ગુજરાતમાં કોરોના વકરતાં નવાં નિયંત્રણો, શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ?

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધતા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં કોરોના સંક્રમણને લઈને સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજ્યનાં 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવવામાં આવી છે.

સમીક્ષા બાદ કેટલાંક નિયંત્રણોને તારીખ 8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અમલમાં મૂકવાનો નિર્ણય કરાયો છે.

બેઠકમાં નિર્ણય લેવાયો કે રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1થી 9માં વર્ગખંડનું શિક્ષણ એટલે કે ઑફલાઇન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.

રાજ્યમાં કેવાં-કેવાં નિયંત્રણો લાગુ થશે?

- રાજ્યનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તેમજ આણંદ અને નડિયાદમાં દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

- દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ સહિત શૉપિંગ સેન્ટર, ગુજરી, હૅર-કટિંગ સલૂન તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

- હોટલ-રેસ્ટોરાંને બેઠકક્ષમતા 75 ટકા સાથે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

- હોટલ-રેસ્ટોરાંમાં હોમ ડિલિવરી સેવાઓ રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

- લગ્નપ્રસંગે ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ, પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા, એટલે કે મહત્તમ 400 વ્યક્તિઓને મંજૂરી અપાઈ છે.

- તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિ, પરંતુ બંધ સ્થળોએ 50 ટકા ક્ષમતા સાથે વ્યક્તિઓ એકઠા થઈ શકશે.

- અંતિમવિધિ-દફનવિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી.

- સિનેમાહૉલમાં બેઠકક્ષમતા 50 ટકાથી ચાલુ રખાશે.

- રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1થી 9માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઑફલાઇન શિક્ષણ 31-1-2022 સુધી બંધ રહેશે. માત્ર ઑનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો