You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Cyclone Asani : ભારત પાસે સર્જાશે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું, કયા વિસ્તારો પર છે ખતરો?
બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સમુદ્રમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાવા જઈ રહી છે.
નોંધનીય છે કે ભારતમાં જૂન મહિનામાં ચોમાસું શરૂ થતું હોય છે, તે પહેલાં દેશમાં વાવાઝોડાની સિઝન આવતી હોય છે. પરંતુ માર્ચ મહિનામાં વાવાઝોડું સર્જાય તેવી ઘટના ભાગ્યે જ બને છે.
વર્ષનું આ પ્રથમ વાવાઝોડું કયા વિસ્તારો પર ત્રાટકશે? ક્યારે દરિયામાં વાવાઝોડું બનશે? ગુજરાતને કોઈ અસર થશે કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ આ અહેવાલમાં આપવાનો પ્રયત્ન કરીશું.
વાવાઝોડું ક્યારે સર્જાશે?
બંગાળની ખાડીમાં હાલ લૉ પ્રેશર એરિયા સર્જાયો છે અને તે આવનારા દિવસોમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે.
વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને તેની સાથે જોડાયેલી બંગાળની ખાડી પર 15 માર્ચની સાંજે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાયું છે.
આ લૉ પ્રેશર પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ બંગાળની ખાડીમાં આગળ વધશે અને પછી તે વેલ માર્ક્ડ લૉ પ્રેશર એરિયામાં બદલાઈ જશે.
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 20 માર્ચના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તે બાદ 21 માર્ચ એટલે કે સોમવારના રોજ તે વાવાઝોડું બને તેવી શક્યતા છે.
વાવાઝોડું કયા વિસ્તારો પર ત્રાટકશે?
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે અને હાલની સ્થિતિ છે તે પ્રમાણે વાવાઝોડું બાંગ્લાદેશ અને મ્યાનમારની આસપાસ ત્રાટકવાની સંભાવના છે. જોકે આ વાવાઝોડું કયા વિસ્તારમાંથી પસાર થશે તે અંગે હાલના તબક્કે આગાહી કરવી એ ઉતાવળભર્યું ગણાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ભારતના કેટલાક વિસ્તારોને પણ તેની અસર થવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં તેની અસર થવાની શક્યતા જણાઈ રહી છે. જોકે, તેની અસર ગુજરાત કે તેની આસપાસનાં રાજ્યોમાં થવાની નથી.
લૉ પ્રેશર એરિયાને કારણે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
આ અસામાન્ય વાવાઝોડું હશે?
માર્ચ, એપ્રિલ અને મે મહિનાને પ્રિમોન્સૂન મહિના ગણવામાં આવે છે અને સામાન્ય રીતે વાવાઝોડા બનવાની શરૂઆત મે મહિનામાં થતી હોય છે.
હવામાન નિષ્ણાતોના મતે માર્ચ મહિનામાં ભારતની પાસે આવેલા દરિયામાં એટલે બંગાળની ખાડી અને અરબ સાગરમાં વાવાઝોડાં ભાગ્યે જ સર્જાય છે.
વેધર ડોટ કોમના અહેવાલ પ્રમાણે છેલ્લાં 130 વર્ષમાં માત્ર સાત વાવાઝોડાં માર્ચ મહિનામાં સર્જાયાં છે. જેમાંથી માત્ર એક વાવાઝોડું ભારતની ભૂમિ પર ત્રાટક્યું હતું.
છેલ્લા બે દાયકાઓથી ભારતે માર્ચ મહિનામાં વાવાઝોડું જોયું નથી. હાલ દરિયાનું તાપમાન અને અનુકૂળ સ્થિતિ વાવાઝોડું બનવામાં મદદ કરે તેવી શક્યતા છે.
18 માર્ચ સુધી બંગાળની ખાડી અને વિષુવવૃત્તિય વિસ્તારમાં 40-60 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. અંદમાન અને નિકોબાર ટાપુસમૂહ અને બંગાળની ખાડીમાં 21 અને 23 માર્ચ સુધી પવનની ઝડપ વધુ થઈ શકે છે. 21 માર્ચના રોજ જ આ વાવાઝોડું ભારતીય વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના છે. જેના કારણે દક્ષિણ ભારતના ટાપુસમૂહ અંદમાન અને નિકોબારના વહીવટી તંત્રે એલર્ટ જાર કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો