કચ્છ : રાજ્યસભામાં કચ્છીને માન્ય ભાષાનો દરજ્જો આપવાની માગ કેમ ઊઠી? કચ્છી 90 હજાર વર્ષ જૂની છે?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

"કચ્છી ભાષા એક એવી ઇન્ડો-આર્યન ભાષા છે જે કચ્છ સિવાય પૂર્વ આફ્રિકાના કેન્યા, કોંગો, દક્ષિણ આફ્રિકાના ઘણા દેશો, ઇંગ્લૅન્ડ, અમેરિકા અને દેશનાં ઘણાં શહેરોમાં જ્યાં કચ્છી લોકો જઈને વસ્યા છે ત્યાં (કચ્છી લોકો દ્વારા) બોલવામાં આવે છે."

"કચ્છ જિલ્લાનો 45,674 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. દેશના નાના રાજ્ય કરતાં મોટો આ વિસ્તાર છે. આ એ કચ્છ છે જ્યાં ધોળાવીરા આવેલું છે. સફેદ રણ જોવા માટે આપણે કચ્છમાં જઈએ છીએ."

કચ્છ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કચ્છ દેશવિદેશના સહેલાણીઓ માટે પણ ગમતું સ્થળ છે.

"કચ્છના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને સંવિધાનની આઠમી સૂચિમાં કચ્છી ભાષાને સમાવવામાં આવે અને આ માગણી કચ્છના લોકોએ વારંવાર મૂકી છે."

રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે આ વાત મૂકી હતી.

બાદમાં સ્પીકર વેંકૈયા નાયડુએ સાંસદ શક્તિસિંહને કચ્છી ભાષામાં બે શબ્દો બોલવા કહ્યું તો સાંસદે જવાબમાં કહ્યુ કે 'કેમ છો' માટે કચ્છી ભાષામાં કહેવાય છે કે 'કિંયા આયો' અને ઉમેર્યું હતું કે કચ્છી ભાષાની સ્ક્રિપ્ટ પણ વિકસી છે.

તો રાજ્યસભામાં માન્ય ભાષાની માગ ઊઠી તે કચ્છી ભાષા કેટલી જૂની છે અને કેટલા લોકો કચ્છી બોલે છે, એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

બીબીસીએ આ અંગે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી અને કચ્છી ભાષા સંબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

line

'તો કચ્છી ભાષા લુપ્ત થઈ જશે'

કચ્છી મહિલા

ઇમેજ સ્રોત, Raquel Maria Carbonell Pagola

ઇમેજ કૅપ્શન, જાણકારો માને છે કે કચ્છી એ અતિપ્રાચીન ભાષા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સાંસદ શક્તિસિંહ ગોહિલ કહે છે, "હું 2014માં કચ્છના અબડાસા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો ત્યારે ત્યાંના ભાષાવિદ્દ શિક્ષક માધવભાઈ જોશીએ મને કચ્છી ભાષાને માન્ય ભાષામાં સ્થાન મળે એ માટે વિધાનસભા કે સંસદમાં માગ મૂકવા કહ્યું હતું."

"મારા ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં લોકસંપર્કમાં મને પણ અહેસાસ થયો કે કચ્છી ભાષાને આઠમી અનુસૂચિમાં નહીં લેવામાં આવે અને આ ભાષાની ખેવના નહીં રાખીએ તો સમૃદ્ધ સાહિત્ય ધરોહર ધરાવતી આ ભાષા લુપ્ત થઈ જશે અને ગુજરાત તેના લાભથી વંચિત રહી જશે."

"એટલે મેં મનથી નક્કી કર્યું હતું કે મોકો મળે એટલે સંસદમાં આ વાત હું મૂકીશ. આના માટે મેં સંસદના ગત સત્રમાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ મોકો નહોતો મળ્યો."

શક્તિસિંહ કહે છે કે તેમને ઘણા કચ્છીમાંડુઓના આભારની લાગણી સાથેના ફોન આવે છે. મારે સંપર્ક નથી એવા લોકોના ફોન આવી રહ્યા છે, કારણ કે આ લોકોના દિલમાં પડેલી વાત હતી.

line

કચ્છીને ભાષા તરીકે માન્યતા મળે તો શું લાભ થાય?

વીડિયો કૅપ્શન, કચ્છની માટીકલાને સાચવી રહેલાં દાદીની કહાણી

શક્તિસિંહ ગોહિલ કહે છે, "બંધારણ આઠમી અનુસૂચિમાં બંધારણીય માન્ય ભાષાઓનો સમાવેશ થાય છે. એ ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર જોગવાઈઓ કરે છે અને તેને ભાષા તરીકે ઉપયોગમાં લેવામાં પ્રાધાન્ય મળે છે. કોઈ પણ ભાષાને આઠમી સૂચિમાં સમાવવા માટે એક કમિટી હોય છે."

ઉદાહરણ આપતાં શક્તિસિંહ કહે છે, "દાખલા તરીકે હું સંસદમાં ગુજરાતી ભાષામાં બોલી શકું છું, કારણ કે આઠમી સૂચિમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થયેલો છે."

"પણ જો આઠમી સૂચિમાં કચ્છી ભાષા ન હોવાથી કચ્છી ભાષામાં હું સંસદમાં બોલી શકતો નથી. એ જ રીતે સરકારના ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટેના બજેટની જોગવાઈ પણ આઠમી સૂચિમાં આવતી ભાષાઓ માટે જ થાય છે."

કચ્છી સાહિત્ય અકાદમીના પૂર્વ પ્રમુખ, કચ્છમિત્રના પૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રી કહે છે, "કચ્છી ભાષાને બંધારણમાં સ્થાન મળે તો જ તે શિક્ષણમાં સ્થાન મેળવી શકે અને તેનો વિકાસ થાય. મારો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર શા માટે પ્રાથમિક ધોરણમાં પસંદગીના વિષય તરીકે કચ્છી ભાષાને સમાવતી નથી?"

રાજ્યસભાના મંચ પર સાંસદ શક્તિસિંહ ગોહિલે કચ્છીના ભાષાનો દરજ્જો આપવાની માગ કરી હતી.

ઇમેજ સ્રોત, Shakti Singh Gohil/Facebook

ઇમેજ કૅપ્શન, રાજ્યસભાના મંચ પર સાંસદ શક્તિસિંહ ગોહિલે કચ્છીના ભાષાનો દરજ્જો આપવાની માગ કરી હતી.

વારંવારના પ્રયત્નો છતા શિક્ષણમંત્રી જિતુ વાઘાણી પ્રતિક્રિયા આપવા માટે ઉપલબ્ધ બન્યા નહોતા.

જ્યારે શિક્ષણ વિભાગના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ ડૉ. વિનોદ રાવે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ભારતમાં હજારો બોલીઓ છે. બોલીઓનો પાઠ્યક્રમ કરવો, તેમના શિક્ષકોની નિમણૂક કરવી તે સંસદનો વિષય છે. નીતિવિષયક નિર્ણય છે. તે અમારા અધિકારક્ષેત્ર હેઠળ આવતું નથી."

નરેશ અંતાણી ગુજરાત ઇતિહાસ પરિષદના પૂર્વપ્રમુખ, કટારલેખક અને કચ્છના ઇતિહાસના સંશોધક છે.

તેઓ કહે છે, "કચ્છી ભાષાને બંધારણની આઠમી સૂચિમાં સમાવવા માટે વ્યક્તિગત અને સંસ્થાગત ધોરણે સરકાર સમક્ષ અનેક રજૂઆતો થઈ છે પરંતુ સંસદમાં આવી માગણી પહેલી વાર ઊઠી છે."

તેઓ કચ્છી ભાષાને માન્યતાના લાભ ગણાવતાં કહે છે, "કચ્છીને સૂચિ આઠમાં સમાવી લેવામાં આવે તો કચ્છી ભાષા રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર પામશે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં કચ્છી ભાષાને સ્થાન મળશે અને એમ થતાં કચ્છી સાહિત્યનો ભારતની અન્ય ભાષામાં અનુવાદ થશે."

તેમના મતે, એ રીતે લોકો કચ્છી સાહિત્યથી પરિચિત થશે. અકાદમીમાં કચ્છી સાહિત્યકારોને સ્થાન મળશે.

કચ્છી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્થાન અપાવવાના પ્રયાસો અંગે વાત કરતા કીર્તિ ખત્રી કહે છે કે, "હું ચાર વર્ષ માટે કચ્છી સાહિત્ય અકાદમીનો પ્રમુખ હતો ત્યારે પણ અમે પ્રયાસ કર્યો હતો."

પરંતુ કીર્તિભાઈના કહેવા પ્રમાણે, "ઘણાં વર્ષોની મહેનતને અંતે કચ્છી સાહિત્ય અકાદમી મળી હતી અને તેઓ તેના એકમાત્ર પ્રમુખ બનીને રહી ગયા."

તેમના જણાવ્યા અનુસાર 'તેમનો કાર્યકાળ પૂરો થયો તે સાથે કચ્છી સાહિત્ય અકાદમીના પ્રમુખની ચૂંટણી જ બંધ થઈ ગઈ. '

line

શું 90 હજાર વર્ષ જૂની છે કચ્છી ભાષા?

કચ્છની મહિલાઓ

ઇમેજ સ્રોત, IndiaPictures

ઇમેજ કૅપ્શન, કચ્છી ભાષાની એ વિશેષતા છે કે તેમાં નપુંસકલિંગ નથી

કીર્તિ ખત્રીના મતે કચ્છી અતિ પ્રાચીન ભાષામાં સ્થાન પામે છે. વેદકાલીન અને પૌરાણિક સાહિત્યમાં અને પાણિનીના વ્યાકરણમાં અષ્ટાધ્યાયીમાં કચ્છનો ઉલ્લેખ છે.

કચ્છી ભાષાની પ્રાચીનતા અંગે વાત કરતા કીર્તિ ખત્રી કહે છે, "કચ્છી ભાષાનિષ્ણાત શિવાજી બારોટે એક આંતરરાષ્ટ્રીય કાર્યશાળામાં કચ્છી ભાષાને 90 હજાર વર્ષ જૂની સિમેટ્રિક એટલે કે અતિ પ્રાચીન ભાષા ગણાવી હતી."

"જેના સમર્થનમાં તેમણે કહ્યું હતું કે કચ્છીમાં સિમેટ્રિક ભાષાનાં ઘણાં લક્ષણો વર્તાય છે. સિમેટ્રિક ભાષાની જેમ જ કચ્છીમાં દીર્ઘ કરતા હૃસ્વ શબ્દો વધારે વપરાય છે. જેમ કે કચ્છીમાં લાઠીના સ્થાને લઠ, હાંકલના સ્થાને હકલ વગેરે."

કચ્છી ભાષાની વિશેષતા ગણાવતા તેઓ કહે છે, "કચ્છીમાં કાવ્ય સાહિત્ય વધુ છે, વાર્તા-નવલકથાઓ ઘણી ઓછી છે. કચ્છી ભાષાની અન્ય એક ખાસિયત એ છે કે તે શ્રૃતિ પરંપરામાં આગળ વધે છે. બોલાય છે વધારે, લખાય છે ઓછી."

line

મામઈદેવથી દાદા મેકરણથી દુલેરાયથી સુધીનું કચ્છી સાહિત્ય

વીડિયો કૅપ્શન, કચ્છના છેવાડાના ગામે રહી આ કલાકાર પોતાની માટીકળાથી કમાય છે લાખો રૂપિયા

કચ્છી ભાષાના સાહિત્યમાં દુલેરાય કારાણીનો મોટો ફાળો છે. તેમણે કચ્છના ઇતિહાસ અને લોકકથાઓને કચ્છી ભાષામાં ઉતારી.

તેમણે કચ્છી શબ્દકોશ આપ્યો. કચ્છી પિરોલી (ઉખાણાં) અને કચ્છી કહેવતો ઉપર પણ દુલેરાયે ઘણું કામ કર્યું છે.

ગત વર્ષના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા નારાયણ જોશીએ એક નવો પ્રયોગ કર્યો હતો. કચ્છમાં બિન-કચ્છી શિક્ષકોને કચ્છી ભાષા શીખવામાં મદદ મળે એ માટે કચ્છી પાઠાવલી તૈયાર કરી હતી.

પ્રતાપરાય ત્રિવેદીએ કચ્છી વ્યાકરણ અને શબ્દકોશ તૈયાર કર્યો. મેકરણ દાદા અને કવિ રાઘવે કચ્છી ભાષામાં આધ્યાત્મ આપ્યું. મામઇદેવ મહેશ્વરી સમાજના ધર્મગુરુ હતા.

કચ્છ

ઇમેજ સ્રોત, Education Images

ઇમેજ કૅપ્શન, કચ્છી ભાષા મોટાભાગના કચ્છ પ્રદેશમાં બોલાય છે તો પણ પૂર્વ કચ્છના વાગડ વિસ્તાર ભચાઉ અને રાપરમાં કચ્છી ભાષા નથી બોલાતી. બન્નીની કચ્છીમાં સિંધીની છાંટ આવે છે.

તેમણે કચ્છી ભાષામાં આગમવાણી લખી છે. નરેશ અંતાણી કહે છે, "મામઇદેવની લગભગ આગાહી સાચી પડતી જાય છે. તેમણે માંડવીની પડતી અને કંડલાની ચડતીની ભાવિ ભાખ્યું હતું. એમ જ થઈ રહ્યું છે."

જટુભાઈ પનિઆએ વાર્તાઓ લખી અને ધનજી ભાનુશાળીએ કચ્છી કાવ્યોમાં ખેડાણ કર્યું છે.

માધવ જોશીએ કછી ભાષામાં સારું ખેડાણ હતું અને કચ્છી ભાષાને માન્યતા મળે એ માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા.

મુંબઈસ્થિત કચ્છી કવિ ડૉ. વીસન નાગડાના કચ્છી કાવ્યસંગ્રહ 'સોખાંજો'ને કચ્છી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો છે. આઝાદી પહેલાંના કાળમાં શાયર મકબૂલે કચ્છી કોયલ નામનો ગઝલસંગ્રહ પણ આપ્યો હતો.

નરેશ અંતાણી કહે છે, "કચ્છી કવિ માસ્તર હમીરાણી આઝાદી બાદ પાકિસ્તાન સ્થાળાંતરિત થયા હતા."

જૈન યતિ કનક કુશલ અને અત્યારે 'આનંદ' ઉપનામથી લખતા નરેશ મુનિએ પણ કચ્છી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.

line

બાર ગાઉએ કચ્છી બદલાય

વીડિયો કૅપ્શન, કચ્છની મહિલાઓ આ પારંપરિક કળાથી બની પગભર

કચ્છી ભાષાની એ વિશેષતા છે કે તેમાં નપુંસક લિંગ નથી. નરેશ અંતાણી કહે છે, "કચ્છી ભાષા પ્રથમ પુરુષ એકવચનમાં હોવા છતાં બોલવા-સાંભળવામાં બહુ મીઠી ભાષા છે."

"બિન-કચ્છીને તે તરત સમજાય જાય એવી ભાષા છે. કચ્છીની એક વિશેષતા એ પણ છે કે બાર ગાઉએ બોલી બદલાય કહેવત પ્રમાણે માંડવીની કચ્છી અલગ છે અને ભૂજની અલગ કચ્છી છે, બન્નીની અલગ કચ્છી છે."

કચ્છી ભાષા મોટા ભાગના કચ્છ પ્રદેશમાં બોલાય છે તો પણ પૂર્વ કચ્છના વાગડ વિસ્તાર ભચાઉ અને રાપરમાં કચ્છી ભાષા નથી બોલાતી. બન્નીની કચ્છીમાં સિંધીની છાંટ આવે છે.

નરેશ અંતાણી કહે છે, "કચ્છીની લિપિ ગુજરાતી જ છે પરંતુ એ પોતે એક આગવી ભાષા છે. તેમાં ઘણા શબ્દો ગુજરાતી અને સંસ્કૃત ભાષાના છે. કહેવાય છે કે કચ્છી ભાષા સિંધીની બહેનપણી છે પરંતુ તે વાસ્તવિકતા નથી."

કીર્તિ ખત્રી કહે છે, "આપણી વસ્તી ગણતરીમાં ભાષા બાબત સ્પષ્ટતા કરવામાં આવતી નથી એટલે સ્પષ્ટ કહી શકાતું નથી, પરંતુ અભ્યાસુઓના કહેવા મુજબ 17 લાખ લોકો કચ્છી ભાષા બોલે છે. પાકિસ્તાન સહિત દુનિયાના અનેક દેશોમાં કચ્છી ભાષા બોલાય છે."

line

કચ્છીની લિપિ ગુજરાતી સિવાય ફારસી પણ છે?

વીડિયો કૅપ્શન, કચ્છનું એ ગામ જ્યાં દીકરીઓનેે સશક્ત કરવા ચાલે છે બાલિકા પંચાયત

ભુજના પ્રાગ મહેલના આર્કાઇવિસ્ટ અને કચ્છના ઇતિહાસના અભ્યાસુ દલપત દાણિધારિયા કચ્છની લિપિ અને તેમના પ્રયાસો અંગે વાત કરતા કહે છે, "લિપિને સેટ કરવા માટે ત્રણેક જેટલા પ્રયાસો થયા છે. એક બહુ જ જૂના જમાનામાં વહોરા વાપરતા તે ખરોષ્ઠિ લિપિ બની હતી."

"ત્યાર બાદ અમદાવાદમાં એક મહિલાએ કચ્છી લિપિ ઢાળવાનો પ્રયાસ કર્યો હતો. ત્રીજી વાર પણ લિપિ ઢાળવાનો પ્રયાસ થયો હતો."

"કચ્છી ભાષાને અક્ષરદેહ આપવા માટે અમદાવાદના બહેને પ્રયાસ કર્યો હતો તેમનું પ્રદર્શન પણ થયું હતું, પુસ્તક પણ બહાર પાડ્યું છે."

"પરંતુ લિપિને વ્યાપક બનાવવાનો પ્રશ્ન વિકટ છે. તેને સર્વસ્વીકૃત કઈ રીતે બનાવવી તે પ્રાણપ્રશ્ન રહ્યો છે એટલે હજુ સુધી અલગ લિપિનું ગોઠવાયું નથી."

રામસિંહભાઈ રાઠોડે 'રામ રાંધ' (રામ લીલા) નામનું પુસ્તક લખ્યું છે તેમાં ઠીકરા ઉપર લખેલી અને મળી આવેલી એક લિપિને અસલ કચ્છી લિપિ ગણાવી હતી.

દલપત દાણિધારિયા કહે છે, "એમની બારખડી પણ એમણે એ પુસ્તકમાં લખી છે."

તેઓ ગુજરાતી લિપિની માન્યતા અંગે કહે છે, "ગુજરાતી ભાષા સાથે કચ્છી બોલનારા સૌથી વધુ સંકળાયેલા હોવાથી અત્યારે કચ્છી લિપિ ગુજરાતીમાં જ લખાય છે. હા, સિંધના અમુક ભાગમાં કચ્છી બોલતા લોકો સિંધી કે ફારસીમાં લિપિ લખતો હોઈ શકે."

line

અસાંજો કચ્છડો બારેમાસ...

વીડિયો કૅપ્શન, BHUJ - 71ના યુદ્ધમાં ગુજરાતની સરહદે દુશ્મનનું પગેરું શોધી કાઢનાર રણછોડ પગીની કહાણી

2011ની વસતીગણતરી અનુસાર ભારતમાં કુલ 19,569 ભાષાઓ કે બોલીઓ ચલણમાં છે. જેમાંથી 1369 ભાષાઓને માતૃભાષાઓનો દરજ્જો મળ્યો હતો.

2004માં ભારત સરકારે સંસ્કૃત અને અન્ય ભાષાને શાસ્ત્રીય ભાષાની શ્રેણીમાં સમાવવા માટે ઍક્સપર્ટ કમિટીની નિમણૂક કરી હતી તેમાં આકરા માપદંડો રાખવામાં આવ્યા હતા.

બીબીસીના એક અહેવાલ પ્રમાણે, તત્કાલીન સૂચના અને પ્રસારણમંત્રી જયપાલ રેડ્ડીએ કહ્યું હતું કે ભાષાઓને સમાવવા માટેના માપદંડો આકરા રાખવામાં આવ્યા છે અને આ શ્રેણીમાં સમાવવા માટે ભાષા 1000 વર્ષથી અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ તેવી શરત રાખવામાં આવી હતી.

કોઈ નાનકડા રાજ્ય કરતાંય મોટો વિસ્તાર ધરાવતા કચ્છની ભાષાને બંધારણીય સ્થાન ન મળે એના દુખને વ્યક્ત કરતા કીર્તિ ખત્રી કહે છે, "કચ્છમાં ભાષા સિવાયના પાણીની તંગી સહિતના અનેક પ્રશ્નો છે અને તેમાં કચ્છી અવાજ ઊઠતો નથી તે એક કમનસીબી છે."

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો