You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Lakshya Sen : ઑલ ઇંગ્લૅન્ડ બૅડમિન્ટનની ફાઇનલ સુધી પહોંચનારા પાંચમા ભારતીય કોણ?
ઑલ ઇંગ્લૅન્ડ ઓપન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો પરાજય થયો, પણ આ ચૅમ્પિયનશિપની ફાઇનલ્સ સુધી પહોંચનારા તેઓ પાંચમા ભારતીય છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં લક્ષ્ય સેનનો ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે 21-10, 21-15થી સીધી ગેમમાં પરાજય થયો છે.
પહેલી ગેમમાં વિક્ટરે સૌથી વધુ સળંગ 6 પૉઇન્ટ લીધા હતા. જ્યારે લક્ષ્યએ સળંગ 2 પૉઇન્ટ મેળવ્યા હતા.
બીજી ગેમમાં એક તબક્કે બંને 4 પૉઇન્ટ પર રમતા, લક્ષ્યની મૅચમાં પરત ફરવાની આશા જાગી હતી. પરંતુ તે પછી લક્ષ્ય બીજી ગેમમાં માત્ર 11 પૉઇન્ટ ઉમેરી શક્યા હતા.
ફાઇનલ મૅચમાં લક્ષ્ય તેમની નૈસર્ગિક રમતને બદલે દબાવમાં રમતા હોય એવું લાગતું હતું,
ચૅમ્પિયન વિક્ટરે આ પહેલાં 2020માં આ ખિતાબ જીત્યો હતો, આ સિવાય તેમણે ગયા વર્ષે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
20 વર્ષીય લક્ષ્ય સેને બર્મિંઘહામમાં આયોજિત ચૅમ્પિયનશિપમાં શનિવારે સેમિફાઈનલમાં મલેશિયાના લી ઝી જિયાને 21-13, 12-21, 21-19થી હરાવ્યા હતા.
લી જી ઝિયા હાલમાં આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં 7મા ક્રમે છે, જ્યારે લક્ષ્ય 11મા સ્થાને છે.
લક્ષ્ય સેને સેમિફાઇનલ મૅચમાં જીત બાદ કહ્યું હતું, "મૅચના અંત સુધી હું માત્ર એક પૉઇન્ટ માટે રમી રહ્યો હતો અને બીજું કંઈ વિચારતો ન હતો. હું ફાઇનલમાં જવા માગતો હતો. મારા મગજમાં વિચારો ચાલી રહ્યા હતા, પરંતુ હું માત્ર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેમિફાઇનલની મહત્ત્વપૂર્ણ જીત
અન્ય એક બાબત એ છે કે લક્ષ્ય ઑલ ઇંગ્લૅન્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારા પાંચમા ભારતીય બૅડમિન્ટન ખેલાડી બન્યા હતા.
આ પહેલાં પ્રકાશ નાથ (1947), પ્રકાશ પાદુકોણ (1980 અને 1981) અને પુલેલા ગોપીચંદ (2001) આ મુકામ સુધી પહોંચ્યા છે. જ્યારે મહિલા વર્ગમાં સાઇના નેહવાલ પણ 2015માં આ સ્પર્ધામાં ફાઇનલ રમી ચૂક્યાં છે.
આ ખેલાડીઓ પૈકી 1980માં પ્રકાશ પાદુકોણ અને 2001માં પુલેલા ગોપીચંદ ફાઇનલમાં જીતી પણ ચૂક્યાં છે.
કોણ છે લક્ષ્ય સેન?
16 ઑગષ્ટ 2001ના રોજ ઉત્તરાખંડના અલ્મોડામાં જન્મેલા લક્ષ્ય સેન ત્યાં જ રહે છે.
અંદાજે 5 ફૂટ 11 ઇંચની ઊંચાઈ ધરાવતા લક્ષ્ય બૅડમિન્ટનના જાણીતા પ્રશિક્ષકો વિમલકુમાર, પુલેલા ગોપીચંદ અને યોંગ સૂ યૂ પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યા છે.
તેમણે પ્રકાશ પાદુકોણ બૅડમિન્ટન અકાદમીમાંથી પણ ટ્રેનિંગ લીધી છે.
તેમના પિતા ડી. કે. સેન પણ બૅડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે અને તેઓ કેચ તરીકે પણ કામ કરે છે. લક્ષ્ય પોતાના પિતા પાસેથી પણ ટ્રેનિંગ લઈ ચૂક્યાં છે.
લક્ષ્યના ભાઈ ચિરાગ સેન પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બૅડમિન્ટન રમે છે.
છેલ્લા છ મહિનાથી જોરદાર ફૉર્મમાં
વર્ષ 2018માં યૂથ ઑલિમ્પિકમાં સિલ્વર મૅડલ જીતનારા લક્ષ્ય સેન છેલ્લા છ મહિનાથી જોરદાર ફૉર્મમાં હતા.
જાન્યુઆરીમાં તેમણે ઇન્ડિયા ઓપનમાં સુપર 500નું પોતાનું પહેલું ટાઇટલ જીત્યું હતું અને ગયા અઠવાડિયે જર્મન ઓપનમાં તેઓ રનર-અપ રહ્યા હતા.
28 વર્ષીય વિક્ટર 2020માં આ ખિતાબ જીતી ચૂક્યાં છે. આ સિવાય ગત વર્ષે ઑલિમ્પિકમાં તેમણે સુવર્ણપદક જીત્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો