પેટ્રોલના વધતાં ભાવ વચ્ચે સુરતની આ કંપનીએ દિવાળીની ભેટમાં કર્મચારીઓને ઈ-સ્કૂટર આપ્યાં

સુરતમાં કંપનીએ દિવાળીની ભેટમાં તેમના 35 કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપ્યાં છે.

આ અગાઉ હીરાના કારોબારી સવજી ધોળકિયાએ તેમની કંપનીના કર્મચારીઓને દિવાળીની ભેટમાં ઘર અને મર્સિડિઝ ગાડીઓ આપી હતી.

સમાચાર એજન્સી એએનઆઈને આપેલી માહિતીમાં કંપનીના ડિરેક્ટર સુભાષ દાવરે જણાવ્યું હતું કે, "ઈંધણની વધતી કિંમતો અને અન્ય પરિબળોને ધ્યાને રાખીને અમે અમારા કર્મચારીઓને ઇલેક્ટ્રિક વાહનો ભેટમાં આપવાનો નિર્ણય કર્યો છે."

પાકિસ્તાનમાં પણ મોંઘવારીનો માર : એક કિલો ખાંડના 130 રૂપિયા, પેટ્રોલના ભાવ કેટલા?

પાકિસ્તાનમાં ક્રૂડઑઇલ અને ખાદ્યસામગ્રીના વધી રહેલા ભાવો અંગે હોબાળો થઈ રહ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજના અધ્યક્ષ શાહબાજ શરીફે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પર ટિપ્પણી કરી છે.

શાહબાજ શરીફે કહ્યું કે "દેશમાં ખાંડની અછત સર્જાઈ છે, કારણ કે અહીં માત્ર 15 દિવસ ચાલે એટલો જ ખાંડનો જથ્થો બચ્યો છે."

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર તેમણે કહ્યું, 'વડા પ્રધાન પાસે ભાષણ આપવા સિવાય કોઈ યોગ્ય કામ નથી.'

તેમણે કહ્યું કે ખાંડની કિંમત પાંચ રૂપિયા વધી ગઈ છે. છૂટક બજારમાં ખાંડની કિંમત 130 રૂપિયે કિલો થઈ ગઈ છે.

અહેવાલો પ્રમાણે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં આઠ રૂપિયા અને ત્રણ પૈસાનો વધારો કરાયો એ બાદ હવે 145.82 રૂપિયા પ્રતિલિટરના દરે વેચાઈ રહ્યું છે.

તો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પણ સરકાર પર નિશાન સાધવાનું ચૂકી નથી. પાર્ટીના નેતા સઈદ ગનીએ કહ્યું કે ખાંડની કિંમત સતત વધી રહી છે, જ્યારે પેટ્રોલની કિંમતમાં ટૂંકા ગાળામાં જ ચોથી વાર ભાવવધારો થયો છે.

બુધવારે ઇમરાન ખાને ઘી, લોટ અને દાળ પર 120 અબજ રૂપિયાનું દેશનું સૌથી મોટું સબસિડી પૅકેજ જાહેર કર્યું હતું, જેથી લોકોને મોંઘવારીમાં રાહત મળે.

જોકે વિપક્ષી દળોએ સરકારના આ પગલાની નિંદા કરી છે, તેમણે તેને અપૂરતું બતાવીને સરકારની નિષ્ફળતા ગણાવી છે.

પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ટ્વીટ કર્યું છે કે વડા પ્રધાનનું પૅકેજ 20 કરોડની પ્રજા માટે બહુ નાનું છે.

વાપીમાં પેપરની મિલમાં આગ

ગુજરાતના વાપીમાં મધરાતે એક પેપરની મિલમાં આગ લાગી હતી.

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, વાપીના ફાયર ઑફિસરે એ વખતે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના વાપીમાં એક પેપરમિલમાં લગભગ સાડા ચાર કલાકથી આગ લાગેલી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગભગ 20 ફાયરએન્જિન ઘટનાસ્થળે પહોંચ્યાં છે.

ઑફિસરે એએનઆઈને જણાવ્યું કે, "આગ હજુ કાબૂમાં આવી નથી, કહી શકાય એમ નથી કે તેમાં કેટલો સમય લાગશે."

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, એમ ફાયર વિભાગે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કોઈને ઈજાના અહેવાલ નથી.

સિરામિક ટાઇલ્સના ભાવમાં 10 ટકાનો વધારો

ગૅસના ભાવ વધ્યા બાદ ગુજરાતમાં સિરામિક ટાઇલ્સના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે મોરબીમાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદકોએ વિવિધ પ્રકારની ટાઇલ્સના ભાવમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ભારતના સિરામિક ઉદ્યોગને સપ્લાય કરવામાં આવતા પીએનજીના ભાવમાં થયેલા વધારાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉદ્યોગગૃહો પ્રમાણે કેટલાક ઉત્પાદકો પહેલાં જ વધારો કરી ચૂક્યા છે, જ્યારે અન્ય વધારો કરવાની પ્રક્રિયામાં છે.

મોરબીના ટાઇલ્સ ઉત્પાદકોનું કહેવું છે કે ટાઇલ્સ આ વર્ષે 40-50 ટકા મોંઘી થઈ ગઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો