચારે છે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો