You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Big Bash League : છેલ્લી ઓવર, છેલ્લો બૉલ, અચાનક ખેલાડીને રિટાયર કરી કોચ ગયા રમવા, પછી શું થયું?
ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત ગણાય છે અને તેમાં ક્યારે શું થશે એ કળી શકાતું નથી. જોકે, ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટૂર્નામેન્ટ 'બીગ બૅશ લીગ'માં જે ઘટ્યું એવું ભાગ્યે જ ક્યારેય ઘટ્યું હશે. લીગની મૅચમાં એક ટીમે કોચને રમવા ઉતાર્યા અને મૅચ જીતી પણ લીધી.
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટૂર્નામેન્ટ 'બીગ બૅશ લીગ' હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બુધવારે ડિફૅન્ડિંગ ચૅમ્પિયન 'સિડની સિક્સર્સ' અને 'ઍડિલેડ સ્ટ્રાઇકર્સ' વચ્ચે સેમિફાઇનલ યોજાઈ હતી.
આ સેમિફાઇનલ મૅચની અંતિમ ઓવરના અંતિમ બૉલ પર બે રનની જરૂર હતી. તે સમયે નૉન સ્ટ્રાઇકર ખેલાડી સરખી રીતે દોડી શકે તેમ નહોતા.
એથી છેલ્લા બૉલ પર તેમને 'રિટાયર્ડ હર્ટ' જાહેર કરી દેવાયા અને તેમના સ્થાને ટીમના આસિસ્ટન્ટ કોચને મેદાને ઉતારવામાં આવ્યા.
છેલ્લા બૉલ પર બે રનની જરૂરિયાત હતી અને તે સમયે જ ક્રિઝ પર પહેલાંથી જ રમી રહેલા હેડન કૅરે ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી.
કોચ રમવા આવ્યા તો મૅચમાં શું થયું?
લીગમાં સિડની સિક્સર્સ ટીમ ડિફૅન્ડિંગ ચૅમ્પિયન છે અને જય લૅન્ટન ટીમના આસિસ્ટન્ટ કોચ છે.
બુધવારે રમાયેલી સેમિફાઇનલ મૅચ પહેલાં ટીમના વિકેટકીપર બૅટર જૉશ ફિલિપ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. જેથી તેમના સ્થાને પ્લેયિંગ ઇલેવનમાં ટીમના આસિસ્ટન્ટ કોચ જય લૅન્ટનને સ્થાન આપવામાં આવ્યું હતું.
જય લૅન્ટન પણ વિકેટકીપર બૅટર હોવાથી તેઓ જૉશ ફિલિપની અવેજી માટે એકદમ યોગ્ય પસંદ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચમાં પ્રથમ બૅટિંગ કરીને ઍડિલેડની ટીમે ચાર વિકેટ પર 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સિડની સિક્સર્સે 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.
અંતિમ ઓવરમાં માત્ર 12 રનની જરૂર હતી અને બૉલિંગની જવાબદારી હૅરી કૉનવે પર હતી.
અંતિમ ઓવરના પહેલા બે બૉલ પર તેમણે બે ખેલાડીઓને પૅવેલિયનભેગા કર્યાં, ત્યાર બાદ ક્રીઝ પર નવા બૅટર જૉર્ડન સિલ્ક આવ્યા, જેમણે પહેલા બૉલ પર સિંગલ રન લીધો.
એ બાદ હેડન કૅરે છગ્ગો ફટકાર્યો અને બીજા બૉલે સિંગલ રન લીધો. આ સમયે જ જાણવા મળ્યું કે નવા ખેલાડી જૉર્ડન સિલ્કને દોડવામાં તકલીફ પડી રહી હતી.
છેલ્લા બૉલ પર સિડનીને જીતવા માટે બે રનની જરૂર હતી અને ક્રીઝ પર હાજર બે ખેલાડીઓ પૈકી એક ખેલાડી સરખી રીતે દોડી શકે તેવી હાલતમાં નહોતો.
જેથી ટીમ મૅનેજમૅન્ટે છેલ્લા બૉલ પહેલાં જ સિલ્કને રિટાયર્ડ હર્ટ જાહેર કર્યા અને તેમના સ્થાને આસિસ્ટન્ટ કોચ જય લૅન્ટનને મેદાનમાં ઉતાર્યા.
જોકે, લૅન્ટનને બૅટિંગ કરવા પણ મળી નહોતી. સ્ટ્રાઇક પર રહેલા હેડન કૅરે છેલ્લા બૉલ પર જ ચોગ્ગો ફટકારીને મૅચ પોતાના નામે કરી લીધી હતી.
આ રીતે સેમિફાઇનલમાં ડિફૅન્ડિંગ ચૅમ્પિયન સિડની સિક્સર્સે ઍડિલેડ ટીમને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું.
આ મૅચમાં હેડન કૅર દ્વારા અણનમ 98 રન ફટકારવામાં આવતાં તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ એનાયત થયો.
આ સાથે બીગ બૅશ લીગ 2022ની ફાઇનલ 28 જાન્યુઆરીએ મૅલબર્નમાં યોજાશે. જેમાં ડિફૅન્ડિંગ ચૅમ્પિયન સિડની અને પર્થ વચ્ચે મુકાબલો જામશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો