You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બપ્પી લાહિરી : ડિસ્કો સંગીતથી પોતાને 'મોદીના નજીકના મિત્ર' ગણાવવા સુધીની કહાણી
બપ્પી લાહિરીનું બુધવારે મુંબઈની એક હૉસ્પિટલમાં 69 વર્ષની ઉંમરે નિધન થયું છે.
તેમની ઓળખ એક લોકપ્રિય ગાયક અને સંગીતકાર તરીકેની હતી. તેમને ગયા વર્ષે કોરોના સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તે સમયે ડૉક્ટરોએ તેમને રજા આપી દીધી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ એવા અહેવાલો આવ્યા કે બપ્પી લાહિર પોતાનો અવાજ ગુમાવી રહ્યા છે.
બાદમાં તેમની તરફથી એક નિવેદન આવ્યું હતુ કે, આ અહેવાલો પાયાવિહોણા છે, પરંતુ અંતે બુધવારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. બપ્પી લાહિરીના પરિવારમાં તેમની પત્ની, પુત્ર બપ્પા લાહિરી અને પુત્રી રમા લાહિરી છે.
બપ્પી લાહિરી મંગળવારે રાત્રે પોતાના ઘરે જ હતા પરંતુ તબિયત ખરાબ થતાં તેમને જુહૂની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ એક મહિનાથી તે જ હૉસ્પિટલમાં દાખલ હતા અને સોમવારે જ તેમને ડૉક્ટરોએ રજા આપી હતી.
મંગળવારે રાત્રે જ્યારે તેમની તબિયત પાછી બગડી તો પરિવારે સૌથી પહેલા ડૉક્ટરને ઘરે જ બોલાવ્યા હતા. ત્યાર બાદ તેમને ફરીથી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેઓ ઘણી સમસ્યાઓ સામે ઝૂઝી રહ્યા હતા.
મંગળવારે રાત્રે બપ્પી લાહિરીને જુહૂની ક્રિટી કૅર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે હૉસ્પિટલના નિદેશક ડૉ. દીપક નામજોશીએ કહ્યું, "તેઓ છેલ્લા એક મહિનાથી હૉસ્પિટલમાં દાખલ હતા અને તેમને આ સોમવારે જ રજા આપવામાં આવી હતી. જોકે મંગળવારે રાત્રે તેમની તબિયત ફરી વખત બગડી હતી. તેઓ ઘણી સમસ્યાઓથી પીડાતા હતા. તેમનું મૃત્યુ મંગળવારે અડધી રાત્રે 'ઓએસએ'થી થયું."
બપ્પી લાહિરી વિશે કહેવામાં આવે છે કે તેઓ એ ગાયકોમાંના એક છે, જેમણે ભારતમાં ડિસ્કોને પ્રચલિત બનાવ્યો. બપ્પી લાહિરીનાં લોકપ્રિય ગીતોમાં 'ચલતે-ચલતે', 'ડિસ્કો ડાન્સર' અને 'શરાબી' ફિલ્મનાં ગીતોનો સમાવેશ થાય છે. બપ્પી લાહિરીનું અંતિમ ગીત 2020માં ટાઇગર શ્રોફ અભિનીત ફિલ્મ બાગી-3માં 'ભંકાસ' નામનું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બપ્પી લાહિરીને સામાન્ય રીતે લોકો 'બપ્પીદા' કહીને બોલાવતા હતા.
સોનાનાં ઘરેણાં જ્વૅલરી પ્રત્યેનો તેમનો મોહ તેમના પહેરવેશ પરથી છલકાઈ આવતો હતો. તેમના પહેરવેશમાં ચમક અને રંગો ખૂબ જ જોવાં મળતાં હતાં.
બપ્પી લાહિરીએ જે ગીતોને કમ્પોઝ કર્યાં તેમાં 'ડિસ્કો ડાન્સર', 'હિમ્મતવાલા', 'શરાબી', 'ઍડવૅન્ચર ઑફ ટાર્ઝન', 'ડાન્સ-ડાન્સ', 'સત્યમેવ જયતે', 'કમાન્ડો', 'આજ કે શહંશાહ', 'થાનેદાર', 'નંબરી આદમી', 'શોલા ઔર શબનમમ' સૌથી મહત્વપૂર્ણ છે. બપ્પી લાહિરીનું ગીત 'જિમ્મી-જિમ્મી, આજા-આજા' હાલમાં પણ લોકોમાં ખૂબ પ્રચલિત છે.
બપ્પી લાહિરીની સફર
આલોકેશ લાહિરીને આપણે બપ્પી લાહિરીના નામે ઓળખીએ છીએ. માત્ર ચાર વર્ષની ઉંમરે લતા મંગેશકરના એક ગીતમાં તબલા વગાડીને મશહૂર થયેલા આલોકેશ લાહિરીને સૌ પ્રેમથી બપ્પી કહીને બોલાવવા લાગ્યા હતા.
ત્યારથી લઈને અત્યાર સુધી' બપ્પીદા' નામથી બોલીવૂડમાં જ નહીં, હોલીવૂડમાં પણ તેઓ પ્રખ્યાત થયા.
80નો દાયકો બપ્પી લાહિરીની ડિસ્કો ધૂનો પર નાચ્યો અને તેમને ડિસ્કો કિંગ બનાવી દીધા. બોલીવૂડમાં સંગીતને ડિજિટલ કરવામાં બપ્પી લાહિરીનો સિંહફાળો છે.
બપ્પી લાહિરીએ વર્ષ 2016માં બીબીસીને જણાવ્યું હતું કે, "મેં ઘણા ઍવોર્ડ જીત્યા, પણ ગ્રૅમી આજ સુધી નથી જીતી શક્યો. મેં અત્યાર સુધી પાંચ વખત ગ્રૅમીમાં ઍન્ટ્રી મોકલી છે. આ વખતે એક આલ્બમ 'ઇન્ડિયન મૅલોડી' પણ મોકલ્યું છે. જેમાં સૂફી, લોકગીત અને ભારતીય સંગીતશૈલીનાં ગીતો રજૂ કર્યાં છે."
તેમનું સંગીત હોલીવૂડમાં પણ ઘણી વખત ઉપયોગમાં લેવાયું છે. 1981માં આવેલી ફિલ્મ જ્યોતિનું ગીત 'કલીઓ કા ચમન' અમેરિકન ટૉપ 40નો ભાગ બન્યું હતું.
પોતાને મોદીના નજીકના મિત્ર ગણાવ્યા હતા
બપ્પી લાહિરીએ મે 2014માં રાજનીતિમાં પણ આવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ 2014માં ભાજપમાં જોડાયા. ત્યારે લાહિરીએ કહ્યું હતું કે, દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે.
2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે બપ્પી લાહિરીને હુગલી જિલ્લાની શ્રીરામપુર બેઠક પરથી ટિકિટ આપી હતી. જોકે, તેઓ ચૂંટણી હારી ગયા હતા.
બપ્પી લાહિરીએ 11 જુલાઈ 2016ના રોજ બીબીસીને વડા પ્રધાન મોદી વિશે કહ્યું હતું કે, "હું તેમનો નજીકનો મિત્ર છું. હું તેમને મળતો રહું છું. તેમને સંગીતનો ખૂબ શોખ છે અને હંમેશાં સંગીત વિશે પૂછતા રહે છે. તેમને ડ્રમ વગાડવાનો શોખ છે. તેમણે મેઘાલયમાં પણ ડ્રમ વગાડ્યું હતું. ડ્રમ એક ખુશીનો સંકેત છે. હું ખુદ તબલા વગાડું છું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો