ઉત્તર પ્રદેશ ચૂંટણી 2022 : ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 58 બેઠકો પર વોટિંગ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 403 પૈકી ગુરુવારે વિધાનસભાની 58 બેઠકોનું પ્રથમ તબક્કાનું મતદાન છે.
આ બેઠકોમાંથી ભાજપે 53 વિધાનસભા બેઠકો જીતીને સપા, બસપા અને રાષ્ટ્રીય લોકદળને સ્પર્ધામાંથી સાવ બહાર ફેંકી દીધાં હતાં, પરંતુ આ વખતે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
2017ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ અલગ-અલગ ચૂંટણી લડ્યાં હતાં.
આ બંને પક્ષોનાં ખાતાંમાં માત્ર ત્રણ બેઠકો આવી હતી, જ્યારે બસપાને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાજપે આ વખતે જીતેલા 19 ઉમેદવારોની ટિકિટ કાપીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.
પાર્ટીએ એવા ત્રણ ઉમેદવારોને પણ ટિકિટ આપી છે, જેઓ છેલ્લી વિધાનસભા ચૂંટણી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર લડ્યા હતા.
આ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ સાથે જોડાણ કર્યું છે. આરએલડી પ્રથમ તબક્કામાં 58માંથી 29 બેઠકો પર, સપા 28 પર અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી એક બેઠક પર ચૂંટણી લડી રહી છે.
સપા-આરએલડીએ 58માંથી 43 વિધાનસભા સીટો પર ઉમેદવારો બદલ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાસ વાત એ છે કે આ 43 ઉમેદવારોએ 2017ની વિધાનસભા ચૂંટણી ન તો સપાની ટિકિટ પર લડી હતી કે ન તો રાષ્ટ્રીય લોકદળની ટિકિટ પર.
અનુપશહર વિધાનસભા સીટ એનસીપીને આપવામાં આવી છે.
બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલના અહેવાલ અનુસાર, બસપાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મંત અને ગોવર્ધન બેઠક પરથી જીતેલા બે ઉમેદવારોને છોડીને બાકીની 56 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે.
કૉંગ્રેસે છેલ્લી વિધાનસભા ચૂંટણી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં લડી હતી. 2017માં પ્રથમ તબક્કાની 58 સીટોમાંથી કૉંગ્રેસે માત્ર 23 સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
ગઠબંધન હોવા છતાં એવી ઘણી બેઠકો હતી જ્યાં સપા અને કૉંગ્રેસના ઉમેદવારો સામસામે હતા. આ ચૂંટણીમાં કૉંગ્રેસ એકલા હાથે લડી રહી છે. કૉંગ્રેસે તમામ 58 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.

પ્રચારમાં ઝીણા, પાકિસ્તાન, લવ-જેહાદ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાના અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશની ચૂંટણીની ચર્ચાઓ અને ભાષણોમાં પાકિસ્તાન, ઝીણા, તાલિબાન જેવા શબ્દો બહુ સાંભળવા મળ્યા. ઉત્તર પ્રદેશનો પાકિસ્તાન સાથે સીધો સંબંધ નથી. પરંતુ અહીં દેશની સૌથી મોટી લઘુમતી મુસ્લિમ વસ્તી રહે છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સૌથી પહેલા પોતાના નિવેદનમાં પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણાનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી ઝીણા રાજકીય ભાષણો અને ચર્ચાઓના કેન્દ્રમાં આવ્યા.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું હતું કે 'અમારું નંબર વન દુશ્મન પાકિસ્તાન નથી, ભાજપ છે...' તેમનું નિવેદન પણ મીડિયાની હેડલાઇન બની ગયું હતું.
પછી ભાજપ તરફથી સૂત્ર ઊછળ્યું "જો જિન્ના કો કરે પ્યાર, વો પાકિસ્તાન સે કૈસે કરે ઇનકાર."
અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં એક વાર ઝીણાના નામનો ઉપયોગ કર્યો એ પછી આ શબ્દ યુપી ચૂંટણીમાં સતત સાંભળવા મળી રહ્યો છે.

ચૂંટણીઢંઢેરામાં સ્કૂટી, સ્માર્ટ ફોન અને ટેબલેટ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/BBC
ઉત્તર પ્રદેશમાં 2022ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના માત્ર બે દિવસ પહેલા જ ભાજપ અને સપાએ મંગળવારે લખનૌમાં તેમનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો.
ભાજપનો ચૂંટણીઢંઢેરો 12 પાનાં અને જ્યારે સપાનો ચૂંટણીઢંઢેરો 87 પાનાં લાંબો છે.
ખેડૂતોની નારાજગી દૂર કરવા ભાજપે ખેડૂતોને 5 વર્ષ સિંચાઈ માટે મફત વીજળી આપવાનું ચૂંટણીવચન આપ્યું છે. કૃષિને લગતાં ભાજપે કુલ 13 વચનો આપ્યાં છે. જેમાં શેરડીની ખરીદી માટે 14 દિવસની અંદર ખેડૂતોને ચૂકવણીનું 2017ના વચનનું પુનરાવર્તન પણ સામેલ છે.
ભાજપના સંકલ્પપત્રમાંથી ગાય આ વખતે ગાયબ છે. દૂધ વિશે માત્ર એટલું કહેવાયું છે કે આગામી 5 વર્ષમાં ભાજપ નંદ બાબા મિલ્ક મિશન હેઠળ 1000 કરોડના ખર્ચે રાજ્યને અગ્રણી દૂધઉત્પાદક રાજ્ય બનાવશે. ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરવાનું અને તમામ યાંત્રિક કતલખાનાઓ પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપવામાં આવ્યુ છે.
ઉત્તર પ્રદેશમાં છોકરીઓને સ્કૂટી આપવાની ચૂંટણીની રેસ પણ જોવા મળી રહી છે. નવેમ્બર 2021માં કૉંગ્રેસ દ્વારા સૌપ્રથમવાર આની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જો તેઓ સત્તા પર આવશે તો કૉંગ્રેસ વિદ્યાર્થીનીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપશે.
અને હવે બીજેપીએ તેના ઢંઢેરામાં કહ્યું છે કે કૉલેજીયન વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી, 2 કરોડ ટેબલેટ અથવા સ્માર્ટ ફોનનું વિતરણ કરશે.
ભાજપે 'લવજેહાદ' માટે "ઓછામાં ઓછા દસ વર્ષની જેલ અને એક લાખનો દંડ" સુનિશ્ચિત કરવાનું વચન આપ્યુ છે.
સપાના સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે તમામ પાક માટે ટેકાના ભાવે ખરીદી, શેરડીના ખેડૂતોને 15 દિવસમાં ચૂકવણી, 2025 સુધીમાં તમામ ખેડૂતોને દેવામાંથી મુક્તિ, બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને બે થેલી ડીપી ખાતર અને પાંચ બૅગ યુરિયા મફત, ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી, વ્યાજમુક્ત લોન, વીમો અને પેન્શન જેવાં મોટાં વચનોનો સમાવેશ થાય છે.
ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સપા દ્વારા 25 લાખની આર્થિક સહાય અને મૃત્યુ પામેલા ખેડૂતોની યાદમાં સ્મારક બનાવવાનું વચન પણ જાહેરનામામાં આપવામાં આવ્યું છે.
સપાએ વચન આપ્યું છે કે તે તમામ બીપીએલ પરિવારોને દર વર્ષે 2 એલપીજી સિલિન્ડર મફત આપશે. આ સાથે સપાએ ટુ-વ્હીલર ધારકોને દર મહિને એક લિટર મફત પેટ્રોલ, ઑટોચાલકોને દર મહિને ત્રણ લિટર પેટ્રોલ અથવા 6 કિલો સીએનજી આપવાનું પણ વચન આપ્યું છે.
સપાએ સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપવાનું, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનું, સમાજવાદી કૅન્ટીનમાં 10 રૂપિયામાં થાળી આપવાનું વચન આપ્યું છે.
સમાજવાદી પાર્ટી તમામ 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનું વચન આપી રહી છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ચૂંટણીપ્રચારમાં બહુજન સમાજ પાર્ટી ગેરહાજર દેખાય છે છતાં પણ તેનો દાવો છે કે તે રાજ્યમાં આગામી સરકાર બનાવશે!

દિલ્હીનો રસ્તો વાયા ઉત્તર પ્રદેશ થઈને જાય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતના 15 વડા પ્રધાન પૈકી 8 ઉત્તર પ્રદેશમાંથી દેશને મળ્યા છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ યાદીમાં ઉમેરતાં આ સંખ્યા 9 થાય છે, કારણ કે તેઓ વારાણસી બેઠક પરથી ચૂંટાઈને લોકસભામાં ગયા છે.
ભારતની વસ્તીનો સાતમો હિસ્સો આ રાજ્યમાં રહે છે. એકલા ઉત્તર પ્રદેશમાંથી 80 સાંસદો લોકસભામાં જાય છે. એટલે જ કહેવાય છે કે દિલ્હીનો રસ્તો વાયા ઉત્તર પ્રદેશ થઈને જાય છે.
વળી તે હિંદી પ્રદેશનું હૃદય સમાન છે. પાડોશી રાજ્યો બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજકારણને પણ તે અસર રહે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













